12 માર્ચ - દાંડીકૂચ Dandi Kuch કરવાની જરૂર કેમ પડી હતી ?

    ૧૨-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

dandi kuch_1  H
 
 

12 માર્ચ - દાંડીકૂચ દિન | Dandi Kuch | Dandi Yatra

 
સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવપૂર્ણ ગાથામાં ‘દાંડીકૂચ’ ( Dandi Kuch ) ની ઐતિહાસિક લડતનું આગવું મહત્ત્વ અને યશસ્વી સ્થાન છે. રાષ્ટ્રપિતા ગાંધીજી ( Gandhiji ) ના નેતૃત્વ હેઠળ લડાયેલી અનેક સ્વાતંત્ર્ય લડતો પૈકીની એક અતિ ભવ્ય લડત 1930ની દાંડીકૂચ ( Dandi Kuch ) પદયાત્રા (Padyatra) હતી. મીઠાના અન્યાયી કરની સામે શરૂ કરાયેલી આ લડત પાછળ ભારતની સમગ્ર પ્રજાએ તેનું હીર અને ખમીર ન્યોચ્છાવર કર્યું હતું. મીઠાના સત્યાગ્રહ (Solt March – Namak Satyagraha ) નામે વિશ્ર્વમાં ખ્યાતિ પામેલી આ અહિંસક લડતમાં ભાગ લઈ રહેલી પ્રજાનું ખમીરવંતું સત્ત્વ કે ‘મીઠું’ પ્રગટ થયું હતું. બ્રિટિશ સલ્તનતના જુલ્મી શાસનના પાયાને હચમચાવી નાખનારી અને અત્યંત પડકારરૂપ સિદ્ધ થયેલી આ લડતે તો ભારત સહિત સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. દાંડીકૂચ ( Dandi Kuch ) ના આયોજક અને પ્રણેતા પૂ. ગાંધીજી (Gandhiji) એ તો દાંડીકૂચ ( Dandi Kuch ) ને ‘પવિત્ર યાત્રા’ તરીકે ઓળખાવી હતી, પરંતુ સ્વરાજની લડતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલી આ લડત બ્રિટિશ શાસન માટે અંતિમ ક્રાંતિકારી સંગ્રામના પ્રારંભ સમી પુરવાર થઈ હતી.
 
ભારતનો આઝાદીનો ઇતિહાસ ઘણી ગૌરવપૂર્ણ સત્યાગ્રહની કથાઓથી સમૃદ્ધ છે. ભારતના આઝાદી જંગમાં ગુજરાત (Gujarat) નો ફાળો અમૂલ્ય રહ્યો છે. તેમાં દાંડીકૂચ તો સ્વરાજ યાત્રાના પ્રતીક સમી બની રહી હતી. અજોડ અને અભૂતપૂર્વ ઐતિહાસિક દાંડીકૂચ ( Dandi Kuch ) અહિંસક ધર્મયુદ્ધનો એક જ્વલંત સીમાસ્તંભ છે. બ્રિટિશ સલ્તનત સામે સત્ય અને અહિંસાના સિદ્ધાંત પર મંડાયેલી, સત્યાગ્રહની લડતોના મેરૂ રૂપ દાંડીકૂચે તો સંપૂર્ણ ભારત ઉપરાંત સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચ્યું હતું. મીઠા પરના કર સામે શરૂ થયેલી આ સ્વરાજ્યની લડત પાછળ ભારતની સમગ્ર જનતા હતી. તેમાં લોકોના દિલનો ધડકાર સંભળાતો હતો.
 
 

dandi kuch_1  H 

 

તા. 12મી માર્ચ, 1930થી તા. 5મી એપ્રિલ, 1930 | Dandi Kuch | Dandi Yatra

 
ભારતની આઝાદીની લડતોના ઇતિહાસમાં 1930નું મહાત્માજીની દાંડીકૂચ ( Dandi Kuch ) નું વર્ષ એક સીમાચિહ્ન સમું છે. તે પહેલાં, સંપૂર્ણ સ્વરાજપ્રાપ્તિ માટેની લડતો થઈ, પરંતુ દેશનું હીર પ્રગટ કરે અને બ્રિટિશ સરકારનાં મૂળિયાં હચમચાવી નાખે તેવી લડત તો ‘મીઠા સત્યાગ્રહ’થી જ થઈ ! એ માટે ગાંધીજી ( Gandhiji ) એ પોતાના 81 સાથીઓ સાથે અમદાવાદ (Amadavad) ના સાબરમતી આશ્રમ ( Sabarmati Ashram ) થી જૂના સુરત જિલ્લાના જલાલપુર તાલુકામાં દરિયાકિનારે આવેલા દાંડી (Dandi) ગામ સુધી, પગપાળા 245 માઈલનો પ્રવાસ કર્યો અને ત્યાં દરિયાકાંઠેથી કુદરતી ચપટી મીઠું ઉઠાવી, બ્રિટીશ સરકારના કાયદાનો સવિનય ભંગ કર્યો અને તે પછી, ધરાસણાનું જે અપૂર્વ અહિંસક આંદોલન થયું તેનો આપણા દેશના ઇતિહાસમાં જોટો જડવો મુશ્કેલ છે.
 
