ચીનની આક્રમક નીતિઓ જોતાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એમ ચાર દેશોએ મળીને ૧૯૯૦માં ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ શરૂ કર્યો હતો, જે ક્વાડની બેઠક ફરી એકવાર માનવતાના કલ્યાણ અને વેક્સિનની પહેલ સાથે વોશિંગ્ટન અમેરિકામાં થઈ. ૧૨મી માર્ચ - ૨૦૨૧એ યોજાયેલ ક્વાડની વર્ચ્યુઅલ બેઠકમાં ચીનને મર્યાદામાં રહેવાની ચેતવણી સાથે ક્વાડને વધારે સક્ષમ બનાવવાનો સંકલ્પ થયો હતો. ચીનના વધતા વિસ્તારવાદ સામે ક્વાડના દેશો અડીખમ બનીને ઊભા છે અને અન્ય નાના દેશોનુંય રક્ષણ કરી રહ્યા છે. હિન્દ મહાસાગરમાં ચીનના પ્રભાવ પર અંકુશ, ચીનની આક્રમક નીતિઓનો જડબાતોડ જવાબ, વ્યાપારિક અને આર્થિક છેતરપિંડી કરતા ચીન પર અટકાયત, મુક્ત અને સ્વતંત્ર ઇન્ડો-પેસિફિક જેવા અનેક મુદ્દે ક્વાડ ચીનની ‘ચાલને અટકાવે છે.
ખંધી રાજનીતિમાં માહિર ચીને કોઈ પણ સંગઠનને કે કોઈ દેશને નિશાન ના બનાવવો જોઈએ અને ભારતે પશ્ર્ચિમી દેશોએ લાલ જાજમરૂપે બિછાવેલી જાળથી બચવું જોઈએ કહેવા છતાં ચીન જ લાલ જાજમરૂપે જાળ બિછાવીને વિશ્ર્વના અનેક દેશોને ફસાવી રહ્યું છે. સાર્વભૌમિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ ક્વાડ હવે ચીન સામેના મોટા રાજદ્વારી મોરચાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગરના ક્ષેત્રને અમેરિકા ‘એશિયા-પેસિફિક કહેવાને બદલે ‘ઇન્ડો-પેસિફિક નામે સંબોધે છે. ક્વાડ સમૂહના શક્તિશાળી દેશોના વડાઓ સામરિક એકતાનું પ્રદર્શન કરતાં ખભેથી ખભા મિલાવીને ઇન્ડો-પેસિફિકમાં સમન્વય મજબૂત કરવા મક્કમ ઇરાદા કરે એટલે ચીનના વિસ્તારવાદને અડચણ થાય જ.
ક્વાડના મહત્ત્વપૂર્ણ માલાબાર નૌસૈનિક યુદ્ધાભ્યાસ, જે પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય આધાર પર હતો, તે હવે ચતુર્ભુજ આકારમાં થઈ રહ્યો છે. ક્વાડના સભ્યો ફ્રાંસ, બ્રિટન, કેનેડા, દ. કોરિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય સમાન વિચારો ધરાવતા દેશો સાથે પરસ્પર અનેક સમીકરણો સાથે યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે, જેથી ચીન દ્વારા નાના નાના દેશો પર થઈ રહેલા દબાણને અટકાવી શકાય.
