ડ્રગ્સનું દૂષણ દેશને ખોખલો કરવાનું નાપાક ષડયંત્ર

    07-Dec-2021   
કુલ દૃશ્યો |

drug racket and gujarat_1 
 
 
 
ડ્રગ્સનું દૂષણ દેશને ખોખલો કરવાનું નાપાક ષડયંત્ર 
 
છેલ્લા થોડા સમયમાં ડ્રગ્સનું દૂષણ સમગ્ર દેશમાં ખૂબ વધ્યું છે. ખાસ કરીને હમણાં હમણાં ગુજરાતમાંથી પણ અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન દ્વારા પહેલાં પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદ કરવાનું ષડયંત્ર થયું અને હવે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યો ડ્રગ્સ માફિયાઓની નજરે ચઢ્યાં છે. ડ્રગ્સ માફિયાઓના આ કાળા કારોબાર પાછળના મનસૂબા પૈસા કમાવા ઉપરાંત પણ અનેક છે. આ દૂષણ દેશમાં કેટલી હદે ફેલાયેલું છે અને તેમાંથી ઊગરવા માટે સમાજ તથા સરકાર સાથે મળીને શું પગલાં ભરી શકે તેના વિશે આ મુખપૃષ્ઠ વાર્તામાં છણાવટ કરવામાં આવી છે...
 
 
એક સમય હતો જ્યારે ભારતના દુશ્મન દેશો ભારતનાં પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોના યુવાધનને બરબાદ કરવા માટે ત્યાં મોટા પાયે ડ્રગ્સ ઘુસાડી આખેઆખી યુવાપેઢીને બરબાદ કરવામાં લાગેલા હતા. પંજાબ જેવાં રાજ્યોમાં તો ડ્રગનો નશો એ ચૂંટણી મુદ્દો પણ બને છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દુશ્મનોની નજર ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં સમૃદ્ધ રાજ્યો પર પડી હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના મુંદ્રામાંથી કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડાયા બાદ પવિત્ર નગરી દ્વારિકામાં પણ ૬૬ કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજિત ૩૫૦ કરોડ જેટલી થાય છે. માત્ર સપ્ટેમ્બર મહિનાની જ વાત કરીએ તો ૧૬ સપ્ટેમ્બરે મુંદ્રામાંથી ૩૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. તો ૨૩ સપ્ટેમ્બરે પોરબંદરના દરિયામાંથી ૧૫૦ કરોડનું, ૨૪ સપ્ટેમ્બરે સુરતમાંથી ૧૯૬૨ લાખ અને ૨૭ સપ્ટેમ્બરે બનાસકાંઠામાંથી ૨૬ કરોડનું પકડાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ તરફ ગુજરાતથી અને પેલી તરફ પાકિસ્તાનથી કોઈ બોટમાં ૧૦૦ નોટિકલ માઇલ્સ જેટલું અંતર કાપવાથી દરિયાઈ સીમા આવી જાય છે અને આ દરિયાઈ સીમાની આસપાસ ભારતીય કોસ્ટગાર્ડથી બચાવી બંને દેશોની બોટ માછીમારો માટે મુકાયેલી હોય છે. આવી બોટો રાતના સમયે એકબીજા સાથે મળીને અમુક કિલોના કન્સાઇનમેન્ટ ખૂબ જ સહેલાઇથી ટ્રાન્સફર કરી લેતી હોય છે. ભારતીય સીમા તરફના માછીમારને તો માત્ર તે કન્સાઇન્મેન્ટ થોડા દિવસો સુધી સંભાળીને જ રાખવાનું હોય છે અને પહેલાંથી જ નક્કી કરેલી એક વ્યક્તિ તેમની પાસેથી આ કન્સાઇન્મેન્ટ લઈ જતી હોય છે. આ મોડસ ઓપરેન્ડી લગભગ દરેક કન્સાઇન્મેન્ટમાં અનુસરવામાં આવે છે. અફઘાનિસ્તાન, ઈરાન કે પાકિસ્તાનથી આવતા આ કન્સાઇન્મેન્ટમાં ગુજરાત થકી ભારતીય જળસીમા જ એક સૌથી નજીક હોવાથી ગુજરાત પર આ લોકોની નજર પડી છે. પરંતુ ગુજરાત પોલીસ બહુ જ બહાદુરીપૂર્વક આ ડ્રગ્સ માફિયાઓના એક પછી એક કન્સાઇનમેન્ટ પકડીને તેમને જડબાતોડ જવાબ આપી રહી છે.
 
ગુજરાત પોલીસનો ડ્રગ્સના કારોબાર પર સકંજો
 
જે રીતે ગુજરાતમાં સમુદ્રકિનારાઓથી માંડી અમદાવાદ, બનાસકાંઠા અને સુરત જેવાં શહેરોમાંથી એક પછી એક ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે, તે જોતાં લાગી રહ્યું છે કે, ડ્રગ્સ માફિયાઓની નજર પંજાબ બાદ હવે સમૃદ્ધ રાજ્ય ગુજરાત પર પડી ચૂકી છે. ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી માટે થતો રહ્યો છે, જેને નાથવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસે સતર્કતા વધારી દીધી છે. પરિણામે અનેક કન્સાઇન્મેન્ટ પોલીસના હાથે ચડ્યા છે. આ નેટવર્કને નાથવા માટે ગુજરાત એટીએસ કેટલી ગંભીર છે તે વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, ગુજરાત એટીએસ દ્વારા વર્ષ ૨૦૧૬ બાદ ૧૯૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અને વર્ષ ૨૦૨૧માં જ ૯૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પડાયું છે. એટીએસના અધિકારી દ્વારા આપેલી માહિતી મુજબ આ સમયગાળા દરમિયાન ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા ૭૦થી પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ એ વાત પણ સ્વીકારે છે કે પાકિસ્તાની દાણચોરો દ્વારા ડ્રગ્સ ઘુસાડવામાં ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ થઈ રહ્યો છે અને છેલ્લાં ચાર વર્ષમાં આવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ડ્રગ્સ ઘુસાડવામાં આવા તમામ પ્રયાસો ગુજરાત ATSની સતર્કતાને કારણે નિષ્ફળ નીવડ્યા છે. અને ૨૦૧૬થી અત્યાર સુધી અલગ અલગ ડ્રગ્સ જેવા કે હેરોઈન, મેન્ડ્રેક્સ, મેથામ્ફેટામાઇન (એમડીડ્રગ્સ) ચરસ અને બ્રાઉન સુગર જપ્ત કરવામાં આવ્યાં છે. આ તમામ ડ્રગ્સનું વજન અંદાજે ૨૨૪૨ કિલો થાય છે અને આંતરરાષ્ટ્રીય માર્કેંટમાં તેની કિંમત ૧૯૨૩ કરોડ રૂપિયા જેટલી થાય છે.
 
