અંગ્રેજોએ નષ્ટ કરી ભારતની ઉન્નત ચિકિત્સાવ્યવસ્થા ભાગ ૩

    04-Dec-2021
કુલ દૃશ્યો |

indian education_1 &
 
 
ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. વિશ્ર્વનું પ્રથમ વિશ્ર્વવિદ્યાલય તક્ષશિલા ભારતમાં હતું. ઇસા કરતાં લગભગ એક હજાર વર્ષ પહેલાં તેની સ્થાપના થઈ અને ઈસા પછી પાંચમા શતકમાં ણોના આક્રમણને કારણે તે બંધ થયું. ‘આ વિશ્ર્વવિદ્યાલયમાં ‘ચિકિત્સાવિજ્ઞાન’નો વ્યવસ્થિત પાઠ્યક્રમ હતો. આજથી લગભગ ૨૭૦૦ વર્ષ પૂર્વે દુનિયાને શરીરશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર અને ઔષધીવિજ્ઞાનની બાબતમાં આપણે સુવ્યવસ્થિત જ્ઞાન આપી રહ્યા હતા. અર્થાત્ ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓ દૃઢ હતી અને નીચે સુધી પહોંચી હતી. તેના અનેક પુરાવા મળે છે.
 
કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ ગ્રંથમાં, પાળેલાં પશુઓ તથા તેમની સારસંભાળની બાબતમાં માહિતી આપવામાં આવી છે. સમ્રાટ અશોકના કાર્યકાળમાં, અર્થાત્ ઈસાથી ૨૭૩ વર્ષ પહેલાં, વિશાળ પ્રસરેલા ભારતવર્ષમાં ચિકિત્સાકેંદ્રો (હોસ્પિટલ્સ)નું જાળું પથરાએલું હતું. જી હા ! ચિકિત્સાકેંદ્રો હતાં અને મનુષ્યોની સાથે સાથે પશુઓનાં પણ હતાં તેનાં પ્રમાણો(પુરાવા) મળ્યાં છે. વર્તમાનમાં પશુ ચિકિત્સા પરિષદ (Veterinary Council of India)ના જે લોગો અથવા બેઝ (સન્માનચિહ્નો) છે, તેમાં સમ્રાટ અશોકના કાળમાં બળદ અને પથ્થરના શિલાલેખને અપનાવ્યો છે.
 
યોગાનુયોગ જ્યારે તક્ષશિલા વિશ્ર્વવિદ્યાલય બંધ થયું ત્યારે, લગભગ એની આસપાસના જ સમયમાં નાલંદા વિશ્ર્વવિદ્યાલયના શ્રી ગણેશ થયા. તેમાં પણ ચિકિત્સા વિજ્ઞાનનો પાઠ્યક્રમ હતો અને અનેક વિદ્યાર્થીઓ એ પાઠયક્રમ ભણીને, તેમાં પારંગત થઈને પોતપોતાના ગામમાં જઈને ચિકિત્સા કરતા હતા. પરંતુ તે ઉપરાંત પણ આખા ભારતવર્ષમાં ગુરુકુલ વ્યવસ્થા હતી જેમાં પણ ચિકિત્સા વિજ્ઞાન અર્થાત્ આયુર્વેદ ભણાવવામાં આવતો હતો.
 
ચરક સંહિતા એ ચિકિત્સાશાસ્ત્ર પર આધારભૂત મનાતો પ્રાચીન ગ્રંથ છે. તેની રચનાની નિશ્ર્ચિત તિથિની માહિતી નથી પણ તે સાધારણ રીતે ઈસાપૂર્વ સો વર્ષ અને ઈસા પછીનાં બસો વર્ષના સમયગાળામાં લખાયો હોવાનું અનુમાન છે, અર્થાત્ લગભગ બે હજાર વર્ષ જૂનો ગ્રંથ છે.
 
