સત્યના સેવક ન બનો, સ્વામી પણ ન બનો, સત્યના મિત્ર બની સાથે સાથે ચાલો | Moraribapu

    ૦૫-ફેબ્રુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |


Moraribapu _1  

 

Moraribapu Katha |સામાએ આચરેલી બૂરાઈનો બદલો તેનો વધ કરવાથી શી રીતે વળે ? નવું પાપ કરવાથી જૂનો દોષ શી રીતે ધોવાય ? તેથી તો વેર અને બદલાની પરંપરા લંબાયા જ કરે. તેનો અંત લાવવો હોય તો, વેરની વસૂલાતની વાત છોડી, શત્રુ પ્રત્યે પ્રેમ-સેવાનો ઉપાય જ અજમાવો. સામાને હરાવીએ, તો પણ તેના હૃદયમાં વેરનો અગ્નિ ભભૂકતો જ રહે છે; અને તે ચિનગારીમાંથી પાછી આપણા માટે નવી આગ જ ઊભી થાય છે. જો શાંતિ જોઈતી હોય તો વેરનો બદલો લેવાનું માંડી વાળી, જાતે જ શાંતિ પકડો.

વિચારોની દૃષ્ટિએ ક્યારેક ક્યારેક આપણે વધુ પડતા એન.આર.આઈ. NRI છીએ !  Moraribapu

આ શબ્દો છે બુદ્ધના. વિચારકો આપણને જીવનનો નવો રાહ આપે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore ) કહેતા હતા કે સાધના (Sadhana) કરવી હોય તો ત્રણની કરવી. એક સત્ય (Truth) ની સાધના, એક શિવમ્ની સાધના અને એક સુન્દરમ્ની સાધના. જે સત્યની સાધના (Sadhana) કરશે એ જ સુન્દરમનો મહિમા ઓળખી શકશે. આપણો સુન્દરમનો મહિમા ઉપર-ઉપરનો છે; ચામડી સુધીનો છે. આત્મસૌંદર્ય સુધી કોણ ગયું ? આત્માને આત્મા માટે આત્મામાં લીન કરી દેવા એનું નામ જ છે સુંદરતા - ભગવાન મહાવીર સ્વામી (Mahavir Swami). મહાવીર અને સૌન્દર્યની ચર્ચા કરે ? જરા વિચિત્ર લાગે છે. એટલે પૂછવામાં આવ્યું કે ભગવાન ! આપ એને સુંદરતા કહો છો પણ દુનિયા તો કહે છે કે ચરિત્રવાન હોય એ જ સુંદર મનાય. શરીરના સૌન્દર્યનો કોઈ એટલો મહિમા નથી, ચરિત્રનો મહિમા છે. તો તરત મહાવીરે કહ્યું, મારી દૃષ્ટિએ તો સૌન્દર્ય અને ચરિત્ર પર્યાય છે. તુલસી (Tulsidas) એ માનસમાં શિવચરિત ( Shivcharitra )શા માટે ઉઠાવ્યું ? કેવળ બરાબર બેસવું, વડીલોને આદર આપવો, સમવયસ્કને પ્રેમ અને નાનાઓને વાત્સલ્ય આપવું, બહુ શાલીનતાથી વર્તવું એ તો ચરિત્ર છે જ, પરંતુ અંદરનું ચરિત્ર જો ખોવાઈ ગયું તો ? તુલસીએ રામકથાને ચરિત્ર કહ્યું છે. રામચરિત ( Ramcharitra ), સીતાચરિત (Sitacharitra) , ભરતચરિત, શિવચરિત, ઉમાચરિત, હનુમંતચરિત (Hanumancharitra) . લોકો કહે છે કે રાષ્ટચરિત્ર ( Rashtra Charitra ) નિર્માણ થવું જોઈએ. પરંતુ ચરિત્રની આટલી નાની એવી વ્યાખ્યા કરવી એ ભારતનો સ્વભાવ નથી. આપણે રહીએ ભારતમાં ને સ્વભાવ બીજાનો લઈને ફરીએ છીએ ! વિચારોની દૃષ્ટિએ ક્યારેક ક્યારેક આપણે વધુ પડતા એન.આર.આઈ. છીએ !

