સૌરાષ્ટના વલ્લભીપુર પ્રદેશમાં નાગદેવી સ્વરૂપે પ્રગટેલ આદ્યશક્તિ મા શ્રી ખોડિયાર Khodiyar Maa

    ૨૦-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |
 
khodiyar maa_1  
 
 

મહા સુદ ૮ શનિવાર, તા. ૨૦-૦૨-૨૧, ખોડિયાર જયંતી  ( khodiyar jayanti ) નિમિત્તે

 
મહા સુદ ૮ એટલે કે ૨૦ ફેબ્રુઆરીના દિવસે શ્રી ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિન. આ નિમિત્તે આવો જાણીએ મા ખોડલની કથા, વર્તકથા અને શ્રી ખોડિયાર મા નો ઇતિહાસ (khodiyar maa no itihas in gujarati)
 
khodiyar maa no itihas in gujarati | મા શ્રી ખોડિયાર ( Khodiyar Maa ) ઈ.સ. ૭૦૦માં મહા-માઘ માસની સુદ ૮ના દિવસે, ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાલા ગામે પ્રગટ્યાં હોવાનું મનાય છે. તેમના પ્રાગટ્ય સાથે અનેક ધર્મવાર્તાઓ જોડાયેલી છે.
 
વલ્લભીપુર પ્રાંતના શાસક શીલભદ્ર હતા. તેમના દરબારમાં રાજગઢવી તરીકે મમનીયા ગઢવી હતા. રાજા અને રાજગઢવી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. દરબારના મંત્રીઓ તેમની આ મિત્રતા માટે ઈર્ષા કરતા હતા. તેમણે એક ષડ્યંત્ર રચ્યું. રાજા અને રાજગઢવી વચ્ચે દુશ્મનાવટ થાય તેનો કારસો રચ્યો. આ માટે તેમણે રાણીની કાનભંભેરણી કરી. તેમણે રાણીશાને કહ્યું, હે રાણી બા ! તમારે ત્યાં મમનીયા (મામદીયા) ગઢવી આવે છે તે વાંઝિયા છે. તેમને ત્યાં સંતાન નથી. તેમનો પડછાયો રાજા પર કે તમારા પર પડશે તો તમને પણ સંતાન થશે નહીં. પ્રજા તમને પણ વાંઝિયાનું મહેણું મારશે. તેથી રાણીએ શીલભદ્ર રાજાને કહ્યું, ‘હે મહારાજ ! તમે ગઢવીને અહીં આવતા રોકો ! તેમને ત્યાં સંતાન નથી. તેમના પડછાયાથી આપણે પણ નિઃસંતાન રહીશું.’ પણ રાજા ગઢવીની મિત્રતા તોડવા તૈયાર ન હતા. છતાં રાણીની સ્ત્રીહઠ આગળ રાજાનું કંઈ ચાલ્યું નહીં. તેમણે ગઢવીને અહીં આવતા રોક્યા. એક દિવસ રાજગઢવી દરબારમાં પ્રવેશતા હતા ત્યાં જ દ્વારપાલે તેમને રોક્યા. આવું સતત થવા લાગ્યું. અપમાન સહન ન થતાં ગઢવી અને તેમની પત્ની મીનણદેએ સંતાનપ્રાપ્તિ માટે અનેક ઉપાય કર્યા, પણ ઉપાય ન મળતાં તેમણે ‘કમળપૂજા’ હઠયોગથી શિવજીની આરાધના કરી સંતાન પ્રાપ્ત ન થાય તો પ્રાણ ત્યાગવાની હઠ પકડી. ઉગ્ર તપશ્ર્ચર્યા છતાં ફળ ન મું. અંતે પ્રાણ ત્યાગવા જતાં શિવજી પ્રસન્ન થયા. તેમણે ગઢવી દંપતીને દર્શન આપતા કહ્યું, ‘હે ભક્ત ! તમારા ભાગ્યમાં સંતાન નથી. પણ એક ઉપાય સૂચવું છું કે તમે નાગલોકમાં જાઓ. ત્યાં તમને નાગશક્તિ મદદ કરશે.’
 