ગુજરાત એટીએસના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) હિમાંશુ શુક્લા જણાવે છે કે, પાકિસ્તાનના ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા સ્મગલિંગ માટે ટ્રાન્ઝિટ રૂટ તરીકે ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ તેમના તમામ પ્રયાસો રાજ્ય પોલીસ અને કોસ્ટગાર્ડ તેમજ ડીઆરઆઈ જેવી સેન્ટ્રલ એજન્સી દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી.નો દરિયાકિનારો છે, છતાં તમામ એજન્સીઓ દ્વારા સમન્વય સાધી ડ્રગ્સની હેરફેરને ઘણે અંશે કાબૂમાં રાખી છે.
ગુજરાતના DGP શ્રી આશિષ ભાટિયાએ થોડા દિવસો પહેલાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સના જથ્થાને અફઘાનિસ્તાનથી યુરોપ કે અન્ય દેશો સુધી પહોંચાડવા માટે થાય છે અને આ કામમાં ઘણા ડ્રગ્સ પેડલર્સ રોકાયેલા છે. આ અગાઉ એક જાણીતી ન્યૂઝ વેબસાઈટે ડ્રગ અંગેના પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અફીણની ખેતીમાં જુલાઈ, ૨૦૨૧ સુધી આઠ ટકાનો વધારો નોંધાયો છે. જેની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠા પર પડી રહી છે. વેબસાઈટે જણાવ્યું હતું કે, ‘આ નેટવર્કમાં મુખ્યત્વે માછીમારોનો સમાવેશ થાય છે અને એ એવા માછીમારો છે કે જે વિદેશી વહાણોમાં કામ કરી પાછા આવ્યા હોય. ડ્રગ પેડલર આવાં વહાણોમાં કામ કરનારા આવા લોકોનો જ સંપર્ક કરે છે અને તેમના થકી દરિયાકાંઠાનાં ગામોમાં લોકોને શોધવામાં આવે છે. જે ડિલિવરી લઈ શકે અને ડ્રગ્સના જથ્થાને એકાદ બે દિવસ સુધી સાચવી શકે. આ સાચવેલું ડ્રગનું કન્સાઇન્મેટ પછી મુખ્યત્વે દિલ્હી, પંજાબ તરફથી આવેલા લોકો લઈ જતા હોય છે. તો કેટલીક વખત તામિલનાડુ અને શ્રીલંકાથી એ કન્સાઇનમેન્ટ બીજા દેશોમાં મોકલવામાં આવે છે.’
 
 
ગુજરાત સરકાર લાવી નાર્કો રિવોર્ડ પોલિસી
 
 
ગુજરાત રાજ્ય ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે ખૂબ જ સજાગપણે કામ કરી રહ્યું છે. માદક, કેફી, નશાકારક પદાર્થો પર લગામ લગાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોઈ વ્યક્તિ નશાનું સેવન કરતો હોય કે પછી વેચાણ કરતો હોય તો તેની બાતમી આપનારા વ્યક્તિને ઇનામ આપવામાં આવશે. એટીએસની સૂચના બાદ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નવી પોલિસી લાવવામાં આવી છે જેમાં જપ્ત કરેલા મુદ્દામાલના ૨૦ ટકા સુધીનો રિવોર્ડ આપવામાં આવશે. સરકારી કર્મીઓ માટે ૨ લાખથી વધુનો રિવોર્ડ આપવામાં નહીં આવે. આ અંગે ગુજરાત રાજ્યના માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ‘રાજ્યમાં નશાના વેપલાને નાબૂદ કરવા માટે બાતમીદારોને આકર્ષક રિવોર્ડ અપાશે. એટલું જ નહીં બાતમીદારોની તમામ માહિતીઓ પણ ગુપ્ત રાખવામાં આવશે.’
 
ઉપરાંત ગૃહપ્રધાનશ્રીએ યુવાનોને પણ ડ્રગ્સથી દૂર રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, ‘હું યંગસ્ટર્સને હાથ જોડીને અપીલ કરવા માગું છું કે, તેઓ ડ્રગ્સ ફ્રી થઈ જાય અને રાષ્ટ્રસેવામાં લાગી જાય. ડ્રગ્સ યંગસ્ટર્સના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. આવા દૂષણને ડામવા રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. આ દૂષણને ડામવા યંગસ્ટર્સ પણ એની માહિતી પોલીસ સુધી પહોંચાડે ત્યારે જ આપણે આપણા યૌવનને સાકાર કરી શકીશું.’ ગુહરાજ્યમંત્રીશ્રીએ ડ્રગ્સ પકડવા બાબતે ગુજરાત પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે, ‘DGP અને તેમની ટીમનો આભાર માનું છું. હું ગૃહરાજ્યમંત્રી બન્યો ત્યારથી ૫૫ દિવસમાં જ ૫૭૫૬ કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું જેની કિંમત હજારો કરોડમાં આંકી શકાય છે. મેં વિધાનસભામાં ક્લિયર કહ્યું હતું કે ડ્રગ્સ વેચાવા જાય તેની પહેલાં જ પોલીસ પકડી લે તો તે પોલીસની સારી કામગીરી જ ગણવામાં આવે. જે પોલીસ જવાનોએ દ્વારકામાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તેમને સુપરહીરો ગણું છું, કારણ કે દેશના ઇતિહાસમાં પહેલી વખત કોઈ જિલ્લાની પોલીસે આટલી મોટી ડ્રગ્સની ખેપ ઝડપી પાડી હોય તેવો આ પહેલો બનાવ છે. નવી સરકાર બન્યાથી અત્યાર સુધીમાં ૫૮ જેટલા ડ્રગ્સ કેસને ઉકેલી ૯૦ આરોપીને પોલીસે જેલ હવાલે કર્યા છે. ડ્રગ્સ એ કોઈ પોલિટિકલ વિષય નથી. ડ્રગ્સ વિશે કોઈ પણ માહિતી હોય તો તે પોલીસને ડર વિના આપી શકે છે. પોલીસ કાર્યવાહી કરવા તત્પર છે. રાજસ્થાનમાંથી ડ્રગ્સ પેડલરને ગુજરાતમાં લાવી રહ્યા છે તેથી દૂષણ ફેલાવનારા રાજ્ય પોલીસની નજરમાં હોવાની વાત કરી અન્ય રાજ્યોને કડક સદેશો પણ આપ્યો છે.
 
