જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે...?

    17-Apr-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
 
એક ચકલી ઝાડ પર બેઠી હતી. એ જ ઝાડ પર અન્ય પક્ષીઓ પણ બેઠાં. એની સામે જોઈ એ પોતાની જાતને કોસવા લાગી. નાનપ અનુભવવા લાગી. એ વિચારવા લાગી કે `કોયલને આટલો સુંદર કંઠ આપ્યો, મોરને આટલાં સુંદર પીંછાં આપ્યાં, કાગડાને ચબરાકી આપી. ભગવાને મને કેમ કંઈ ન આપ્યું ?'
 
આવું આવું વિચારતી હતી ત્યાં જ અચાનક વાવાઝોડું આવ્યું. બધાં પક્ષીઓ ગભરાઈ ગયાં પણ ચકલી એક બખોલમાં લપાઈ ગઈ. જ્યારે વાવાઝોડું જતું રહ્યું ત્યારે ચકલી બહાર નીકળી તો એ ઝાડ પર બેઠલાં બધાં પંખી મૃત્યુ પામ્યાં હતાં. એણે આકાશ સામે જોઈ કહ્યું કે `ભગવાને મને બધું જ આપ્યું છે. ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર.' એ પછી ચકલીએ ફરિયાદ કરવાનું હંમેશા માટે માંડી વાળ્યું.
 
ભગવાને દરેકને સમજી-વિચારીને બનાવ્યાં છે. આપણે આપણી ટૂંકી ફૂટપટ્ટીથી બધું માપવા બેસી જઈએ ત્યારે મુશ્કેલીનો આરંભ થાય છે. દુનિયામાં ચાર પ્રકારની સમસ્યા છે. વ્યક્તિગત સમસ્યા, સામાજિક સમસ્યા, રાષ્ટ્રીય સમસ્યા અને વૈશ્વિક સમસ્યા. ચાર દિશામાં આ ચાર સમસ્યા રહેવાની. માણસે હંમેશાં મુશ્કેલીને મુશ્કેલી પડે એવું વ્યક્તિત્વ ઊભું કરવું જોઈએ.
 
વ્યક્તિગત સમસ્યાના નિવારણ માટે સ્વભાવદર્શન મોટી ઔષધિ છે. આપણને જેટલો આપણો સ્વભાવ નડે એટલું તો દુશ્મન પણ કદી નથી નડતો. એક માણસે પાંચ ઘર બદલ્યાં તોય એને શાંતિ પ્રાપ્ત ન થઈ. એ બધાને કહેતો ફરે કે મને પડોશ સારો નથી મળતો.' ત્યારે એક શાણા માણસે કહ્યું કે ઘર નહીં પણ તારો સ્વભાવ બદલ.' માણસને અભાવ કરતાં સ્વભાવ વધુ નડે છે. મોટો બંગલો હોય, દીકરાના ઘરે દીકરો હોય, બધાં સુખ હોય પણ સ્વભાવ બદલી ન શકે તો ઘરમાં કંકાસ ચાલ્યા જ કરે. એક ભાઈ મને મજાકમાં કહે કે `અમે અમેરિકામાં પણ ભારતીય સંસ્કૃતિ જાળવી રાખી છે. સાસુ-વહુ રોજ ઝઘડે છે' એકાંતમાં પોતાની જાતનું દર્શન કરવાથી સ્વભાવ-સુધારણા થઈ શકે છે.
 
વ્યક્તિગત સમસ્યા કરતાં સામાજિક સમસ્યા વધુ મોટી છે. સામાજિક સમસ્યા દરેક વ્યક્તિને સ્પર્શતી હોય છે. પરિવારનો મોભી ખોટી રીતે પ્રભાવ પાડવાનું બંધ કરી દે એટલે અડધી સમસ્યા હલ થઈ જાય છે. એવી રીતે સમાજના આગેવાન પણ સહજ બને તો વ્યવસ્થા કેટલી સરળ થઈ જાય ! માણસ સિવાયનાં બીજાં પ્રાણીઓ અન્ય પ્રાણીઓ પર પ્રભાવ પાડતાં નથી. એ લોકો સહજ જીવન જીવે છે એટલે સુખી છે. લીમડાના ઝાડ વચ્ચે આંબો ઊગે તો એ કેરી મીઠી જ હોય છે. `હું'થી `અમે' તરફ જઈશું એટલે સામાજિક સમસ્યા નહીં રહે.
 
રાષ્ટ્રીય સમસ્યા સામજિક કરતાં મોટી છે. રાષ્ટ્રીય સમસ્યામાં મતભેદ હોય તો પણ સૌએ એક થવું જોઈએ. એમાં કુદરતી સમસ્યા અને માનવ સર્જિત સમસ્યા સામેલ હોય. કુદરતી સમસ્યા માણસના હાથ બહાર છે, જેમાં ભૂકંપ, વાવાઝોડું, પૂર, અતિવૃષ્ટિ વગેરે છે. માણસ સર્જિત સમસ્યામાં બેકારી, મોંઘવારી, લાગવગ, કોમવાદ, આતંકવાદ વગેરે છે. આ દૂષણો રાષ્ટ્રીય શત્રુ છે. સ્નેહ અને સદ્ભાવ પ્રગટ થાય તો આ સમસ્યા દૂર થઈ શકે છે.
 
વૈશ્વિક સમસ્યા વિકટ છે. કોરોનાના કારણે આપણે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ગયું વર્ષ કમાવાનું ન હતું, માત્ર જીવન ટકાવી રાખવાનું હતું અને આપણી પાસે થોડું વધારે હોય તો બીજાને મદદ કરવાનું હતું. ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલ નહીં કરીએ તો આગળ ઉપર આપણે ઘણું વેઠવાનું આવશે. ભૌતિકવાદનો ભોરીંગ આભડી ગયા બાદ શરૂ થયેલી આ અમાનવીય સ્પર્ધા છે. જે આખી દુનિયા માટે ચિંતાનો અને ચિંતનનો વિષય છે. વિકસિત દેશો અણુબોમ્બ રૂપી ખોંખારો ખાય એ દુઃખના દહાડા કહેવાય. શસ્ત્રથી નહીં પણ શાસ્ત્રથી શાંતિ આવી શકે છે.
 
કૃષ્ણ, રામ, જિસસ, મહંમદ, મહાવીર, નાનક, બુદ્ધ વગેરેએ વિશ્વની સમસ્યાને પોતાની સમસ્યા માની જગતનાં ઝેર પીધાં હતાં. કોઈ યુગપુરુષનો આવિર્ભાવ જગતની સમસ્યાને ઘટાડી શકે છે. તકલીફોનું તમસ અને મુશ્કેલીનો માહોલ તો જ દૂર થશે. હૃદયમાં દિવાળી ઊજવાશે એ દિવસે આનંદનાં અજવાળાં પ્રગટ થશે. જલન માતરીની વેદના સાચી છે પણ હું તો બહુ આશાવાદી માણસ છું.
 
હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
 
 
આલેખન - હરદ્વાર ગોસ્વામી ([email protected]