આઝાદી અપાવવા પાકિસ્તાન ( Pakistan) ના આ પ્રાંતે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) ને અપીલ

    ૦૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Pakistan Sindh prant_1&nb
 
  • પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આઝાદી... આઝાદીના નારા...
  • સિંધ માગે આઝાદી, પાકિસ્તાન સે આઝાદી
  • પાકિસ્તાનમાં લાગ્યા નરેન્દ્ર મોદીના પોસ્ટર
  • પાકિસ્તાનનો આ પ્રાંત માગે છે આઝાદી
 
પાકિસ્તાન ( Pakistan) ના સિંધ ( Sindh ) પ્રાંતના લોકોએ તાજેતરમાં જ નરેન્દ્ર મોદી ( Narendra Modi ) સહિતના વિશ્ર્વનેતાઓ સમક્ષ પોતાને આઝાદ (Freedom) કરાવવાની માંગણી કરી છે. ત્યારે આવો, જાણીએ શું છે અલગ સિંધૂદેશની માંગ ? કેમ મુસ્લિમો હોવા છતાં સિંધીઓ પાકિસ્તાનથી આઝાદી માંગી રહ્યા છે અને કેટલી જૂની છે અલગ સિંધૂ દેશની માંગણી...
 
સિંધુ ( Sindh ) દેશ એટલે કે સિંધીઓ માટે સિંધીઓનો એક અલગ દેશ. સિંધુ દેશ એક વિચાર છે અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહી રહેલા અને વિશ્ર્વભરમાં ફેલાયેલ સિંધીઓનું એક સ્વપ્ન છે. વિશ્ર્વભરમાં ફેલાયેલા સિંધીઓ વિશ્ર્વના અન્ય એથનિક સમુદાયોની જેમ પોતાને માટે એક અલગ સ્વતંત્ર હોમલેન્ડની માંગણી લાંબા સમયથી કરી રહ્યા છે. અલગ સિંધુ દેશની માંગનાં મૂળિયાં છેક ૧૯૪૭ સુધી અડે છે. ભારત સ્વતંત્ર થયું, ત્યારે ધાર્મિક ભાઈચારાની લાગણીવશ સિંધુવિસ્તાર પાકિસ્તાનમાં ભળી ગયો અને પાકિસ્તાનનો ચોથો પ્રાંત બન્યો. પરંતુ થોડાંક જ વર્ષોમાં સિંધીઓને અહેસાસ થવા લાગ્યો કે આપણી અને સિંધુ સંસ્કૃતિ સાથે રાજરમત રમાઈ રહી છે અને સમૃદ્ધ એવા સિંધ પ્રાંતને પાકિસ્તાન સરકાર તરફથી અન્યાય થઈ રહ્યો છે. ૧૯૬૭માં આ દબાયેલ ચિનગારી ભડકો બની. પાકિસ્તાન ( Pakistan ) સરકારે અહીંના નિવાસીઓ પર બળજબરીપૂર્વક ઉર્દૂ થોપી દીધી. જે અહીંના સિંધીઓને નામંજૂર હતું. પરિણામે ભારે વિરોધ થયો અને વિરોધમાં સિંધુ અસ્મિતાનો જન્મ થયો. ધીરે ધીરે સિંધીઓ ભાષા-સંસ્કૃતિના નામે સંગઠિત થવા લાગ્યા અને આ ચળવળમાં સિંધી મુસ્લિમો અને હિન્દુઓ પણ સામેલ થયા.
 