 
કેફી દ્રવ્યોનું નેટવર્ક છિન્નભિન્ન કરવું જ રહ્યું
 
 
ઉલ્લેખનીય છે કે ઝીંઝુડાની ઘટના પછી ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાએ પત્રકારો સમક્ષ ડ્રગ્સકાંડમાં પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતના કનેક્શન સહિતની સિલસિલાબદ્ધ વિગતો જાહેર કરી હતી. દુબઈમાં કાવતરું ઘડાયા પછી તેને કઈ રીતે, કોની મદદથી, ક્યારે અંજામ અપાયો એ વિગતો પણ સામે આવી ગઈ છે. એટીએસ, પોલીસ કે તટરક્ષક દળની સારી કામગીરીની નોંધ લેવી જોઈએ. તથા સરકારે પણ કડક હાથે કામ લીધું છે તેની પણ સરાહના કરવી જોઈએ પરંતુ સાથે એ પણ ધ્યાને લેવું જરૂરી છે કે છાશવારે પકડાતા ડ્રગ્સને લીધે સાગરકાંઠાની સુરક્ષાનાં છીંડાં ઉજાગર થઈ રહ્યાં છે. સમુદ્ર મારફત ડ્રગ્સની હેરાફેરી દુનિયા આખી માટે મોટી સમસ્યા હોવા છતાં એને ડામવા માટે નાર્કો ટેરરિઝમ અને ચાંચિયાઓ માટે આંતરરાષ્ટ્રીય કાયદા ઘડવા પડશે. ગુજરાતના સાગરકાંઠે પકડાઈ રહેલાં કેફી દ્રવ્યોએ દેશ આખાનું ધ્યાન ખેંચ્યું છે. એટલે જ અપેક્ષા એવી છે કે, કેન્દ્રીય ગૃહ ખાતું આ બાબતને તાકીદે હાથ ઉપર લઈને કાયમી ઉપાય કરે. લખનૌ ખાતે દેશના વિવિધ રાજ્યોના પોલીસવડાઓની કોન્ફરન્સમાં ગુજરાત તરફથી રજૂ થયેલા પ્રેઝન્ટેશનની નોંધ લેવાઈ છે અને ટૂંક સમયમાં પોલીસ તથા અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમ કચ્છ-સૌરાષ્ટ્રના સાગરકાંઠાની મુલાકાત લેશે એવું નક્કી થયું છે. મૂળ તો આ સાગર ક્ષેત્રના ૪૦ જેટલાં નાનાં મોટાં બંદરો અને ટાપુઓ પર સઘન કોમ્બિંગ કરીને અસામાજિક તત્ત્વોના અડ્ડા હોય તો તે નેસ્તનાબૂદ કરવાની આવશ્યકતા છે. ગુજરાત - સરકારે કોસ્ટગાર્ડનો જાપ્તો વધારવાનું નક્કી કર્યું છે, જે જરૂરી છે. પરંતુ ૧૬૦૦ કિલોમીટરના વિશાળ સમુદ્રી ક્ષેત્ર માટે દળોથી લઈને સાધન સરંજામ મોટી માત્રામાં હોવાં જોઈએ.
 
તાજેતરની ઘટનાઓમાં સુરક્ષા એજન્સીઓએ કેટલીક ધરપકડ કરી છે. આ રીતે ડ્રગ્સની હેરાફેરીને થોડા સમય પૂરતી બ્રેક મારી શકાય, પરંતુ તેના મૂળ વ્યવસ્થાતંત્ર સુધી પહોંચીને નેસ્તનાબૂદ નહીં કરાય ત્યાં સુધી સમયાતરે સત્તા કારોબાર ચાલવાનો જ. એટીએસ કે પોલીસે સ્થાનિક મદદગારોનેય ખુલ્લા પાડવા જોઈએ. આખરે કાંઠાળ સીમાએ ચકલુંય ન ફરકી શકે એવી પહેરાબંધી કચ્છ કે ગુજરાત જ નહીં, સમગ્ર દેશની સુરક્ષા માટે સંવેદનશીલ બાબત છે. આ બાબતે ટૂંક સમયમાં યોગ્ય પગલાં જરૂરી છે.
 
  
ડ્રગ્સ બાબતે દેશની સ્થિતિની છણાવટ
 
 
ડ્રગ્સ બાબતે ગુજરાતની સ્થિતિ, સરકાર અને અન્ય લોકોની સરાહનીય કામગીરી આપણે જોઈ. હવે સમગ્ર દેશની સ્થિતિ અને ડ્રગ્સ માફિયાઓની મોડસ ઓપરેન્ડીની છણાવટ કરીએ અને રાષ્ટ્રીય કક્ષાએ ચાલતા ડ્રગ્સના કારોબારના કાળા-ધંધાને જાણીએ.
 
ભારતમાં ડ્રગ્સના દૂષણની વાત કરીએ તો સૌ પ્રથમ પંજાબ યાદ આવે. ઘણાં વર્ષો પહેલાંથી પાકિસ્તાન દ્વારા પંજાબ - હરિયાણામાં ડ્રગ્સ ઘુસાડવાની શરૂઆત થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણામાંથી સૌથી વધુ યુવાનો ભારતીય સૈન્યમાં ભરતી થાય છે. આથી પાકિસ્તાન દ્વારા એક મોટા ષડયંત્રના ભાગરૂપે એ વિસ્તારના યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી અને ભારતીય સેનામાં ભરતી થતા રોકવાની શરૂઆત થઈ ગઈ હતી. અને ઘણે ખરે અંશે તેઓએ પોતાનું ષડયંત્ર ઘણા વર્ષો સુધી ચલાવ્યું હતું. આને કારણે પંજાબનું નામ ‘ઊડતા પંજાબ’ તરીકે કુખ્યાત પણ થયું હતું. પરંતુ આ કાવતરાની ખબર પડતાં સમાજ અને સરકારે યોગ્ય પગલાં લઈ તેને ઘણે ખરે અંશે ડામવાનો પ્રયત્ન કર્યો છે.
 