શિવજીના વરદાનથી ગઢવી નાગલોકમાં ગયા. તેમણે નાગદેવને વિનંતી કરી. આ જોઈ સાત નાગપુત્રીઓ તથા એક નાગપુત્રને દયા આવી. તેમણે ગઢવીને કહ્યું, ‘હે શિવભક્ત ! અમારું વચન છે કે માઘ માસની શુક્લ પક્ષની આઠમે અમે સાતે બહેનો તથા એક ભાઈ તમારે ત્યાં જન્મ લઈશું. તમે આઠ પારણાં તૈયાર રાખજો.’ વચન પ્રમાણે રોહિશાલા ગામે આ રાજગઢવીએ તૈયાર કરેલ પારણાંમાં સાત પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થાય છે. તેમાં સૌથી મોટી દીકરી તે જ આપણાં ખોડિયાર મા ( Khodiyar Maa ). તેમનું બીજું નામ જાનબાઈ તથા ખોડલ પણ થયું.
 
વલ્લભીપુરમાં ગઢવીને ત્યાં એક સાથે આઠ સંતાન થયાં હોવાની વાત ફેલાઈ ગઈ. શીલભદ્ર રાજા પણ આ સંતાનોનાં દર્શને આવ્યા. મંત્રીઓને થયું કે રાજા અને ગઢવી વચ્ચે ફરી મિત્રતા બંધાશે અને આપણને આ રાજગાદી મળશે નહીં. તેથી તેમણે રાજાને પ્રસાદમાં ઝેર આપવાનું નક્કી કર્યું પણ કહેવાય છે કે મા ખોડિયારે ( Khodiyar Maa ) રાજાનો અદ્ભુત બચાવ કર્યો હતો.
 

મા શ્રી ખોડિયારનું વ્રત ( Khodiyar Maa nu vrat )

 
હિન્દુ પંચાંગ પ્રમાણે મહા-માઘ માસની સુદ-૮ના દિવસે મા શ્રી ખોડિયાર ( Khodiyar Maa ) ની જયંતી ( Khodiyar Jayanti ) હોય છે. આ માસની પૂનમ એ માઘી પૂનમ છે. જેમાં માઘ સ્નાનનો મહિમા છે. તેથી આ માઘ માસમાં શ્રી ખોડિયાર માના વ્રતનો મહિમા વિશેષ છે. આમ તો આ વ્રત કોઈપણ મહિનાના સુદ પક્ષ (અજવાળિયા)ના કોઈપણ રવિવારથી શરૂ કરી સાત દિવસનું હોય છે અને આઠમા દિવસે રવિવારે તેની ઉજવણી થાય છે. રવિવારે પ્રાત:કાળે સ્નાનાદિથી પરવારી એક પાટલા (બાજઠ) પર લાલ વસ્ત્ર પર પાથરી મા શ્રી ખોડિયારની છબીનું સ્થાપન કરવું. મા ખોડિયારને સાત બહેનો હતી તેથી સાત દીવા, સાત અગરબત્તી તથા સાત પુષ્પોથી સર્વેની પૂજા કરવી. ત્યાર બાદ વાર્તા સાંભળવી અથવા વાંચવી. ત્યાર બાદ આરતી તથા થાળ કરવો. શ્રી ખોડિયાર મા ( Khodiyar Maa ) ની સ્તુતિ કરવી. બધાને પ્રસાદ આપી ઉપવાસ અથવા એકટાણું કરવું.
 
આ પ્રમાણે સાત દિવસ સુધી વ્રત ધારણ કરવું. વ્રતની સાથે નિત્ય કર્મમાં પ્રવૃત્ત રહેવું. વિદ્યાભ્યાસ, નોકરી-ધંધા તથા સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવું. આઠમા દિવસે રવિવારે આ વ્રતની ઉજવણી કરવી. સવાશેર લોટની લાપસી રાંધવી. આ પ્રસાદ મા ખોડિયારને ધરાવી સાત વ્યક્તિ (પુરુષ - સ્ત્રી - કુંવારી કન્યા કે બાળકો કોઈપણ)ને લાપસીનો પ્રસાદ આપવો. મા ખોડિયાર ( Khodiyar Maa ) એ આદ્યશક્તિનું સ્વરૂપ જ છે જે વ્રતીની મનોકામના પૂર્ણ કરે છે.
 
એક નગરમાં જ્ઞાની પંડિત હતા. પંડિત પર લક્ષ્મીજીની કૃપા હતી. તેમની પાસે વિશાળ હવેલી હતી. તે સર્વ વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુખ હતું. ભાગ્યવશ તેમની પત્ની શ્યામા સાવ અભણ અને વર્ણે કાળી હતી.
 