બાંગ્લાદેશ (Bangladesh ) ની આઝાદી બાદ અલગ સિંધુ દેશની માંગે જોર પકડ્યું

 
એક તરફ સિંધ પ્રાંતના લોકો અલગ સિંધૂ દેશને લઈ એક થઈ રહ્યા હતા, તે જ સમયમાં પૂર્વી પાકિસ્તાન (Pakistan) એટલે કે હાલનું બાંગ્લાદેશ (Bangladesh ) પણ સંસ્કૃતિ અને ભાષાના મુદ્દે પાકિસ્તાન સામે જંગે ચડ્યું હતું. પાકિસ્તાન સૈન્ય તેના જ દેશના એક ભાગ પર કહેર વર્તાવી કત્લેઆમ મચાવી રહી હતી, જેમાં ભારતે દખલ કરતાં ૧૯૭૨માં બાંગ્લાદેશ (Bangladesh ) ને આઝાદી મળી અને બંગાળીઓને પોતાનો અલગ દેશ મો. પૂર્વી બંગાળના સંઘર્ષમાંથી પ્રેરણા લઈ સિંધના રાજનેતા જી. એમ. સૈયદે ‘જિએ-સિંધ તહરીક’ નામનું સંગઠન બનાવી અને અલગ સિંધુ દેશનો નારો વહેતો કર્યો. જી. એમ. સૈયદ પાકિસ્તાનના પહેલા રાજનેતા હતા, જેઓએ ખુલ્લેઆમ સિંધ દેશની સ્વતંત્રતાની માંગણી કરી હતી, જેનું પરિણામ પણ તેમણે ભોગવવું પડ્યું. પાકિસ્તાન સરકારે તેઓને ૩૦ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખ્યા અને ૨૬ એપ્રિલ, ૧૯૯૫માં કરાચીમાં જેલમાં જ તેમનું મૃત્યુ થયું.

Pakistan Sindh prant_1&nb 
 
ગત ૧૭ જાન્યુઆરીના રોજ એ જ જી.એમ. સૈયદની ૧૧૭મી જયંતી હતી. એટલે તે દિવસે પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં (Pakistan's southern Sindh) સાન નામના વિસ્તારમાં અલગ સિંધુ દેશની માંગણી લઈ હજારો સિંધીઓ રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને વિશાળ રેલી યોજી હતી. રેલીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટપતિ જો બાઈડેન, ફ્રાન્સના રાષ્ટપતિ સાઉદી અરબના રાજકુમાર સલમાન અને પાકિસ્તાનમાંથી જ આઝાદ થયેલ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનાં પોસ્ટરો હતાં. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના કોઈ પ્રાંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પોસ્ટરો લાગ્યાં હોય તેવો આ પહેલો પ્રસંગ નથી. અગાઉ પણ બલૂચિસ્તાનમાં નરેન્દ્ર મોદી ( Narendra Modi ) નાં પોસ્ટર ( Narendra modi poster in Pakistan ) અને ભારતીય રાષ્ટધ્વજ સાથે બલૂચિસ્તાનને આઝાદ કરાવવા માટે મદદ માંગવામાં આવી હતી. તો બલૂચનેતા કરિમા બલોચે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ભાઈ ગણાવી બલૂચિસ્તાનને બાંગ્લાદેશની જેમ આઝાદી અપાવવાની અરજ કરી હતી. ત્યાં સુધી કે તેઓએ આઝાદ બલૂચિસ્તાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા લગાવડાવી અને ભારતના હિન્દુ શ્રદ્ધાળુઓને બલૂચિસ્તાન સ્થિત હિંગળાજ શક્તિપીઠનાં દર્શન માટે ફ્રીમાં વિઝા આપવાની વાત કરી હતી. જો કે એ કરિમા બલોચનું તાજેતરમાં જ કેનેડામાં રહસ્યમયી મૃત્યુ થયું છે, જેની શંકા પાકિસ્તાનની આઈએસઆઈ પર છે.
 

પાકિસ્તાન (Pakistan) માં સિંધીઓ પોતાને અસુરક્ષિત માને છે

 
સિંધીઓનો આરોપ છે કે પોતાને પાકિસ્તાનમાં અમારી સાંસ્કૃતિક ઓળખ સુરક્ષિત નથી અને પાકિસ્તાનને સિંધીઓ સાથે કોઈ જ લેવા-દેવા નથી. તેને તો માત્ર સિંધના પ્રાકૃતિક સંસાધનોને લૂંટવામાં જ રસ છે. અહીં એક વાત ઉલ્લેખવી રહી છે કે અલગ પાકિસ્તાન બન્યા બાદ અત્યાર સુધી સિંધનો એકમાત્ર રાજનૈતિક પરિવાર ભુટ્ટો પરિવાર પાકિસ્તાનની સત્તામાં આવી શક્યો છે. તે પરિવારમાંના ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પણ સૈન્ય દ્વારા ૧૯૭૯માં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા અને તેની પાછળ સૈન્ય શાસક જનરલ જિયા-ઉલ-હકનો હાથ હતો. ત્યાર બાદ તેમની પુત્રી બેનજીર ભુટ્ટોની પણ ૨૦૦૭માં સરેઆમ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પણ સૈન્ય શાસક જનરલ પરવેજ મુશરફનો હાથ હતો. આમ પાકિસ્તાન સૈન્યે ક્યારેય પણ પ્રધાનમંત્રી તરીકે પંજાબ પ્રાંત સિવાય અન્ય પ્રાંતના પ્રતિનિધિને સાંખ્યા નથી. જો લોકશાહીના જોરે કોઈ આ પદ પર આવી પણ ગયા છે તો તેમના હાલ ઝુલ્ફીકાર અને બેનજીર જેવા થયા છે.
અહીં એ વાત પણ ઉલ્લેખવી રહી કે ભુટ્ટો પરિવાર સત્તામાં આવતાં સિંધીઓને લાગ્યું હતું કે હવે પાકિસ્તાનમાં તેમને યોગ્ય સન્માન અને પ્રતિનિધિત્વ મળશે અને અલગ સિંધ દેશનું આંદોલન થોડા સમય માટે શમી ગયું, પરંતુ બેનજીર ભુટ્ટોની હત્યા બાદ આ ચિનગારી ફરી ભડકી છે.
 