પરંતુ હવે ડ્રગ્સ માફિયાઓની નજર પંજાબ જ નહીં પરંતુ સમગ્ર ભારત પર પડી છે. અને તેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વિશેષ છે. ડ્રગ્સ ઘૂસાડવામાં માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ અફઘાનિસ્તાન અને મ્યાંમાર પણ સામેલ છે. ભારત ભૌગોલિક રીતે ગોલ્ડન ક્રેસેન્ટ અને ગોલ્ડન ટ્રાએન્ગલ નામે ઓળખાતા વિસ્તારના દેશો સાથે જમીન અને દરિયાઈ માર્ગથી જોડાયેલું છે. ગોલ્ડન ક્રેસેન્ટ એટલે ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આ ત્રણેય દેશો અફીણની ગેરકાયદે ખેતી અને હેરોઇનના ઉત્પાદનનાં મોટાં થાણાં છે. અફઘાનિસ્તાનનું તો અર્થતંત્ર જ અફીણની ખેતી અને તેના ગેરકાયદે કારોબાર ઉપર આધારિત છે. ગોલ્ડન ટ્રાએન્ગલ એટલે કે મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ. તેમાં મ્યાનમાર સાથે ભારતની ૧૬૪૩ કિ.મી. લાંબી સરહદ છે. મ્યાનમારમાંથી નોર્થ ઈસ્ટના અરુણાચલ પ્રદેશ, મણિપુર અને મિઝોરમમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને ત્યાંથી તેનો આખા ભારતમાં સપ્લાય કરવામાં આવે છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સરહદે આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા માટે જે ચાલાક રસ્તાઓ નક્કી કરેલા છે એ જ માર્ગોનો ઉપયોગ હવે નશીલા દ્રવ્યો મોકલવા માટે થવા લાગ્યો છે. પંજાબમાં પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે કેન્દ્રની મદદ લઈને પાક સાથેની સરહદો સિલ કરી દીધી હતી, કારણ કે પંજાબની યુવા પેઢી તો નશામાં અસ્તિત્વનો ઘોર સંઘર્ષ લડી રહી છે, એટલે પાકિસ્તાને કાશ્મીર સરહદ કે જ્યાં વધુમાં વધુ છીંડાં છેલ્લાં પાંચ વરસમાં પાકિસ્તાની જાસૂસોએ ડેવલપ કર્યા છે એનો ઉપયોગ હવે કરોડો રૂપિયાના માદક પદાર્થોના વહન-પરિવહન માટે થવા લાગ્યો છે. હવે તો ડ્રગ્સની હેરાફેરી આસાન છે કારણ કે અફઘાનિસ્તાન તાલીબાનોના હાથમાં આવી ગયું છે. શ્રીલંકામાં જેમ અત્યારે બે વિરોધી સત્તાધીશો સત્તામાં છે, એ જ રીતે અફઘાનિસ્તાનમાં પણ બે વિરોધી તાલીબાની લીડરો સત્તામાં છે. મ્યાનમારમાં પણ અત્યાર સુધી સૈન્ય અને સૂચિ બન્ને સત્તામાં હતા. ગૃહ, નાણાં અને સંરક્ષણ ખાતાઓ સૈન્ય પાસે હતા અને બાકીના વિભાગો સૂચિ પોતાની પાસે રાખતી. એવી વિરોધી સત્તા વચ્ચે જ મ્યાનમારમાં ડ્રગ માફિયાઓનું નવું ઉપવન વિકસી ગયું છે. અફઘાનિસ્તાનમાં હવે તો બધા જ તાલીબાનોના પ્રભુત્વ ધરાવતાં ક્ષેત્રો છે. ત્યાં અફીણની ખેતી ફરી શરૂ થઈ ગઈ છે. દુ:ખદ યોગાનુયોગ એ છે કે એ પ્રદેશો કે જ્યાં અમેરિકાના કાર્પેટ બોમ્બમારાની ઓછી અસરો થઈ હતી એટલે અફીણ એ જમીનમાં પુરબહાર ફસલરૂપે ઊગવા લાગ્યું છે. કાશ્મીર સરહદેથી આવતા માદક દ્રવ્યો પંજાબ ઉપરાંત પૂર્વ ભારતનાં રાજ્યોમાં, પછી નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી પહોંચે છે. નશીલાં દ્રવ્યોનો આ આખો કારોબાર અફઘાન- પાકની સરહદે હોશમાં રહીને ખૂંખાર વેપારીઓ કરી રહ્યા છે જેઓ મ્યાનમાર - ભારત - પાક- અફઘાન ચારેય દેશોના મોસ્ટ વોન્ટેડ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માદક દ્રવ્યોના ટ્રાન્સ્પોર્ટેંશન માટે પેલા વેપારીઓ પાસેથી ઓફિસિયલ લાખો રૂપિયા લે છે જે વરસે કરોડો થવા જાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓનો એક કોમન નાણાંપ્રવાહ માદક પદાર્થોમાંથી આવે છે. ભારતની અનિચ્છાએ પણ ભારત એ અંધારી આલમ જેવી વ્યવસ્થાની એક કડી છે, કારણ કે દેશદ્રોહીઓ એ આતંકવાદીઓ માટે ભારતમાં ઓન ડ્યુટી છે. કેન્દ્ર સરકાર માટે આ સાંકળને તોડવી એક પડકાર છે. અફીણ, ચરસ, હેરોઈન એમ અનેક પ્રકારના પદાર્થોની ઉક્ત ચારેય દેશોની સરહદે બોલબાલા છે.
 
