પશો પટેલ | કર્મે મરદનું ફાડિયું | દુશ્મનનાં બાવડાંને ખભામાંથી ખેંચી કાઢે એવો કાંડાબળિયો જણ!

    03-Apr-2021
કુલ દૃશ્યો |

Pasho Patel_1  
 
 

પશો પટેલ | Pasho Patel

 
કડી પરગણાનું ઢોરિયા ગામ આજથી સાતસો વર્ષ પૂર્વે માદલપુર નામે ઓળખાતું. પણ અંધાધૂંધીના સમયમાં એ ઊજડી ગયેલું. થોડાં વર્ષો પછી વળી વસ્યું. ગામના પાદરમાં વિશાળ તળાવ અને આસપાસ માઈલોનાં ચરિયાણ એટલે અડખે-પડખેનાં ઢોર અહીં ચરે અને તળાવના કિનારા પરનાં ઝાડ તળે વિસામે. આથી, માદલપુરમાંથી એનું નામ ઢોરિયા પડ્યું.
આ ગામના ગોંદરે પાંચ ફૂટની ઊંચાઈવાળો એક પડછંદ પાળિયો ઊભો છે. પાળિયાના પથ્થરમાં હથિયારધારી ઘોડેસ્વાર કંડારાયો છે. એક હાથમાં તલવાર, માથા પર પાઘડી, કેડે કટાર.
 
સાતસો વર્ષની શૌર્યગાથા એના સિંદૂરના પોપડામાંથી ખનખન કરતી ઝરે છે. ઢોરિયા ગામની બોન-દીકરી અને વહુવારુઓ આજે પણ આ પાળિયાની પ્રતિમા પાળે છે. પાળિયાની પાસે નીકળે છે, ત્યારે એનો મલાજો પણ જાળવે છે.
 
રાતનો અંધારપછેડો જ્યારે ગામના ચારેય છેડા પર પથરાઈ જાય છે, આકાશ આખું તારલાના ટમટમાટથી રણઝણી ઊઠે છે અને ક્ષિતિજોના બિડાણને ખરતી ઉલ્કાઓ આગથી ભરી દે છે, ત્યારે સાત સૈકા પુરાણા ઇતિહાસનું એક સોનેરી પાનું ફડફડે છે :
પાદરમાં ઊભેલો આ પાળિયો આજે પણ દેત્રોજ ગામના સીમાડા ભણી એની લાલબંબોળ આંખો માંડીને જાણે ત્રાડ નાખે છે :
‘ઊભા રહેજો, તમારી જાતના…? આ પશો પટેલ જીવતો છે અને મારા ગામની આળ્ય?’
 
સાત સદી પૂર્વેની એક રોંઢડિયા વેળાનો સમય હતો. પાદરના તળાવમાંથી પવને ઊઠતી જળલહરીઓ ઉપર આથમતા સૂરજનાં સોનેરી કિરણો ટપલી-દાવ રમતાં હતાં અને ગામના મોટેરા, ઝાડના છાંયે બેઠા-બેઠા સુવાણ્યની વાતોએ ચડ્યા’તા. એવે ટાણે ગામના ગોવાળે આવીને ધા નાખી કે ‘ગજ્જબ થઈ ગયો... આપણા ગામની સંધીય ગાયોને મિયાણાની ટોળી વાળી ગઈ છે. લઈ જનારા દુશ્મનો ઝાઝા છે અને હથિયારધારી છે. આપણી ગાયોને હાંકી જતાં, પડકારો મારીને કહેતા ગયા છે કે તારા ગામમાંથી જો માટીમાર હોય, તો એને મોકલજે. અમે દેત્રોજના મારગે એને પોંખવા માટે ઊભા છીએ.’
પાદર બેઠેલા મોટિયારોના શ્ર્વાસ થંભી ગયા : ‘તો એણે જાસો દીધો?’
 
જવાબમાં ગોવાળે હકારમાં માથું ધુણાવ્યું.
 
ગ્રામવાસીઓ પૂતળાં જેવા બની ગયા : પાઘડી અને ફાળિયાં નીચે ઢંકાયેલાં એનાં નાનાં-મોટાં મગજ ખોટકાઈને ઊભાં રહ્યાં! પાંપણો નીચેની આંખો માત્ર ટગરટગર જોઈ રહી...!
 
ગાયો વાળી જનાર મિયાણા એકલદોકલ નહોતા, એનો આખો કાફલો હતો અને આવા તો બીજા પણ કંઈક કાફલાઓ નિકંદન થઈને ગુજરાતનાં ગામડાંઓને રાત-દિવસ ધમરોળતા હતાં. ગુજરાતનો ટીંબો તે દી’ ધણીધોરી વગરના કોઈ લીલા ખેતર જેવો હતો.....!
 
