સંપર્કનો મહિમા | ચાર મિલે ચૌસઠ ખિલે, બીસ રહે કરજોડ

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

pathey_1  H x W
 
 
ચાર મિલે ચૌસઠ ખિલે, બીસ રહે કરજોડ,
પ્રેમી સજ્જન દો મિલે, ખિલ ગયે સાત કરોડ
 
એક વખત એક સજ્જને એક સંન્યાસીને આ કહેવતનો અર્થ પૂછતાં કહ્યું, બાપજી આમાં શું કહેવા માંગે છે ? એ સમજાતું નથી. હવે તમે જ મને આનો અર્થ સમજાવી મારા જ્ઞાનમાં વધારો કરો.
 
સંન્યાસી એક મર્માળા હાસ્ય સાથે બોલ્યા, જો બેટા આમાં જીવનનું ખૂબ મોટું રહસ્ય સમાયેલું છે. ‘ચાર મિલે’ એટલે કે જ્યારે કોઈ બે વ્યક્તિ મળે ત્યારે સૌ પ્રથમ બન્નેની આંખો મળે છે. પછી કહેવાયુ છે ‘ચૌસઠ ખિલે’ એટલે કે બન્નેના બત્રીસ-બત્રીસ દાંત મળીને ચૌસઠ થાય છે. આમ ‘ચાર મિલે, ચોસઠ ખીલે’ થયું.
 
ત્યારબાદ ‘બીસ રહે કર જોડ’ - એટલે કે મળનારા બન્નેના હાથની આંગળીઓ જે વીસ થાય છે તે વીસેય મળી એકબીજાના અભિવાદનમાં પ્રણામની મુદ્રામાં આપોઆપ ઊઠી જ જાય છે. ત્યાર બાદ કહેવાયું છે કે, પણ જ્યારે બે પ્રેમી-સજ્જન કે બે આત્મીયજન મળે છે ત્યારે શરીરના સાતેય કરોડ રોમે રોમ ખીલી ઉઠે છે. કારણ કે જો બે મળનાર વ્યક્તિઓમાં આત્મીયતા નહીં હોય તો ન તો વીસ આંગળીઓ જોડાશે કે ન તો ચોસઠ દાંત ખીલી ઉઠશે.
 
આમ તો આપણા શરીરના રોમની ગણતરી કરવી અશક્ય છે. પરંતુ સામાન્ય રીતે એક વ્યક્તિમાં તેની સંખ્યા સાડા ત્રણ કરોડ હોવાનું માનવામાં આવે છે. તેથી આ કહેવતનું તાત્પર્ય એ છે કે માત્ર બે વ્યક્તિઓ મળે તેનાથી શરીરના સાત કરોડ રોમેરોમ ખીલી ઉઠે એટલો આનંદ અને સુખ પ્રસરે છે. આપણા પૂર્વજોએ ઘડેલી આ કહેવતો કેટલી અર્થસભર છે તેનું આ ઉદાહરણ છે. આ જ રીતે તેઓ આપણામાં સંસ્કાર સીંચતા હતાં.