 
બાળકોમાં પણ ડ્રગ્સનું સેવન વધી રહ્યું છે તે ચિંતાજનક
 
 
ભારતમાં અત્યાર સુધી પાકિસ્તાનથી આવતા નશીલા પદાર્થો માટે પંજાબ પ્રવેશદ્વાર સમાન ગણાતું હતું. પાકિસ્તાની એજન્ટો આપણી સરહદમાં નાના નાના પેકિંગમાં ડ્રગ્સનો જથ્થો ફેંકી જતા અને અહીંના એજન્ટો એ મેળવી લેતા. પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ફેંકવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જોકે, પંજાબની સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બન્યા બાદ ત્યાંથી ડ્રગ્સની દાણચોરી કરવાનું મુશ્કેલ બન્યું છે. એ સંજોગોમાં હવે દરિયાઈ માર્ગે માલ પહોંચાડવાનું શરૂ કરાયું છે. તે સંદર્ભે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારનો ફરી એક વખત ડ્રગ્સની દાણચોરી માટે ઉપયોગ શરૂ થયો છે. આ અગાઉ જુલાઈ મહિનામાં પોરબંદરમાંથી ૧૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો ત્યારે જ ડ્રગ્સ ટ્રાફિકિંગ માટે સૌરાષ્ટ્રનો દરિયો ટ્રાન્ઝિટ રૂટ બની રહ્યો હોવાનાં એંધાણ પ્રાપ્ત થવા લાગ્યાં હતાં. ત્યાર બાદ મુંદ્રા બંદરે અદાણી પોર્ટ ટ્રસ્ટમાં ઇરાનના અબ્બાસ પોર્ટ ખાતેથી આવેલા કન્ટેનરમાંથી ૨૧ હજાર કરોડની કિંમતનું ત્રણ હજાર કિલો હેરોઇન ઝડપાયું ત્યારે ખળભળાટ મચી ગયો હતો. આ જથ્થો અફઘાનિસ્તાનના કંદહારની એક કંપનીએ મોકલ્યો હતો અને અબરખના પથ્થરો વચ્ચે તે સંતાડેલો હતો. જાણકારો કહે છે કે આ રીતે અબરખ, જિપ્સમ કે એ પ્રકારની સામગ્રીવાળા કાયદેસરના કન્ટેનરમાં છુપાવેલું ડ્રગ્સ પકડવું ખૂબ મુશ્કેલ છે. ભારતમાં ડ્રગ્સનું દૂષણ ખૂબ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને સાથે જ ગેરકાયદે નશીલા પદાર્થોનો કારોબાર પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે.
 
ગુજરાતમાં હમણાં ચાર વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો તે પહેલાં દિલ્હી પોલીસે પણ ફરીદાબાદમાંથી ૨૫૦૦ કરોડની કિંમતનું ૩૬૪ કિલો હેરોઇન ઝડપી લીધું હતું. આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં જ ૩૦૪૦ કિલોગ્રામ હેરોઇન, ૩.૫૨ લાખ કિલોગ્રામ ગાંજો અને હેરોઇન અને મિથાકેમેલોન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એસિટીક એન્ડ્રાઈહાઇડનો ૨૫૦ કિલો જથ્થો ઝડપાયો છે. આ આંકડા ભારતમાં નશીલા પદાર્થોનો ઉપયોગ કઈ હદે વધ્યો છે તેની આછેરી ઝલક આપે છે. હવે આપણે કેટલાક સત્તાવાર આંકડા જોઈએ. આંકડા કહે છે કે શરાબ અને અન્ય નશીલા પદાર્થોનું વ્યસન દેશમાં ચિંતાજનક હદે વધ્યું છે. ખાસ કરીને ૧૦થી ૧૭ વર્ષ વચ્ચેના બાળકોમાં શરાબ અને ડ્રગ્સના સેવનનું વધતું જતું પ્રમાણ ખતરાની ઘંટડી સમાન બની રહેવું જોઈએ. ભારત સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે ૨૦૧૯માં જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યાનુસાર ભારતની ૧૪ ટકા વસતી એટલે કે ૧૬ કરોડ લોકો દારૂના વ્યસની બની ચૂક્યા છે. તેમાંથી ૩૦ ટકા લોકો દેશી દારૂ અને ૩૦ ટકા લોકો સ્પિરિટમાંથી બનતા કન્ટ્રીમેડ દારૂનું સેવન કરે છે. આ આંકડામાં ક્યારેક શોખ ખાતર કે મોજ માટે ઘૂંટડા મારી લેતા લોકોનો સમાવેશ નથી થતો. ભારતમાં ૬ કરોડ લોકો નશીલા પદાર્થના સેવનને કારણે થતી ગંભીર પ્રકારની શારીરિક અને માનસિક બીમારીનો ભોગ બન્યા છે. દારૂ પીવાના સૌથી વધારે પ્રમાણવાળાં રાજ્યોમાં છત્તીસગઢમાં વસતીના ૩૫.૬ ટકા, ત્રિપુરામાં ૩૪.૭ ટકા, પંજાબમાં ૨૮.૫ ટકા અને અરુણાચલ પ્રદેશ તેમ જ ગોવામાં વસ્તીના ૨૮ ટકા લોકો શરાબના વ્યસની બની ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં ૪.૨ કરોડ, પશ્ર્ચિમ બંગાળમાં ૧.૪ કરોડ અને મધ્ય પ્રદેશમાં ૧.૨ કરોડ લોકો દારૂડિયા થઈ ગયા છે. પંજાબ, ત્રિપુરા અને છત્તીસગઢના ૫૦ ટકા કરતાં વધારે પુરુષો શરાબનું નિયમિતપણે સેવન કરે છે. અરુણાચલ પ્રદેશની ૧૫.૩ ટકા અને છત્તીસગઢની ૧૩.૭ ટકા મહિલાઓ પણ દારૂના વ્યસનમાં સપડાઈ ચૂકી છે. દેશના ૩.૫ કરોડ લોકો શરાબ સિવાયના નશીલા દ્રવ્યોના ગુલામ થઈ ચૂક્યા છે. તેમાં મોટો હિસ્સો ભાંગ, ગાંજો, ચરસ, અફીણ અને હેરોઇનનો છે. ૧.૧૮ કરોડ લોકો ઘેનની દવાઓથી નશો કરે છે. ૨.૫ કરોડ લોકો ભાંગ અને ૧.૩ કરોડ લોકો ચરસ અને ગાંજાનો ઉપયોગ કરે છે.
 