આજે આ વાતને 90 વર્ષ વીત્યાં, છતાં તેમાં ભાગ લેનારા અને એ લડતને નજરે જોનારાની યાદમાં એનાં પ્રેરક સ્મરણો જડાઈ ગયેલાં છે. મૂઠી મીઠું ઉઠાવીને એક પ્રબળતમ સત્તાને ડગમગાવવાની વાત, તે જમાનાના શાણા ગણાતા લોકોને હાસ્યાસ્પદ લાગતી હતી; ત્યારે દાંડીકૂચે માત્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ભારે હલચલ મચાવી દીધી હતી. પ્રજામાં અનેરું ચૈતન્ય પ્રગટ્યું હતું અને બ્રિટીશ સરકારનાં ગાત્રો શિથિલ થઈ ગયાં હતાં !
 
મીઠાના અગરો ઉપર સવિનય સત્યાગ્રહનો હલ્લો લઈ જવાની યોજના વિચારવામાં આવી. તે માટે એક સત્યાગ્રહ કાઉન્સિલની પણ રચના કરવામાં આવી. વાઇસરાયને ગાંધીજી (Gandhiji) આખરીનામું મોકલે, તેનો સહાનુભૂતિભર્યો જવાબ ન મળે તો, માર્ચમાં લડત આપવાનો નિર્ણય લેવાયો. બીજે દિવસે અમદાવાદ (Amdavad) ની સાબરમતીની રેતીના પટમાં સરદાર, રાજાજી, ડા. સત્યપાલ, રાજેન્દ્રપ્રસાદ, સરદાર શાર્દૂલસિંહ, ડા. પટ્ટાભી સીતારામૈયા, ડા. ચોઈથરામ ગીદવાણી, પંડિત જવાહરલાલ, કોન્ડા વેંકટપૈયા, ગંગાધરરાવ દેશપાંડે જેવા સમર્થ અગ્રણીઓનાં પ્રેરક ઉદ્બોધનો થયાં અને એ રીતે સ્વરાજ લડતનો ઝંડો લહેરાવાયો. ગાંધીજી (Gandhiji ) એ વાઇસરાયને મોકલવાનું આખરીનામું ઘડવા માંડ્યું. બીજીતરફ મીઠાના અગરોની તપાસ કરવા માણસો મોકલવામાં આવ્યા. 81 આશ્રમવાસીઓએ લડતમાં જોડાવવા માટે તેમના નામો નોંધાવ્યાં. દેશના અનેક પ્રાંતોમાંથી દાંડીકૂચ માં જોડાવા માટે લોકોએ ગાંધીજીને પત્ર લખ્યાં.
‘મારો જન્મ અન્યાયી બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે.’ એમ કહતી વેળાએ ‘ભલે કાગડાને અને કૂતરાને મોતે મરવું પડે... પણ સ્વરાજ્ય લીધા વિના સાબરમતી આશ્રમમાંપગ મૂકવાનો નથી!’ દાંડીકૂચ ( Dandi Kuch ) ના પ્રારંભમાં ગાંધીજીની આ ભીષ્મ-પ્રતિજ્ઞા અદ્ભૂત-પ્રેરક બની રહી !
 
મીઠાની એક ચપટી ભરતાં એ યુગપુરુષે ધીરગંભીર વાણી ઉચ્ચારી હતી કે, ‘બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આમ કરીને લૂણો લગાડું છું !’
 
1930ના એપ્રિલની તા. છઠ્ઠી તારીખે ઉચ્ચારાયેલી આ એ પ્રભાતવાણી, 1947માં આગસ્ટની 15મી તારીખે સાચી ભવિષ્યવાણી નીવડી, એ જગતે જોયું. આથી જ છઠ્ઠી એપ્રિલ પ્રતિવર્ષ - ‘દાંડીયાત્રા દિન’ તરીકે ઊજવી, સ્વરાજકારણી પૂજ્ય ગાંધીજીને કૃતજ્ઞ દેશવાસીઓ શ્રદ્ધાંજલિ અર્પે છે !