દેશના ખૂણે ખૂણે ચિકિત્સા કરનારા વૈદ્યો માટે આ ગ્રંથ, બાકીના અનેક ગ્રંથો સહિત પ્રમાણ્ભૂત ગ્રંથ હતો. આ ગ્રંથ, વિદ્યાર્થી માટે કેવો હોવો જોઈએ, ચિકિત્સા વિજ્ઞાનનો ઉદ્દેશ્ય શું છે, કયા ગ્રંથોનો સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવો જોઈએ, જેવી ઘણી વાતો સમજાવે છે. આજના ચિકિત્સાશાસ્ત્રના લગભગ બધા જ વિષયો આ ગ્રંથમાં સમાવિષ્ટ છે. વર્તમાન ચિકિત્સાશાસ્ત્રના લગભગ બધા જ વિષયો આ ગ્રંથમાં સમાવી લેવાયા છે. આજનું ચિકિત્સાશાસ્ત્ર જે વિધાઓની વાત કરે છે, તેમાંથી મોટાભાગની વિધાઓની વિગતવાર માહિતી આ પુસ્તકમાં છે. દા.ત. Pathology, Pharmaceutical, Toxicology, Anatomy વગેરે.
 
ઇસ્લામી આક્રાંતાઓ આવ્યા ત્યાં સુધી તો દેશમાં ચિકિત્સા સારી હતી. ઔષધીશાસ્ત્રમાં પણ નવા નવા પ્રયોગ થતા હતા., આયુર્વેદના જૂના ગ્રંથો પર ભાષ્ય લખાતાં હતાં અને નવા સુધારા તેમાં જોડાતા જતા હતા.
 
પરંતુ ઇસ્લામિક આક્રાંતાઓએ આ વ્યવસ્થા પણ છિન્નભિન્ન કરી નાખી. નાલંદાની સાથે સાથે બધાં વિશ્ર્વવિદ્યાલયો અને મોટી મોટી પાઠશાળાઓનો વિનાશ થયો. તેમાં ઉપલ્બ્ધ ગ્રંથસંગ્રહોની રાખ થઈ ગઈ. છતાં પણ આપણે ત્યાંની વાચિક પરંપરાને કારણે ચિકિત્સા વિજ્ઞાનનું આ જ્ઞાન પેઢી દર પેઢી ચાલ્યુ આવ્યુ. આ આક્રમકો પાસે કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા નહોતી એટલે તેમણે પણ આ ક્ષેત્રમાં કશું નવું લાદવાનો પ્રયાસ ન કર્યો.
 
પરંતુ અંગ્રેજોની બાબતમાં એવું નહોતું. સત્તરમી શતાબ્દીથી તેમણે પોતાની એક ચિકિત્સા વ્યવસ્થા નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને એલોપથી કહેવામાં આવે છે. આ એલોપથી સિવાય અન્ય બધી જ ચિકિત્સાપદ્ધતિઓ પછાત છે એવો અંગ્રેજોનો દૃઢ વિશ્ર્વાસ હતો. એટલે તેમણે ભારતના હજારો વર્ષ જૂના આયુર્વેદને ‘અભણ અને ગમારોની ચિકિત્સાપદ્ધતિ’ કહીને ભારતીય સમાજ પર એલોપથી લાદી દીધી.
 
ભારતમાં પશ્ર્ચિમી ચિકિત્સાપદ્ધતિ પર આધારિત પહેલી હોસ્પિટલ અંગ્રેજોએ નહીં પણ પોર્ટુગિઝોએ બનાવી. સન ૧૫૧૨માં ગોવામાં, એશિયાની એલોપથી પર આધારિત પહેલી હોસ્પિટલ શરૂ થઈ. તેનું નામ હતું, ‘Hospital Real do Spiricto Santo’
૧૭૫૭ની પ્લાસીની લડાઈ જીત્યા પછી, એક મોટા ભૂભાગ પર અંગ્રેજી શાસન સ્થાપિત થઈ ગયું. પોતાના વહિવટના પ્રારંભકાળથી જ તેમણે ચિકિત્સાવિજ્ઞાનની ભારતીય પદ્ધતિને હટાવી પાશ્ર્ચાત્ય એલોપથી સ્થાપિત કરી.
 
શરૂઆતમાં તો ભારતીય નાગરિકોએ આ પાશ્ર્ચાત્ય વ્યવસ્થાનો ભારે વિરોધ કર્યો, પરંતુ ૧૮૧૮માં મરાઠાઓને હરાવી દેશનો વહિવટ સંભાળી લેતી વખતે અને તે પછી ૧૮૫૭નાં સ્વાતંત્ર્યસમરની સમાપ્તિ પછી આ પાશ્ચાત્ય ચિકિત્સાપદ્ધતિને જબરજસ્તી લાગુ કરવામાં આવી.
 
