ધર્મ એટલે રિલિજિયન નહીં, તેને રિલિજિયન ગણવાથી મોટો ભ્રમ ઊભો થયો છે : મનમોહનજી વૈદ્ય

    ૦૧-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |
 
Shri Guruji Vyakhyanmala_
 
 

શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત મા. અ. ભા. સહ સરકાર્યવાહજીનું ઉદ્બોધન | Shri Guruji Vyakhyanmala | RSS Sah Sarkaryavah manmohan Vaidya

 
માધવ સ્મૃતિ ન્યાસ (Madhav Smruti Nyas), કર્ણાવતી (Karnavati) દ્વારા તારીખ ૧૯ અને ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમિયાન ‘ધર્મચક્ર પ્રવર્તનાય’ વિષય પર શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા (Shri Guruji Vyakhyanmala) નું આયોજન થયું હતું. દ્વિદિવસીય આ વ્યાખ્યાનમાળામાં રાષ્ટીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના અખિલ ભારતીય મા. સહ સરકાર્યવાહ મા. શ્રી મનમોહનજી વૈદ્ય (RSS Sah Sarkaryavah manmohan vaidya) નું ઉદ્બોધન યોજાયું હતું જેના અંશો અહીં પ્રસ્તુત છે...
 
શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા (Shri Guruji Vyakhyanmala) માં ઉદ્બોધન કરતાં મા. અ. ભા. સહ સરકાર્યવાહ (Sah Sarkaryavah) મનમોહનજી વૈદ્યે (manmohan vaidya) જણાવ્યું હતું કે, આ વ્યાખ્યાનમાળાની શરૂઆત કરાવનારમાં હું પણ એક હતો. પણ ક્યારેય વિચાર્યું નહોતું કે મારે તેમાં વક્તા તરીકે બોલવાનું આવશે. આજે તારીખ પ્રમાણે (૧૯ ફેબ્રુઆરી) ગુરુજીનો જન્મદિવસ છે અને આ વ્યાખ્યાનમાળાની શરૂઆત મા. ગો. વૈદ્યજી દ્વારા કરવામાં આવી હતી તેમના દેહાંતને પણ ૨ મહિના પૂર્ણ થયા છે. હું વક્તા નથી. જે વિચાર આવે છે તે બોલું છું, હું જે કહીશ તે સંઘનો મત પણ નથી, કારણ કે જ્યારે સંઘના ૪-૫ લોકો ભેગા મળીને કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે તે સંઘનો મત હોય છે. હું જે કહીશ તે નિષ્કર્ષ માટે નહીં હોય તે ફક્ત મારો વિચાર હશે. હું આ વ્યાખ્યાનમાળામાં જે વાત કરીશ તેનાથી જો કોઈ મંથન-વિચાર ઉદ્ભવશે તો તેનો ઉપયોગ થયો છે એમ હું માનીશ.
 
