કોરોનાની ત્રીજી લહેર : આપણી સાવચેતી અને યોગ્ય નિર્ણયો જ બુસ્ટર ડોઝ !

    04-Dec-2021   
કુલ દૃશ્યો |

booster dose in india_1&n
 
 
ભારતમાં ૧૦૦ કરોડ લોકોના વેક્સિનેશનનું અભૂતપૂર્વ કાર્ય થયું, કોરોના સંક્રમિતોની નહીંવત્ સંખ્યા જોતાં, ઈમ્યુનિટી ડેવલપ કરવામાં આપણે સફળ રહ્યા છીએ, પરંતુ દુનિયાના ઘણા બધા દેશોમાં સંક્રમણ મોટાપાયે વધી રહ્યું છે અને WHOના વિશેષજ્ઞો સહિત નિષ્ણાતો બુસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી રહ્યા છે. દરમિયાન સાઉથ આફ્રિકાના ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાની ઊંઘ હરામ કરી છે.
 
વૈજ્ઞાનિકો દ્વારા બુસ્ટર ડોઝને લીલી ઝંડી મળતાં દુનિયાના ૩૬ જેટલા દેશોમાં ડોઝ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. યુકેમાં મોટા પાયે સંક્રમણ શરૂ થતાં રોજના ૪૫ હજાર કેસો સામે આવી રહ્યા છે. તેમણે બુસ્ટર ડોઝ પણ શરૂ કરી દીધો છે. ઇઝરાયલ એવો પહેલો દેશ છે જેણે NRNA વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ વૃદ્ધો માટે ઉપલબ્ધ કરાવી ૪૦ લાખ લોકોને આપી દીધો છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે બુસ્ટર ડોઝ ઉપલબ્ધ થઈ ગયા છે. બ્રિટને ૯૩ લાખ યુવાનોને ડોઝ આપી દીધો. ન્યૂઝિલેન્ડે Pfizer વેક્સિન બુસ્ટડર ડોઝ રૂપ્ો ૧૮ વર્ષથી ઉપરનાને આપવા માંડ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયા, કોલોરાડો અને ન્યૂ મેક્સિકો જેવાં ત્રણ રાજ્યોમાં તમામ વયસ્કો માટે બુસ્ટર ડોઝની અનુમતિ અપાઈ ગઈ છે. જ્યારે ચીનમાં બેજિંગ અને આસપાસનાં ક્ષેત્રોમાં ઓલિમ્પિકના કારણે ગત ઓક્ટોબરમાં જ બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરી દેવાયું છે.
 
ભારતમાં હજુ બુસ્ટર ડોઝ માટે કોઈ નીતિ બની નથી, કદાચ ડિસેમ્બરના અંત સુધીમાં બની જશે. એમ્સના વડા
ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ‘દેશમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને વેક્સિનેશનનું પ્રમાણ ખૂબ સારું. તેના કારણે કોરોના કાબૂમાં છે અને ત્રીજી લહેર આવે તેવી શક્યતા નથી. તેથી હાલમાં વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાની જરૂર નથી.’ ઓક્ટોબર મહિનાનો ‘ધ લેન્સેટ ઈન્ફેક્શ્યલ ડિસીઝિસ જર્નલ’નો રીપોર્ટ પણ એ જ મત આપે છે. કો-વેક્સિન રિસર્ચર ડો. સંજય રાય અને મહામારી વિશેષજ્ઞ ડો. ચંદ્રકાન્ત લહારિયા મુજબ, ‘માત્ર ઓછી ઈમ્યુનિટીવાળા જરૂરિયાતમંદ લોકો માટે જ બુસ્ટર ડોઝની વિચારણા કરી શકાય.’
 