અંગ્રેજોનું પહેલું જહાજ ભારતના સુરત શહેરમાં પહોંચ્યું ૧૬૦૮ની ૨૪ ઑગસ્ટે. આ જહાજમાં પહેલાં બ્રિટિશ ડોક્ટરે ભારતભૂમિ પર પગ મૂક્યો. આ ડોક્ટર જહાજના ડોક્ટર તરીકે અધિકૃત રીતે ભારતમાં આવ્યો હતો. તે પછીનાં દોઢસો વર્ષ સુધી જ્યાં જ્યાં અંગ્રેજ વસાહતો હતી ત્યાં ત્યાં, અર્થાત્ સુરત, મુંબઈ (બોમ્બે), મદ્રાસ, કોલકાતા વગેરે સ્થાનો પર અંગ્રેજ ડોક્ટર્સ/નર્સો પહોંચતાં રહ્યાં અને નાની મોટી હોસ્પિટલ્સની રચના થતી ગઈ.
 
આ ચિત્ર બદલાયું સન ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી. જ્યારે બંગાળના એક બહુ મોટા ભૂપ્રદેશની સત્તા અંગ્રેજોના હાથમાં આવી ત્યારે. હવે તેમને માત્ર અંગ્રેજોની જ ચિંતા કરવાની નહોતી. પણ તેમની ભાષામાં ’નેટિવ્સ’લોકોનો પણ તેમાં સમાવેશ હતો. ટૂંકાં સંપૂર્ણ પ્રજાનાં, નાગરિકોનાં સ્વાસ્થ્યની ચિંતા પણ તેમણે કરવાની હતી. બંગાળમાં સૌપ્રથમ સ્વાસ્થ્ય વિભાગની રચના થઈ સન ૧૭૬૪માં તેમાં શરૂઆતથી જ ૪ મુખ્ય શલ્ય ચિકિત્સકો (સર્જન) ૮ સહાયક શલ્યચિકિત્સકો અને ૨૮ સહાયકો હતા. પરંતુ દુર્ભાગ્યે બંગાળમાં ૧૭૬૯થી ૧૭૭૧ના ગાળામાં જે ભયાનક દુકાળ પડ્યો ત્યારે અંગ્રેજોની કોઇ ચિકિત્સા વ્યવસ્થા મેદાનમાં દેખાઈ નહીં. આ દુકાળમાં એક કરોડ કરતાં પણ વધુ લોકો ભૂખથી અને પૂરતી સારવારને અભાવે માર્યા ગયા. ૧૭૭૫માં બંગાળ માટે હોસ્પિટલ બોર્ડની રચના થઈ જે નવી હોસ્પિટલ્સને માન્યતા આપતું હતું.
 
તે પછીનાં દસ વર્ષમાં અર્થાત્ ૧૭૮૫ સુધી અંગ્રેજોની આ સ્વાસ્થ્ય સેવાઓ બંગાળની સાથે સાથે મુંબઈ અને મદ્રાસમાં પણ શરૂ થઈ ગઈ. ત્યાર સુધી કુલ ૨૩૪ સર્જનો અંગ્રેજોનાં ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા. ૧૭૯૬માં હોસ્પિટલ બોર્ડનું નામ બદલીને મેડિકલ બોર્ડ રાખવામાં આવ્યું.
 
સન ૧૮૧૮માં મરાઠાઓને નિર્ણાયક પરાજય આપી અંગ્રેજોએ સાચા અર્થમાં ભારતમાં પોતાની સત્તા સ્થાપિત કરી. હવે સંપૂર્ણ ભારત પર તેમને પોતાની ચિકિત્સા વ્યવસ્થા ફેલાવવાની હતી. એ માટે આવશ્યક પર્યાપ્ત કુશળ ડોક્ટર્સ અને નર્સેસ તેમની પાસે નહોતાં. એક બીજો વિષય પણ હતો. ભારતીય જનમાનસ અંગ્રેજી ડોક્ટર્સ પર વિશ્ર્વાસ મૂકવા તૈયાર નહોતું. તેને સૈકાઓથી ચાલી આવતી સહજ સરળ અને સુલભ વૈદ્યકીય ચિકિત્સાપ્રણાલી પર વધુ વિશ્ર્વાસ હતો. એટલે અંગ્રેજોએ પોતાનું પહેલું લક્ષ્ય નક્કી કર્યું ભારતીય ચિકિત્સાપ્રણાલીને નષ્ટ કરવાનું. તેની વૈધતા માટે અનેક પ્રશ્ર્નો ઊભા કરવા અને સંપૂર્ણ વ્યવસ્થાને જુનવાણી ઠેરવવી.
 