આ વ્યાખ્યાનમાળા (Shri Guruji Vyakhyanmala) માં હું બે શબ્દ પર બોલવાનો છું. આ બંને શબ્દોનો ભારતમાં સૌથી વધુ ગેરસમજપૂર્વક ઉપયોગ થાય છે. આને લઈ ખાસ કરીને ભારતના બૌદ્ધિક વર્ગમાં વિશેષ ભ્રમ છે. એક શબ્દ આપણો ભારતીય છે, જ્યારે બીજો શબ્દ ભારતીય નથી. એક શબ્દ ભારતનો પ્રાણ છે. જ્યારે બીજો ભારતમાં બિનજરૂરી છે. જે ભારતનો પ્રાણ છે તે ભારતમાં અત્યંત ઉપેક્ષિત છે. અને જે અભારતીય અને અનાવશ્યક છે તે ખૂબ સન્માનપૂર્વક પ્રતિષ્ઠિત છે. બંનેમાં સમાનતા એક જ છે. બંનેનું ભાષાંતર થઈ શકે તેમ નથી. જે શુદ્ધ ભારતીય શબ્દ છે તેનું અંગ્રેજી ભાષાંતર શક્ય નથી. અને જે અભારતીય છે તેનો કોઈ ભારતીય ભાષામાં અનુવાદ શક્ય નથી. તેમ છતાં તેનું અનુવાદ કરવાનો પ્રયત્ન થયો છે જેના કારણે ભણેલાગણેલા વર્ગમાં ખાસ કરીને અંગ્રેજી ભણેલા વર્ગમાં તેને લઈને ભ્રમ છે. બીજો શબ્દ છે સેક્યુલર, જેની સંવિધાન સભામાં ચર્ચા જ થઈ હતી, જે ભારતના પરિપ્રેક્ષ્યમાં જરૂરી ન હતો. પરંતુ આવી ગયો છે અને તેની ચર્ચા ખૂબ થઈ રહી છે. હાલમાં જ આપણા એક વિદ્યાર્થીએ IIMCમાં પ્રવેશ મેળવ્યો. એક દિવસ તે વિદ્યાર્થીએ મને કહ્યું કે અમને અમારા શિક્ષક બંધારણ શીખવાડી રહ્યા હતા. તેમણે ૪-૫ વાર કહ્યું કે ભારતનું જે બંધારણ છે તેમાં સુધારો કરવાની સુવિધા છે, પરંતુ તેનો મૂળભૂત આધાર ના બદલી શકાય. તો તે વિદ્યાર્થીએ તક મળતાં પૂછ્યું કે ૪૨મા સુધારામાં બળજબરીપૂર્વક સેક્યુલર શબ્દ નાખવામાં આવ્યો છે તેનું શું? તો તે ચૂપ થઈ ગયા. તેનો જવાબ તેમની પાસે ન હતો. હું અનેક લોકોને પૂછું છું કે શું તમે સેક્યુલર છો તો કેમ ? અને નહીં તો કેમ ? ત્યારે તેનો યોગ્ય જવાબ મને નથી મળતો.
 
બીજો જે શબ્દ છે આપણો છે તે ધર્મ (Dharma) છે. ધર્મ (Dharma) રિલિજિયન (Religion) નથી. તેને રિલિજિયન કહેવાના કારણે એક મોટો ભ્રમ ઊભો થયો છે. ધર્મ એ ‘ધર્મ’ છે. ભારતના નિર્માણ સમયે નિર્માણકર્તાઓના મનમાં તેનો અર્થ બહુ સ્પષ્ટ હતો. તેની ચર્ચા ક્યાંય નથી થઈ રહી. જેમ કે ભારતની લોકસભામાં પાછળ લખ્યું છે, ‘ધર્મચક્ર પ્રવર્તનાય’ આ કોણે લખ્યું, અંગ્રેજોએ ? નહીં સંઘ અને VHPએ ? નહીં, દેશના જે નિર્માતા હતા તેમણે લખ્યું હતું. રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ અને ‘રો’માં પણ ધર્મને લઈ અલગ અલગ સૂત્ર લખેલાં છે. આપણા રાષ્ટધ્વજ ત્રિરંગામાં જે ચક્ર છે તે ધર્મચક્ર છે. આટલી પ્રમુખ સંસ્થાઓમાં ધર્મ શબ્દ સન્માનપૂર્વક બેઠેલો છે. તેનું કંઈક તો કારણ હશે. ભારતીય જીવનમાં ધર્મ શબ્દનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. ધર્મ શુદ્ધ ભારતીય શબ્દ છે તેનું બીજી કોઈ ભાષામાં અનુવાદ શક્ય નથી. ધર્મને સમજવા માટે પહેલાં ભારતને સમજવું જરૂરી છે. ભારતની દુનિયામાં વિશેષતા, ભારતની જીવનદૃષ્ટિના કારણે છે. ભારતની બહાર દુનિયામાં ક્યાંય પણ અધ્યાત્મ આધારિત જીવનપદ્ધતિ નથી. આ અધ્યાત્મ આધારિત જીવનપદ્ધતિના કારણે ભારતની આગવી ઓળખ બની છે.
 