ચોરલૂંટારા અને બહારવટિયાઓની સગડીઓ અવિરામ ધખધખતી’તી!
 
રાજપૂતયુગના છેલ્લા અવશેષ સમા રાજવી કરણદેવ વાઘેલા પાસેથી, દિલ્હીના અલાઉદ્દીન ખીલજીએ લોહીઝાણ ધીંગાણું આપીને ગુજરાતના ધણીપણાનો તાજ આંચકી લીધો હતો. ગુણવંતી ગણાતી ગુજરાતનાં ગામડાંઓ પર ગીધ તૂટે એમ આતંકવાદીઓ તૂટી પડ્યા’તા! ‘મારે એની તલવાર અને જીતે એનું રાજ’ - આવો વસમો સમય પ્રજાને માથે ઊભો’તો.
કબૂતર જેવાં ગરીબ ગામડાંઓ હલાલ થઈ રહ્યાં હતાં, નહોતી એની કોઈ રાવ કે નહોતી ફરિયાદ!
 
આવા સમયમાં માત્ર એક ઢોરિયા ગામ અખંડ હતું. ઢોરિયાનો આગેવાન પશો પટેલ જન્મે તો પાટીદાર હતો. કર્મે મરદનું ફાડિયું. ધીંગાણામાં તલવાર વાપરી જાણે, ભાગેડુઓ પાછળ પથ્થરનો જંતરડો! હાથોહાથની જો જામે તો દુશ્મનનાં બાવડાંને ખભામાંથી ખેંચી કાઢે એવો કાંડાબળિયો જણ!
 
ગાયો જો ભૂખે મરતી હોય, તો પોતાનું લહેરાતું ખેતર ભેળવી નાંખે એવો ગૌભક્ત! ગાયો વાળી ગયાની ગામમાં રાડ્ય બોલી અને બૂંગિયો વાગ્યો ત્યારે પશા પટેલના આંગણામાં દીકરાનાં લગનનાં ગીતો ગવાતાં હતાં. ખારેક અને સાકર વહેંચાતાં હતાં. ઘરના બારસાખ ઉપર આંબા, આસોપાલવનાં તોરણો ઝૂલતાં હતાં.
 
‘કોણ નીકળ્યો એવો બે માથાનો?’ બૂંગિયો સાંભળીને પશા પટેલે લગ્નની શુકનવંતી ચીજવસ્તુઓ ખરીદવાનો કાગળિયો ફગાવી દીધો અને ઘરની પછીતે ટીંગાતી તલવાર તરફ છલાંગ ભરી : ‘પશો પટેલ જીવે છે અને મારા ગામની આળ્ય? અરે, છઠ્ઠીનું ધાવણ ઓકાવી નાખું!’
 
‘પટેલ!’ પત્નીએ ભીની આંખે આડા હાથ દીધા : ‘તમે આ શું કરો છો?’
 
‘ધીંગાણું’ પટેલ હસ્યો, ‘કાંઈ પાંચીકે નથી રમતો, હું ધીંગાણું કરીશ અને મારી ગાયોને પાછી લઈ આવીશ.’ પટેલે તલવાર બાંધી જંતરડો લીધો. ગોળાનો થેલો ભર્યો અને વાડામાં બાંધેલી પોતાની ઘોડી તરફ ડગ દીધાં!
 
કુટુંબે અને સગાંવહાલાંએ પટેલને વાર્યા : ‘ખમી જાવ, પટેલ! આપણે દીકરાનાં લગન છે, કાલે સવારે જાન જોડવી છે, તમે ધીંગાણે જાશો? કજિયાનું કાંઈ માપ ખરું?’
 
‘તોલ અને માપ વાણિયાના દીકરાને સોંપ્યાં! મારા ગામની ગાયોની હું વહારે ન ચઢું? મારી જનેતાનું ધાવણ લજવું?’ પટેલની આંખે કેસૂડાં ઘોળાયાં : ‘તલવાર બાંધું છું સમજ્યા? આઘા ખસો. મને રોકે એને કુળદેવીની આણ્ય છે, ખસી જાવ!’
‘અમે આવીએ પશાભાઈ?’
 
‘જરૂર નથી. જો તમને શરમ પોગે તો, મારા દીકરાનાં લગન સુધારજો. એની જાડી જાન જોડજો અને રંગેચંગે પરણાવી આવજો.’
 
અને ભાથામાંથી તૂર છૂટે એમ, પશા પટેલની ઘોડી છૂટી...!
 
