પાંચ યુદ્ધોના પંચતારક ફિલ્ડ માર્શલ માનેકશૉના આ કિસ્સા । Field Marshal Sam Manekshaw

    03-Apr-2021
કુલ દૃશ્યો |

manekshow_1  H
 
 
 
Field Marshal Sam Manekshaw Birthday । ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના મહાનાયક સેમ માનેકશૉનો આજે ( ૩ એપ્રિલ ૧૯૧૪) જન્મદિવસ છે. તેઓ આજે હોત તો ૧૦૭ વર્ષના હોત. તેમને ૧૯૭૧ના યુદ્ધમાં ભારતનું નેતૃત્વ કર્યુ હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી અને બાંગ્લાદેશનો જન્મ થયો. તેઓ ભારતીય સેનાના પહેલા ૫-સ્ટાર જનરલ હતા સાથે જ ફિલ્ડ માર્શલની રેન્ક મેળવનારા તેઓ પહેલા ઓફિસર હતા. આજે તેમનો જન્મ દિવસ છે ત્યારે આવો જાણી તેમના વિશે…
 
આ ઘટના સાથે જ બાંગ્લાદેશનો ઉદય થયો…
 
1971ની સાલનો ડિસેમ્બર મહિનો. બરફના ટુકડા જેવી ઠંડીગાર રાત્રે પાકિસ્તાનના 90 હજાર સૈનિકો પોતપોતાની બંદૂકો અને મુંડી નીચી કરીને ભારતીય સેનાના એક રણબંકા જગજીત સિંહ સમક્ષ જાનમાલની ભીખ માગી રહ્યા હતા. સલામી ઠોકીને શરણે આવવા ચરણે પડી રહ્યા હતા.
 
ભારત પર વર્ષો સુધી રાજ કર્યું હોવાનો હાસ્યાસ્પદ દાવો કરનારાઓએ એ દિવસે માથું નમાવી હિન્દુઓના શરણે આવવું પડ્યું હતું. હજારો વર્ષના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે એક મુસ્લિમ દેશના ખંધા સૈનિકોએ ભારતની સેના સામે ઝૂકવું પડ્યું હતું, હારવું પડ્યું હતું અને આ ઘટના સાથે જ બાંગ્લાદેશનો ઉદય થયો.
 
બાંગ્લાદેશના ઉદય બાદ સિમલા સમજૂતી (1972) કર્યા પછી ભારતીય સૈન્યના પ્રહારથી બે ફાડિયામાં વહેંચાઈ ગયેલા પાકિસ્તાનના તત્કાલીન વઝીરેઆઝમ મરહૂમ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ જનતાને સિમલા કરારની કેફિયત આપવા કરાંચીમાં એક જાહેર સભા યોજી હતી. એ સભામાં એમણે હજારો લોકોની ભીડ વચ્ચે ડુમા મિશ્રિત અવાજે આંખોમાં ઝળઝળિયાં સાથે કહ્યું હતું કે, ‘હું જાણું છું કે તવારીખમાં આપણી હિન્દુઓના હાથે જબરજસ્ત હાર થઈ છે. છેલ્લાં 800 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આપણા મુસ્લિમ સૈનિકોએ હિન્દુઓ સામે હથિયાર ફેંકીને એમના કમાન્ડરોને સલામી આપવા માટે મજબૂર થવું પડ્યું છે.’
 

manekshow_1  H  
 
***
 
ગુજરાતના એક પારસીબાવા સામ બહાદુર । Manekshaw
 
 
ઇતિહાસનાં પાનાંઓમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયેલી આ ઘટના હજુ પાકિસ્તાનીઓના ગાલ પર તમાચાંના નિશાન જેમ ઉપસી આવે છે અને ભારતીયોની છાતી ગૌરવથી ફુલાવે છે.
 