ભારતની દુનિયામાં ઓળખનાં ૪ મુખ્ય અંગ છે

 
(૧) બધા જ લોકો સમાન છે. આ ખૂબ મહત્ત્વની વાત છે. ૧૮૯૩માં શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું ધર્મસભામાં ભાષણ થયું હતું. જેમાં દુનિયાભરના ધર્મના લોકો આવ્યા હતા, જેમાં મોટાભાગના લોકો એ કહેવા આવ્યા હતા કે અમારો જ ધર્મ સત્ય છે. અમારા ધર્મને જે અનુસરે એ જ સ્વર્ગમાં જશે બાકી નર્કમાં જશે. તે લોકોને આ વાત જણાવવાનું કામ આપણે જ કરવાનું છે અને આ કામ બે જ રીતે થઈ શકે, તેમનું ધર્માંતરણ કરાવો અથવા મારી નાંખો. તેમાંથી કેટલાકને લાગ્યું કે આ મારી નાખવાનું કામ સારું નથી. તો તે લોકો સહિષ્ણુતાનો વિચાર લઈ આવ્યા . આ બધાની વચ્ચે સ્વામી વિવેકાનંદે કહ્યું કે અમે સહિષ્ણુતાની પાર છીએ અને હમેશાં સત્ય સ્વીકારીએ છીએ. અમારા મતે બધા માર્ગ સત્ય છે અને બધા માર્ગ પરથી એક સ્થાન પર પહોંચી શકાય છે. અને આ અમારી આધ્યાત્મિક જીવનપદ્ધતિના કારણે છે. સ્વામીજીએ કહ્યું હતું કે, હું એવા દેશમાંથી આવું છું જ્યાં અમારી ભાષા સંસ્કૃતમાં એક્સક્લુઝિવ નામનો કોઈ શબ્દ નથી, બધું ઇન્ક્લુઝિવ (સર્વસમાવેશક) છે. અમે સંપૂર્ણ માનવતાને સાથે લઈને ચાલીએ છીએ અને આ જ અમારી વિશેષતા છે.
 
(૨) બીજી વિશેષતાઓ છે કે, અનેકતામાં એકતા. વિવિધતામાં એકતા જોવી એ તે ભારતના અંતરમાં પડેલો ધર્મ છે તેવું ટાગોરજીએ કહ્યું છે. ભારત વિવિધતાને ભેદ નથી માનતો અને પારકાને દુશ્મન નથી માનતો. નવા માનવસમૂહના સંગાથથી ભયભીત થયા વગર તેમની વિશેષતાઓ ઓળખીને તેને યથાવત્ રાખીને તેમને સાથે રાખવાની ક્ષમતા ભારતમાં છે. આપણે હમેશાં સાંભળતા આવ્યા છીએ કે ભારત અલગ અલગ સંસ્કૃતિનું બનેલું છે તે સાચું નથી. સાચું એ છે કે વિવિધતાનો ઉત્સવ મનાવવાવાળી અમારી એક જ સંસ્કૃતિ છે તેમ ભારત માને છે.
 
(૩) ત્રીજી વિશેષતા એ છે કે સ્ત્રી અને પુરુષમાં સમાન રૂપથી દિવ્યતા છે તેમ ભારત માને છે અને મનુષ્યનું અંતિમ લક્ષ્ય આ દિવ્યતાને પ્રાપ્ત કરતાં મોક્ષપ્રાપ્તિનું છે. તેને પ્રાપ્ત કરવાના અનેક માર્ગ છે તેમ ભારત માને છે. ભારત બહાર તમે એક માર્ગને સ્વીકારો તો બીજા માર્ગને સ્વીકારી નથી શકતા. સ્વામીજીએ આગળ કહ્યું છે કે, કર્મયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ અને જ્ઞાનયોગ આ ચારમાંથી કોઈ પણ સ્વીકારીને મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરી શકાય છે. દરેક પોતાની પ્રકૃતિ અનુસાર આ ચારમાંથી કોઈ પણ એક સ્વીકારીને મુક્તિના માર્ગે આગળ વધી શકાય છે. એટલે તેને ધર્મ કહેવામાં આવ્યો છે અને આપણે ત્યાં કહેવામાં આવે છે કે, ધર્મ દરેકનો અલગ અલગ હોઈ શકે છે. આપણા ધર્મમાં કોઈ માતાજીના મંદિરે, કોઈ શિવજીના મંદિરે, કોઈ ગણેશજીના મંદિરે તો કોઈ કૃષ્ણના મંદિરે જાય છે. અહીં આ બધું જ સ્વીકાર્ય છે.
 
