વિશ્ર્વની અંતરીક્ષ યાત્રામાં ભારતની નિર્ણાયક ભૂમિકા

    ૧૩-માર્ચ-૨૦૨૧   
કુલ દૃશ્યો |

isro_1  H x W:
 
 
વિજ્ઞાન દિવસે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ( Indian Space Research Organisation - ISRO ) એ બ્રાઝિલના એક ઉપરાંત અન્ય ૧૮ સેટેલાઈટ ( Satellite ) લોન્ચ કર્યા. એ સાથે ભારત નવા સિમાચિહ્નો સાથે ૩૪ દેશોના ૩૪૨ ઉપગ્રહો છોડનારો ગૌરવવંતો દેશ બન્યો.
 
આ લોંચિંગથી ઈસરો પોતાના સેટેલાઈટ સેન્ટરને પ્રાઈવેટ કંપનીઓ માટે ખોલી રહ્યું છે. સેટેલાઈટ ( Satellite ) લોંચિંગને કોમર્શિયલ બનાવવા ‘અંતરિક્ષ કોર્પોરેશન’ અને ‘ધ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ’ ( The new space india limited ) ની સ્થાપના કરી. બ્રાઝિલનો પ્રથમ સેટેલાઈટ એમેઝોનિયા - ૧ NSIL ( Brazil satellite ) ના ટૂંકા નામે ઓળખાતી આ ભારતીય કંપની દ્વારા જ લોંચ થયો છે. પ્રથમ વખત કોઈ પ્રાઈવેટ કંપની કે એકેડેમીના લોકો બેંગલુરુ સ્થિત યુઆર રાવ સેટેલાઈટ સેંટરમાં પોતાના સેટેલાઈટની તપાસ કરાવશે. ઈસરોએ હાલ ફક્ત બે સેટેલાઈટ માટે અનુમતિ આપી છે.
 
એમેઝોનના જંગલોમાં થતાં વૃક્ષોના નિકંદન પર આ સેટેલાઈટ મારફતે નજર અને કૃષિ વિકાસ માટે એગ્રિકલ્ચર એનાલિસિસ પણ થશે. આ લોંચિંગની સાથે ભારત-બ્રાઝિલના સંબંધો અંતરિક્ષની ઉંચાઈએ પહોંચશે. ભારતે કોરોના વેક્સિન બ્રાઝિલ મોકલીને તેની સંબંધ જાળવવાની સમતા યે સ્પષ્ટ કરેલ છે.
 
ઈસરો માટે આ સેટેલાઈટ ‘સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા’એ વિકસિત કર્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાની ઈલેકટ્રોનિક કોપી અંતરિક્ષમાં મોકલી શ્રી ભગવાનના ઉદ્ગારોને માત્ર એક પ્લેનેટ (પૃથ્વી) પર ન રોકતાં, સૌર મંડળમાં મોકલી ભવિષ્યમાં માનવતા માટે કે વૈકુંઠવાસીઓને અંતરીક્ષમાં વિચરતા કર્મ, જ્ઞાન, ભક્તિનો સંદેશ હાથવગો રહે તે જ ઉદ્દેશ્ય હોઈ શકે. જ્ઞાન અને વિજ્ઞાનને જોડીને નવતર પ્રયોગો કરનાર આ સંસ્થાએ હાઈસ્કૂલ/કોલેજના સાયન્સના વિદ્યાર્થીઓએ બનાવેલો સેટેલાઈટ લોંચ કર્યો. સૌથી નાનો અને ઓછા વજન - માત્ર એક કીલો અને ૨૬ ગ્રામનો સેટેલાઈટ - ક્લાસમેટ હતો. ‘આ સંસ્થામાં ભારતના ભવિષ્યના વિજ્ઞાનીઓ પેદા થઈ રહ્યાં છે.’ એવો નાસાના અગ્રણીઓનો ઉદ્ગાર આ ક્ષેત્રે ભારતના ઉજળા ભાવીનો સંકેત આપે છે.
 