સન ૧૮૫૭ સુધી આટલા મોટા ભારત પર ‘ઇસ્ટ ઇંડિયા કંપની’ એ વ્યાપારી કંપની જ રાજ્ય કરી રહી હતી. ૧૮૫૭ની ભારતીય સૈનિકોની સશસ્ત્ર ક્રાંતિ પછી ૧૮૫૮થી ભારતના પ્રશાસનની લગામ સીધી બ્રિટનની રાણીના હાથમાં આવી ગઈ. હવે ભારત પર બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઑફ લોર્ડસના નિયમો લાગુ થયા.
 
ભારતીય ચિકિત્સા પ્રણાલી એક અત્યંત વિકસિત પદ્ધતિ હતી કે આ બધા પશ્ર્ચિમના ડોક્ટરોને તેઓ કોઈ અંદાજ નહોતો એવી પ્લાસ્ટિક સર્જરી જેવી એક કઠીન ગણાતી શલ્યક્રિયા(સર્જરી) ભારતીયો સેંકડો વર્ષોથી કરતા આવ્યા હતા. અંગ્રેજોએ ભારતમાં આ ચિકિત્સા જોઈ એટલે તેઓ તેને ઇંગ્લેન્ડ લઈ ગયા. ત્યાંથી આ ચિકિત્સાપદ્ધતિ સંપૂર્ણ યુરોપ અને તે પછી અમેરિકામાં પણ પ્રસરી. અંગ્રેજોને આ પ્લાસ્ટિક સર્જરીની માહિતી મળવાનો કિસ્સો બહુ મજેદાર છે.
 
સન ૧૭૫૭માં અંગ્રેજોએ પ્લાસીની લડાઈ જીતી બંગાળ અને ઓરિસ્સાના મોટા ભૂભાગ પર પોતાની સત્તા સ્થાપિત કરી હતી. પરંતુ ભારત જેવા વિશાળ દેશનો આ બહુ નાનો ભાગ હતો. ૧૮૧૮માં અંગ્રેજી શાસન લગભગ સંપૂર્ણ ભારત પર સ્થાપિત થયું. વચ્ચેનાં ૬૧ વર્ષ અંગ્રેજોની કુટિલ રાજનીતિના અને તેમના દ્વારા લડાએલાં યુદ્ધોનો છે. આ ગાળામાં અંગ્રેજો દક્ષિણમાં હૈદર અને ટીપુ સુલતાન સાથે, મરાઠાઓ સાથે અને ઉત્તરમાં મરાઠા સરદારો શિંદે અને હોળકર સાથે લડી રહ્યા હતા.
 
ભારતમાં હૈદર-ટીપુ સાથે થએલી લડાઈઓમાં અંગ્રેજોને બે નવી શોધોની માહિતી મળી.(આ અંગ્રેજોએ જ લખી રાખ્યું છે)
 
૧. યુદ્ધમાં વપરાએલું રોકેટ અને
૨. પ્લાસ્ટિક સર્જરી
 
અંગ્રેજોને પ્લાસ્ટિક સર્જરીની માહિતી મળવાનો ઇતિહાસ ઘણો રોચક છે. સન ૧૭૬૯થી ૧૭૯૯ સુધીનાં ત્રીસ વર્ષ હૈદર અને ટીપુ એ બે પિતાપુત્રનાં અંગ્રેજો સાથે ૪ મોટાં યુદ્ધ થયાં. તે પૈકીનાં એક યુદ્ધમાં અંગ્રેજો તરફથી લડનારો એક ’કાવસજી’ નામનો મરાઠા સૈનિક અને ૪ તેલુગુભાષી લોકો ટીપુની સેનાના હાથમાં ઝડપાઈ ગયા. ટીપુના સૈનિકોએ આ પાંચેય લોકોનાં નાક કાપી તેમને અંગ્રેજો પાસે મોકલી આપ્યા.
 