(૪) દરેકને પોતાની ઉપાસનાનો માર્ગ પસંદ કરવાની છૂટ છે. દરેકના ઘરે મંદિરમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિ હોય છે, અને જો કોઈ નવા ભગવાનની મૂર્તિ કે ફોટો લાવવામાં આવે તો તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે.
 
આ ચારેય વિશેષતાઓથી ભારતનું જે વ્યક્તિત્વ બન્યું છે તે ભારતમાં રહેનારા અનેક ભાષા બોલનાર, તમામ જાતિઓના નામથી ઓળખાનારા, અનેક દેવતાઓની ઉપાસના કરનારા, ભણેલા-અભણ, ગામડામાં રહેનારા, શહેરમાં રહેનારા, પહાડ પર રહેનારા તમામ લોકો તેને પોતાનો માને છે. આ વ્યક્તિત્વને દુનિયાના લોકો હિન્દુત્વના નામથી ઓળખે છે, પરંતુ કોઈને હિન્દુત્વ નામ નથી માન્ય તો અન્ય નામથી, ભારતીય, સનાતન કહે છે. આમ એક સત્યને અનેક નામથી બોલાવી શકાય છે. ભારતની આ પહેલી વિશેષતા રહી છે.
 
રવીન્દ્રનાથ ટાગોરે પોતાના પુસ્તક સ્વદેશી સમાજમાં લખ્યું છે કે, કલ્યાણકારી રાજ્ય એ ભારતની પરંપરા નથી. રાજ્ય સર્વોપરી છે તે બહારની કલ્પ્ના છે, તે પશ્ર્ચિમનો વિચાર છે. જે સમાજ પોતાની જરૂરિયાત માટે રાજ્ય પર ઓછામાં ઓછો નિર્ભર હોય તે સ્વદેશી સમાજ હોય છે. આ વાત પર જ વિનોબા ભાવેએ કહ્યું છે કે ગુલામ હતા ત્યાં સુધી જ સ્વરાજ્યનું મહત્ત્વ હતું. હવે સ્વરાજ આવી ગયું છે ત્યારે લોકશક્તિ જગાડવાનો સમય છે. રક્ષા અને વિદેશ જેવા વિષય રાજ્ય પાસે રહેતા અને બાકી માટે સમાજની પોતાની વ્યવસ્થા હતી તે ભારતની પરંપરા રહી છે.
 
મનમોહનજીએ ધ સ્ટારફિશ એન્ડ સ્પાઇડર ((The starfish and the spider)) પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કરોળિયાને અનેક પગ હોય છે. ૨-૪ પગ તૂટવાથી તેને કંઈ ફેર પડતો નથી. પરંતુ તેનું માથું કચડી નાખવાથી તે મરી જાય છે, પરંતુ સ્ટાર ફિશના મામલે તેવું નથી હોતું. તેના અંગો અલગ અલગ જગ્યાએ હોય છે તેથી તેને સરળતાથી મારી નથી શકાતી. ૧૬મી શતાબ્દીમાં સ્પેનથી લોકો પોતાનાં ખાનગી લશ્કર લઈ લેટિન અમેરિકાના દેશોમાં જમીન પર કબજો કરવા નીકળી પડ્યા. જ્યાં અલગ અલગ આદિવાસીઓની સત્તા હતી તેઓએ તેમના વડાને મારી જમીન કબજે કરી, પરંતુ એપેચી નામના રાજ્યમાં વડાને માર્યા પછી ૨૦૦ વર્ષ સુધી તેમનો વિરોધ થયો અને સ્પેનિશ લોકોએ પાછા જવું પડ્યું, કારણ કે તે રાજ્યની સત્તા એક જગ્યાએ ન હતી અલગ અલગ જગ્યાએ હતી તેથી તેમને પાછા જવું પડ્યું, એક સ્તંભ પર ઊભેલ તંબુ પડી જાય છે, પરંતુ અલગ અલગ સ્તંભ પર ઊભેલા તંબુ હલે છે જરૂર, પરંતુ પડતા નથી. ભારતની રચના પણ તેવી જ હતી તે ભારતની વિશેષતા છે. સમાજને આપણે ત્યાં રાષ્ટ કહેવામાં આવ્યો છે. રાજ્ય અલગ છે. અહીંયાં રાજા પરાજિત થયા છે પરંતુ રાષ્ટ પરાજિત નથી થતું. સમાજનું રાજ્ય સિવાય સ્વતંત્ર અસ્તિત્વ છે તે ભારતની વિશેષતા છે. બંનેનો પરસ્પર સંબંધ છે. આવું રાષ્ટ અનેક વર્ષોના પરિશ્રમ બાદ બને છે. તેમાં અનેક પેઢીઓ લાગી જાય છે.
 