સ્વતંત્ર સિંધૂ દેશ માટે આ સંગઠનો મેદાને પડ્યાં છે

 
સિંધુ દેશના સમર્થકોનો તર્ક છે કે સિંધુક્ષેત્ર સિંધુ ઘાટી સભ્યતાનું કેન્દ્ર રહ્યું છે. તે ક્યારેય પાકિસ્તાનનો ભાગ રહ્યું નથી. તેને તો અંગ્રેજો દ્વારા બળજબરીથી કબજે કરી લેવામાં આવ્યું હતું અને ૧૯૪૭માં અહીંના લોકો સાથે ચર્ચા કર્યા વગર જ માત્ર ધર્મનું બહાનું કરી પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યું હતું. અલગ સિંધૂ દેશ માટે અનેક સંગઠન અને પક્ષો પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે સક્રિય છે, જેમાં સિંધ કોમી મહાજ પાર્ટી, જિએ સિંધ મત્તાહિદા મહાજ, જિએ સિંધ સ્ટુડન્ટ ફેડરેશન, સિંધ નેશનલ મૂવમેન્ટ જેવા પક્ષો મુખ્ય છે.
 

પાકિસ્તાન અને આઈએસઆઈ (ISI) સિંધીઓ સાથે શું કરે છે ?

 
સિંધૂ દેશની માંગણીને કચડવા માટે પાકિસ્તાન, પાકિસ્તાની સૈન્ય અને આઈએસઆઈ ક્રૂરથી ક્રૂર અત્યાચારો કરી રહી છે. આઈએસઆઈ દ્વારા રાતોરાત સિંધનાં મોટાં માથાંઓનું અપહરણ કરી ગાયબ કરી દેવામાં આવે છે અને બાદમાં તેમની હત્યા કરી દેવામાં આવે છે. તેમની લાશો પણ તેમના પરિવારને સોંપવામાં આવતી નથી. અહીંના લોકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર અમારો અવાજ દબાવવા માટે અમારા પર અમાનુષી અત્યાચાર ગુજારે છે. સેના સિંધીઓની કત્લેઆમ મચાવે છે. અમારા માટે માનવ અધિકારો જેવો કોઈ શબ્દ જ નથી. ગમે તેને ગમે ત્યારે ગાયબ કરી મારી નાંખવામાં આવે છે. કોઈ વ્યક્તિ એકવાર ગાયબ થઈ જાય ત્યાર બાદ તેની લાશ પણ ઘરે પાછી આવતી નથી.
 
પાકિસ્તાન સરકાર સૈન્ય અને આઈએસઆઈના ત્રિકોણરૂપી કાળચક્રમાં ફસાયેલા સિંધીઓની ધીરજ હવે ખૂટી રહી છે અને રસ્તાઓ પર આક્રોશ રૂપે છાસવારે હજારોની સંખ્યામાં ભીડ ઊતરી આવી વિશ્ર્વ સમક્ષ પાકિસ્તાનથી આઝાદી અપાવવાની માંગ કરે છે. જો કે વિશ્ર્વ તરફથી આ અંગે હજી સુધી કોઈ પ્રતિભાવ સાંપડ્યો નથી, પરંતુ જે રીતે વિશ્ર્વના અનેક દેશોમાં ફેલાયેલા સિંધીઓ અલગ સિંધૂ દેશ અને સિંધીઓ પર પાકિસ્તાનના અત્યાચાર મુદ્દે એક થઈ રહ્યા છે તે જોતાં વિશ્ર્વ માટે લાંબા સમય સુધી આ મુદ્દાને નજરઅંદાજ કરવો સરળ નહીં હોય.