Gudi Padwa | ગુડી પડવો : સૃષ્ટિના સર્જન અને સમાજના સંગઠકની જન્મતિથિ

    13-Apr-2021
કુલ દૃશ્યો |

gudi padwo_1  H 


 
તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૧, ચૈત્ર સુદ એકમ - ગુડી પડવો ( Gudi Padwa )- વર્ષ પ્રતિપદા દિન ( Varsh Pratipada ) નિમિત્તે વિશેષ
ચૈત્ર સુદ એકમ એટલે ગુડીપડવો ( Gudi Padwa ), વર્ષ પ્રતિપદા ( Varsh Pratipada ) અને સૃષ્ટિની જન્મતિથિ. યુગાબ્દ (યુધિષ્ઠિર સંવત) ૫૧૨૨ની પૂર્ણાતિ અને ૫૧૨૩નો મંગળ પ્રારંભ. હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસનું અનેરું મહત્ત્વ છે. આ દિવસ હિન્દુ કાલગણના, હિન્દુ વિરાસત અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. ઉપરાંત આ પાવન દિવસે રાષ્ટીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક મા. શ્રી ડો. કેશવરામ બલિરામ હેડગેવાર ( Keshav Baliram Hedgewar ) ની જન્મતિથિ પણ છે. આ નિમિત્તે ગુડીપડવાનું મહત્ત્વ અને ડો. હેડગેવારજીનું જીવનકવન પ્રસ્તુત છે...
 
ભારતીય સંસ્કૃતિ ( Indian Culture )પર્વપ્રધાન છે. દેશના દરેક ક્ષેત્ર પ્રદેશનાં પરંપરાગત પર્વો અને તેનું આધ્યાત્મિક માહાત્મ્ય વિવિધ હોય છે. ગુડી પડવો મહારાષ્ટ્રીયન લોકોનું પર્વ છે. તેઓ આ પર્વને નૂતન વર્ષ તરીકે મનાવે છે. ગુડી પડવા ( Gudi Padwa ) નું ધાર્મિક મહત્ત્વ પણ છે. કહેવાય છે કે આ દિવસે જ સૃષ્ટિનો જન્મ થયો હતો, તેથી બ્રહ્માજીનું પૂજન-અર્ચન કરીને મહારાષ્ટ્રીયન લોકો તેમની આગવી પરંપરાગત શૈલીમાં આ તહેવાર મનાવે છે.
 
બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો. આ વાતનું પ્રમાણ અથર્વવેદ અને શતપથ બ્રાહ્મણમાં પણ જોવા મળે છે. આ જ દિવસથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે. એક લોકમાન્યતા એવી પણ છે કે આજના દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો અને માલવાના નરેશ વિક્રમાદિત્યે શકોને પરાજિત કરીને વિજય મેળવ્યો હતો, તેથી મરાઠી લોકો ગુડીને (લાકડીને) એક વિજયધ્વજના રૂપે શણગારીને ઘરની બહાર રાખે છે.
 
આજના દિવસે જ ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આધ્યાત્મિક ષ્ટિએ પણ અનેક મહત્ત્વની ઘટનાઓએ આજના દિવસે આકાર લીધો હોવાથી પણ આ દિવસનું વિશેષ માહાત્મ્ય છે. આ દિવસ વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છ ઉત્સવોમાંનો એક ઉત્સવ એટલે વર્ષ પ્રતિપ્રદા. આ જ દિવસે સંઘના આદ્યસંસ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારજી (ડોક્ટર સાહેબ) (Keshav Baliram Hedgewar) નો જન્મ થયો. સંઘમાં વર્ષપ્રતિપ્રદાની ઉત્સાહથી ઉજવણી થાય છે.
 

ગુડી પડવા ( Gudi Padwa )ની ઉજવણી

 
મરાઠી લોકો ગુડી પડવાને દિવસે સવારે ભગવાનની પૂજા કરીને ગુડીને સુંદર નવી સાડી પહેરાવીને સજાવે છે. તેના પર ઊલટો કળશ રાખે છે અને પછી ગુડી પર લીમડાની ડાળખી, ફૂલનો હાર અને હારડો પહેરાવે છે. ગુડીનું પૂજન, આરતી કરીને ગુડીને ઘરની બહાર આંગણામાં અથવા ઘરની બાલ્કનીમાં રાખે છે અને સૂર્યાસ્ત થતાં ઉતારી લે છે.
 

