India China| India-China border dispute | ભારત-ચીન વચ્ચે છેલ્લા દસ મહિનાથી લદ્દાખના મોરચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિનો અંત આવતાં આખરે ચીન ઝૂકીને પૂર્વી લદ્દાખના પેંગોંગ લેકના ઉત્તર દક્ષિણમાં ઉતારેલી પોતાની સેના પાછી ખેંચવા સહમત થયું. બંને દેશોએ પેંગોંગ લેકના કાંઠેથી ટેન્કો ખસેડવાનો પ્રારંભેય કરી દીધો, હવે તબક્કાવાર, સંકલિત અને ચકાસી શકાય તેવી રીતે બાકીની સેના અને શસ્ત્રસરંજામ પાછાં ખેંચી લેશે. સીમાવિવાદના આ સંઘર્ષમાં ભારતના વિજય સમાન આ ઘટનાની ઘોષણા રક્ષામંત્રી રાજનાથ સિંહે રાજ્યસભા (Rajya Sabha) માં જુસ્સાથી કરી કે, ‘ભારતે ચીન સાથેની વાટાઘાટોમાં ક્યાંય પીછેહટ કરી નથી, ભારત કોઈને એક ઇંચ જમીન પણ લેવાની છૂટ આપશે નહીં. સંધિના અમલથી સ્થિતિમાં નોંધપાત્ર ફરક પડશે.’ સમજૂતી મુજબ ફિંગર - ૩થી ફિંગર - ૮ વચ્ચે કોઈનું સૈન્ય પેટ્રોલિંગ નહીં કરે. ચીન ( China ) ના સૈનિકો ફિંગર - ૮ની પાછળ સિરજીપ પોસ્ટ પર પરત જશે અને ભારતના સૈનિકો ફિંગર - ૩ની ધનસિંહ થાપા પોસ્ટ પર પરત જશે.
ગત વર્ષે ભારત-ચીનના (India China) સૈનિકો વચ્ચે લદ્દાખ (ladakh) ના ગલવાનમાં થયેલા ઘર્ષણમાં ભારતના ૨૦ સૈનિકોએ શહીદી વહોરી ત્યારથી ભારતે ચીનને સબક શિખવાડવા પગલાં ભરવા માંડ્યાં હતાં. ચીનને ધારણા હતી કે, ભારતીય સૈનિકો શિયાળો સહન નહીં કરી શકે, પણ સરકારે સૈન્ય માટે ૨૨ હજાર કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફન્ડિંગ કરી જરૂરી સામાન ખરીદ્યો અને સૈન્યને છૂટો દોર આપ્યો. એ નિર્ણયો બુસ્ટર ડોઝ સાબિત થયા અને ભારતીય સૈન્ય અડીખમ બની ચીનાઓએ હંફાવી શક્યું. ભારતના સુનિયોજિત અને દૃઢ અભિગમ, વિદેશી મુત્સદ્દીગીરી અને સતત વાટાઘાટોનું આ પરિણામ છે. આ વિજય શહીદ થયેલા ૨૦ સૈનિકોને સાચી અંજલિ ગણી શકાય.
ચીન ( China ) નો ઇતિહાસ ખરડાયેલો છે. ચીને ભારતની હજ્જારો કિલોમીટર જમીન પચાવી પાડી છે. ભારતની ધીરજની કસોટી લેવી, સંયમનો ગેરલાભ લેવો, વ્યૂહાત્મક જગ્યાએ પોતાનું સૈન્ય નિયંત્રણ સ્થાપવું એ ચીનનો કાયમી સ્વભાવ છે. માત્ર જમીની સરહદ જ નહીં, સમુદ્રમાં ય આ જ વ્યૂહરચના છે. બંને દેશોના પ્રતિનિધિઓ છેલ્લા છ દાયકામાં જુદાં જુદાં સ્તરે ૪૫ વખત મંત્રણાના ટેબલ પર બેઠા પરંતુ સરહદી વિવાદનો કાયમી ઉકેલ આવ્યો નહીં.
ભારત (India) નાં સંયમનો દુરુપયોગ કરી ચીને હમણાં સુધી તેનો વિસ્તારવાદ ચાલુ રાખ્યો, પણ તે ભૂલી ગયું હતું કે આ ૧૯૬૫નું ભારત નથી. હવે ભારત ( India )ની સ્થિતિ બદલાઈ છે. વર્તમાન નેતૃત્વએ હિંમત અને દૂરંદેશીભર્યા નિર્ણયો કર્યા. છેલ્લાં ચાર વર્ષમાં ભારતે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સડકો અને લેન્ડ સ્ટ્રીપ બનાવવાનું કામ કર્યું જેથી સૈનિકો આસાનીથી એલએસી પર પહોંચી શકે. દારબુક, દૌલત બેગ ઓલ્ડી વચ્ચે નવા રસ્તાઓ તથા ફુકચે, ચુશુલ અને ડેમચોક ખાતે વિમાની સેવાની પટ્ટીઓનો પ્રારંભ કર્યો, ચીનની કંપનીઓ પાસેથી માલ ખરીદવા પર અને ૫૯ જેટલી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો. ૨૦૧૭માં દોકલામ હુમલા વખતથી ભારતે કડકાઈ દાખવી ચીનને ડાર્યું. એક તરફ ભારતનું વધતું આધુનિક સૈન્યબળ અને બીજી તરફ વેપાર - એપ પરના પ્રતિબંધોથી ચીન ગભરાયું. કારણ કે ભારત તેના માટે વિશ્ર્વનું સૌથી મોટું માર્કેંટ છે. આવી ભીંસ વધતાં ચીને નીચું નમી પાછું પડવા સિવાય કોઈ છૂટકો જ ન રહ્યો.
અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેનેય (America president joe budden) લદ્દાખમાં મોરચા માટે ચીન(China) ને ફટકાર લગાવી, માનવાધિકાર ભંગ સહિત અનેક મુદ્દે કાન આમળ્યો અને ટ્વિટ કર્યું કે, ‘મેં ચીનને કહી દીધું છે કે હું તેમની સાથે ત્યારે જ કામ કરીશ જ્યારે અમેરિકનોને ફાયદો થશે.’ અમેરિકન વિદેશ મંત્રાલય પ્રવક્તા નેડ પ્રાઇસે પણ કહ્યું કે, ‘અમારા પાડોશીઓને ડરાવવા, ધમકાવવાના ચીનનાં રવૈયાથી અમે ચિંતિત છીએ. અમે મિત્રો અને સહયોગીઓની સાથે છીએ.’
ઉપરાંત પાકિસ્તાન (Pakistan) સાથેની ચીનની મીલિભગત બાબતેય ચેતવણી આપી. આ ઘટનાઓ-નિવેદનો અમેરિકા(America)નો ભારતને મજબૂત સાથ ઇંગિત કરે છે.
ચીને સરહદે (China Border) પીછેહટ કરી એ આવકાર્ય પણ આ હજુ શરૂઆત છે, જેને આપણે મંજિલ સુધી પહોંચાડીને ચીનને એની ‘સીમા’ સમજાવવાની બાકી છે. તેથી જ આનંદ સાથે સાવચેતીય એટલી જ જરૂરી છે. કારણ ચીન જરાય ભરોસા પાત્ર નથી, તેની કથની અને કરણીમાં ફેર છે. ૧૯૬૨માં એણે નવા પેંતરા કરી ભારત સાથે દગાબાજી કરી ૩૮,૦૦૦ વર્ગ ચોરસ કિલોમીટરની ભૂમિ પચાવી પાડેલી. ૧૯૬૩માં બીજી ૫૦૦૦ વર્ગ ચો. કિ.મી પચાવી અને પચાવતું જ ગયું. આજે પહેલીવાર ભારતે ચીનને પીછેહટ કરવા મજબૂર કર્યું છે. એ મજબૂતી અંત સુધી જાળવી રાખવા ચીન પર સતત નજર રાખવી જરૂરી છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખાની ફરતે આવેલા અન્ય કેટલાંક પોઈન્ટ્સ પર તૈનાતી અને પેટ્રોલિંગને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ પણ ઝડપથી આવે તે જરૂરી.
આશા રાખીએ કે સામ્રાજ્યવાદી ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરશે, યથાસ્થિતી બદલવાનો એક-પક્ષીય પ્રયાસ નહીં કરે અને તમામ સમજૂતીઓનું યોગ્ય અને પ્રામાણિક પાલન કરશે. આમ છતાં ચીન કદાચ આડું - અવળું થાય તો પણ ભારતે હવે ઝૂકવું કે ડરવું પડે તેવું કોઈ નડતર જ નથી. ભારત હવે વિશ્ર્વના ટોચના શક્તિશાળી દેશોમાંનું એક છે. મજબુત અને મક્કમ નેતૃત્વ, પરમાણુ શક્તિથી સંપન્ન, આર્થિક રીતે સદ્ધર, વૈશ્ર્વિક શ્રેષ્ઠ શાખ તથા આગવી મુત્સદ્દીગીરીથી ભારત હવે સમૃદ્ધ છે. પરંતુ બધું જ એ વાત પર નિર્ભર કરે છે કે ભારત તેનું કૂટનૈતિક ‘કાર્ડ’ કેટલી ચતુરાઈથી વાપરે છે.
વર્તમાનમાં મળેલ વિજય માટે ભારતના નેતૃત્વને અભિનંદન તો ખરાં જ પણ ભારતીય સેના પણ વિશેષ શ્રેયની હકદાર છે. સરહદની રક્ષા માટે બલિદાન આપ્યાં, લડ્યા, અડીખમ રહ્યા અને એક એક ઇંચ જમીન માટે ઝઝૂમ્યા એવા સૌ ભારતીય સૈનિકોને સલામ. જય હિન્દ કી સેના. Jay Hind