Sant Ravidas | સંત રવિદાસ | જન્મથી કોઈ શ્રેષ્ઠ અથવા નિમ્ન નથી હોતું. ખરાબ કર્મથી જ વ્યક્તિ નિમ્ન બને છે.

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |
 
sant ravidas in gujarati_
 
 

તા. ૨૭મી ફેબ્રુઆરીએ સંત રવિદાસ જયંતી ( Sant Ravidas Jayanti) નિમિત્તે વિશેષ
Sant Ravidas | સંત રવિદાસ |  (વિ. સં. ૧૪૩૩-૧૫૮૪, ઈ.સ ૧૩૭૬-૧૫૨૭)

 
ભારતની સ્વાધીનતા અને ધર્મ-સંસ્કૃતિની રક્ષા કાજે સમાજ જાગરણના અનેક પ્રયાસ બારમી શતાબ્દીમાં પણ ચાલુ રહ્યા હતા. આ જાગરણ કાર્યમાં અનેક સંતોએ બધી જ જાતિઓને સાથે લઈ, સ્થાન-સ્થાન પર ફરી-ફરીને ભક્તિમાર્ગે વ્યાપક સમાજ જાગરણ કરી, પ્રેમ અને માનવીય સમાનતાનો શાશ્ર્વત સમરસતા સંદેશ ફેલાવ્યો હતો. સંત શ્રી રવિદાસજી (Sant Ravidas) એ પણ આ દિશામાં પ્રમુખ ભૂમિકા નિભાવી હતી.
 
સંત રવિદાસજીનું જન્મસ્થાન સીર ગોબરધનપુર ગામ, જે બનારસ (કાશી)ની સીમા ઉપર આવેલું હતું. તેમનો જન્મ વારાણસીના એક ચર્મકાર પરિવારમાં થયો હતો. તેમના પિતા માનસદાસ (રહુ) [ભવિષ્ય પુરાણ અને રવિદાસ રામાયણ મુજબ], માતા કરમાદેવી (ઘુરબિનિયાં), પત્ની લોના અને પુત્ર વિજયદાસ હતાં.
 
આચાર્ય પૃથ્વીસિંહ આઝાદના કહેવા મુજબ રવિદાસજી (Sant Ravidas) નો જન્મ વિ. સં. ૧૪૩૩ (ઈ. સ. ૧૩૭૬)માં માઘ માસની સુદ પૂર્ણિમા ને રવિવારે થયેલ. આ સંબંધમાં ગુરુ ગોવિંદસિંહજીના સમકાલીન સંત કરમસિંહનો નિમ્નલિખિત દોહો રવિદાસ (Sant Ravidas) સંપ્રદાયમાં પ્રચલિત છે.
 
ચૌદહ સૌ તૈંતીસ કી માઘ સુદ પંદરાસ ।
દુખિઓં કે કલ્યાણ હિત
પ્રકટે શ્રી રવિદાસ ॥
 
 
ભારતના વિવિધ ભાગોમાં ભાષાશૈલી અને સ્થાનિક બોલીઓની વિવિધતાને કારણે સંત રોહિદાસજી - રઈદાસ, રયદાસ, રુઈદાસ, રૈદાસ, રાયદાસ વગેરે નામે સમાજમાં પરિચિત છે.
 
રવિદાસજી (Sant Ravidas) ને પંચગંગા ઘાટના પ્રસિદ્ધ વેદપાઠી બ્રાહ્મણ સ્વામી રામાનંદના શિષ્ય બનવાની ઇચ્છા થાય છે અને તેમને મળી પોતાની ઇચ્છા પ્રકટ કરતાં કહે છે, પણ હું તો ચમાર છું. ત્યારે સ્વામી રામાનંદજી કહે છે, પ્રભુના ત્યાં કોઈ નાના-મોટા નથી હોતા અને તેઓ રવિદાસને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર કરે છે.
 