વાસ્તવમાં પંડિતને અભણ અને કદરૂપી પત્નીથી શરમ આવતી. શ્યામાને હવેલીની બહાર જવાની છૂટ પણ અપાતી નહોતી.
એક દિવસ હવેલીમાં એક દાસીએ મા ખોડિયાર ( Khodiyar Maa ) નું વ્રત લીધું હતું. વ્રતના સાત દિવસ પૂર્ણ થયા પછી આઠમા દિવસે તેણે ઉજવણું કર્યું. વ્રતના નિયમ પ્રમાણે સાત વ્યક્તિને લાપસીનો પ્રસાદ આપવો પડે. તે દિવસે હવેલીમાં છ જણા જ હતા. એટલે દાસીએ ન છૂટકે શ્યામાને પણ આમંત્રણ આપ્યું.
 
શ્યામા હરખાતી હરખાતી મા શ્રી ખોડિયારના વ્રતનો પ્રસાદ લે છે. તેણે દાસી પાસેથી વ્રત તથા વ્રતની વિધિ અને વ્રતની વાર્તા સાંભળી. જેણે વ્રત કર્યું હતું તે દાસીએ સાહસ કરીને શ્યામાને વ્રત કરવા પ્રોત્સાહન આપ્યું. જ્યારે અન્ય દાસીઓએ તો મોં મચકોડ્યાં.
 
શ્યામાએ હરખાતા હૈયે ચંદ્રના અજવાળે એક રવિવારે વ્રત શરૂ કર્યું. એક વખત માતાજી સમક્ષ તેણે કહ્યું, હે મા ! મને માત્ર તારું નામ આવડે છે. અભણ તથા પતિના સુખથી વંચિત છું. જો મનથી મેં તારું સ્મરણ કર્યું હોય તો હે મા ! મારાં આંસુ લૂછજે મા.
 
વ્રતના સાત દિવસ પૂરા થયા. શ્યામાએ આઠમે દિવસે ઉજવણી કરી. રસોઇયાને વિનંતી કરી માનો પ્રસાદ તૈયાર કર્યો. તેણે સાત દાસીઓને આ પ્રસાદ લેવા આમંત્રણ આપ્યું. પણ પંડિતની બીકથી એક પણ દાસી આવી નહીં. શ્યામાએ સૌને રડીને આજીજી કરી પણ કોઈ માન્યું નહીં. શ્યામા અન્ય કોઈ સ્ત્રીઓ સાથે વાત કરે અથવા વ્યવહાર કરે તે પંડિતને ગમતું નહીં. પણ પેલી ભલી દાસીએ શ્યામાને આ પ્રસાદ હવેલીની બહાર જઈ સાત જણને વહેંચવાની સલાહ આપી.
 
શ્યામા મા શ્રી ખોડિયારનું વ્રત પૂર્ણ કરવા ડરતી-ફફડતી નગરમાં જવા તૈયાર થઈ. આ બાજુ મા ખોડિયારે બધી બહેનોને આજ્ઞા કરી કે, ચાલો, પૃથ્વી પર મારી એક ભક્તને ભીડ પડી છે. સાતે જોગણિયું ડોશી સ્વરૂપે પંડિતની હવેલીના દ્વારે આવીને ઊભી. વ્રત ઊજવવા. તે પ્રસાદનો થાળ લઈ હવેલીની બહાર પગ મૂકે છે. તેણે ડોશીઓને કહ્યું, માતાઓ ! પ્રસાદ લેશો ? ડોશીઓએ કહ્યું, હા દીકરી, અમારો પ્રસાદ છે, અમે તો લઈએ જ ને !
 
શ્યામાએ પ્રસાદ વહેંચવાનું શરૂ કર્યું ત્યાં તો તેનો પતિ પંડિત આવી ચઢ્યો. તેણે આ દૃશ્ય નિહાળી ક્રોધથી ત્રાડ પાડી. શું છે આ બધું ? આ ગંધાતી ડોશીઓ કોણ છે ?
 
બિચારી શ્યામા તો હેબતાઈ ગઈ. મોંમાંથી એક પણ શબ્દ બોલી શકી નહીં. ત્યારે મા ખોડિયાર બોલ્યાં, દીકરા, આ તો પ્રસાદ છે, લે તું પણ લે. પાવન થઈ જઈશ.
 
પણ પંડિત તો અહંકારથી ભરેલો હતો. તેણે માનો પ્રસાદ ફેંકી દીધો. ધૂળમાંથી માએ આ પ્રસાદ હાથમાં લીધો અને કહ્યું, દીકરા ! અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી. આ જ તું જે જ્ઞાનનો ગર્વ કરે છે તે જ્ઞાન જ એક દિવસ તારા ગળાનો ગાળિયો બની જશે. મારાં વેણ યાદ રાખજે. ખરા સમયે મારી બહેન સરસ્વતી તારો સાથ છોડી દેશે. શ્યામા તો રડતી રડતી હવેલીમાં ચાલી ગઈ.
 
