બે સપ્તાહ પહેલાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશ મ્યાંમાર ( Myanmar ) માં ઘટેલી ઘટના પછી લોકશાહી (Democracy) કસોટીની એરણે ચડી છે. ત્રણ માસ પહેલાં જ યોજાયેલી ચૂંટણીમાં જનતાએ મ્યાંમારની નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટીને ૮૩ ટકા મત આપીને લોકશાહીને વધાવી, ‘ધ લેડી’નું બિરૂદ પામેલા આંગ સાન સૂ કી ( Aung San Su Key) ને સત્તાનું સુકાન સોંપેલું. લશ્કરી સમર્થન ધરાવતા વિરોધ પક્ષોએ તેમના પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ મુકી વિરોધ કરેલો. આરોપો પુરવાર ન કરી શકતા લશ્કરે તેમના વિદ્ધ છૂપી હિલચાલ ચાલુ કરી દીધેલી. અંતે ૧લી ફેબ્રુઆરીએ એ હિલચાલ વિસ્ફોટક બનીને બહાર આવી. નવી સંસદની બેઠક શરૂ થાય તે પહેલાં જ લશ્કરે આંગ સાન સૂકી અને પાર્ટીના કેટલાંક અગ્રણી નેતાઓને મધરાત્રે બે વાગ્યે જેલમાં ધકેલી, સત્તા પડાવી લીધી. આ લશ્કરી બળવાએ લોકશાહીનું ગળું ઘોંટી દીધું. આર્મીના વડાના નિવેદન મુજબ દેશમાં એક વર્ષ કટોકટી રહેશે બાદમાં ચૂંટણી યોજીને નવી સરકારને સત્તા સોંપાશે.
મ્યાંમાર ( Myanmar ) ના બંધારણ મુજબ સંસદની ચોથા ભાગની સીટો આર્મી માટે અનામત રાખી તેના પર લશ્કરી અધિકારીઓ નિયુક્ત કરવાનો અને આર્મીના ટેકેદાર પક્ષો અલગથી ચૂંટણી લડી શકે તેવો વિચિત્ર નિયમ છે. તેથી એક યા બીજી રીતે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર પર આર્મીનો અંકુશ રહે છે, તેનું આ પરિણામ છે.
લોખંડી મહિલા સૂ કી ( Aung San Su Key) ની લડત હચમચાવી દે તેવી છે. મ્યાંમાર વરસોથી લશ્કરી તાનાશાહીનો ભોગ બનતું આવ્યુ છે. ૧૯૬૨થી લશ્કરીનો કબજો હતો. આંગ સાન સૂ કીના પિતાએ લોકશાહી (Democracy) માટે બલિદાન આપેલું. લંડનમાં પતિ સાથે સુખી જિંદગી વિતાવી રહેલાં સૂ કી એક વખત દાયકાઓ બાદ મ્યાંમાર ( Myanmar ) આવે છે. વિદ્યાર્થીઓ, બૌદ્ધ ભિક્ષુઓ સહિત નાગરિકો ત્યાં પોતાના હક્કો માટે આંદોલન કરી રહ્યાં હોય છે. લશ્કરી તાનાશાહો તેમના પર બેફામ ગોળીબાર કરે છે, જેલમાં ધકેલીને અત્યાચારો કરે છે. આ દૃશ્યથી દ્રવિત થઈને સૂ કી ત્યાં જ રોકાઈ જઈ લોકશાહી સ્થાપવાનો સંકલ્પ કરે છે. એ પછી લશ્કર દ્વારા તેમના પર પણ અત્યાચારો શરૂ થાય છે. તેમના પતિનું કેન્સરમાં મૃત્યુ છતાંય તેમને મળવા દેવાતા નથી. ૧૫ વર્ષ સુધી આ લોખંડી મહિલાને જેલ અને નજરકેદમાં રાખવામાં આવે છે. ૧૯૯૧માં નોબેલ પ્રાઈઝ ગ્રહણ કરવા ય જવા દેતા નથી. પણ તેમનો સંકલ્પ તૂટતો નથી. તેઓ ભારતમાં હતા ત્યારે ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતા. આથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને આખરે એક લાંબા સંઘર્ષ પછી ૨૦૧૧માં તેઓ મ્યાંમારમાં લોકશાહી (Democracy) ની સ્થાપના કરે છે. દસ વર્ષ પહેલાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું સ્થાપન થયું પછી મ્યાંમાર સતત વિકાસના પંથે આગળ ધપી રહ્યું હતું. વિશ્ર્વના લોકોનું માનવું હતું કે દેશ સદા માટે લોકશાહીની દેવીના ખોળામાં જ રહેશે. પણ લશ્કરી શાસકોએ એ ધારણા ખોટી પાડી અને કટોકટી લાદી દીધી.
મ્યાંમાર ( Myanmar ) ની આ હરકતથી વિશ્ર્વ અચંબામાં છે. યુનોના વડા એન્ટોનિયો ગુટારસે લશ્કરી શાસકોને મર્યાદામાં રહેવાની ચેતવણી આપી. અમેરિકા સહિત ૧૫ દેશોનું સંગઠનેય ભડક્યુ અને આના માઠાં પરિણામ ભોગવવા માટે મ્યાંમારના લશ્કરી શાસકો તૈયાર રહે તેવા આકરા પ્રત્યાઘાતો આપ્યા. વિશ્ર્વના અગ્રણીઓએ મ્યાંમારની સેના સાથે જોડાયેલી કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની ધમકી ય આપી. ભારતે ય આ ઘટનાને વખોડીને ચિંતા વ્યક્ત કરી.
