‘દેવભૂમિ દ્વારકા’ નો ઇતિહાસ જાણવા જેવો છે । Devbhumi Dwarka History ( Devbhumi Dwarka )

    ૦૧-એપ્રિલ-૨૦૨૧   
કુલ દૃશ્યો |

Devbhumi Dwarka_1 &n
 
 
 
Devbhumi Dwarka history in Gujarati | સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારિકાને વિશ્ર્વના અદ્ભુત સ્થળનું સન્માન ગુજરાતનું સનાતન ગૌરવ ‘દેવભૂમિ દ્વારકા’
 
Devbhumi Dwarka | ધરતી પર કૃષ્ણ ભગવાનના નિવાસસ્થાન તરીકે દ્વારકાધીશ મંદિર પ્રસિદ્ધ છે. અહીં ચાંદીના સિંહાસન પર ભગવાન કૃષ્ણનું ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે. તેમના હાથમાં શંખ, ગદા, ચક્ર અને કમળ જોવા મળે છે. અહીં તેમનાં ચરણોનાં નિશાન પણ છે.

Devbhumi Dwarka | શ્રીકૃષ્ણ પોતાના યાદવ કુળ સાથે મથુરાથી પલાયન કરી ૫૦૦૦ વર્ષ પૂર્વે અહીં આવ્યા અને દ્વારકાની સ્થાપના કરી હતી. દ્વારકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના ચાર ધામમાંથી એક છે. વળી આ સ્થાન પવિત્ર સપ્તપુરીમાંથી પણ એક છે. અહીં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનો મહેલ હરિગૃહ હતો ત્યાં આજે દ્વારકાધીશ મંદિર બનેલું છે.

Devbhumi Dwarka | સમુદ્રથી ઘેરાયેલું દ્વારકા મંદિરનું સૌંદર્ય અદભુત છે. મંદિર સુધી પહોંચતાં સમુદ્રનાં મોજાં પ્રભુના ચરણ પખાળતા હોય તેમ જણાય છે. આ મંદિરનું નિર્માણ પણ ખાસ રીતે કરવામાં આવ્યું છે. અહીં ઉત્તરમાં મોક્ષદ્વાર અને દક્ષિણમાં સ્વર્ગદ્વાર છે. મંદિરના શિખર પર લહેરાતી બહુરંગી ધ્વજા મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે.

Devbhumi Dwarka | અહીં પંચતીર્થ છે જ્યાં કૂવાના જળથી સ્નાન કરવાની પરંપરા છે. આ ઉપરાંત દ્વારકા નજીક નાગેશ્વર શિવમંદિર, બેટ દ્વારકા, રુક્ષ્મણી મંદિર, ગોમતી ઘાટ, રણછોડજી મંદિર, જ્ઞાન કુંડ, દામોદર કુંડ, સૂર્યનારાયણ મંદિર જેવાં અનેક પવિત્ર સ્થળ આવેલાં છે.
 

Devbhumi Dwarka_1 &n 
દેવભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka ) ના પ્રસિદ્ધ જગત મંદિરને યુએસએ ન્યૂજર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ અમેઝિંગ પ્લેસ એટલે કે વિશ્ર્વના સૌથી અદ્ભુત સ્થળનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આવો, જાણીએ વિશ્ર્વભરમાં વસતા સનાતનીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવભૂમિ દ્વારકાના નિજમંદિરના ભવ્યાતિભવ્ય ઇતિહાસ વિશે...
 
ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની અને તેમના જીવનના ઉત્તરાર્ધના ઇતિહાસ સાથે વિશ્ર્વવિખ્યાત દ્વારકા ( Dwarka ) સંકળાયેલું છે. પવિત્ર ગોમતી નદીના તીરે વસેલું પશ્ર્ચિમ ભારતનું તીર્થધામ દ્વારકા દેશનાં ચાર યાત્રાધામ, સાત પવિત્ર પુરીઓ અને ૬૮ તીર્થો પૈકીનું એક તીર્થ મનાય છે.
 
પશ્ર્ચિમે ઘૂઘવતો અરબી સમુદ્ર, પવિત્ર ગોમતીતટ અને ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલાં અનેક મંદિરો, દ્વાદશ જ્યોતિર્લિંગમાં ગણાતું નાગેશ્ર્વર મંદિર, શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલું ગોપી તળાવ અને શ્રીકૃષ્ણના નિવાસસ્થાન બેટ શંખોદ્ધાર સહિતનાં રમણીય સ્થળો પર્યટકો અને યાત્રાળુઓને આહ્લાદક અને સાત્ત્વિક આનંદનો અનુભવ કરાવે છે.
 
પ્રાચીન કાળમાં આનર્તો, કુશ પુણ્યજનો અને યાદવોની ભૂમિ કુશ:સ્થલી, દ્વારવતી, ઉષામંડળ અને ઓખામંડળ તરીકે ક્રમશ: ઓળખાતી આવી છે.
 
પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જે દ્વારકાધીશ ( Dwarkadhish ) રણછોડરાયના મંદિર તરીકે ઓળખાય છે. પુરાતત્ત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું છે. એક તાર્કિક અંદાજ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે ઈ.સ. પૂર્વે ૧૪૦૦ની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી, જેમાં પછીથી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. ઈ.સ. ૮૦૦માં જગતગુરુ શંકરાચાર્યે મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો હોવાનું મનાય છે. ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા સમુદ્રમાં હતી, તે પછી બીજી પાંચ દ્વારકા ક્રમશ: નિર્માણ થઈ... ડૂબી અને હાલની દ્વારકા સાતમી છે તેવું મનાય છે. પુરાતત્ત્વ વિભાગ દ્વારા સમુદ્રમાં ડૂબેલાં કેટલાંક બાંધકામો તાજેતરમાં મળી આવતાં પ્રાચીન કથનોને પુષ્ટિ મળે છે.
 

ઐતિહાસિક માન્યતાઓ

 
આ મંદિરમાં બિરાજમાન રાજવી શ્રીકૃષ્ણની મૂર્તિ અંગે અનેક મંતવ્યો અને મતમતાંતરો પ્રવર્તે છે.
મંદિર અને મૂર્તિ માટે વિવિધ મતો, તર્કો, અનુમાનો, હકીકતો અને તથ્યોથી મિશ્રિત તવારીખની ઝલક અહીંના ઇતિહાસમાં વાંચવા મળે છે. દ્વારકા સાથે ગુગળી બ્રાહ્મણો, અબોટી બ્રાહ્મણો, વાઘેરો, મુસ્લિમ આક્રમણકારો, તુર્કો અને વિવિધ રાજવી કુળોના ઇતિહાસ સંકળાયેલા છે.
 

અર્વાચીન દ્વારકા | Devbhumi Dwarka

 
આજની દ્વારકા નગરી ( Devbhumi Dwarka Nagari ) અર્વાચીનતા અને પ્રાચીનતાના સંગમ સમી બની છે. શહેરમાં જ રૂક્ષ્મણી મંદિર, ગીતા મંદિર, ભદ્રકાળી મંદિર, સંગમઘાટ, ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવ, સિદ્ધેશ્ર્વર મહાદેવ, રામધૂન સંકીર્તન મંદિર, બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલય સંચાલિત આર્ટ ગેલેરી, સ્વામીનારાયણ મંદિર, કબીર આશ્રમ, કાનદાસ બાપુનો આશ્રમ, રૂપેણબંદર, મહાપ્રભુજીની બેઠક, પંચનંદ તીર્થ, બ્રહ્મકુંડ, કૈલાસકુંડ, સાવિત્રીવાવ, ગોમતીઘાટ, સનસેટ પોઇન્ટ, રામવાડી વિવિધ પ્રાચીન મંદિરો અને જોવાલાયક સ્થળો દ્વારકામાં આવેલાં છે.
 
દ્વારકા ( Dwarka ) ની આજુબાજુમાં બેટ શંખોદ્ધાર, નાગેશ્ર્વર, ગોપીતળાવ જેવાં ધાર્મિક તેમજ ટાટા કેમિકલ્સ, મીઠાપુર, રૂપેણ બંદર, લાંબાબંદર તેમજ ઓખાબંદર જેવાં વિકાસકેન્દ્રો પણ છે.
 

Devbhumi Dwarka_1 &n 
 

મુખ્ય મંદિર સંકુલ

 
સમુદ્રસપાટીથી ૭૦ ફૂટ ઊંચાઈએ આવેલા મુખ્ય મંદિરનું સૌથી ઊંચું શિખર મેદાન સપાટીથી ૧૧૦ ફૂટ ઊંચાઈએ આવેલું છે. મુખ્ય મંદિરના સંકુલમાં બીજાં ૨૦ મંદિરો આવેલાં છે. મંદિરના ઉત્તર તરફના દરવાજાને મોક્ષદ્વાર અને ૫૬ પગથિયાંવાળા દક્ષિણ દરવાજાને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે.
 

શારદાપીઠ ( Sharadapith )

 
પૂ. જગદગુરુ આદ્ય શંકરાચાર્યજીએ આઠમી સદીના અંત અને નવમી સદીના આરંભ કાળે દ્વારકા અને શારદાપીઠની સ્થાપના કરી, જે આદ્ય શંકરાચાર્યજીના ચાર પૈકીનો એક મઠ ગણાય છે. અહીં પરંપરાગત ગાદીપતિની પ્રણાલી છે. તદ્અનુસાર, હાલમાં ૭૮મા શંકરાચાર્યજી બિરાજમાન છે. શારદાપીઠ સંચાલિત ભોજનાલય, સંસ્કૃત અકાદમી, આર્ટ્સ કૉલેજ, સંસ્કૃત વિદ્યાપીઠ, વિદ્યા સુશોભન મંદિર વગેરે કેળવણીનું કામ કરે છે. આ સંસ્થાના પુસ્તકાલયમાં તામ્રપત્ર પર લખાયેલા આધ્યાત્મિક ગ્રંથો પણ છે.
 