સમય વીતતાં પંડિત આ વાત ભૂલી ગયો. એક વેળા રાજા પાસે કાશીનો એક પંડિત આવ્યો. એણે આવીને રાજા પાસે શરત મૂકી કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો, અને હારી જાવ તો સોનાના પતરા પર મને મારા વિજયનું પ્રમાણપત્ર લખી આપો. આ શરતનો પડકાર પંડિતે સ્વીકાર્યો. પંડિતે કહ્યું કે, જો કાશીના પંડિત હારે તો આ પ્રમાણપત્ર મને મળે. સામે કાશીના પંડિતે પણ શરત મૂકી. હે રાજા, તમારા આ પંડિત શાસ્ત્રાર્થમાં હારે તો તેમની તમામ સંપત્તિ, હવેલી, દાસ-દાસી બધું મને સોંપી દેવું. તથા તે જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહે ! રાજાએ પંચ નીમ્યું. શાસ્ત્રાર્થ શરૂ થયો. આઠ-આઠ દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો. જ્ઞાનની રેલમ-છેલ થઈ. હવે શાસ્ત્રાર્થનો અંતિમ નવમો દિવસ આવ્યો. વિજયની પૂર્વતૈયારી રૂપે રાજાના પંડિતે (શ્યામાના પતિએ) પચાસ શ્ર્લોકોની રચના કરી. તેને ખાતરી હતી કે તે કાશીના પંડિતને હરાવશે જ. નવમા દિવસે સભા ભરાઈ. રાજાએ શાસ્ત્રાર્થ શરૂ કરવાની આજ્ઞા આપી. પણ સૌના આશ્ર્ચર્ય વચ્ચે પંડિતના મુખે એક પણ શ્ર્લોક રજૂ થયો નહીં. ચમત્કાર થયો. પંડિતની જીભ સિવાઈ ગઈ. કાશીના પંડિતનો વિજય થયો. રાજાએ, પંડિત પર શોભિત અલંકાર તથા વસ્ત્રો શરત પ્રમાણે ઉતરાવ્યાં. માત્ર એક પંચિયુ અને જનોઈ સાથે પંડિતને જંગલમાં જવા ફરમાન કર્યું.
 
પંડિતને ભાન થયું કે નિશ્ર્ચિત મને પેલી ડોશીનો શાપ લાગ્યો છે. તે આઘાતનો માર્યો જંગલમાં એક કૂવામાં પડવા જાય છે ત્યાં પાછળથી અવાજ આવે છે, નાથ... નાથ... થોભો નાથ... પંડિતે પાછળ નજર ફેરવી જોયું તો પત્ની શ્યામા હતી.
શ્યામા બોલી : આ શું કરો છો નાથ! તમે આત્મહત્યા કરો તો તમને મારા સોગંદ. આખી જિંદગી જેને દુખ આપ્યું હતું તે પત્નીની આ લાગણીભરી વાણી સાંભળી પંડિતનું હૃદય ભરાઈ આવ્યું. તેનું મિથ્યા જ્ઞાનનું અભિમાન ઊતરી ગયું. તેની આંખમાંથી આંસુ આવ્યાં. પેલી ડોશીનો શાપ યાદ આવ્યો. સમય જતાં પંડિત તથા શ્યામા મા શ્રી ખોડિયારનું વ્રત લે છે. વ્રતની ઉજવણી કરે છે. માની કૃપાથી પંડિતનું જ્ઞાન પુન: પ્રાપ્ત થાય તેથી તે અગાઉની જેમ સુખીસંપન્ન થાય છે. દપતીને સાચું સુખ ક્યાં છે તેની ઝાંખી થાય છે. એવી શ્રદ્ધા સાથે જે ભક્તો મા શ્રી ખોડિયારનું વ્રત કરે છે તેમને આ પંડિત તથા શ્યામાની જેમ વ્રત ફળે છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે. આદ્યશક્તિ, મા શ્રી ખોડિયાર( Khodiyar Maa ) ના શરણે જવાથી સર્વે દુખોનું નિવારણ થાય છે. મનોકામના પૂર્ણ થાય છે.
 
- જયંતિકાબેન જોષી