પાથેય | ઈશ્ર્વરની પરીક્ષા | ભગવાન લીલા । બસ વિશ્વાસ હોવો જોઇએ

    04-Dec-2021
કુલ દૃશ્યો |

pathey god_1  H
 
 
કોઈ એક નગરમાં સંત પધાર્યા. રાત્રે નગરજનો સત્સંગ માટે સંત પાસે એકત્રિત થયા. મહાત્માએ સત્સંગમાં કહ્યું કે ભગવાન સૌના રક્ષક છે. તે જ સૌનું પોષણ કરે છે. આ સાંભળી સત્સંગમાં સામેલ એક શ્રોતાના મનમાં સવાલ થયો. ભગવાન તે વળી સૌને કેવી રીતે ખવડાવવાના, શું તે કોઈના મોંમાં જબરજસ્તીથી કોળિયા ઠૂંસી દેવાના હતા ? મહાત્માના કથનની સત્યતાનાં પારખાં કરવા તે વનમાં ચાલ્યો ગયો અને એક ઝાડ પર ચડી બેસી ગયો અને કહ્યું, ભગવાન તું સાચો હોય તો મને બળજબરીથી ખવડાવી બતાવ. થોડા સમયમાં ત્યાંથી એક જાન પસાર થતી હતી. જાનૈયાઓએ એ વિશાળ વૃક્ષની નીચે બેસી જમવાનું નક્કી કર્યું. તેઓ પ્રથમ કોળિયો મોંમાં મૂકે તે પહેલાં જ અચાનક સિંહની ત્રાડ સંભળાતાં તેઓ ભોજન મૂકી ભાગ્યા. પેલો માણસ ઉપરથી જ ભોજન જોતો રહ્યો. તેની પ્રતિજ્ઞા હતી કે કોઈ બળજબરીથી તેને ખવડાવે તો જ ખાવું. રાત પડી. કેટલાક ચોર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. વૃક્ષ નીચે જેમને તેમ પડેલું ભોજન જોઈ ખુશ થયા અને ખાવા જાય છે ત્યાં તો એક ચોરે કહ્યું, ઊભા રહો. આ વેરાન જંગલમાં આટલું સ્વાદિષ્ટ ભોજન કોણ છોડી જવાનું ?
 
બની શકે કે કોઈએ આપણી હત્યાનું કાવત્રું કર્યું હોય. ચોરે મશાલ સળગાવી આજુબાજુ જોયું. અચાનક એકની નજર ઉપર બેઠેલા પેલા વ્યક્તિ પર પડી. ચોરોને લાગ્યું આણે જ આપણી હત્યાનું કાવત્રું કર્યું લાગે છે. થરથર ધ્રૂજતાં પેલી વ્યક્તિએ બધી વાત તો કરી, પરંતુ ચોર તેના પર વિશ્ર્વાસ કરવા તૈયાર ન થયા અને કહ્યું. જો એમ જ હોય તો પહેલાં તું ખા પછી અમે ખાઈશું. ચોરોએ કોળિયા ભરી પેલા વ્યક્તિના મોઢામાં ઠૂંસવા માંડ્યા. પેલો વ્યક્તિ માની ગયો કે ભગવાન જો ઇચ્છે તો માનવીને બળજબરીથી પણ ખવડાવી શકે છે. તેને સંતના ઉપદેશનાં પારખાં થઈ ગયાં અને તે ભક્તિમાં લીન થઈ ગયો અને તે મલૂકદાસ નામે પ્રસિદ્ધ થયો. તેણે પદ લખ્યું કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલૂકા કહ ગયે, સબ કે દાતા રામ.