મનની શાંતિ | આપણું મન પણ એવું જ હોય છે

19 Apr 2021 16:48:40

quotes of buddha_1 & 
 
 

મનની શાંતિ 

 
એકવાર બુદ્ધ પોતાના કેટલાક શિષ્યો સાથે એક ગામથી બીજા ગામ વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં એક તળાવ આવ્યું. ત્યાં નજીકમાં તેઓ થોડો વિશ્રામ કરવા રોકાયા. બુદ્ધને તરસ લાગી. એમણે એક શિષ્યને તળાવમાંથી પાણી લઈ આવવા કહ્યું. પેલો શિષ્ય તળાવમાં પાણી ભરવા ગયો. એણે જોયું કે કેટલીક સ્ત્રીઓ ત્યાં કપડાં ધોઈ રહી હતી અને એક બળદગાડું પણ ત્યાંથી પસાર થયું એને કારણે પાણી ડહોળુ અને ગંદું દેખાઈ રહ્યું હતું. શિષ્યએ વિચાર્યું કે આવું પાણી બુદ્ધને પીવા માટે ન અપાય. તેથી એ ખાલી હાથે પાછો ફર્યો અને કહ્યું કે પાણી પીવાલાયક નહોતું કારણ કે ડહોળાયેલું હતું.
 
અડધા એક કલાક બાદ બુદ્ધે ફરીથી પેલા શિષ્યને કહ્યું જા પાણી લઈ આવ. પેલો શિષ્ય ગયો. એણે જોયું કે પાણી હવે શાંત અને ચોખ્ખું દેખાતું હતું. તે પાણીનો કૂંજો ભરીને પાછો આવ્યો. બુદ્ધે પાણી પીતાં પહેલાં ગ્લાસ તરફ જોયું અને શિષ્ય તરફ જોઈને કહ્યું. તેં જોયું પાણી કેમ અત્યારે ચોખ્ખું હતું ? કારણ કે તેં ડહોળાયેલા પાણીને શાંત થવા દીધું એટલે તેની માટી તળિયે બેસી ગઈ. આપણું મન પણ એવું જ હોય છે. જ્યારે તે ડહોળાયેલું હોય ત્યારે તેને શાંત કરવાના પ્રયત્નો કરવા કરતાં તેની જાતે જ તેને શાંત થવાનો સમય આપવો જોઈએ. આપણે જ્યારે વિપરીત પરિસ્થિતિમાં હોઈએ છીએ કે પરિસ્થિતિ આપણી મરજી મુજબની ના હોય ત્યારે ગુસ્સો આવે કે નિરાશા સાથે પ્રતિક્રિયા આપી બેસીએ છીએ. શક્ય છે તેને કારણે પરિસ્થિતિ ઓર વણસી જાય. પણ જો થોડો સમય આપણા મનને શાંત થવા દઈએ તો જુદો માર્ગ સૂઝતો હોય છે અથવા પરિસ્થિતિ પણ બદલાઈ જતી હોય છે.
 
 
 
Powered By Sangraha 9.0