આ ઘટનાના થોડા સમય પછી એક અંગ્રેજ કમાંડરને એક ભારતીય વ્યાપારીના નાક પર કેટલાંક નિશાનો દેખાયાં. કમાંડરે પૂછપરછ કરી તો તેના ધ્યાનમાં આવ્યું કે તે વ્યાપારીને તેના કોઈ ચારિત્ર્યદોષ માટે નાક કાપી નાખવાની સજા મળી હતી. પરંતુ નાક કાપ્યા પછી તે વ્યાપારીએ કોઇ વૈદ્ય પાસે જઈ પોતાનું નાક ઠીક કરાવી લીધું હતું. અંગ્રેજ કમાંડરને આ વાત સાંભળી ઘણું આશ્ર્ચર્ય થયું. કમાંડરે તે કુંભાર જાતિના વૈદ્યને બોલાવ્યા અને કાવસજી અને તેની સાથેના ચારે લોકોનાં નાક પહેલા જેવાં હતાં તેવાં કરી આપવા કહ્યું,
 
કમાંડરની આજ્ઞાથી પુણે પાસેના એક ગામમાં આ ઑપરેશન થયું. ઑપરેશન વખતે થોમસ ક્રુઝો અને જેમ્સ ફિંડલે નામના બે અંગ્રેજ ડોક્ટરો પણ ત્યાં હાજર હતા. આ મરાઠી વૈદ્યે કરેલા ઓપરેશનના વિસ્તૃત સમાચાર ’મદ્રાસ ગેઝેટ’ને પ્રકાશન માટે મોકલાયા. તે પ્રકાશિત પણ થયા. વિષયની નવીનતા અને રોચકતા જોઈ, આ સમાચાર ઇંગ્લેન્ડ પણ પહોંચ્યા. લંડનથી પ્રકાશિત ‘જેન્ટલમૅન’ પત્રિકાએ આ સમાચાર ઑગસ્ટ ૧૭૯૪ના અંકમાં ફરી પ્રકાશિત કર્યા. સમાચારની સાથે સાથે ઑપરેશનના કેટલાક ફોટો પણ આપવામાં આવ્યા હતા.
 
‘જેન્ટલમેન’માં પ્રકાશિત ‘સ્ટોરી’માંથી પ્રેરણા લઈ ઇંગ્લેન્ડના જે.સી. કોર્પ નામના સર્જને આ જ પદ્ધતિથી બે ઑપરેશન કર્યાં. બંને સફળ થયાં. અને પછી અંગ્રેજોને અને પશ્ર્ચિમની ‘વિકસિત’ સંસ્કૃતિને પ્લાસ્ટિક સર્જરીની માહિતી મળી. પ્રથમ મહાયુદ્ધમાં આ જ પદ્ધતિથી મોટા પ્રમાણમાં ઑપરેશન્સ થયાં અને સફળ પણ રહ્યાં.
 
વાસ્તવમાં તો પ્લાસ્ટિક સર્જરી સાથેનો પશ્ર્ચિમનો પરિચય આના કરતાં પણ જૂનો છે અને તે પણ ભારતની પ્રેરણાથી જ થયો છે. ‘એડમિન સ્મિથ પાપિરસે’ પશ્ર્ચિમના લોકો માટે પ્લાસ્ટિક સર્જરી બાબતે સૌથી પહેલાં લખ્યું તેમ મનાય છે, પરંતુ રોમન ગ્રંથોમાં આ પ્રકારનાં ઑપરેશન્સનો ઉલ્લેખ એક હજાર વર્ષ પૂર્વેથી મળે છે. અર્થાત્ ભારતમાં આ ઑપરેશન્સ આનાથી પોણાત્રણ હજાર વર્ષ પહેલાં થયાં હતાં. ‘સુશ્રુત નામના શસ્ત્ર-વૈદ્યે (આયુર્વેદિક સર્જન) આની પૂરી માહિતી આપી છે. નાકના આ ઑપરેશનની સંપૂર્ણ વિધિ સુશ્રુતલિખિત ગ્રંથમાં મળે છે.
 