કોરોના સંક્રમણ બાબતે ભારતની સ્થિતિ સારી, કેસો પ્રમાણમાં ખૂબ ઓછા અને ત્રીજી લહેર આવવાની શક્યતા નહીંવત્ એ સારા સમાચાર, પરંતુ સાવચેતી અત્યંત જરૂરી. ઝડપથી બીજો ડોઝ પૂર્ણ કરી બુસ્ટર ડોઝની સંપૂર્ણ તૈયારી રાખવી જ રહી. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના અભ્યાસ મુજબ બંને ડોઝ લીધેલા લોકોને પણ ડેલ્ટા વેરિએન્ટનો ચેપ લાગી શકે છે. તેમાં ય ઓમિક્રોનનું સંક્રમણ ડેલ્ટા કરતાં ઘણું વધારે ઝડપથી ફેલાતું હોવાના સમાચારે વિશ્ર્વને જાણે ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિમાં મૂક્યું છે. હાલમાં સમગ્ર દેશમાં રોજના ૧૪ હજાર આસપાસ કેસો આવી રહ્યાં છે. દેશમાં ૮૧ ટકા લોકોને પહેલો ડોઝ અને ૪૩ ટકાને બંને ડોઝ અપાયા છે. બીજા ડોઝની ગતિ હજુ વધે તે અત્યંત જરૂરી. દેશમાં ૧૮ કરોડ લોકોએ વેક્સિનનો એક ડોઝ હજુ લીધો નથી, તેમના માટેના ૩૬ કરોડ ડોઝની વ્યવસ્થા ય ઝડપથી કરવી રહી.
 
નેતૃત્વ કરનારાઓએ સર્વે કરીને એ આંકડો તપાસવો જોઈએ કે શરૂઆતમાં એટલે કે માર્ચમાં જે લોકોનું વેક્સિનેશન થયું હતું તેમનામાં કેટલા એન્ટિબોડિઝ હતા અને અત્યારે કેટલા છે? જો એમાં ક્રમશ: ઘટાડો થઈ રહ્યો હોય તો બુસ્ટર ડોઝ આપવો જ પડશે. ઉપરાંત બાળકો તથા યુવાનો પર વિશેષ ધ્યાન જરૂરી. બાળકો માટે વેક્સિનની અનુમતિ તો મળી ગઈ છે, પરંતુ એની સ્પષ્ટ નીતિ નથી આવી. વેક્સિન ક્યારથી, કેવી રીતે અપાશે ? શાળાઓમાં કે હોસ્પિટલોમાં? વગેરે બાબતે ઝડપથી સ્ષ્ટતા કરવી રહી.
 
દુનિયામાં હાલમાં ૨૪ વેક્સિનો ઉપલબ્ધ છે અને ૩૦૦થી વધારે વેક્સિન તૈયાર થઈ રહી છે. ફાર્મા માર્કેંટ તજ્જ્ઞો મુજબ આટલી મોટી માત્રામાં વિવિધ કંપનીઓની વેક્સિન આવતાં તેમને ખરીદનારાઓની પણ જરૂર પડશે. માટે જ બુસ્ટર ડોઝનો એક માહોલ ઊભો કરાયો છે, તેવી પણ દહેશત છે. પણ મત મત હોય છે અને હકીકત હકીકત. લહેર દરિયાની હોય કે રોગની, આવે છે ત્યારે બધું તણાઈ જાય છે. માટે બુસ્ટર ડોઝનો નિર્ણય સાવચેતી અને સમજદારીપૂર્વક જ કરવો રહ્યો. ઓમિક્રોનના ઝડપથી વધતા કેસો, મૃત્યુના આંકડા તથા અનેક દેશોનાં મુસાફરી માટેનાં નવા સૂચનો પણ બુસ્ટર ડોઝ નક્કી કરવામાં મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડશે.
 
વેક્સિનેશનથી લોકોમાં આશાવાદ અને આત્મવિશ્ર્વાસ જાગે છે કે સંક્રમણ થશે તો પણ સ્થિતિ બગડશે તો નહીં જ. દેશે જે રીતે ૧૦૦ કરોડના વેક્સિનેશનનો રેકોર્ડ કર્યો તે જ રીતે સરકાર અને સમાજ બંને તરફથી સમજદારી અને જવાબદારીભર્યા નિર્ણય લઈને, વર્તન કરીને કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકાય. આપણી સાવચેતી અને યોગ્ય નિર્ણયો જ ‘બુસ્ટર ડોઝ’.