આ સુવર્ણ ઇતિહાસ લખનાર છે, ગુજરાતના એક પારસીબાવા સામ બહાદુર ( Sam Bahadur Manekshaw ) . 1971ના યુદ્ધ વખતે સામ લશ્કરી વડા હતા. એમની જ આગેવાની હેઠળ આખું યુદ્ધ ખેલાયું હતું અને એમની કુનેહ, યુદ્ધનીતિ અને વ્યૂહને કારણે જીતાયું હતું, પણ આજે એ રણબંકો આપણી વચ્ચે નથી રહ્યો. આઝાદ ભારતના પહેલા ફિલ્ડ માર્શલ અને પદ્મવિભૂષણ સામ બહાદુર ઉર્ફે સામ હોરમસજી ફરામજી જમશેદજી માણેકશા ( Manekshaw ) એ 26મી જૂનને ગુરુવારની મધરાતે સાડા બાર વાગ્યે તમિળનાડુના વેલિંગ્ટન ખાતેની મિલિટરી હોસ્પિટલમાં 94 વર્ષની વયે પોતાની જીવન લીલા સંકેલી લીધી. માણેકશાનું અવસાન એ ફક્ત કોઈ વ્યક્તિનું અવસાન નથી. એમના અવસાન સાથે ભારતીય ઇતિહાસના એક આખા સુવર્ણ યુગે પણ વિદાય લીધી છે.
 
પાંચ યુદ્ધોના પંચતારક માણેકશા | Manekshaw
 
૩ એપ્રિલ, 1914ના રોજ અમૃતસરસમાં જન્મેલા માણેકશા ( Manekshaw ) નું મૂળ વતન વલસાડ હતું. એમના પિતા ડોક્ટર હતા. સામે નૈનિતાલની શેરવુડ કોલેજમાં પોતાનો અભ્યાસ કર્યો હતો. 1932ની 1લી ઓક્ટોબરે તેઓ ઇન્ડિયન મિલિટરીમાં જોડાયા હતા અને 1934ની 4થી ફેબ્રુઆરીએ તેઓ સેકંડ લેફ્ટેનન્ટ 1974 દરમિયાન ઝળહળતી કારકિર્દી દરમિયાન એમની બહાદુરીથી અનેક વખત ભારતને ગૌરવ અપાવ્યું હતું. તેઓ બીજું વિશ્વયુદ્ધ, 1947નું પાકિસ્તાન સામેનું યુદ્ધ, 1962ની ચીન સામેનું યુદ્ધ, 1965નું યુદ્ધ અને 1971નું પાકિસ્તાન સામેનું યુદ્ધ એમ પાંચ મોટાં યુદ્ધો લડ્યા હતા અને તેમની બહાદુરીનો પરચો બતાવ્યો હતો.
 

manekshow_1  H  

 

નિઃસ્વાર્થ અને રમૂજી માણેકશા | Field Marshal Sam Manekshaw
 
માણેકશાની બહાદુરી સાથે એમની વિનમ્રતા અને નિઃસ્વાર્થ ભાવ પણ એટલાં જ પ્રચલિત છે. 1971ના યુદ્ધના વિજય બાદ જ્યારે યુદ્ધ કેદીઓનો કબજો લેવાની વાત આવી ત્યારે પણ તેમણે એ યશ જનરલ જગજિતસિંહ અરોરાને આપેલો. આવી બીજી પણ એક ઘટના છે. 1968-69માં તત્કાલીન વિદેશ સચિવ શ્રી ટી.એન. કૌલ સાથે એ સૈનિકોના હેલિકોપ્ટરમાં ભૂતાન જઈ રહ્યા હતા. એમાં એક આરામદાયક સીટ હતી અને એક લાકડાનું પાટિયું. માણેકશા ( Manekshaw ) એ કૌલને એ આરામદાયક સીટ પર બેસવા કહ્યું, પણ કૌલે ઇન્કાર કરતા કહ્યું કે, ‘આ સૈન્યનું હેલિકોપ્ટર છે, તમે જ બસો. તમારો હક છે.’ જવાબમાં માણેકશાએ કહ્યું કે, ‘જનાબ ! હું ભારતીય સેનામાં ઘડાઈ ચૂકેલો જવામર્દ છું, હું લાકડા કે લોખંડની સીટ પર પણ આરામ કરી શકુપં છું. તમે નહીં કરી શકો. બેસો.’
 
પારસીબાવા હોવાને કારણે માણેકશા રમૂજી અને ટીખળી પણ હતા. જેની સામે ફરકવાની પણ કોઈની હિંમત નહોતી એવા તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેઓ ‘સ્વીટી’ કહીને બોલાવતા હતા.