પશ્ર્ચિમના દેશોમાં આપત્તિના સમયમાં વ્યવસ્થા સરકાર કરે છે. જ્યારે ભારતમાં એટલી જ માત્રામાં સમાજ પણ સક્રિય થાય છે. કોરોનાના સમયમાં ચેપ લાગવાનો ડર હોવા છતાં પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો સક્રિય હતા. ૪.૫ લાખ જેટલા સ્વયંસેવકોએ સમગ્ર ભારતમાં સક્રિયતા બતાવી હતી. અનેક કોરોના વોરિયરે જીવ પણ ગુમાવ્યો. જોકે બીજી તરફ સમાજના જે લોકોને કંઈ મળવાનું ન હતું તેમણે પણ મોટા પાયે ભાગ લીધો હતો. આ ભારતની વિશેષતા છે. ભારતની બહાર આવું નથી થયું અને ભારતની બહાર કેટલાક દેશોમાં જે સમાજની સક્રિયતા જોવા મળી તે પણ ભારતથી ગયેલા ભારતીયો જ હતા તે ભારતની વિશેષતા છે.
 

ધર્મ એ રિલિજિયન નથી

 
ધર્મ (Dharm) શું છે? ધર્મ રિલિજિયન (Religion) નથી, શૃંગારનું સાધન પણ નથી. મંદિરમાં જવું, તિલક લગાવવું, જળ ચઢાવવામાં આવે તે ઉપાસના છે. ઉપાસના ધર્મ માટે છે, તો ધર્મ શું છે, આંખો ખોલો, પોતાને નાના કરો અને આપણો વિસ્તાર મોટો કરો. જે પોતાના નથી અને પોતાના લાગવા લાગે તે ધર્મ છે. આ વિસ્તાર પોતે, પરિવાર અને કુટુંબ સુધી તો સરળ છે, પરંતુ હુંથી આપણામાં પરિવાર અને કુટુંબ પ્રથમ પગથિયું છે. ત્યારબાદ પાડોશી અને ગામ આવે છે. આ મારા રાજ્યના લોકો છે, મારા દેશના લોકો છે, સંપૂર્ણ માનવતા છે, અને સૃષ્ટિ સુધી તેનો વિસ્તાર વધતો જાય છે. અને તેની અનુભૂતિ થાય તે વાસ્તવમાં મોક્ષપ્રાપ્તિ છે. તુકારામ મહારાજ કહે છે કે, વૃક્ષો, વેલ અને જંગલનાં જાનવર મારાં સગાં હોય તેમ લાગે છે. સંત નામદેવ જમવા બેઠા હતા ત્યારે એક કૂતરું આવ્યું અને રોટલી લઈ તે ભાગવા લાગ્યું. ત્યારે તે તેની પાછળ દોડ્યા પથ્થર લઈને નહીં પરંતુ ઘીનો કટોરો લઈ, કેમ કે તે સૂકી રોટલી હતી તેનાથી તેને તકલીફ ના પડે તેવી વાર્તા છે. પોતાને નાના કરીને આપણો વિસ્તાર વધારવો અને સમાજને પોતાનો માની ચાલવું તે ધર્મ છે અને તે મુખ્ય વાત છે. એટલા માટે પોતાનું મકાન બને તે પોતાનું છે અને લોકો માટે બને તે ધર્મશાળા છે. ધર્મની વિશેષતા એ છે કે તે કોઈની સાથે ભેદભાવ નથી કરતો. ધર્મ બધાને એકબીજાની સાથે જોડે છે. ધર્મશાળામાં જગ્યા મળશે, ભૂખ્યા છો તો ખાવાનું મળશે, ત્યાં ભેદભાવ નથી.
 
