દેવોની ઘાટીના નિવાસીઓ મકરસંક્રાંતિથી ગુડી પડવા સુધી શા માટે મૌન પાળે છે ?

    14-Apr-2021
કુલ દૃશ્યો |

kullu_1  H x W: 
 

મૌનની પ્રાચીનતમ હિન્દુ પરંપરાને આધુનિક વિજ્ઞાનની સ્વીકૃતિ

સર્વસમાવેશક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ગીતાના દસમા અધ્યાયમાં "મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનામ્ કહીને ભગવાને ‘મૌન એ ભગવાનનું જ સ્વરૂપ છે’ એ સંદેશ માનવજાતને આપ્યો છે. અનાદિકાળથી હિન્દુ જીવનપદ્ધતિમાં મૌનનું મહત્ત્વ સ્વીકારાયું છે. આજે પણ આપણા પૂજ્ય સંતો તથા સંન્યાસીઓ જ નહીં, સાંસારિક લોકો પણ સમયાંતરે મૌન રાખતા હોય છે. આજના ઘોંઘાટિયા - ધમાલિયા યુગમાં વિજ્ઞાને પણ મૌનનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેથી નિષ્ણાત ડૉક્ટર્સ પણ ત્વરિત સાજા થવા માટે રુગ્ણોને મૌન પાળવાની અથવા ઓછું બોલવાની સલાહ આપતા હોય છે. પરંતુ કોઈપણ પ્રકારના રોગ વિના કે ડૉક્ટરની સલાહ વિના હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ૯ ગામોના લોકો વર્ષે ૪૦થી ૪૫ દિવસ સુધી મૌન પાળે છે. હજારો વર્ષથી ચાલી આવતી ‘દેવોની ઘાટી’ ( Dev Ghati ) ના લોકો આ પરંપરા સમૃદ્ધ હિન્દુ જીવનપદ્ધતિ વિશે ઘણું બધું કહી જાય છે.
 
સૂર્યોપાસનાનું પર્વ મકરસક્રાંતિ આવે એટલે હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લુ જિલ્લાનાં ગામોમાં દિવ્યતાના તરંગોનો સંચાર થવા માંડે છે. હિમાલય પર્વતમાળાથી સમૃદ્ધ કુલ્લુ પ્રદેશ ( kullu district ) દેવોનું નિવાસસ્થાન ગણાય છે, તેથી આ ‘દેવોની ઘાટી’માં વર્ષભર અનેક પ્રકારના પારંપરિક ઉત્સવો ઉજવાતા હોય છે, પરંતુ આ બધા ઉત્સવોમાં મકરસંક્રાંતિથી ગુડી પડવા ( Gudi Padwa ) સુધીના ૪૦-૪૫ દિવસો સુધી ચાલતો ‘મૌન’ ઉત્સવ તો વિશ્ર્વનો એક વિરલ મહોત્સવ જ ગણાય.
 
કુલ્લુની (Kullu) દેવોની ઘાટીમાં આવેલી ૩ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતા ગોશાલ, સોલંગ, શનાગ, કોથી, પાચલન, ‚વાર, કુલાંગ, મઝાચ અને બુરવા - આ ૯ ગામના લોકો સચરાચરના કલ્યાણ માટે પ્રત્યેક વર્ષે મકરસંક્રાંતિથી વર્ષ પ્રતિપદા (ગુડી પડવા) સુધીના દિવસોમાં સંપૂર્ણ મૌન પાળે છે. અનાદિકાળથી અખંડિતપણે ચાલતી આવતી આ પરંપરા માટેનું કારણ ગ્રામજનોની એ શ્રદ્ધા છે કે આ દિવસોમાં આ ક્ષેત્રના ગ્રામદેવતા - સ્થાનદેવતા ગણાતા ગૌતમ ઋષિ, મહર્ષિ વેદ વ્યાસ તથા કંચન નાગદેવતા સ્વર્ગમાંથી ઊતરીને આ ક્ષેત્રમાં નિવાસ કરે છે. સ્વર્ગથી આ ઘાટી પ્રદેશમાં અતિથિ તરીકે આવતા આ ત્રણેય દેવોની શાંતિમાં ભંગ ન પડે તે માટે આ ૯ ગામોના આબાલવૃદ્ધો સંપૂર્ણ મૌન પાળીને વિશ્ર્વકલ્યાણ માટે તપસ્યા કરે છે.
 