 

નીડરતાનો પર્યાય માણેકશા | Field Marshal Sam Manekshaw
 
માણેકશા ( Manekshaw ) ની નીડરતાનો એક કિસ્સો પણ જાણવા જેવો છે. 1971ની એક બળબળતી બપોરે પશ્ચિમ બંગાળમાં શરણાર્થીઓની સમસ્યાઓથી ધુંઆપુઆ થઈ ઊઠેલા તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આંખ લાલ કરી હુકમના સ્વરે માણેકશાને પૂછ્યું, ‘આ સંજોગોમાં ભારતીય સૈનિક શું કરી રહ્યું છે ?’ અને માણેકશાએ જવાબ આપ્યો, ‘કંઈ નહીં.’ આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. ઇન્દિરાજીને આવો જવાબ આપવો એ વિચારવું પણ મુશ્કેલ હતું. પછી બે દિવસ પછી મિટિંગ મળી અને ઇન્દિરાજીએ પાકિસ્તાન પર ચડાઈ કરવાનું કહ્યું ત્યારે પણ માણેકશા ( Manekshaw ) એ ઘસીને ના પાડી દીધી, ‘અત્યારે યુદ્ધ ના થઈ શકે. વરસાદની સિઝન છે. અત્યારે યુદ્ધ કરીએ તો ભારતની જીતની શક્યતા ન રહે.’ પછી તેમણે તેમની સ્ટ્રેટેજી મુજબ નવેમ્બરમાં યુદ્ધ કર્યું અને પછી જે થયું તે ઇતિહાસ છે.
 

manekshow_1  H  
 
1942ની બીજા વિશ્વયુદ્ધની ઘટના પણ અદ્ભુત છે. યુદ્ધ પૂરજોશમાં હતું. બર્માના જંગલોમાં યુવાન માણેકશાની છાતીમાં જાપાની સિપાઈઓએ સાત-સાત ગોળીઓ ધરબી દીધી હતી. લાઈટ મશીનગનની ગોળીઓથી ચારણી થઈ ગયેલ માણેકશા છતાં પણ ડોક્ટરોને કહી રહ્યા હતા, તમે મારી ચિંતા ના કરો, અન્ય ઇજાગ્રસ્તો તરફ ધ્યાન આપો. મોતના બારણે ટકોરા મારી રહેલા માણેકશાની બહાદુરીથી પ્રભાવિત થઈ મેજર જનરલ ડી.ટી. કોવાને પોતાનો મિલિટરી ક્રોસ કાઢીને માણેકશાની છાતીએ લગાડી દીધો, પણ આખરે માણેકશાએ પોતાની બહાદુરીથી મોતને પણ પાછું હડસેલી દીધું.
 
1962માં ચીન સામેની આપણી હાર જવાહરલાલ નહેરુ અને એમના ગલૂડિયા કૃષ્ણમેનને આભારી છે. 1959માં માણેકશાએ મેનનને સાવચેત રહેવાની ચેતવણી આપેલી. તેમની વાતથી મેનનને ખોટું લાગી ગયું અને નહેરુના દિમાગમાં પણ ચીનનું ભૂત સવાર હતું. મેનને કોઠા કબાડાં કરી માણેકશા સામે ઇન્કવાયરી બેસાડી. પાછળથી અદાલતે તેમને બાઇજ્જત બરી કરી દીધા. 1965ના યુદ્ધ માટે પણ તેમને બદનામ કરવાની કોશિશ થયેલી. એ વખતે અય્યુબખાન પાકિસ્તાનના પ્રમુખ હતા. વર્ષો પછી એમના દીકરા ગૌહરે એક પુસ્તક લખેલું એમાં દાવો કરેલો કે ભારતના ટોચના લશ્કરી અધિકારીએ પાકિસ્તાનને ભારત યુદ્ધના પ્લાન વેચેલા. માણેકશા જ લશ્કરી વડા હતા. પણ પાછળથી સાબિત થયું કે અય્યુબખાનને મૂર્ખ બનાવવા એમણે ખોટા પ્લાન વેચેલા. આજે અરુણાચલ આપણી પાસે હોય તો તેના માટે આપણે સામ બહાદુરના જ આભારી છીએ.