કોઈ વિશેષ વૃક્ષનું એક પાંદડું લઈ તેને દર્દીનાં નાક પર મુકાય છે. તે પાંદડું નાકના આકારનું કપાય છે અને તે જ માપે ગાલ, માથું અથવા હાથ/પગ વગેરે પરથી જ્યાંથી સહજતાથી મળે ત્યાંથી ચામડી કઢાય છે. તે ચામડી પર વિશેષ પ્રકારની દવાઓનું લેપન થાય છે અને જ્યાં લગાવવી હોય ત્યાં બાંધી દેવામાં આવે છે. જ્યાં ચામડી લગાવવી છે ત્યાં અને જ્યાંથી કાઢી છે ત્યાં ખાસ દવાઓનું લેપન કરાય છે અને સાધારણત: ત્રણ સપ્તાહ પછી બંને અંગો પર નવી ચામડી આવે છે અને આમ ચામડીનું પ્રત્યારોપણ સફળ થઈ જાય છે. આ જ પદ્ધતિથી તે અજાણ્યા વૈદ્યે ‘કાવસજી’નું સફળ ઑપરેશન કર્યું હતું. નાક, કાન અને હોઠોને વ્યવસ્થિત કરવાનું તંત્ર ભારતમાં બહુ પ્રાચીન કાળથી ચાલતું આવ્યું છે. વીસમી સદીના મધ્યભાગ સુધી વિંધાએલા કાનમાં વજનદાર દાગીના પહેરવાની પદ્ધતિ હતી. વજનને કારણે વીંધેલી જગ્યા ફાટતી હતી. તેને ઠીક કરવા માટે ગાલની ચામડી કાઢીને ત્યાં લગાવવામાં આવતી હતી. ઓગણીસમી સદીના અંત સુધી આવાં ઑપરેશન્સ ભારતમાં થતાં હતાં. હિમાચલ પ્રદેશનો ‘કાંગડા’ જિલ્લો તો આવાં ઑપરેશન્સ માટે બહુ પ્રખ્યાત હતો. કાંગડા શબ્દ જ કાન+ગઢા ઉચ્ચારણમાંથી તૈયાર થયો છે. ડો. એસ. પી. અલમસ્તે આ ‘કાંગડા મોડલ’ પર ઘણું બધું લખ્યું છે. તેઓ કાનડાના ‘દીનાનાથ કાનગઢિયા’ નામના નાક-કાનનાં ઑપરેશન્સ કરનારા વૈદ્યને પોતે પ્રત્યક્ષ જઈને મળ્યા. આ વૈદ્યનો અનુભવ ડો. અલમસ્તજીએ લખી રાખ્યો છે. સન ૧૪૦૪ સુધીની પેઢીની માહિતી ધરાવતા આ કાનગઢિયા નાક અને કાનની પ્લાસ્ટિક સર્જરીના કુશળ વૈદ્ય મનાય છે. બ્રિટિશ શોધક સર એલેકઝાંડર કનિંઘમે (૧૮૧૪-૧૮૯૩) કાંગડાની આ પ્લાસ્ટિક સર્જરી પર વિસ્તારપૂર્વક લખ્યું છે. અકબરના કાર્યકાળમાં ‘બિધા’ નામનો વૈદ્ય કાંગડામાં આવાં ઑપરેશન્સ કરતો હતો. એમ ફારસી ઇતિહાસકારોએ લખી રાખ્યું છે.
 