સંત રવિદાસજી (Sant Ravidas) ઘટ-ઘટમાં વ્યાપ્ત પરમ તત્ત્વને રામ કહીને તેમનું સ્મરણ કરે છે. તેમના આરાધ્ય સર્વવ્યાપી રામ છે. તેમની ભક્તિના સહારે તે જીવનનાં બધાં કાર્ય કરે છે. તેમનાં બધાં જ કાર્ય રામને સમર્પિત છે. તેમનું પોતાનું કશું જ નથી, જે પણ છે તે રામનું છે.
 
રામ નામ ધન પાયૌ તાર્થે,
સહજ કરું વ્યૌહાર રે ।
રામ નામ હમ લાદયૌ તાથૈ,
વિષ લાદયૌ સંસાર રે ॥
સંત રોહિદાસજી કહે છે ...
એકે માટી કે સભ ભાંડે,
સભ કા એકૌ સિરજનહારા
 
સૌ એક જ માટી (એક જ તત્ત્વ)નાં બનેલાં છીએ અને બધાનો સર્જનહાર (પરમાત્મા) એક જ છે.
 
પરમ કૃપાળુ પરમાત્મા વિના આ જીવનને ધિક્કાર છે
 
એક પ્રસંગથી ધ્યાનમાં આવે છે કે વૈદિક ધર્મના દાર્શનિક પક્ષના સમર્થન માટે તેઓ કેવો સંઘર્ષ કરવા તૈયાર થઈ જાય છે. મુસ્લિમ શાસક એવું માને છે કે સંત રવિદાસ જો ઇસ્લામ અંગીકાર કરે તો તેમના લાખો ભક્તો મુસલમાન બની જશે. તે ઉદ્દેશથી જ્યારે સિકંદર લોદી અનેક પ્રકારની કૂટનીતિ અપનાવી તેમને મુસલમાન બનાવવા પ્રયાસ કરે છે, ત્યારે સંત રવિદાસજી કહે છે :
 
વેદ વાક્ય ઉત્તમ ધરમ,
નિર્મલ વાકા જ્ઞાન ।
યહ સચ્ચા મત છોડકર,
મૈં ક્યાં પ કુરાન ।
શ્રુતિ-શાસ્ત્ર-સ્મૃતિ ગાઈ,
પ્રાણ જાય પર ધરમ ન જાઈ ।
કુરાન બહિશ્ત ન ચાહિયે,
મુઝકો હૂર હજાર ।
 
જ્યારે રવિદાસજી ધર્મ-પરિવર્તનનો અસ્વીકાર કરે છે, તો સિકંદર લોદી તેમને કઠોર દંડ આપવાની ધમકી આપે છે. ત્યારે સંત રવિદાસજી કહે છે -
 
હું ડરપોક કે મૂર્ખ બાળક નથી (મૈં નહીં દબ્બૂ બાલ ગંવારા), પ્રાણ ત્યજી દઈશ પણ મારા ધર્મને છોડીશ નહીં (પ્રાણ તજૂઁ પર ધર્મ ન દેઉઁ). ચોટી શિખા ક્યારેય ત્યાગ નહીં કરું (ચોટી શિખા કબહું નહિં ત્યાગઁ), તું ઇચ્છે તો ગરદન પર તલવારનો ઘા કર કે સિંધુની વચોવચ ડુબાડી દે (કંઠ કૃપાણ કા કરૌ પ્રહારા, ચાહેં ડુબાવો સિન્ધુ મંઝારા).
 
સંત રવિદાસને મુસલમાન બનાવવામાં પ્રયાસરત સદના પીર રવિદાસજીની નિર્મળ ભક્તિથી પ્રભાવિત થઈ, તેમનું શિષ્યત્વ સ્વીકાર કરે છે અને તે રામદાસ બની જાય છે.
 
સંત રવિદાસ નિમ્ન કહેવામાં આવતી જાતિઓના આત્મસન્માન માટે પ્રભુભક્તિના માર્ગે હિન્દુ સમાજમાં જાતિભેદ રૂપી વ્યવહારના કારણે ઉત્પન્ન થયેલ અમાનવીય ક્રૂરતા સામે સંઘર્ષ કરે છે.
 