૨.૨૨ કરોડ લોકો અફીણ તેમ જ પાઉડરના સ્વરૂપમાં અશુદ્ધ હેરોઇન બ્રાઉન પાઉડરનું સેવન કરે છે. આ નશીલાં દ્રવ્યોનું સૌથી વધારે પ્રમાણ ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ગુજરાત અને નોર્થ-ઇસ્ટનાં રાજ્યોનું છે. ઉત્તરપ્રદેશના ૧ લાખ લોકો, પંજાબના ૮૮ હજાર અને દિલ્હીના ૮૬ હજાર લોકો સહિત દેશમાં કુલ ૮ લાખ લોકો ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લે છે. તેમાંથી ૨૭ ટકા લોકો અન્ય લોકો સાથે સિરિન્જ શેર કરે છે, જેને કારણે એચઆઈવીનો ચેપ લાગવાનું જોખમ રહે છે. ૧૮થી ૭૪ વર્ષની ઉંમરના ૨.૯૨ કરોડ લોકો ભાંગ, ૧.૯૦ કરોડ લોકો અફીણ, ૧૦ લાખ લોકો કોકેન અને ૪૦ લાખ લોકો ઉત્તેજના પેદા કરતા એમ્ફેટેમીન પદાર્થનો ઉપયોગ કરે છે.
 
 
આ આંકડાઓ ડરામણા છે
 
 
હવે ૧૦થી ૧૭ વર્ષની ઉંમરના બાળકો / કિશોરોની વાત કરીએ. એ વયજૂથના ૩૦ લાખ બાળકો / કિશોરો દારૂ પીવે છે. પંજાબમાં ૬ ટકા, પશ્ર્ચિમ બંગાળમાં ૩.૯ ટકા અને મહારાષ્ટ્રમાં ૩.૮ ટકા કિશોરો શરાબનું સેવન કરે છે. ૪૦ લાખ કિશોરો અફીણ અને ૨૦ લાખ બાળકો ભાંગના વ્યસની છે. ૫૦ લાખ કિશોરો સિગારેટ દ્વારા અથવા સૂંઘીને હેરોઈનનો નશો કરે છે જ્યારે બે લાખ બાળકો કોકેન અને ચાર લાખ બાળકો એમફેટેમીન પદાર્થોનો છૂટથી ઉપયોગ કરતા થઈ ગયા છે. કુલ ૧.૪૮ કરોડ કિશોરો નશીલા દ્રવ્યોના આદિ થઈ ગયા છે. બાળકોમાં આવા વ્યસનનું સૌથી વધારે પ્રમાણ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, પશ્ર્ચિમ બંગાળ અને હરિયાણામાં છે. ઉત્તરપ્રદેશમાં ૯૧ હજાર, મધ્યપ્રદેશમાં ૪૦ હજાર, દિલ્હીમાં ૩૮ હજાર, હરિયાણામાં ૩૫ હજાર અને એ સિવાયનાં રાજ્યોમાં બીજા ૨.૧ લાખ કિશોરો પાઉડર સૂંઘીને નશો કરે છે. આ આંકડા ખૂબ ડરામણા છે. આપણા દેશના યુવાધનને આમાંથી બહાર લાવવા જ રહ્યા.
 
 
ફિલ્મ, સ્પોર્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રે ડ્રગ્સનું દૂષણ
 
 
ડ્રગ્સની દાણચોરીની વાત આપણે કરી સાથે સાથે ડ્રગ્સનું સેવન કરનારાઓ અંગેય થોડી છણાવટ કરવી જરૂરી છે. ડ્રગ્સનું આ દૂષણ સામાન્ય સમાજ સુધી હવે વધુ ફેલાયું છે, પરંતુ સેલિબ્રિટીઓમાં ઘણા સમયથી આ દૂષણ છે જ. ઘણા કિસ્સાઓમાં એવું સામે આવ્યું છે કે ફિલ્મોમાં ઇમોશનલ અભિનય કરવા માટે ય કલાકારો ડ્રગ્સ લેતાં ઝડપાયા છે. કોઈ સ્પેશિયલ એપિયરન્સ માટે કસાયેલું શરીર બતાવવા પણ કલાકારો ડ્રગ્સ લેતા ઝડપાયા છે. માત્ર ફિલ્મ કલાકારોની જ વાત નથી. દોડ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી જેવી વિવિધ રમતોના રમતવીરો પણ ડ્રોપ ટેસ્ટમાં સ્ટેરોઇડ અથવા અન્ય ડ્રગ્સનું સેવન કરતાં પકડાયા છે. અર્થાત્ રમતનાં ક્ષેત્રે પણ ડ્રગ્સનું દૂષણ વ્યાપી ચૂક્યું છે. એમાં બાકી હતું તે હવે કુસ્તીબાજોનું નામ પણ આ મુદ્દે ખૂલ્યું છે.
તાજેતરમાં ન્યૂઝ - ૧૮ દ્વારા થયેલાં ઓપરેશન દંગલ નામના એક સ્ટીંગ ઓપરેશનમાં હરિયાણા આસપાસના કેટલાક પહેલવાનો પણ ડ્રગ્સ લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રીપોર્ટ મુજબ રેસલિંગના આ ક્ષેત્રે પણ હવે ડ્રગ્સની ઊધઈ લાગી છે. હરિયાણામાં કેટલાંક લાઇસન્સ વિનાનાં અખાડાઓ ચાલે છે. જ્યાં અખાડિયનોને રીતસર ડ્રગ્સ આપીને તૈયાર કરવામાં આવે છે. ડ્રગ્સને કારણે કુસ્તીબાજોની શક્તિ ટેમ્પરરી વધે છે. શરીર ફુલાય છે, પણ સામે તેમનામાં હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ ઘર કરી જાય છે. આવા ડ્રગ્સનાં સેવનથી કુસ્તીબાજો ભયંકર ગુસ્સાવાળા બને છે અને અસામાજિક તત્ત્વો સાથે જોડાઈ જાય છે અથવા મોટા તોફાનો અથવા ક્રાઇમના રસ્તે વળી જાય છે. આથી જ ત્યાંની સરકારે લાયસન્સ વિનાના અખાડાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
 
માત્ર જેલની સજા કરવાથી આ દૂષણ દૂર નહીં થાય, વાલીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે
 