ભગિની નિવેદિતાએ કહ્યું છે કે, એ સમાજ જે પોતાના પરિશ્રમનું ફળ પોતાની પાસે ન રાખી, સમાજને પાછું આપે છે તેવો સમાજ સમૃદ્ધ સમાજ બને છે અને આ ધર્મની વાત છે. અને જ્યારે સમાજ સુખી-સંપન્ન બને છે ત્યારે સમાજનો દરેક વ્યક્તિ સમૃદ્ધ બને છે. આગળ તે કહે છે કે, જે સમાજમાં લોકો પરિશ્રમનું ફળ પોતાની પાસે રાખે છે અને સમાજને નથી આપતા તેવા સમાજમાં કેટલાક લોકો જ સુખી થાય છે, પરંતુ સમાજ ગરીબ રહે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે અંગ્રેજ અહીંયાં વેપાર કરવા આવ્યા ત્યારે દિલ્હીના બાદશાહની એકની એક દીકરી બહુ બીમાર થઈ હતી. અનેક ઇલાજ પછી પણ તે સાજી ના થઈ. ત્યારે કોઈએ અંગ્રેજ ડૉક્ટરને બોલાવવા કહ્યું. ડૉ. હેમિલ્ટન નામના ડૉક્ટર આવ્યા. તેમણે દવા આપી અને તે સાજી થઈ ગઈ. તેમને બાદશાહે ફીનું પૂછ્યું તો તેમણે કહ્યું, મારા દેશના લોકો જે વેપાર કરવા આવ્યા છે તેમને જમીન ખરીદવાનો અને લશ્કર રાખવાનો અધિકાર આપો. આમ પોતાનો પરિશ્રમ સમાજને આપવાની વાત છે ત્યારે સમાજ આગળ વધે છે.
મનમોહનજીએ અમૃતલાલ વેગડ નામના લેખકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેઓ સારા ચિત્રકાર હતા. તેઓ શાંતિનિકેતનમાં નંદલાલ બોઝ નામના જગવિખ્યાત ચિત્રકાર પાસે ચિત્રકલા શીખવા ગયા. ૫ વર્ષ સુધી ત્યાં રહ્યા અને શીખ્યા, ત્યાર બાદ તે પરત ફર્યા ત્યારે નંદલાલજીના પગે લાગ્યા ત્યારે નંદલાલજીના જે શબ્દો હતા તે બહુ મહત્ત્વના હતા, ‘બેટા, તારું જીવન સફળ ના થાય’ સફળ થનારની દુનિયામાં કોઈ કમી નથી, તેમના નામ રોજ અખબારોમાં આવે છે. પછી કહ્યું કે તું તારું જીવન સાર્થક કરજે. સાર્થકતાનો અર્થ સમજાવતાં કહ્યું કે, સમાજથી આપણને ઘણું મળે છે, પરંતુ સમાજ તરફથી જે મળે છે તેને પરત કરવાનો પ્રયત્ન કરજે. આ જીવનને સાર્થક કરવાનો પ્રયત્ન છે. આ ધર્મ છે. સમાજને પોતાનો માની સમાજને આપવું, જેની પાસે જે છે તે આપે.
 