સંત રવિદાસે પોતાનું પગરખાં બનાવવાનું પારિવારિક કાર્ય સ્વાભિમાન સાથે કરતા રહી, ભક્તિભાવપૂર્ણ અનેક પદ-ભજન રચી ભક્તોની વચ્ચે ગાતા રહી, સમાજમાં વ્યાપ્ત જાતિભેદને દૂર કરવા અને નવીન સમાજવ્યવસ્થા નિર્માણ હેતુ સમાજનું ભક્તિમાર્ગે પ્રબોધન કર્યું હતું.
 
સંત રવિદાસજી કહે છે...
 
જાંતિ એક જામેં એકહિ ચિન્હા,
દેહ અવયવ કોઈ નહીં ભિન્ના ।
કર્મ પ્રધાન ઋષિ-મુનિ ગાવેં,
યથા કર્મ ફલ તૈસહિ પાવેં ।
જીવ કૈ જાતિ બરન કુલ નાહીં,
જાતિ ભેદ હૈ જગ મૂરખાઈ ।
નીતિ-સ્મૃતિ-શાસ્ત્ર સબ ગાવેં,
જાતિ ભેદ શઠ મૂઢ બતાવેં ।
 
અર્થાત્ : ‘જીવની કોઈ જાતિ નથી, નથી વર્ણ કે નથી કુળ. ઋષિ-મુનિઓએ વર્ણને કર્મપ્રધાન બતાવ્યા છે, આપણાં શાસ્ત્રો પણ આ જ કહે છે. જાતિભેદની વાત મૂઢ અને શઠ લોકો કરે છે. વાસ્તવમાં બધાની જાતિ એક જ છે.’
 
લોકોને સમજાવતાં તેઓ કહે છે કે...
 
રવિદાસ જન્મ કે કારનૈ,
હોત ન કોઉ નીચ ।
નર કો નીચ કરિ ડારિ હૈ,
ઓછે કરમ કી કીચ ॥
 
અર્થાત્ : જન્મથી કોઈ શ્રેષ્ઠ અથવા નિમ્ન નથી હોતું. ખરાબ કર્મથી જ વ્યક્તિ નિમ્ન બને છે.
 
સંત રોહિદાસજી કહે છે કે, જાતિથી કોઈ ઊંચા પદે નથી પહોંચતું. પણ વ્યક્તિને મહાન બનાવવાનું કાર્ય - તેની ઈશ્ર્વરભક્તિ, વિદ્યા, કર્મઠતા, ચારિત્ર્ય, શ્રદ્ધા, ઉદારતા, કર્તવ્યપરાયણતા તથા માનવીય પાસાંઓ કરતા હોય છે, તેની જાતિ નહીં.
 
અબ કૈસે છૂટે રામરટ લાગી ।
પ્રભુજી તુમ ચંદન હમ પાની ॥
જાકી અંગ-અંગ બાસ સમાની ।
પ્રભુજી તુમ ઘન વન હમ મોરા ॥
જૈસે ચિતવત ચંદ ચકોરા ।
પ્રભુજી તુમ મોતી હમ ધાગા ॥
જૈસે સોનહિં મિલત સોહાગા ।
પ્રભુજી તુમ સ્વામી હમ દાસા ॥
એસી ભક્તિ કરૈ રૈદાસા ॥
 
સંત રવિદાસનું આ ભજન તેમની પ્રભુભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે.
 
એટલે કે... જેમ પાણી, વાટ, દોરી વગેરે વગર ચંદન, દીપક, મોતી, સુવર્ણ વગેરે પોતાનું અસ્તિત્વ - ઓળખ બનાવી શકતાં નથી. તેમ ભક્ત વગર ભગવાનનું પણ આવું જ છે. આમ, સંત રવિદાસ પ્રભુની સાથે ઓતપ્રોત થઈ એકાકાર - એકાત્મ થઈ ગયા હતા.
 
સંત રવિદાસ પરમહંસની નિ:સ્પૃહ સ્થિતિમાં પહોંચી ગયા હતા. તેઓ કહે છે કે મેં સંસારના બધા જ સંબંધો તોડી દીધા છે. હવે તો માત્ર પ્રભુના ચરણોનો જ સહારો છે.
 