આગળના મુદ્દામાં જોયું તેમ ડ્રગ્સનું દૂષણ ફિલ્મથી માંડીને સ્પોર્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયું છે. અન્ય સેલિબ્રિટિઓમાં પણ આ દૂષણે બહુ મોટો પગપેસારો કર્યો છે. થોડા સમય પહેલાં જ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાયો પછી એના માટે નફરત અને સહાનુભૂતિ બંને પ્રકારના પ્રતિભાવો જોવા મળતા હતા. સેલિબ્રિટીઓમાં ડ્રગ્સનું દૂષણ અને એ લોકો દ્વારા દુરુપયોગ એક જુદો વિષય છે. હાલ, આપણે સામાન્ય યુવાનોની વાત કરીએ તો આ બધા વચ્ચે એક વર્ગ કહે છે આ બધા હજુ ટિનેજર્સ છે, અપરિપક્વ છે. તેમને દુનિયાદારીની સમજ નથી. આ બધા કોઈ હાર્ડકોર ક્રિમિનલ્સ નથી. ગેરમાર્ગે દોરવાયેલા છે. ડ્રગ્સનું સેવન કર્યું હોય તોપણ તેમની સાથે સહાનુભૂતિભર્યો અભિગમ દાખવવો જોઈએ. તેમને સજા કરવાને બદલે સુધરવાની તક આપવી જોઈએ. જેની આખી જિંદગી બાકી છે એવા અઢાર-વીસ વર્ષના યુવાનો ડ્રગ્સના બંધાણી બની ગયા હોય ત્યારે એ બધા સજાને પાત્ર નહીં પણ દયાને પાત્ર છે. તેઓ પોતાની અને પોતાના પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે એ સમજણ પણ તેમનામાં નથી. આ બાળકો વ્યસનનાં ગંભીર પરિણામોથી વાકેફ નથી. ત્યારે સજા કરવાને બદલે તે યોગ્ય માર્ગ ઉપર પરત ફરે તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
 
આ લાગણીને સમર્થન મળતું હોય તેમ, કોઈ વ્યક્તિ પાસેથી તેના વપરાશ પૂરતું ઓછી માત્રામાં ડ્રગ્સ મળે તો તેવા કિસ્સામાં જેલની સજા ન કરવાનો સરકાર નિર્ણય લઈ રહી છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રેપીક સબસ્ટન્સ એકટની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે આ દરખાસ્ત કરી છે અને ઓછા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું હોય તો તેને અપરાધ ન ગણવા સૂચન કર્યું છે. કાયદામાં ફેરફાર માટે સંબંધિત ખાતાંઓનાં સૂચનો માંગવામાં આવ્યાં છે. આ એક અત્યંત સંવેદનાપૂર્ણ અને માનવીય અભિગમ છે. ડ્રગ્સનું દૂષણ માત્ર કાયદાથી કે જેલની સજા આપવાથી દૂર નહીં થાય. સમાજને એ દૂષણમાંથી મુક્ત કરવો હોય અને તરુણો અને યુવાનોને પતનના માર્ગે જતા અટકાવવા હોય તો એ દૂષણ માટેનાં કારણો શોધવાં પડશે. સમસ્યાના મૂળ સુધી જવું પડશે અને તો જ તેનું સમાધાન મળશે.
 
 
નિષ્ણાતો શું કહે છે ?
 
 
નશીલાં દ્રવ્યો શરી૨ને ખોખલું કરી નાખે છે. નશીલા પદાર્થો માણસની નર્વસ સિસ્ટમ ઉપર સીધું આક્રમણ કરે છે. કેટલાંક દ્રવ્યો માણસને આભાસી વિશ્ર્વની સફરે લઈ જાય છે. અસ્તિત્વ ન ધરાવતાં દૃશ્યો દેખાય છે, અવાજો સંભળાય છે. એક આભાસી સુખમાં માણસ ગરકાવ થઈ જાય છે અને સાથે જ વાસ્તવિકતાથી દૂર થતો જાય છે. કોઈ પણ નશાથી અનુભવાતી સુખની લાગણીઓ એ જાત સાથેનું છળ છે. પોતાની જ જાત સાથેની છેતરપિંડી છે, એટલું જ નહીં એ દરરોજ લેવાતું આત્મઘાતી પગલું છે. વ્યસન થવાનાં કારણો માટેની માનસશાસ્ત્ર, તબીબી શાસ્ત્ર અને સમાજવિજ્ઞાનની પ્રસ્થાપિત થિયરીઓથી આગળ વધીને કેટલાંક સર્વકાલીન વહેવારિક કારણો ઉપર નવેસરથી ચિંતન-મનન કરવાની જરૂર છે. વ્યસનો માટે સામાજિક અને કૌટુંબિક પરિબળો ખૂબ મહત્ત્વ ધરાવે છે. દરેક માણસ પોતાની આસપાસના સમાજમાંથી જ સારું-નરસું ગ્રહણ કરે છે. ખાસ કરીને બાળકો કુમળા છોડ જેવા હોય છે. જેમ વાળો તેમ વળે. બાળમાનસ ઉપર કુટુંબના સભ્યો, કુટુંબનું વાતાવરણ અને માતા-પિતાની ઘેરી અસર પડે છે. કુટુંબના સારા સંસ્કાર હશે તો બાળક સંસ્કારી બનશે. અત્યારે આવી વાતોને જુનવાણી માનસ ગણવામાં આવે છે. પણ સાચી હકીકત એ છે કે કૌટુંબિક સંસ્કારના પાયા ઉપર જ બાળકના જીવનનું ઘડતર થાય છે. પરિવારમાં પ્રેમ અને આનંદનું વાતાવરણ હશે તો બાળકનો સ્વસ્થ ઉછેર થશે. પરિવારનાં મોટેરાંઓ એક બીજાનું સન્માન રાખતા હશે તો બાળકોમાં પણ એ સંસ્કાર આવશે. વિવિધ અભ્યાસો એવું કહે છે કે સ્વસ્થ કૌટુંબિક વાતાવરણમાં ઊછરેલાં અને માતા-પિતાનો પ્રેમ મેળવેલાં બાળકોમાં વ્યસની બનવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. આ સંજોગોમાં વાલીઓની જવાબદારી વધી જાય છે. તરુણોમાં વ્યસનની શરૂઆત મોટે ભાગે દેખાદેખીમાંથી થતી હોય છે.
 
 
જમ્મુ-કાશ્મીરમાં યુવાઓને નશાના કુચક્રમાંથી ઉગારવા અનોખી યુવા પહેલ
 
 
માતા-પિતા અને પરિવારજનો સહિત સમગ્ર સમાજ જો ધારે તો યુવાધનને ડ્રગ્સના રવાડે જતું અટકાવી શકાય છે. આ માટે દેશભરમાં અનેક પ્રયોગો અને અભિયાન થયાં છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ થયેલી એક પહેલ અહીં રજૂ કરીએ છીએ. આ ઉદાહરણથી આપણને પણ આવી કોઈક નોખી - અનોખી પહેલ કરીને યુવાઓને નશાના કુચક્રમાંથી બહાર કાઢવાની પ્રેરણા મળે છે.
  