દેત્રોજના સીમાડે ગાયોને તગેડીને ઊભેલા મિયાણાના કાફલા તરફ ઘોડીએ ડાબલાં દીધાં.
 
ઢોરિયાના ગ્રામવાસીઓ મુકાબલા માટે હથિયારો શોધતા હતા, ત્યાં તો પશા પટેલની મર્દાનગી મિયાણાના ગો અને અહમ્ સાથે ખડિંગ કરતીને અથડાઈ ગઈ.
 
પોતાની પાછળ એકલદોકલ આવેલ આ પાટીદારને જોઈને આતંકવાદીઓએ કાંખલીઓ કૂટી : ‘પાછો વળી જા, પટેલિયા! ભોં ખોતરી ખા! આંહીં માસીનાં ઘર નથી, દુનિયામાંથી ખોવાઈ જવાની ઉઘરાણીએ શીદને નીકળ્યો?’
 
‘આ માટે!’ પશાએ જંતરડો વહેતો કર્યો. શેર શેર વજનનો એક એક પથ્થર, દુશ્મનમાં હાડકાં વીણવા માંડ્યો. જોતજોતામાં દસને તો ભોંયભેગા કરી નાખ્યા. કાફલામાં રીડિયારપટ થઈ બેઠી. ગાયોને પડતી મૂકીને મિયાણાઓએ પશાની ઘોડી ઉપર એકસાથે હલ્લો કર્યો. દુશ્મનોને હાથ વેગે જોઈને પશા પટેલે તલવાર ખેંચી, જાણે લણણી વેળાનું દાતરડું ચાલુ થયું!
 
પશા પટેલ ઉપર હવે બરછીઓના છૂટા ઘા થયા. જમણા હાથમાં ફાળિયું વીંટીને પશા પટેલે એક છૂટી બરછીને મુઠ્ઠીમાં પકડી. ચક્કર-ભમ્મર ઘુમાવી અને ટોળીના નાયકની છાતીને એક જ ઘાએ વીંધી નાખી. નાયક મૂઓ, એટલે કાફલો જીવ લઈને નાઠો!
 
‘હત્ તમારી જાતના!’ પટેલે લોહી નીંગળતા દેહે ગાયોને ગામ ભણી હાંકી.
 
ઘોડી અને અસવાર બંને મરણતોલ ઘવાયાં હતાં. ખેતરની પગદંડીઓ પર માણસ અને જાનવરના સંયુક્ત લોહીના ફુવારા એક રક્તરંગ્યો, નવો પંથ આકારતા ગામ ભણી આવી પહોંચ્યા.
 
‘રંગ છે જવાંમરદ પશાભાઈને.’ ગામ-ગોંદરે, હથિયારથી સજ્જ થઈને પશાની કુમકે ધાવા તૈયાર થયેલા ગ્રામવાસીઓ, લોહી-નીતરતા ઘોડી અને અસવારની સામે ચાલ્યા :
 
‘શાબ્બાશ! વાંકડી મૂછના ધણી! તલવાર બાંધીય તે પરમાણ, પશાભાઈ!’
 
આ બિરદાવલિઓનો પ્રતિભાવ પશાભાઈ આપે એ પહેલાં એની ઘોડી એક આંચકો ખાઈને જમીન પર ઢળી પડી અને એની સાથે એનો અસવાર પણ ભીનાં, નીતરતાં કપડાંની જેવો લોહીબંબોળ થઈને ધરતી ઉપર પથરાઈ ગયો.
 
છેલ્લો શ્ર્વાસ જ્યારે એણે ઢોરિયા ગામને ગોંદરે છોડ્યો, ત્યારે દીવે વાટ્યો ચઢી ગઈ’તી, રામજીમંદિરે ઝાલરના ડંકા પડ્યા.
ઢોરિયાવાસીઓની હજારો આંખોમાંથી, મર્દ કસૂંબલ એવા આ આદમીની શહીદી ઉપર ગંગા-જમના વહી!
 
નોંધ : આ પશાભાઈ પટેલ ( Pasho Patel ) નો પાંચ ફૂટ ઊંચો પાળિયો આજે પણ ઢોરિયા ગામને ગોંદરે ઊભો છે. પશાભાઈના વંશજો અમદાવાદ જિલ્લાના દશક્રોઈ તાલુકાના મહેમુદપુરા ગામે વસે છે. છતાં પ્રતિવર્ષ એમના જવાંમર્દ પૂર્વજને તેલ અને સિંદૂર ચડાવીને નિવેદ્ય ધરવા ઢોરિયા ગામે આવે છે.
- નાનાભાઇ જેબલિયા
(‘ઇતિહાસનું ઊજળું પાનું’ ભાગ-4)