મઝા આવી રહી છે, કારણ શ્ર્વાસમાં એક પ્રાસ સંભળાય છે. દુરના આકાશમાં તારાઓએ જ્યારથી એકીટશે મારી સામે જોવાનું શરૂ કર્યું છે ત્યારથી મને જીવન એક ઉત્સવ જેવું લાગે છે. કેલેન્ડરનું લાલ પાનું મારા દિવસને ઉત્સવ બનાવે એટલું બધું કાગળાધીન જીવન નથી એટલે મઝા આવે છે. કોયલ કશુંક ગાય છે ત્યારે તાળો મેળવવા માટે કેલેન્ડરમાં વસંતપંચમી છે એવું જાતને કે નાતને જણાવું છું, બાકી વસંતપંચમી એ કોઈ તિથિનું કાળસરનામું નથી, એ તો કોયલ અને કાળજાનો માત્રામેળ છે. હવે એના ચાળા આંબાની મંજરી પાડે તો છૂટ છે. પ્રશ્ર્ન એ છે કે ઉત્સવ એટલે શું ? ઉત્સવ એ પ્રસંગ નથી, કારણ પ્રસંગમાં વ્યક્તિગત ઉજવણી હોય છે, પ્રસંગમાં આનંદ અને ઉત્સવ બન્નેનાં લક્ષણ હોય છે પણ એની ગલી સાંકડી થવાની શક્યતા છે. ઉત્સવમાં ઈશ્ર્વરનો સંકેત હોય છે, સમાજ સામેલ થતો હોય છે. કૃષ્ણજન્મમાં બધા જાગે છે, નવરાત્રીમાં બધા નાચે છે. આ એક સકારાત્મક સામાજિકતાની ચેતનામયી ઊર્જા છે. પણ એ દરવાજો છે, ઘર નથી. એ ભણક છે, ભાળ છે, પણ અસલ જ્યોતિ તો જીવન પોતે જ છે જ્યારે આપણે શ્ર્વાસના અજવાળામાં કશુંક જોઈ શકીએ છીએ. જેને ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, આ રીતે જુએ છે એ જ સાચું જોઈ શકે છે. આવી રીત જીવનને જોવાની રીત એટલે જીવનની પ્રત્યેક ક્ષણમાં ઉત્સવને ભરી દે તેવી ઊર્જાની ઉપાસના કરવાની, કોક અલૌકિક રાગનો રિયાઝ કરવાનો.
કેવી રીતે કરી શકાય ? પાંચ ઉપાય છે, પંચ પ્રાણની મારી આ ફૉર્મ્યુલા છે. મનુષ્યજીવન મળ્યું છે એનાથી મોટો કયો ઉત્સવ હોઈ શકે ? ઉત્સવનો પ્રાણ ઉત્સાહ છે, તો ઉત્સવ તો આ ઊજવવાનો છે. મનુષ્યજીવન મળ્યું, ભેંસ ના બન્યા અને કીડી ના બન્યા પણ અલૌકિક મનુષ્યજીવન મળ્યું. વળી, આ લેખ સુધી આવી શકો તેવી જિજ્ઞાસા અને બુદ્ધિ આપી. આનંદને શોધી લે તેવાં ચર્મચક્ષુ અને અંતર્ચક્ષુ આપ્યાં છે. આવડો મોટો કોવિડ-૧૯ આવીને ગયો, તમને ના થયો અથવા થયો તો મટી ગયો. વાહ આ જ ચમત્કાર અને આ જ કૃપા.. આ ઉત્સવનો સંકેત છે. તમારું અસ્તિત્વ એ એક ચમત્કાર છે એવી રીતે જુઓ.
સૂક્ષ્મતાથી જોતાં જ ઉત્સવની રેખાઓ દેખાશે. પ્રથમ ઉપાય છે એ આ સ્વ-ઓળખ અને અસ્તિત્વના આનંદનો ઉત્સવ કરવાની જાગૃતિ.
