વારસામાં સંપત્તિ કરતા સંસ્કાર આપો

    ૩૦-માર્ચ-૨૦૨૧   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
જોને ધ્રુવ ડગે, અને મેરુ ડગે, ડગે અરણવનાં ય ઉર,
પણ નર-નારી જોને નહીં ડગે, ભલે પશ્ર્ચિમ ઊગે સૂર.
 
ચેલૈયાના હાલરડાં થકી આપણે આતિથ્યનો અજવાસ જાણીએ અને માણીએ છીએ. સગાળશાના ઘરે અઘોરી અતિથિ જ્યારે કુમળા માંસની માંગણી કરે છે અને પુત્ર ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે. લોકો ચેલૈયાને ચેતવે છે કે તારાં માતા-પિતા તારો ભોગ ધરાવવા માગે છે, માટે ભાગી નીકળ. ત્યારે સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ભાગું તો મારી ભોમકા લાજે..!
 
કહેવાય છે કે દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો, જ્યાં એનું ભવ્ય સન્માન થયું. જ્યારે જમવાનો સમય થયો અને સૌને અન્ન પીરસાયું ત્યારે કર્ણની થાળીમાં સુવર્ણના ટુકડા જ પીરસાયા. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતાં જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હમેંશા માત્ર સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ તેને સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળત. કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકના કળિયુગમાં, વણિકના ખોળિયે શેઠ સગાળશા રૂપે જન્મ ધારણ કરે છે.
 
મારી ચાખડીના ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને
 
સૌરાષ્ટ એટલે સદાવ્રતનું સરનામું. કથા જાણીતી છે પણ સંવેદના અજાણી છે. વારસામાં સંપત્તિ કરતા સંસ્કાર આપો. આપનારો ગમે તેટલું આપે છતાં જો એમ માને કે હજી એણે કંઈ આપ્યું નથી ત્યારે એનું દાન સફળ કહેવાય. લેનાર થોડું મળે છતાં એમ માને કે એણે ઘણું મેળવ્યું છે ત્યારે એનું લેવું સફળ ગણાય છે.
 
મને એક કથાકારે ચિઠ્ઠી લખી કે બધા કહે છે કે વંદે ગુરુ પરંપરાને આપ પ્રવાહી પરંપરા કેમ કહો છો ? ગુરુ ક્યારેય જડ ન હોય, એ તો પ્રવાહમાન હોય એટલે ચરૈવેતિ ચરૈવેતિ એનો જીવનમંત્ર હોય છે. ગુરુ ગંગા હોય, સાગર થોડા હોય ? એ દરેક જગ્યાએ દરેક લોકોને પરિપ્લાવિત કરે છે. શિવ અને સદ્ગુરુ હંમેશા કલ્યાણકારી હોય છે.
 
તુલસીની આંખોએ મહાદેવનું દર્શન નીરખવા જેવું છે. કેવા શોભિત છે ! શાંત રસે જાણે વિગ્રહ ધારણ કર્યો છે. તુલસીએ શબ્દ પ્રયોજ્યો છે કામરિપુ - કામના શત્રુ. જેમણે જગતમાં ક્યાંય પણ શત્રુ દેખાય એ ક્યારેય શિવ થઈ શકે ? રામેશ્ર્વરના કેટલા અર્થો આપણે કરી શકીએ છીએ ! રામના ઈશ્ર્વર એ રામેશ્ર્વર. રામ જેવા ઈશ્ર્વર એ રામેશ્ર્વર. વિરંચીએ કહી દીધું છે કે હે ઉમા, જ્યારે મેં દેવસભામાં પિતામહના પ્રસ્તાવ પર મારો મત પ્રદર્શિત કર્યો કે હરિ ક્યાં મળશે ત્યારે એમણે કહ્યું હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હો હિ મૈં જાના. પિતામહ પરમાત્મા તો સર્વત્ર સમાન સ્વરૂપે વ્યાપ્ત છે. જો એમને પ્રગટ કરવા જ હોય તો સ્થળાંતર કે ભાષાંતરની ક્યાં જરૂર ? માત્ર ભાવાંતરની જરૂર છે. આ વચનો સાંભળી પિતામહે કહ્યું સાધુ તો શિવ છે, શિવ જો બ્રહ્મવાક્યમાં સાધુ છે, તો સાધુને કોઈ શત્રુ હોઈ શકે ? ત્યાં સાધુતાનું સ્ખલન નથી થતું ? નેટવર્કવાળા લોકો સાધુ ન બની શકે. બદલો લેવાની ભાવના શરૂ થાય ત્યાંથી સાધુતા ખત્મ થાય છે. બુદ્ધપુરુષ ભુશુન્ડીએ રાવણને પણ અવતાર કહ્યો છે. રાવણમાં અનેક ગુણો હતા પણ એક અવગુણે એને મારી નાખ્યો. બુદ્ધ અને બુદ્ધુ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. બુદ્ધુ ક ઘૂંટે ત્યારે બુદ્ધ બાવન બહારનો શબ્દ બોલે છે.
 
વર્ષો પહેલાં મને લોકો કહેતા કે તમે તો કથા સંગીતમય કરી નાખી અરે મારા વહાલા, સ્વયં શિવ અને પાર્વતી કથામાં ગાતાં ત્યારે ગણેશ મૃદંગ લઈને આવતા હતા. ઘરમાં જ આખું કૈલાસ સંગીત વિદ્યાલય હતું. શાસ્ત્રે કોઈ પણ સ્વરૂપે છેવાડાના માણસ સુધી જવું જોઈએ. રામ વ્યાધ, ગીધ, ગજાદિને તારી શકતા હોય તો એક કથાકાર તરીકે મારે વંચિતો પાસે જવું જ જોઈએ. તો જ મારો રામ રાજી થાય. મારો રામ ગરીબનવાજ છે. તમારે અમીર બનવું હોય તો ગરીબ પાસે જાવ...
આલેખન : હરદ્વાર ગોસ્વામી [email protected]