પવિત્ર મંદિરો | Dwarka Temples

 
મુખ્ય મંદિરના સંકુલમાં ત્રિવિક્રમરાય, માધવરાય, રાધાકૃષ્ણ દેવકીજી, બળદેવજી, ગુરુ દત્તાત્રેય, શ્રી પુરુષોત્તમરાયજી, કલ્યાણરાયજી, દુર્વાસા ઋષિ, જાંબુલક્ષ્મીજી, લક્ષ્મીનારાયણ, સત્યભામાજી, સરસ્વતીજી, લક્ષ્મીજી, શારદાપીઠ મંદિરના શિખર પર માતાજી, મોક્ષદ્વાર પાસે કુશોધર મહાદેવ, ગાયત્રી માતાજી, કોલવા ભગત, ગરુડજી, સત્યનારાયણ ભગવાન, નવગ્રહ વગેરે મંદિરો આવેલાં છે. ગોમતીઘાટે ગોમતી માતાજી, પરસોતમજી અને મહાપ્રભુજીની બેઠક ઉપરાંત શિવ અને દેવીમંદિરો આવેલાં છે. ગોમતીજીના સામા તટે પંચનંદ તીર્થ આવેલું છે, જ્યાં પાંચ કૂવાઓમાં પીવાનું પાણી મળી રહે છે, જેની સાથે ભગવાન શ્રીકૃષ્ણે હાથનાં પાંચ આંગળાંથી જળ ઉત્પન્ન કર્યું હતું તેવી દંતકથા છે.
 

માહિતી-સહ-પ્રદર્શન કેન્દ્ર, દ્વારકા

 
દ્વારકામાં રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા યાત્રાળુઓને ખૂબ જ ઉપયોગી બને તેવું અને ગૌરવવંતા ગુજરાત રાજ્યની સચિત્ર ઝાંખી કરાવતું માહિતી સહ-પ્રદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાંથી સમગ્ર ગુજરાત રાજ્યનાં જોવાલાયક સ્થળો, યાત્રાધામો, શિલ્પ સ્થાપત્ય, સંસ્કૃતિ, લોકકલા અને ભાતીગળ પહેરવેશ, વિકાસ, ઉદ્યોગ, શિક્ષણ, ખેતી, સિંચાઈ, મહાપુરુષો તથા ઇતિહાસને સાંકળી લેતું આકર્ષક તસવીર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ કેન્દ્રમાંથી યાત્રાળુઓને ઉપયોગી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કેન્દ્રનો લાભ મોટી સંખ્યામાં યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ તથા પ્રજાજનો લઈ રહ્યા છે. દ્વારકા માટે આ એક નવું જોવાલાયક સ્થળ બની રહ્યું.
 

Devbhumi Dwarka_1 &n 
 

શ્રી સ્વામિનારાયણ મંદિર | Swaminarayan temple dwarka

 
દ્વારકાની મધ્યમાં આવેલું સ્વામિનારાયણ મંદિર ( Swaminarayan temple dwarka ) પણ એક જોવાલાયક અને દર્શન કરવાલાયક સ્થળ છે. કમલાકાર આકૃતિનું આ ભવ્ય મંદિર દ્વારકાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે.
 

યાત્રાળુઓ માટે સુવિધાઓ

 
દ્વારકા ખાતે શારદાપીઠ, સ્વામિ-નારાયણ મંદિર તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ, આશ્રમો વગેરેમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની સવલતો પ્રસંગોપાત્ત ઊભી કરવામાં આવે છે. તે ઉપરાંત, વ્યવસાયી આરામગૃહો, હોટલો, ધર્મશાળાઓ, સરકારી આરામગૃહ, પંચાયત સંચાલિત આરામગૃહ તથા પ્રવાસન નિગમ સંચાલિત હોટલ તોરણમાં પણ નિયત દરે જમવાની સગવડ થઈ શકે છે.
 

થોડી વધુ માહિતી | આ રીતે પહોંચો

 
- દ્વારકાનું સૌથી નજીકનું હવાઈમથક જામનગર છે.
- દ્વારકા જામનગરથી ૧૩૨ કિ.મી.ના અંતરે આવેલું છે.
- બસ માર્ગ દ્વારા (એસ.ટી.) અને લકઝરી બસ પણ અહીં જવા સરળતાથી મળી રહે છે.
- આ ઉપરાંત રેલમાર્ગે પણ દ્વારકા જઈ શકાય છે.