લશ્કરે સત્તા છીનવી લેવા પાછળ ભલે ચૂંટણીની ગેરરીતી, રોહિંગ્યા મુસ્લિમો ( Rohingya muslim) સાથે દ્વેષ કે ભ્રષ્ટાચારના કારણો આપ્યા હોય પણ નિષ્ણાંતો મુજબ તો સત્તા હડપ કરવા પાછળ ચીનનો દોરી સંચાર છે. ચીની વિદેશ પ્રધાન વાંગ યીએ જાન્યુઆરીમાં મ્યાંમારની મુલાકાતે આવી, ચીન-મ્યાંમાર ઈકોનોમિક કોરીડોર જેવા મુદ્દાની વાત કરી એ વખતે જ સત્તા હડપવાના કાવતરા પર છેલ્લી મહોર મરાઈ હોવાનું ચર્ચાય છે.
ભારત (India) – મ્યાંમાર ( Myanmar ) ના સંબંધો પહેલેથી જ સારા હતા. સૂ કીની સરકાર આવતા સામાજિક - સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વધુ મજબુત બન્યા. ભારતના લોકો મ્યાંમારને બ્રહ્મદેશ એટલે કે બ્રહ્માની ધરતી તરીકે ઓળખે છે. બંને દેશોના સંબંધોનો આધાર 5-B છે, એટલે કે બુદ્ધિઝમ, બિઝનેસ, બોલીવુડ, ભરતનાટ્યમ અને બર્મા ટીક. મ્યાંમારના બૌદ્ધ લોકો માટે પર્યટન વિભાગ દ્વારા ભારતમાં વિશેષ આંતરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલન યોજાય છે. આપણી ફિલ્મો ત્યાં રીલીઝ થાય છે અને બર્માનું મોંઘુ લાકડું ય આપણે મંગાવીએ છીએ. વર્તમાનમાં ભારતે ત્યાં સિત્વે પોર્ટ વિકસાવી આપ્યુ, ૪.૪ ખરબના ખર્ચે અત્યાધુનિક ઓઈલ રીફાઈનરી બનાવી, મ્યાંમાર પાસે એકે ય સબમરીન ન હોવાથી ભારતે પોતાની સિંધુવીર સબમરીન આપવાનું ય નક્કી કર્યુ અને કોરોના વેક્સિનના પંદર લાખ ડોઝ પણ ભારતે મ્યાંમારને ભેટમાં આપ્યા છે. ચીન ત્યાં પોતાની આઉટડેટેડ સબમરીનો ઉંચા ભાવે વેચવા માંગતું હતું, વિકાસના નામે મ્યાંમારને પૈસા આપી ગુલામ બનાવી વિસ્તારો પડાવી લેવાની ય તેની ચાલ હતી. પણ ભારત-મ્યાંમારના વધતા સંબંધોને કારણે ચીન છેંછેડાયું છે. ભારતને વૈશ્ર્વિક પછડાટ આપવા તેણે લશ્કરી સાંઠગાંઠથી આ કાર્યને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે.
મ્યાંમાર ( Myanmar ) ની સરહદો ભારતના નોર્થ ઇસ્ટ અને ચીન સાથે જોડાયેલી છે. વરસોથી આ સરહદો મારફતે ચીન અને મ્યાંમારના અલગાવવાદી તત્વો દ્વારા ઘુસણખોરી, દાણચોરી વગેરે કરી નોર્થ ઈસ્ટના રાજ્યોમાં અરાજકતા ફેલાવવાના પ્રયત્નો થતાં રહે છે. આ કટોકટીથી ભારત માટે નોર્થ ઇસ્ટના રાજ્યોની ચિંતા વધી છે કારણ કે લશ્કરી શાસકો ચીનની નજીક છે અને કંઈ પણ કરી શકે છે. ત્યાં આતંકવાદ ફરી જીવતો થાય તેવો ય ભય છે. આથી ભારત વધુ સચેત બને તે જરૂરી છે.
મ્યાંમાર ( Myanmar ) માં લોકશાહીની સ્થાપના માટે જિંદગી ખર્ચી દેનારા સૂ કી ( Aung San Su Key) આજે નજરકેદ છે પણ જરાય ડગ્યા નથી. ગાંધીજી (Gandhiji) ના માર્ગે ફરી ત્યાં લોકશાહીની સ્થાપના કરવાનું તેમનું જોમ જેમનું તેમ છે. મ્યાંમારના લોકો સૂ કીના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, લશ્કરી શાસનનો વિરોધ કરી રહ્યાં છે. આ લોકચાહ (Democracy) ના જ સૂ કીની સોથી મોટી જીત છે. મ્યાંમાર જ નહીં સમગ્ર વિશ્ર્વ ઇચ્છે છે કે ત્યાં જલ્દીથી લોકશાહી (Democracy) સ્થપાય અને તેના મૂળિયાં વધુ ને વધુ ઊંડા ઉતરે.