ઋતુજન્ય રોગો, એલર્જી અને આયુર્વેદિક ઉપાય જણાવે છે વૈદ્ય જહાન્વી ભટ્ટ

    19-Apr-2021
કુલ દૃશ્યો |

ayurveda_1  H x 
 
 

ઋતુસંધિ અને એલર્જીક રોગો

 
આજે આપણે ઋતુસંધિ અને તેમાં થતા રોગો વિશે વાત કરીશું. ઋતુસંધિનો અર્થ જો પહેલાં સમજીએ તો, ઋતુસંધિ એટલે એક ઋતુનો અંત અને બીજી ઋતુની શરૂઆતનો સમય કે જેને આયુર્વેદમાં ઋતુસંધિ કહેલ છે. સિઝન બદલાતાં વાતાવરણમાં હંમેશા એક પ્રકારનો બદલાવ આવી જાય છે અને વાતાવરણમાં રહેલા સંવેદનશીલ પદાર્થો કેટલાક લોકોને જુદી-જુદી જાતના રોગો પેદા કરે છે. જેને એલર્જીક પ્રતિક્રિયા (રીએક્શન) કહે છે. જેમાં ફળ, ધુમાડો, પ્રદૂષણ, પાલતું પ્રાણીઓના વાળ ઊડવાથી, પરાગરજથી વગેરેથી પણ એલર્જીની સમસ્યા ઉત્પન્ન થાય છે. કેટલાક લોકોને આ એલર્જીની સમસ્યા ઋતુસંધિના સમયે વધારે પ્રમાણમાં થતી હોય છે. ઘણા લોકોને બે ઋતુ બદલાતાં શરદી, ઉધરસ જેવા એલર્જીક વિકારો થઈ જતા હોય છે, તો કેટલાકને તે પરફ્યુમ, અગરબતી કે સેન્ટની એલર્જી પણ હોય છે.
 
ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં અને ઋતુસંધિ સમયે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી પણ એલર્જીક વિકારો થાય છે. ઘણીવાર કેટલાક લોકોને અમુક દવાની પણ એલર્જી હોય છે. એલર્જી કે જે ખાદ્યપદાર્થોનું પ્રોટીન હોય છે તે શરીરમાં ઘણા પ્રકારે પ્રવેશી જાય છે અને તે સંવેદનશીલતાની સ્થિતિ ઉત્પન્ન કરીને એલર્જીક વિકારોને ઉત્પન્ન કરે છે.
 
એલર્જી અથવા સંવેદનશીલતાપૂર્ણ સ્થિતિ પૂરેપૂરી જાણવી જરૂરી બની રહે છે. કઈ વ્યક્તિને કેવા વાતાવરણમાં કયા પદાર્થોથી એલર્જી ઉત્પન્ન થાય છે તે જાણ્યા પછી એલર્જી કરનાર કારણોથી દૂર રહેવું જોઈએ અને એલર્જી કરનાર પદાર્થો શરીરમાં પ્રવેશી ન જાય તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. કેટલીક વાર ખાદ્યપદાર્થોથી પણ ઘણાને એલર્જી થતી હોય છે, જે શાકભાજી, કઠોળ, મસાલા, છાસ વગેરેમાંથી કંઈ પણ હોઈ શકે છે. તેવી જ રીતે અગરબત્તી, પરફ્યુમ્સ, પ્રદૂષિત ધુમાડો, ધૂળના રજકણો, પરાગરજ વગેરે વ્યક્તિની શ્ર્વાસનળીમાં દાખલ થઈને એલર્જીક શરદી, ખાંસી વગેરે પેદા ના કરે તે માટે ફેસમાસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
 
એલર્જી તેમજ ઋતુ સંધિગત વિકારોથી દૂર રહેવા માટે દરેક વ્યક્તિએ પોતાની રોગપ્રતિકારક ક્ષમતા વધારવી ખૂબ જરૂરી છે. હળદરવાળું દૂધ, સૂંઠ નાખીને ઉકાળેલું પાણી, પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ.
આ ઉપરાંત ધાણી, શેકેલ ચણા, ખજૂર, સૂકો મેવો વગેરેનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં સહજ રીતે વધારે થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને એલર્જીના કારણે સતત શરદી રહેતી હોય. નાકમાંથી શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય, નાક વારંવાર બંધ થઈ જતું હોય, નાકમાંથી પાણી નીકા કરતું હોય, ક્યારેક ઝીણો તાવ રહેતો હોય, માથું દુઃખ્યા કરતું હોય વગેરે લક્ષણોમાં અનુભવી ચિકિત્સકની સલાહ લઈ ઔષધોપચાર શરૂ કરવો જોઈએ. જેમાં મહાલક્ષ્મીવિલાસ રસ ૧-૧ ગોળી સવાર-સાંજ તુલસીના રસ સાથે લઈ શકાય છે.
 
આ ઉપરાંત ત્રિભુવનકીર્તિરસ, ચંદ્રામૃત રસ, શ્રૃંગભસ્મ, વાસા ટીકડી, વ્યાષાદિવટી વગેરે ઔષધો પણ લઈ શકાય છે.
આ ઉપરાંત જૂની-કાયમી શરદીમાં નસ્યનો પ્રયોગ ખૂબ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે, જેમાં બંને નસકોરામાં ગાયનું ઘી અથવા દિવેલ કે ષડબિંદુ તેલનું નસ્ય ખૂબ લાભપ્રદ છે.
 
નિયમિત સવાર-સાંજ નાસ લેવો. મુસાફરી ઓછી કરવી. સ્વિમિંગ ના કરવું તેમજ પંખાની સીધી હવા ના લેવી.
ઉધરસ વધારે પડતી હોય તો સૂંઠ અને ગંઠોડાવાળું દૂધ પીવું. હળદરવાળું દૂધ પણ લઈ શકાય. ઉધરસમાં એલાદિવટી, લવંગાદિવટી, ખરીદાદિવટી કોઈ પણ એક મોંમાં રાખીને ચૂસ્યા કરવી. સૂંઠી, ફુદીનો, તુલસી, લવિંગ, આદું વગેરેનો આહારમાં વધારે ઉપયોગ કરવો જોઈએ.
 
આ સિવાય હુંફાળા ગરમ પાણીથી જ સ્નાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અવાર-નવાર અજમો અને ફુદીનાની વરાળનો નાસ લેવો જોઈએ.
 
- હળદર-મીઠાના ગરમ પાણીના વારંવાર કોગળા કરવા.
- તાજા હવામાં ફરવું પ્રાણાયામ કરવા.
- પૌષ્ટિક ખોરાક લેવો.
- વરસાદમાં ભીંજાવું નહીં.
- કબજિયાત રહેતી હોય તો ૧ ચમચી હરડે ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.
- ધૂળ-ધુમાડાથી અંતર રાખવું.
- ખોરાકમાં વાસી - બહારનો અતિ તીખો, ખારો, ખાટો તેમજ જંકફૂડ જેવા આહારથી પરેજ રાખવો.
 
ઉપરોક્ત ઉપાયો ઋતુસંધિગત તેમજ એલર્જીક વિકારોથી અવશ્ય મુક્તિ અપાવે છે.
 
 
- ડો. જહાન્વી ભટ્ટ (વૈદ્ય)