‘સુશ્રુત’ના મૃત્યુના લગભગ અગિયારસો (૧૧૦૦) વર્ષ પછી સુશ્રુતસંહિતા’ અને ‘ચરકસંહિતા’નો અરબી ભાષામાં અનુવાદ થયો. આ કાલખંડ આઠમી સદીનો છે. ‘કિતાબ-ઈ-સુસરુદ’ નામથી સુશ્રુત સંહિતા મધ્યપૂર્વમાં ભણાવાતી હતી. આગળ જતાં જે રીતે ભારતની ગણિત અને ખગોળશાસ્ત્ર જેવી વિજ્ઞાનની અન્ય શાખાઓ અરબી (ફારસી)ના માધ્યમથી યુરોપ પહોંચી એ જ રીતે ‘કિતબ-ઈ-સુસરુદ’ના માધ્યમથી સુશ્રુત સંહિતા યુરોપ પહોંચી ગઈ. ચૌદમી-પંદરમી શતાબ્દીમાં આ ઑપરેશનની માહિતી અરબ-પર્શિયા (ઈરાન)-ઇજિપ્ત થઈને ઇટલી પહોંચી. આ જ માહિતીને આધારે ઇટલીના ‘સિસિલી આયલેન્ડના બ્રાંકા પરિવાર’ અને ‘ગાસ્પરે ટાગ્લિયા-કોસી’એ કર્ણબંધ અને નાકનાં ઑપરેશન્સ શરૂ કર્યાં, પરંતુ ચર્ચના ભારે વિરોધને કારણે તેમને એ ઑપરેશન્સ બંધ કરવાં પડ્યાં અને તેથી જ ઓગણીસમી સદી સુધી યુરોપના લોકોને પ્લાસ્ટિક સર્જરીની માહિતી નહોતી.
 
ઋગ્વેદનું ‘આત્રેય (ઐતરેય) ઉપનિષદ’ અતિ પ્રાચીન ઉપનિષદોમાંથી એક છે. આ ઉપનિષદમાં (૧-૧-૪) ‘માતાના ઉદરમાં બાળક કેવી રીતે તૈયાર થાય છે તેનું વિવરણ છે. તેમાં કહેવાયું છે કે ગર્ભાવસ્થામાં સર્વપ્રથમ બાળકના મુખનો કેટલોક ભાગ તૈયાર થાય છે અને પછી નાક, આંખ, કાન, હૃદય,(દિલ)વગેરે અંગ વિકસિત થાય છે. આજના આધુનિક વિજ્ઞાનનો આશરો લઈ સોનોગ્રાફીના માધ્યમથી જો આપણે જોઈએ તો ધ્યાનમાં આવે છે કે આ જ ક્રમમાં અને આ જ અવસ્થામાં બાળક વિકસિત થાય છે.
 
ભાગવતમાં લખ્યું છે, (૨-૧૦૨૨ અને ૩-૨૬-૫૫)ની મનુષ્યમાં દિશા ઓળખવાની ક્ષમતા કાનને કારણ થાય છે. સન ૧૯૩૫માં ડોક્ટર રોંસ તથા ટેંટે એક પ્રયોગ કર્યો. આ પ્રયોગથી એ સાબિત થયું કે મનુષ્યના કાનમાં જે વેસ્ટીબ્યુલર (vestibular apparatus) થાય છે. તેનાથી જ મનુષ્ય માટે દિશા ઓળખવી સંભવ થાય છે.
 
હવે આ જ્ઞાન હજારો વર્ષ પહેલાં આપણા પૂર્વજોને કેવી રીતે મળ્યું હશે ?
 
ટૂંકમાં પ્લાસ્ટિક સર્જરીનું ભારતમાં અઢીથી ત્રણ હજાર વર્ષ પહેલાંથી અસ્તિત્વ હતું. તેના પાકા પુરાવા પણ મળે છે. શરીરવિજ્ઞાનનું જ્ઞાન અને શરીરનો ઉપચાર એ આપણા ભારતની સૈકાઓથી વિશેષતા રહી છે. પરંતુ પશ્ર્ચિમના દેશોમાં જે શોધો થઈ તે જ આધુનિકતા છે અને આપણું પ્રાચીન જ્ઞાન એટલે પછાતપણું છે એવી ખોટી ધારણાઓને કારણે આપણે આપણા સમૃદ્ધ વારસાને નકારતા રહ્યા અને તેનો જ લાભ લઈને અંગ્રેજોએ અત્યંત સમૃદ્ધ એવી ભારતીય ચિકિત્સા પદ્ધતિને બદનામ અને નષ્ટ કરવાના પૂરા પ્રયત્નો કર્યા.
 
***
 
લેખક - પ્રશાંત પોળ
ભાવાનુવાદ - શ્રીકાંત કાટદરે
 
 
(ક્રમશ:)