ગુડી પડવા ( Gudi Padwa )નું પ્રતીકાત્મક મૂલ્ય

 
મુંબઈ સમાચારમાં મનાલી પરબ ગુડી પડવા ( Gudi Padwa )નું મૂલ્ય સમજાવતાં લખે છે કે, આપણી ભારતીય સંસ્કૃતિનું ઊજળું પાસું એ છે કે દરેક પર્વ પાછળનો ઉદ્દેશ જીવનને સુખદ ભવિષ્ય તરફ લઈ જવાનો હોય છે. પર્વ પાછળનાં વિધિવિધાન અને કર્મકાંડનું પ્રતીકાત્મક મૂલ્ય સમજવામાં આવે તો પર્વની ઉજવણી વધુ અર્થપૂર્ણ રીતે કરી શકાય. ગુડી પડવાનું પણ એક પ્રતીકાત્મક મૂલ્ય છે. ગુડી જે સુંદર સાડીમાં લપેટીને રાખવામાં આવે છે તે વિજયનું પ્રતીક છે. ભૂતકાળમાં થયેલી હાર, ઉદાસીનતાને ત્યજીને નૂતન વર્ષમાં વિજયની કામના સાથે આગળ વધવાની પ્રેરણા ગુડી આપે છે. ગુડીને લીમડાની ડાળખી અને હારડો અર્પણ કરવામાં આવે છે. લીમડાનાં પાન કડવાં હોય છે ત્યારે આ કડવાં પાન નકારાત્મક આવેગોનું પ્રતીક છે. મનમાંથી વેરઝેર, દ્વેષને દૂર કરીને હારડા જેવા મીઠા મધુરા બનવાની પ્રેરણા પણ ગુડી પડવામાંથી લેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે `યુગ' અને `આદિ' શબ્દોની સંધિથી `યુગાદિ' શબ્દ બને છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તેને `ઉગાદિ' કહે છે. એટલે કે આ પર્વ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઉગાદિ તરીકે અને મહારાષ્ટ્રમાં `ગુડી પડવા' તરીકે ઊજવાય છે.
 

વર્ષ પ્રતિપદા ( Varsh Pratipada )

 
પ્રભુ રામચંદ્રજીએ ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન અત્યાચારી રાવણનો નાશ કર્યો; લંકાનું રાજ્ય રાજા વિભીષણને સોંપી અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. ચૈત્ર સુદ એકમને દિવસે રાજધાની અયોધ્યામાં મંગળ પ્રવેશ કર્યો. વહાલા રામના આગમન પ્રસંગે લોકોએ ઉત્સાહથી આખું નગર ધ્વજા-તોરણોથી શણગાર્યું અને પ્રભુ રામચંદ્રજીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. વ્યક્તિ રામચંદ્રજી કરતાં પણ રાષ્ટ્રપુરુષ રામચંદ્રજીનું આ સ્વાગત હતું. રાષ્ટ્રની ભાવનાને અને માન્યતાને રામચંદ્રજીએ પોતાના પરાક્રમ દ્વારા નવચેતન આપ્યાનું સ્મરણ આજે આપણે કરીએ છીએ.
 
દુષ્ટ શકોએ સંપૂર્ણ ભારતવર્ષમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ભારતીય સંસ્કૃતિનો એક યા બીજી રીતે ઉચ્છેદ કરવા માંડ્યો ત્યારે એક શાલિવાહન જાગ્યા. એમની સાથે લાખો હિન્દુ યુવકો જાગ્યા, સ્વપરાક્રમથી શકોનો પરાભવ કરી આ હિન્દુ દેશમાં પુન: સ્વરાજ્યની સ્થાપના કરી, દેશને સ્વતંત્ર બનાવ્યો.
 
માટીના ઢેફા જેવા બનેલા હિન્દુ સમાજમાં સ્વાભિમાન અને સ્વત્વનો સંચાર કરી, શત્રુનું માથું ભાંગી નાખે એવો પરાક્રમી સમાજ બનાવ્યો. તેથી જ એમ કહેવાય છે કે, શાલિવાહને માટીમાંથી મર્દો સર્જ્યા.
 
ચૈત્ર સુદ એકમને દિવસે સ્વતંત્ર હિંદુ રાજા તરીકે લોકોએ શાલિવાહનનો રાજ્યાભિષેક કરાવ્યો. તે જ દિવસથી સમ્રાટ શાલિવાહનના નામથી વર્ષ-ગણના શરૂ કરવામાં આવી તે શાલિવાહન શક કહેવાય છે. તે દિવસે ફરીથી આ દેશમાં હિન્દુ રીત-રિવાજો અને પદ્ધતિ મુજબનું જીવન સરળ બન્યું. આ વાતનું પુણ્યસ્મરણ આજે કરીએ છીએ.
 
વર્તમાન યુગની અંદર હિંદુ સમાજના અને ભારતવર્ષના દૈન્યનું મૂળ કારણ - હિંદુત્વના અભિમાનનો અભાવ - દૂર કરી ફરીથી હિન્દુ સમાજ શક્તિશાળી થઈ, દુનિયાભરમાં માનનું સ્થાન પ્રાપ્ત કરે તે હેતુથી ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનાર પ. પૂ. ડોક્ટર હેડગેવારજી (Keshav Baliram Hedgewar) ની જન્મતિથિ પણ આ જ દિવસે આવે છે.