હેરોઈન જેવા ઘાતક નશીલા પદાર્થની તસ્કરી અને યુવાઓમાં વધી રહેલી નશાની લતથી સમાજને બચાવવા માટે જમ્મુ-કાશ્મીરના સાબા જિલ્લાના ગુડા સલાથિયા ગામે આ અનોખી પહેલ કરવામાં આવી છે. શ્રી અમર ક્ષત્રિય રાજપૂત સભાએ સ્થાનિક યુવાઓ અને ગેરસરકારી સંસ્થાના સહયોગથી પોતાના સ્તરે એક દેખરેખ સમિતિ બનાવી છે. સમિતિના સદસ્ય એક તરફ ગામે-ગામ પ્રવાસ કરી વિશેષ કરી યુવાઓને જાગ્રત કરી રહ્યા છે. સાથે સાથે આ કાળા કારોબારમાં સક્રિય તસ્કરોને ચિહ્નિત કરી જેલના સળિયા પાછળ પહોંચાડવામાં પોલીસની મદદ પણ કરી રહ્યા છે. સભાના સદસ્યોએ પાછલા એક વર્ષમાં અનેક તસ્કરોને પકડી પોલીસના હવાલે કર્યા છે. તો ગૌણ-મુખ્ય એવા મોટા તસ્કરોને જનસુરક્ષા અધિનિયમ અંતર્ગત જેલ પહોંચાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.
 
સભાની યુવા પાંખના ચેરમેન મંગલેશ્ર્વર સિંહ જણાવે છે કે, અહીંના ગુડા સલાથિયામાં એક યુવકનું વધુ પડતા નશીલા પદાર્થોના સેવનને કારણે મૃત્યુ થઈ ગયું જે બાદ ગુડા સલાથિયામાંથી નશાના આ કુચક્રની સફાઈ માટે ૨૫ યુવાઓની એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. હવે આ લોકો ગામે-ગામ જઈ નશાનાં દુષ્પરિણામો વિશે લોકજાગૃતિ ફેલાવી રહ્યા છે.
નશાના દલદલમાં ફસાયેલ યુવાઓને નશો છોડાવવા માટે પુનર્વાસ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. સભાના યુવા ચેરમેન મંગલેશ્ર્વર સિંહ કહે છે કે, પુનર્વાસ પરિયોજનાને સાકાર કરવા માટે સાંબાના તત્કાલીન એસએસપી શક્તિ પાઠક તરફથી પ્રશાસન સમક્ષ ભુવનનો મુદ્દો ઉઠાવાયો હતો. પ્રશાસન દ્વારા પ્રાથમિક શાળાની ઇમારત ફાળવવામાં આવી. હવે ખૂબ જ ટૂંક સમયમાં અહીં ડૉક્ટર અને કાઉન્સિલરની નિયુક્તિ પણ થવાની છે.
 
ઉપર આપેલ ઉદાહરણ જેમ આપણે પણ આ દૂષણને ડામવા આવી કોઈ અનોખી પહેલ શરૂ કરી શકીએ છીએ.
 
 
તો આવો, આપણે સાથે મળીને આ દૂષણને ડામીએ
 
 
ડ્રગ્સના દૂષણ બાબતે એક સડેલી કેરી આખો કરંડિયો બગાડે એ સિદ્ધાંત લાગુ પડે છે. આપણે તેને સંગદોષ કહીએ છીએ. પોતાના બાળકો આવા સંગદોષનો શિકાર ન બને તે માટે વાલીઓએ જાગૃત થવું જોઈએ. વાલીઓએ સંતાનોની ગતિવિધિ પર નજર રાખવી જોઈએ. એમ કરવું એ નથી માનસિક સંકુચિતતા કે નથી સંતાનોની સ્વતંત્રતા ઉપરની તરાપ. આ એક સાવચેતી છે. વાલીઓએ સંતાનો માટે સમય કાઢવો જોઈએ. સંતાનોને પૂરતી આઝાદી આપ્યા પછી પણ તેના મિત્રમંડળ, તેના આવવા-જવાનાં ઠેકાણાં તેમ જ નિત્યક્રમ અંગે માતા-પિતાને જાણકારી હોવી જોઈએ. કોઈ તરુણ કે યુવાન વ્યસનના રવાડે ચડ્યો હોય અને તેના બદલાયેલાં વાણીવર્તન, તેનો વહેવાર અને તેની બોડી લેંગ્વેજમાં થયેલાં પરિવર્તનને ઓળખી ન શકે તો એ વાલીઓની ભૂલ છે. વાલીઓએ પોતે પણ સંતાનોની ઉપસ્થિતિમાં જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ, પોતાનાં સંતાનોને વ્યસન વારસામાં ન મળે એ જવાબદારી માતા-પિતાની છે. બાળકોને વ્યસનના શિકાર બનતા અટકાવવા માટેની આ બધી પાયાની જરૂરિયાતો છે. એ સિવાયના આર્થિક, સામાજિક અને માનસિક અને વ્યક્તિગત કારણો તો બાદમાં આવે છે. દરેક વાલી આ જવાબદારી પ્રત્યે જાગૃત થાય તોપણ આ દૂષણ ઉપર નોંધપાત્ર પ્રમાણમાં કાબૂ મેળવી શકાશે, નહિતર સમાજ ખોખલો બની જશે.
 
આ દૂષણ ઉપર કાબૂ મેળવવા અને વ્યસનમુક્તિ માટે મોટાપાયે નેશનલ લેવલ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ તેમજ કાઉન્સેલિંગ સેન્ટર બનાવવાની સરકારની યોજના છે. વ્યસનોથી થતા નુકસાનની જાણકારી આપવા માટે શાળા-કોલેજોમાં કાર્યક્રમો કરવા જોઈએ. સરકાર પોતે પણ માને છે કે આ દૂષણ માત્ર સજા કર્યે નાબૂદ નહીં થાય. વ્યસનીઓને હેલ્થ એન્ડ વેલ્ફેર સર્વિસ મળે એ જરૂરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવી તે પછી વાયા પાકિસ્તાન ભારતમાં ડ્રગ્સ ઠાલવવાનું વધ્યું છે ત્યારે ચાલો, આપણે સૌ સાથે મળીને આ દૂષણને ડામીએ.