મૈં હરિ પ્રીતિ સબનિ સૌં તોરી,
સબ સૌં તોરી તુમ્હેં સંગ જોરી ।
સબ પરિહરિ મૈં તુમહીં આસા,
મન બચન ક્રમ કહૈ રૈદાસા ॥
 
સંત રવિદાસજીના ઉદાત્ત ભક્તિભાવને જોઈ કાશીના રાજા, ચિત્તોડના મહારાણા ઉદયસિંહના પત્ની ઝાલી રાણી તેમના અનુયાયી બની જાય છે. ગાંગરૌન ગઢના રાજા પીપાજી પણ રવિદાસજીના શિષ્ય થયા. અનેક પ્રકારના વિરોધને સહન કરી ચિત્તોડની કુળવધૂ મેડતની મીરાં સંત રવિદાસના શરણે આવી તેમનો ગુરુ તરીકે સ્વીકાર કરે છે. મીરાં અને સંત રવિદાસનું મિલન સગુણ અને નિર્ગુણ ભક્તિનું મિલન છે અને સાથે-સાથે જાતિ આધારિત ભેદભાવ માનનારને એક સુંદર પ્રેરક શિખામણ પણ છે. ચિત્તોડના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા માટે ચિત્તોડના રાણા સંત રવિદાસને બોલાવી તેમનું સન્માન કરી પાદ-પૂજા કરે છે.
 
ભક્ત રવિદાસના સંબંધમાં હરિરામ વ્યાસે પોતાની વ્યાસવાણીમાં લખ્યું છે, એક ભક્ત રૈદાસ પર વારોં બ્રાહ્મણ
કોટી । એટલે કે એક ભક્ત રવિદાસ પર અનેક બ્રાહ્મણ વારી ગયા.
 
સમાજની એવી પણ પરિસ્થિતિ હતી કે શૈવ-વૈષ્ણવોમાં ભેદ હતો. આવા મિથ્યા ભેદભાવ ન હોવા જોઈએ એવું સંત રોહિદાસજી માનતા હતા. તેમનો આ નિર્મળ ભાવ તેમનાં અનેક ભક્તિપદોમાં જોવા મળે છે. રામ નામની સાથે કૃષ્ણ-શિવના નામ મુરારિ, શ્યામ, ગોવિંદ, નરહરિ, નારાયણ , દેવાધિદેવ, માધવ, ગોપાલ, અલખ નિરંજન તેમનાં પદોમાં જોવા મળે છે.
શ્રી આદિ ગ્રંથ (ગુરુ ગ્રંથસાહેબ) કે જેનું સંકલન ગુરુ અર્જુનદેવજી મહારાજે કર્યું હતું. સંત રવિદાસજીનાં ૪૦ પદોને આ પવિત્ર ગ્રંથમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલ છે. સંત કબીરજીએ ‘સંતોમાં સંત રવિદાસ’ કહી તેમના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરી હતી. આચાર્ય પૃથ્વીસિંહ આઝાદના અનુસાર સંત રવિદાસજીની ભેટ વાર્તા ગુરુ નાનક દેવ સાથે બનારસમાં થઈ હતી, તો કેટલાક વિદ્વાન એવું પણ માને છે કે આ ભેટ વાર્તા અયોધ્યામાં થઈ હતી.
 
ઈશ્ર્વરને પામવા માટે પૂજાના કર્મકાંડમાં તે વિશ્ર્વાસ કરતા નથી. પૂજાનો નહીં પણ પૂજાના કર્મકાંડનો વિરોધ કરતાં સમજાવે છે કે શાનાથી પૂજા કરવી ? પૂજાની સામગ્રી જેવી કે પાણી, ફૂલ, દૂધ,ચંદન તે તો માછલી, ભમરા, વાછરડા અને સાપથી સ્પર્શ પામેલ છે. માટે હું તો ઈશ્ર્વરની મનથી જ પૂજા કરી રહ્યો છું.
 