અમેરિકાએ ભારતની શક્તિ, ક્ષમતા અને જિઓ પોલિટિકલ મહત્ત્વને સ્વીકાર્યું છે. ખાસ કરીને સાઉથ-એશિયા, ઇન્ડો-પેસિફિક રિજિયનમાં ભારત ચીનને ટક્કર આપી શકે તેવા શક્તિશાળી નેતૃત્વ તરીકે વૈશ્ર્વિક સ્વીકૃતિ મેળવી ચૂક્યું છે. પ્રારંભિક ઉદ્બોધનમાં પ્રધાનમંત્રીએ વેક્સિન પહેલથી ભારત-પ્રશાંત દેશોને મદદ આપવા સાથે સંગઠનને ‘ફોર્સ ફોર ગ્લોબલ ગુડ ગણાવી હિન્દ - પ્રશાંત સાથે સાથે સમગ્ર દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ર્ચિત કરવા આશા વ્યક્ત કરી. જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાએ અફઘાનિસ્તાન સહિત તાજેતરમાં ચાલી રહેલી વૈશ્ર્વિક હિલચાલો મામલે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. ઓસ્ટ્રેલિયાના વડા મોરિસને સ્વતંત્ર હિન્દ મહાસાગર માટેની ચારેય દેશોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ક્વાડ દેશોના છાત્રો માટે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઉચ્ચ ડિગ્રી માટે નવી ક્વાડ ફેલોશિપની પહેલનો નિર્ધાર કર્યો, જે આવતીકાલના નેતાઓ, નવસર્જકો, નવ અગ્રદૂતો અને નવા પરિવર્તનકારોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે ભારતનાં ૨૫ વિદ્યાર્થીઓ ક્વાડ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત દર વરસે અમેરિકામાં અભ્યાસ કરવા જશે. બાઈડન ‘વર્ષ ૨૦૨૧ના ખતરાઓથી નિપટવામાં લાગેલા છે. અફઘાનિસ્તાનની કોરી ભૂમિ પર થયેલા આબરૂના ધોવાણથી મિત્રો અને સહયોગીઓમાં શંકા છે. વડાપ્રધાને સંયુક્ત રાષ્ટની સભામાંય અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદના ફેલાવા માટે ન થાય અને ત્યાંની જનતાને મદદરૂપ થવાની તાકીદ વિશ્ર્વનાં દેશોને કરી. યુરોપીય સંઘે પણ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇન્ડો-પેસિફિકમાં ભૂમિકા નિભાવવાનું એલાન કર્યું છે.
ક્વાડ બેઠકમાં ઇન્ડો-પેસિફિક સહિત વૈશ્ર્વિક સુરક્ષા, જળવાયુ કાર્યવાહી, કોવિડ આપૂર્તિ શ્રૃંખલા, અફઘાનિસ્તાન વગેરે માટે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્ર્વિક મહત્ત્વની બાબતો પર ચર્ચા અને કાઉન્ટર ટેરરિઝમ તથા માનવાધિકાર જેવાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ આપવાનું નક્કી થયું. અફઘાનિસ્તાન અને તાલિબાન સરકાર પર દીર્ઘ ચર્ચા અને ભવિષ્યમાં તાલિબાનીઓ બાબતે સટીક નીતિ બનવા પર ભાર મુકાયો. અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદી પ્રવૃત્તિ માટે ઉપયોગ ન કરવા દેવા, અફઘાનિસ્તાન છોડવા ઇચ્છતા લોકોને સેફ પેકેજ આપવા તેમજ અફઘાન નાગરિકો, બાળકો મહિલાઓ અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાનો અનુરોધ થયો. ભારતમાં ચીની એપ્સ પર પ્રતિબંધ છે અને સમગ્ર દુનિયામાં પ્રતિબંધ થાય તેવો મુદ્દોય ભારતે ઉઠાવ્યો. આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં આ મહત્ત્વનું પગલું છે. કોરોના મહામારી વિરુદ્ધ સંગ્રામમા પણ ક્વાડે દૃઢ નિશ્ર્ચય કર્યો છે કે ૨૦૨૨ના અંત સુધીમાં એક અબજ વેક્સિનનું ભારતમાં ઉત્પાદન કરાશે અને એને ઇન્ડો- પેસેફિકના પીડિત દેશોમાં પહોંચાડાશે. અનેક સહયોગી દેશોને ચીને પહોંચાડેલી વેક્સિનથી અસંતોષ જગજાહેર છે.
બાઈડને મહાત્મા ગાંધીના આવનારા જન્મદિવસને યાદ કરી સત્ય, અહિંસા, સન્માન અને સહિષ્ણુતાનો સંદેશ ફેલાવવાનો વિચાર વ્યક્ત કર્યો અને બંને દેશોના સંબંધો હજુ વધારે મજબૂત બને તેવી ઇચ્છા વ્યક્ત કરી તે સરાહનીય છે. વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી જૂની લોકશાહી મળીને સઘળા સંકલ્પો સાર્થક કરી શકે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનવીય અભિગમ દાખવતાં માનવજાતની સુખ-સમૃદ્ધિ માટે સર્વગ્રાહી પ્રયત્નો થાય તો જેટલા વધુ દેશ પરસ્પર સહયોગ કરે તેટલું સંકલ્પની નજીક પહોંચાય.