બીજો ઉપાય છે, સકારાત્મકતા. નેગેટિવ લોકો બહુ છે અને નેગેટિવ વૃત્તિઓનાં ઘોડાપૂર છે ત્યારે સકારાત્મકતા તમને અલગ મૂકી આપે છે. પોઝિટિવિટી એક મોટો ઝાંપો છે, જ્યાંથી તમે તમારા એક મહાલયમાં પ્રવેશો છો. ઈશ્ર્વરે આ જગત મારા માટે કેવું સરસ સર્જ્યું છે, કોઈ માણસ મને દગો કરે છે તો પણ મને અંદરથી તો આભારનો ભાવ ઊભો થાય છે કારણ ઈશ્ર્વરે જ મારા મનોધૈર્ય માટે અનેક ગોઠવણો કરી છે.
મને ગીતાનો દશમો અધ્યાય ગમે છે, વિભૂતિયોગ મારા ઉત્સવપણાનું ખાતર છે. હું ચારે બાજું ઈશ્ર્વરને જોઈ શકું, શ્રેષ્ઠતાની શોધ કરું એ મારી ઉત્સવપ્રિયતાનો ત્રીજો પડાવ છે. જગતનું જે શ્રેષ્ઠ છે એ મારા ભગવાનની અભિવ્યક્તિ છે, પણ ઉત્સવ ત્યારે પ્રગટે છે જ્યારે મને એવો અહેસાસ થાય છે કે હું પણ એ જ ઈશ્ર્વરની અભિવ્યક્તિ છું. એમ કરીને હું ગુલાબ સાથે મારો સંબંધ જોડું છું, સમુદ્ર આ કારણથી જ મારી સાથે વાત કરે છે અને હિમાલયમાં સમાધિમાં બેઠેલા કોઈ સંત લાગે છે. માગશર મહિનાની પ્રફુલ્લિત સવાર અને ઋગ્વેદની સંહિતા એકસાથે ખૂલે છે અને એટલે જ વ્યાસની કવિતા મારી પ્રજ્ઞાના પરિઘમાં મહેકી ઊઠે છે.
નરસિંહ મહેતાનો હું વંશજ છું એના કારણે ગુજરાતી ભાષા એ માત્ર ભાષા નથી એ મારા રક્તસંચારનો લય છે. પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર.. મને પ્રેમપંથનો પથિક બનાવે છે, જે પ્રેમ કરે એને પ્રેમ કરું છું, એ મારી મીરાંસમજ છે. આ આમ ગણવા જઈએ તો મારી ઉત્સવ-ઊર્જાની ચોથી દિશા છે પણ બીજી રીતે તો આ જ જીવનનો પ્રાણ છે. લૉજિકમાં નીતિ અને નિષ્ઠા છે તો પ્રેમાઈ જવામાં પરમાનુભૂતિની પરાકાષ્ઠા છે. આ અનુકવન નથી, આ અનુભાવન છે.
છેલ્લે, ઉત્સવની અલૌકિકતા શબ્દમાં ન પકડાય તેવી છે એટલે ખાલી સંકેત આપીને છોડી દઉં છું. આ જીવનનો ઉત્સવ એટલે મેળો જ નહીં, એનાથી વિશેષ ઘણું છે. એ તીર્થયાત્રા નથી, એ અંતર્યાત્રા છે, મેં એક કવિતામાં લખેલું, ‘મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશુંક, મારા સિવાય મને ગમતું..’ આ ‘મને’ અકબંધ રાખીને મારાપણાને ઓળંગવાની યાત્રા એ ઉત્સવિત મનનો મુકામ છે. આ મારા પંચપ્રાણ છે.
જીવન એક ઉત્સવ છે એ વિધાન છે તેટલું જ વિજ્ઞાન છે. એ અધ્યાત્મ છે તેટલો જ અનુભવ છે. ‘ઉત્સવપ્રિયા: ખલુ મનુષ્યા:’ને સમજવાની આ મથામણ છે. મેળામાં મ્હાલતાં મ્હાલતાં સ્વ-ના મહાસાગરમાંથી મહામૂલાં મોતી પામવાનાં છે. ચાલો, ઊજવીએ પ્રત્યેક ક્ષણને અને શ્ર્વાસને અને બની જઈએ એક ઉત્સવગીત... શાશ્ર્વત શબ્દનું અનોખું ગીત...