રામ મૈં પૂજા કહા ચઢાઉઁ ।
ફલ અરુ ફૂલ અનૂપ ન પાઉં ॥
થનહર દૂધ જો બછરું જુઠારી ।
પુહુપ ભઁવર જલ મીન બિગારી ॥
મલયાગિર બેધિયો ભુઅંગા ।
બિષ અમૃત દોઉ એકે સંગા ॥
મનહી પૂજા મનહી ધૂપ ।
મનહી સેઉઁ સહજ સ્વરૂપ ॥
પૂજા અર્ચના ન જાનૂં તેરી ।
કહ રૈદાસ કવન ગતિ મેરી ॥
 
સંત રવિદાસજી (Sant Ravidas) ના એક શિષ્ય તેમને ગંગાસ્નાન માટે સાથે આવવા આગ્રહ કરે છે ત્યારે તેમણે કહ્યું, ગંગાસ્નાન માટે હું ચોક્કસ તમારી સાથે આવતો, પરંતુ મેં કોઈને આજે પગરખાં બનાવીને આપવાનું વચન આપેલ છે. જો હું ગંગાસ્નાન માટે આવીશ તો વચન ભંગ થશે. જો મન પવિત્ર હશે તો આ કથરોટનું પાણી જ ગંગાજળ બની જશે. એવું કહેવાય છે કે ગંગાજીનું પવિત્ર જળ કથરોટ સુધી આવી જાય છે. આ પ્રસંગ પછી ‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’ નામની કહેવત પ્રચલિત થઈ.
 
સંત રોહિદાસજીનો ગુજરાત સાથે પણ સંબંધ જાણવા મળે છે. કાઠિયાવાડના જૂનાગઢમાં રવિદાસ કુંડ આવેલો છે. ચિત્તોડમાં તેમની સ્મૃતિમાં રવિદાસના ચરણ-ચિહ્ન તથા રવિદાસની છત્રી બનાવેલ છે. દક્ષિણ ભારતમાં પણ બાલાજી પહાડીની તળેટીમાં તિરૂપતિ મંદિરની પાસે તેમનું સ્મારક છે. પંઢરપુર, મહારાષ્ટમાં નીકળતી ભગવાન વિઠોબાની ભવ્ય પાલખી યાત્રામાં સંત રવિદાસજીની દીંડીનું પણ અનેરું અને આગવું સ્થાન રહેલું છે.
 
સંતન કે મન હોત હૈ,
સબ કે હિત કી બાત ।
ઘટ-ઘટ દેખે અલખ કો,
પૂછે જાત ન પાત ॥
 
તેઓ મૃદુ સ્વભાવના, મહાન વિચારક, સીધુંસાદું જીવન જીવનાર અને પોતાનાથી પહેલા થયેલ અને સમકાલીન બધા સંતો પ્રત્યે સદ્ભાવના પ્રગટ કરનાર સર્વના હિતની કામના કરનાર મહાન સંત હતા.
 
બ્રાહ્મન્ ખત્તરી વૈસ સૂદ,
રવિદાસ જનમ તે નાહિં ।
જૌ ચાહઈ સુબરન કઉ,
પાવઈ કરમન માહિં ॥
 
ત્યાગ,સમર્પણ, પ્રભુભક્તિથી વ્યક્તિ ઉચ્ચતા પ્રાપ્ત કરી શકે છે. આ માટે તેની જાતિ મહત્ત્વપૂર્ણ નથી રહેતી. આ શાશ્ર્વત સનાતન સત્યને પોતાના જીવન થકી તેમણે સિદ્ધ કરી બતાવ્યું.
 
એકાત્મતાના આચરણ થકી તેમનાં કાર્યોને આગળ ધપાવવાનો દૃઢ સંકલ્પ કરીએ. રામમય પ્રાત:સ્મરણીય સંત રવિદાસજી (Sant Ravidas)ને કોટી કોટિ પ્રણામ.
 
* * *
 
લેખક – ડો. મહેશ ન. ચૌહાણ
(સંદર્ભ પુસ્તકો : ભારત કી સંત પરંપરા ઔર સામાજિક સમરસતા, શ્રી આદિ ગ્રંથ, સંત ગુરુ રવિદાસ વાણી, રવિદાસ દર્શન)