 

બહાદુરીના ડંકા શમી ગયા
 
70ના દસકામાં માણેકશા ભારતીય યુવાઓમાં સૌથી વધુ લોકપ્રિય જનરલ હતા. એમની લોકપ્રિયતાનું કારણ હતું. એમની સાદગી અને બહાદુરી. એમણે એ સમયની યુવાપેઢીને સૈન્યમાં જોડાવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરેલી. માણેકશા જીવન જ એવું જીવ્યા છે કે આખા દેશને ગૌરવ થાય. એમાંય ગુજરાતને વધારે, કારણ કે એ મૂળ ગુજરાતના હતા. દુનિયાભરમાં બહાદુરીના ડંકા વગાડનાર ગુજરાતના રણબંકાને દેશ ક્યારેય નહીં ભૂલે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

 

દેશના શ્રેષ્ઠતમ યોદ્ધાની વિદાયમાં પણ રાજકારણ !
 
1971ના ભારત-પાકિસ્તાના યુદ્ધમાં દેશને – સન્માનજક વિજય અપાવી ભારતીય સૈન્યને વિશ્વકથાની હરોળમાં લાવી મૂકનાર ફિલ્ડમાર્શલ માણેકશાએ 26મી જૂનને ગુરુવારની મધરાતે તમિલનાડુની મિલિટરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. શુક્રવારે કોઈતુમ્બૂર ખાતે પારસી રીત-રીવાજ પ્રમાણે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. ભારતમાતાના આ લાલના સન્માનમાં 17 બંદૂકોની સલામી આપવામાં આવી, પરંતુ આઘાતજનક રીતે દેશનું સુરક્ષા મંત્રાલય અને કેન્દ્ર સરકારને મા ભોમની રક્ષામાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દેનાર સપૂતને આખરી અલવિદા કહેવાનો સમય પણ ન મળ્યો. 84 કિ.મી. લાંબી તેમની અંતિમયાત્રામાં કેન્દ્ર સરકાર તરફથી માત્ર ને માત્ર રાજ્યકક્ષાના સુરક્ષામંત્રી એમ. એમ. પાલમ જ હાજર રહ્યા હતા. દેશના એક મહાન યોદ્ધા તરફ સરકારની આ ઉદાસીનતા વધુ ધિક્કારને પાત્ર છે. એક તરફ આ વીર યોદ્ધો ફાની દુનિયાને અલવિદા કરી રહ્યો હતો ત્યારે દેશના સુરક્ષામંત્રી એ કે એન્ટની દિલ્હીમાં જ હોવા છતાં સામ બહાદુરને અંતિમ વિદાય આપવા જઈ શક્યા નહીં. તેઓ સરકાર બચાવવામાં વ્યસ્ત હતા.
 

manekshow_1  H  
 
દુઃખ તો એ વાતનું છે કે, દેશની સૈનિક પાંખો દ્વારા પણ આઘાત લાગે એ હદે દેશના ભૂતપૂર્વ સૈન્યવડાની ઉપેક્ષા કરવામાં આવી હતી. શુક્રવારે જ્યારે સમગ્ર દેસ માણેકશાને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો ત્યારે એરચીફ માર્શલ ફલિ એચ. મેજર અને મૌકા દળના એડમિરલ સુરેશ મહેતા પણ દિલ્હીમાં જ હતા. પરંતુ જે વ્યક્તિ સાથે આ લોકોએ ભૂતકાળમાં કદમથી કદમ મિલાવી ચાલ્યા હતા તે જ વ્યક્તિની અંતિમ સફ‚માં બે ડગલા પણ સાથે ચાલવાનું તેમને જરુરી લાગ્યું નહતું. અહીં રાહતની વાત એટલી કે દેશના આર્મી વડા દિપક કપૂર દ્વારા છેક મોસ્કોથી વાઈસ આર્મી ચીફ જનરલ એમ. એલ. નાયડુ દ્વારા માણેકશા ( Manekshaw ) ને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા પણ ભારતમાતાના આ સપૂતની ભારોભાર ઉપેક્ષા કરતાં માત્ર રાજ્યના ચીફ મિનિસ્ટર કરુણાનિધિ અંતિમ ક્રિયામાં હાજર રહ્યા હતા.