સંસારમાં લગભગ બધા અરધા યોગી રહ્યા છે; પૂરા યોગી એક શિવ છે 

શિવચરિતમાં કહીએ તો શિવજી ( Shivji) યોગશ્રી છે. યોગ, જ્ઞાન, વૈરાગ્યનિધિ. યોગશ્રી; શિવ (Shiv) ને આપણે યોગીશ્ર્વર કહીએ છીએ. જગતમાં જેટલા જેટલા યોગ આવ્યા એનું ઉદ્ગમસ્થાન છે શિવ. ઓશોએ કહ્યું કે ગોરખે યોગની અને ધ્યાનની જેટલી પદ્ધતિઓ અર્જિત કરી છે એટલી કદાચ ભાગ્યે જ કોઈએ કરી હશે, પરંતુ ગોરખને પૂછો તો એ પણ એમ જ કહેશે કે યોગના મૂળમાં સદાશિવ છે. સંસારમાં લગભગ બધા અરધા યોગી રહ્યા છે; પૂરા યોગી એક શિવ છે, કેમ કે શિવ પૂરા ભોગી છે એટલા માટે પૂરા યોગી પણ છે. બંને હોવા જોઈએ, પૂર્ણતા ત્યારે જ આવે. યોગ તો એ હોય છે જેને કોઈ ચીજ વિચલિત ન કરી દે.

એ દુઃખમાં પણ સુખ છે - Moraribapu 

સત્યના સેવક ન બનો. સત્યને પરાધીન બનાવી એના સ્વામી પણ ન બનો. સત્યની સાથે ચાલો. સત્યના મિત્ર બનો. પ્રેમની પાછળ ચાલો. એમાં આપણું કલ્યાણ છે, કેમ કે પ્રેમની પાછળ ચાલવા છતાં પ્રેમ આપણને પરાધીન નહીં કરે. જ્યાં પ્રેમ છે ત્યાં જાઓ. દુનિયા કંઈ પણ કહે પણ પ્રેમનું અનુસરણ કરો, મોહનું નહીં. કરુણાની આગળ ચાલો. બીજાને દુઃખ આપવા કરતાં આપણે આગળ થઈએ. એ દુઃખમાં પણ સુખ છે. એમ કહેવાય છે કે પૈસાથી મેળવેલું સુખ, એના જેવું કોઈ દુઃખ નથી અને પ્રેમમાં મેળવેલું દુઃખ એના જેવું કોઈ સુખ નથી.

ફૂલ તો વૃક્ષે પેટાવેલા દીવા છે... 

કારુણિક શંકરની કરુણા એમની આંખોમાં નિવાસ કરે છે. હું દૃઢતા સાથે કહીશ કે કરુણા જીવની હોય કે શિવની, માની હોય કે બાપની, ગુરુની હોય કે શિષ્યની. શરત એટલી છે કે એ આંખ કલંકજલોચનહોવી જોઈએ. પક્ષપાતી આંખમાં કદી કરુણા વાસ ન કરે. અસંગ આંખો હોવી જોઈએ. આંખો પણ મન માફક હિસાબ કરવા માંડે તો કરુણાની બાદબાકી થાય છે. શિવ કરુણાની કસ્તૂરી અને સંવેદનાની સુગંધ છે, એ તો જે એમાં ડૂબે એને જ ખબર પડે. રમેશ પારેખના શબ્દો સાથે વિરમીએ...ફૂલ તો વૃક્ષે પેટાવેલા દીવા છે એ જોવા કે સુગંધમાં ડૂબકી મારે એવા કોણ મરજીવા છે !

આલેખન : હરદ્વાર ગોસ્વામી [email protected]