એક સંઘગીતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, દેશ હમેં દેતા હૈ સબ કુછ, હમ ભી તો કુછ દેના સીખે. જે અભણ છે તેને ભણાવો. જે ચૂપ છે તેને વાણી આપો. એક મરાઠી કવિતામાં લખ્યું છે કે, જેનાં બગીચામાં ફૂલ ઊગે છે તેમણે અન્યને બે ફૂલ આપવાં જોઈએ. જેમના કંઠમાં સ્વર છે તેમણે ૨ ગીત ગાવાં જોઈએ. સૂર્યકુળ સાથે સંબંધ છે તેમણે અજવાળું આપવું જોઈએ.
જ્યારે ધર્મચક્રની વાત થાય છે ત્યારે ધર્મચક્ર ફરવા માટે હોય છે. ૧૯૮૮માં જ્યારે સતત ૩ વર્ષ સુધી દુષ્કાળ હતો ત્યારે સુખડી બનાવીને મોકલવાનું ચલણ હતું અને હું વડોદરામાં પ્રચારક હતો. જેટલી સુખડી આવે તે પેક કરી રાખતા હતા. એક ભિખારી જેવી વૃદ્ધ મહિલા ત્યાં આવી. તે મહિલાએ કહ્યું, સુખડી. તો ત્યાં હાજર કાર્યકર્તાઓએ કહ્યું કે આ અહીં માટે નથી, સૌરાષ્ટ મોકલવા માટે છે, તો તેણે સાડીમાંથી થોડી સુખડી કાઢી અને કહ્યું કે આ આપવા આવી છું. તેને જે મળ્યું તેમાંથી બનાવીને તેણે આપ્યું .
 
અમદાવાદનાં એક બહેન દર મહિને માતાજીનાં દર્શન માટે અંબાજી જાય છે. તેમના પરિવારને કાપડનો વેપાર છે. તે ગબ્બર ચડતાં હતાં ત્યારે ધ્યાનમાં આવ્યું કે અનેક બાળકો ત્યાં ભીખ માંગે છે. તેમણે તેમના પરિવારજનોને મળી તેઓને ભણાવવા કહ્યું અને ફીસ આપવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આ લોકો ભીખ માંગી લાવે છે ત્યારે ઘરનો ચૂલો સળગે છે. જો ભણાવવા મોકલીશું તો ખાઈશું શું? તો આ બહેન આજે ૫૦ પરિવારોને દર મહિને જરૂરી અનાજ સીધું પૂરું પાડે છે. અને તે પરિવારના બાળકોને સ્કૂલમાં મૂકી આપ્યાં છે. સ્કૂલ દૂર છે તો સ્કૂલ-બસની પણ વ્યવસ્થા કરી આપી છે. મંદિરમાં આવવું તે ઉપાસનાનો ભાગ હોઈ શકે, પરંતુ સમાજસેવા તે પણ ધર્મ છે.
 
મને લાતૂરમાં એક ડોક્ટર લહાણે મળ્યા જે પ્લાસ્ટિક સર્જન છે. તે મુંબઈથી લાતૂર ગયા ત્યારે તેમના મિત્રોએ કહ્યું હતું કે તું મૂર્ખ છે, મુંબઈ છોડી ત્યાં કેમ જાય છે ? તો તેમણે કહ્યું કે હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં લોકો પાસે મુંબઈ સુધી આવવાના પૈસા નથી. તેઓ અનેક ઓપરેશન મફતમાં કરે છે, જેથી ગરીબ તેમની સેવાનો લાભ લઈ શકે. બાકીના દર્દીઓ પાસેથી તેમનું કામ ચાલી જાય છે. સમાજને આપવાના કારણે સામાજિક મૂડી વધે છે તેનો ઉલ્લેખ ભગિની નિવેદિતાએ કર્યો છે. ધર્મમાં લોકો દરેક રીતે સહાયતા કરી શકે છે. બાકી દેશોમાં વેલ્ફેર છે. આપણે ત્યાં ધર્મ છે.
 
આપણે ત્યાં સેક્યુલરિઝમ આવવાના કારણે અને તેનો અર્થ ધર્મનિરપેક્ષ કરવાના કારણે ધર્મની ક્યાંય ચર્ચા નથી થઈ રહી. ધર્મ બધાને જોડનાર અને સાથે રાખનાર છે, ધર્મ સંતુલન છે. ધર્મનો ઉદૃેશ્ય સમાજને સમૃદ્ધ બનાવવાનો છે, રાજ્ય પર તેની આત્મનિર્ભરતા ઓછી કરવાનો છે. પોતાની નવી વ્યવસ્થા ઊભી કરવી સંઘનો તેવો જ પ્રયોગ છે.