અનાદિકાળથી ચાલતી આવતી પરંપરા અનુસાર આ ત્રણેય દેવતાઓ એક જ રથમાં આ‚ઢ થઈને મકરસંક્રાંતિના પુણ્યપર્વના દિવસે ગોશાલ સ્થિત મંદિરમાં પ્રવેશ કરતા હોય છે. આ દેવતાઓ વર્ષ પ્રતિપદા સુધી ગોશાલના મંદિરમાં નિવાસ કરતા હોવાથી આ મંદિર આ દિવસોમાં સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે. કુલ્લુ જિલ્લાનું ગૌશાલ એ દેવોની ઘાટીનું અત્યંત મહત્ત્વનું તીર્થક્ષેત્ર છે. ગોશાલ મંદિરના પૂજારી શ્રી ચમનલાલના જણાવ્યા પ્રમાણે આ ૯ ગામના લોકો તો સંપૂર્ણપણે મૌન પાળે જ છે, પરંતુ આ સમયમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓને પણ મૌન રાખવાની વિનંતી હાવભાવથી કરવામાં આવે છે, જેને શ્રદ્ધાળુઓ સહર્ષ પાળતા હોય છે.
 
હજારો વર્ષની આ મૌન તપસ્યાની પરંપરા વિશે ગોશાલના નિવાસી અને નિવૃત્ત સરકારી અધિકારી શ્રી ટેકચંદ ઠાકુર કહે છે કે આ પ્રદેશમાં ફળોની ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે, પરંતુ આ દિવસોમાં ખેડૂતો ટ્રેક્ટર, બળદગાડાં તો શું પાવડા કે અન્ય ઓજારોનો પણ ઉપયોગ કરતા નથી; કેમ કે તેના ઉપયોગથી ભગવાનની શાંતિમાં વ્યવધાન પહોંચે છે. યુવાનો ટીવી અને મોબાઈલને પણ બંધ રાખે છે. અનિવાર્ય પરિસ્થિતિમાં જ લોકો અત્યંત ધીમા અવાજમાં સંવાદ કરતા હોય છે.
 
દેવોની ઘાટીનાં આ ૯ ગામોની ૪૦-૪૫ દિવસ સુધી સંપૂર્ણ મૌન પાળતી આશરે ૧૦ હજારની જનસંખ્યામાં ગોશાલના મંદિર પ્રત્યે અપાર આસ્થા છે. મકરસંક્રાંતિના દિવસે ભગવાનના આગમન પછી મંદિરનાં દ્વાર બંધ કરી દેવામાં આવે છે તથા મંદિરના ફરતે કળણ (ચીકણી માટીનો કાદવ) કરી દેવામાં આવે છે કે જેથી કોઈ મંદિરમાં પ્રવેશી ન શકે. વર્ષ પ્રતિપદાના દિવસે જ્યારે મંદિરનાં દ્વાર ખોલવામાં આવે છે ત્યારે કળણમાં પ્રગટ થતી વસ્તુના આધારે વર્ષફળ નિશ્ર્ચિત કરવામાં આવે છે. જો કળણમાં કોઈ સુંદર પુષ્પ અથવા ધાન્ય ઊગી નીકળ્યું હોય તો તે અત્યંત શુભ ગણાય છે. વર્ષો પહેલાં કળણમાં કોલસો દેખાયો હતો તે વર્ષે આ પ્રદેશ ભૂસ્ખલન, પૂર તથા ભૂકંપ જેવી નૈસર્ગિક આપત્તિઓ આવી હતી; પરંતુ સર્વ સામાન્ય રીતે ગુડી પડવાના દિવસે કળણમાં પુષ્પ કે ધાન્ય ઊગી નીકળતું હોવાથી આ પ્રદેશ સફરજનની ખેતીથી અત્યંત સમૃદ્ધ બન્યો છે તેવી ગ્રામજનોની શ્રદ્ધા છે.
 
ગોશાલ મંદિરની વાસ્તુરચના પ્રાચીન ‘કાટખૂણી’ પદ્ધતિથી થઈ હોવાથી હજારો વર્ષના આ પ્રાચીન મંદિરને ભૂસ્ખલન કે ભૂકંપ પણ ડગમગાવી શક્યાં નથી. આ પ્રદેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સંપૂર્ણ શ્રેય ત્રણ દેવતાઓના અહીંના નિવાસકાળ સમયે ‘ચાલતી મૌન તપસ્યા છે’ એમ કુલ્લુના ગ્રામજનો ગર્વથી કહેતા હોય છે ત્યારે આપણને શ્રી ભગવાનની વાણી ‘મૌનં ચૈવાસ્મિ ગુહ્યનામ્’ ચરિતાર્થ થતી દેખાય છે.
 
(સાભાર : ઓર્ગેનાઈઝર, ભાવાનુવાદ : જગદીશ આણેરાવ)