કોરોનાના કપરાં કાળમાં ય ઈસરો (ISRO) નું આ ત્રીજુ સફળ મિશન છે. લોક-ડાઉન ( Lockdown ) દરમિયાન ઈસરોનું કાર્ય ‘ડાઉન’ નહોતું થયું. નવેમ્બર - ૨૦૨૦માં તેણે ભારતના અર્થ ઓબઝર્વેશન સેટેલાઈટ (EOS) -૧ અને તેની સાથે અમેરિકા અને લેક્સમબર્ગ સહિત નવ વિદેશી સેટેલાઈટ્સનું લોંચિંગ કર્યું. સ્પેસ સાયન્ટિસ્ટોએ પૃથ્વીથી ૨૦૦૦ કિલોમીટર સુધીના અંતરમાં આવતા દુશ્મનોના સેટેલાઈટ અંતરિક્ષમાં જ તોડી પાડવાની અભૂતપૂર્વ ક્ષમતા યે હાંસલ કરી. ભારતે અમેરિકા, બ્રિટન, જર્મની, કેનેડા, સિંગાપોર, નેધરલેન્ડ, જાપાન, મલેશિયા અને ફ્રાંસ સાથે વિવિધ કોન્ટ્રાક્ટ દ્વારા અંતરિક્ષ ક્ષેત્રને વધુ મજબુત કર્યું.
 
મંગળ અભિયાનની સફળતાએ સમગ્ર વિશ્ર્વમાં ડંકા વગાડ્યા, જળ, જમીન, વાયુ અને હવે પછી અવકાશ ક્ષેત્રે ય ભારતનો દબદબો. આજે ઓછા ખર્ચમાં વધુ મિશનો પાર પાડવાની વિશેષતાને કારણે દુનિયાના દેશો ભારત પર આધાર રાખે છે. સેટેલાઈટ બ્રહ્માંડની જાણકારી સહિત માનવજીવનની નાનામાં નાની બાબતોમાં ઉપયોગી બને છે. નક્ષત્રો, ગ્રહો, ઉલ્કાપિંડની માહિતી, મોસમ સંબંધિત જાણકારી, ભવિષ્યવાણી, અન્ય દેશનાં ઉપગ્રહોની માહિતી ઉપરાંત રોજીંદા જીવનમાં ઉપયોગી GPS નેવિગેશન, ટીવી, ચેનલ, DTH , ઇન્ટરનેટ, ફોન કોલ અને કોમ્યુનિકેશન સંદર્ભે સૌથી વધુ ઉપયોગી, સાગરિય અધ્યયનમાં ભારત અગ્રહરોળમાં. નવા-નવા પ્રયોગોથી ભારત હવે સ્પેસ સાયન્સમાં આત્મનિર્ભર બન્યું છે.
 
અમેરિકન સંસ્થા નાસાનો અવિરત સહયોગ, અનેક મિશનો સંયુક્ત ધોરણે કાર્યરત. ચંદ્રયાન જેવા ભારતીય મિશનોને નાસાએ જાહેરમાં બિરદાવ્યુ તો તાજેતરમાં મંગળ પર લોન્ચ થયેલ પર્સિવરન્સ રોવરમાં ભારતીય મૂળનાં અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતિ મોહનની ભાગીદારી ય રહી. નાસા-ઇસરો સિંથેટિક એપર્ચર રડાર - નિસાર નામનો ઉપગ્રહ ૨૦૨૨માં લોન્ચ થનાર છે. જેનાં દ્વારા ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, જળવાયું પરિવર્તન અને ભૂ-સ્ખલન જેવી બાબતોનું અધ્યયન કરીને તેના ઉપાયો માટે આ ઉપગ્રહ ઉપયોગી બનશે.
 
પરમાણુ ઘડિયાલ, ચંદ્રયાન-૩, મંગળયાન-૨, બુધ અને શુક્ર જેવા ગ્રહો પરના ઈસરોના આગામી મીશનો આવનાર વર્ષોની પ્રગતિના લક્ષ્યાંક છે.