ઇતના હી લો થાલી મેં, કી વ્યર્થ ન જાયે નાલી મેં ! Food Waste UN News

    05-Apr-2021   
કુલ દૃશ્યો |

food waste_1  H 
 
 
રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯માં આશરે ૯૩ કરોડ, ૧૦ લાખ ટન ખોરાક લોકોના પેટ સુધી પહોંચવાના બદલે વેડફાઈ ગયો.
 
 
દુનિયાનો ૧૭ ટકા જેટલો ખોરાક ઘરો, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં વેડફાઈ જાય છે | Food Waste UN News

અને વિશ્ર્વમાં લાખો ટન અન્નનો બગાડ : સંયુક્ત રાષ્ટ રિપોર્ટ | Food Waste UN News

અન્નનો બગાડ અટકાવીએ | Food Waste UN News
 
ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, ‘જીવિત અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ, પ્રાણી હોય કે માનવ તો જ શાંતિથી ચિંતામુક્ત જીવી શકે જો તેની પાસે પર્યાપ્ત ખોરાક હોય છે. દરેક જીવના અસ્તિત્વ માટે ખોરાક જરૂરી છે. ખોરાક વરસાદથી પેદા થાય છે અને વરસાદ પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યેના ત્યાગના આધારે જ થાય છે. પરમાત્મા પ્રત્યેના સમર્પણ અને ત્યાગ વૈદિક ક્રિયાઓમાંથી ઉદ્ભવે છે.’ (ભગવદ્ ગીતા અધ્યાય ૩.૧૪)
 
બાઇબલમાં કહ્યું છે કે, જો તમે ભૂખ્યાને ભોજન આપશો અને પીડિતની જરૂરિયાત સંતોષશો તો તમારી કીર્તિ ઘોર અંધકારમાં પણ ચમકશે અને તમારી ગમગીની બપોરના તડાકામાં ધૂંધળું ઝાકળ ઊડે તેમ ઊડી જશે. (ઈસાઈયાહ ૫૮.૧૦)
 
કુરાનમાં કહ્યું છે કે, હે, આદમનાં સંતાનો, તમારી પૂજાનાં સ્થળોનો શણગાર જુઓ, કેટલો ભવ્ય છે, તું ખા, પી, મોજ કર પણ ઉડાઉ ના બનીશ. પરમાત્મા ઉડાઉ લોકોને ક્યારેય પ્રેમ નથી કરતો. (સુરહ આરાફની આયાત નં. ૩૧)
 
આમ વિશ્ર્વનાં તમામ ધર્મોમાં અન્ન, ખોરાક, ભોજનનું એક અનોખું મહાત્મ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં તો અન્નને દેવતા માનવામાં આવે છે. પરંતુ દુઃખદ એ છે કે વિશ્ર્વમાં આજે ચારેકોર અન્નનો ભયંકર બગાડ થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ દ્વારા તાજેતરમાં જ વિશ્ર્વમાં થઈ રહેલ અન્નના બગાડના ચોંકાવનારા આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એક તરફ વિશ્ર્વમાં લાખ્ખો લોકો ભૂખમરાથી મરી રહ્યા છે તો બીજી તરફ લાખ્ખો ટન અનાજ - ભોજન વેડફાઈ રહ્યું છે. આ વિરોધાભાસી સ્થિતિ શાથી પેદા થઈ છે ? અન્ન બચાવવાના વૈજ્ઞાનિક કારણો, અન્ય ઉપાયો વગેરે વિશે એક વિસ્તૃત, પ્રેરક અહેવાલ પ્રસ્તુત છે...
 
Food Waste UN News | સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અને વેસ્ટ રિસોર્સ એક્શન પ્રોગ્રામે સંયુક્ત રીતે તૈયાર કરેલા એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામે આવી છે કે દુનિયાનો ૧૭ ટકા જેટલો ખોરાક ઘરો, રેસ્ટોરન્ટો અને દુકાનોમાં વેડફાઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખોરાકનો બગાડ કરવાના મામલે વિકસિત અને ગરીબ દેશોની માનસિકતા એકસરખી છે. રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯માં આશરે ૯૩ કરોડ, ૧૦ લાખ ટન ખોરાક લોકોના પેટ સુધી પહોંચવાના બદલે વેડફાઈ ગયો.
 
ભારતમાં પણ અન્નના બગાડના આંકડા ચિંતાજનક છે. ભોજન બરબાદ થતું હોય તેવા દેશોમાં પ્રથમ નંબરે ચીન અને બીજા નંબરે ભારતનો ક્રમ આવે છે. ચીનમાં દર વર્ષે ૯૧.૬ લાખ ટન ભોજન વેડફાય છે. ભારતમાં ૬૮.૮ લાખ ટન અને અમેરિકામાં ૧૯.૪ લાખ ટન ભોજનની બરબાદી થાય છે. એજ રીતે ફ્રાન્સ અને જર્મનીમાં ક્રમશઃ ૫ અને ૬ લાખ ટન ભોજન વેડફાય છે. જો ભારતમાં પ્રતિવ્યક્તિની સરેરાશ કાઢીએ તો વ્યક્તિદીઠ દર વર્ષે ૫૦ કિલો ભોજનનો બગાડ થાય છે. ઉપરાંત હંગર ઇન્ડિયામાં ભારતનું સ્થાન થોડું નીચું જઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટના જણાવ્યા અનુસાર દર મહિને સાડાપાંચ લાખથી વધારે બાળકો કુપોષણના શિકાર બને છે. યુ.એન.ની ચાર એજન્સીઓએ ચેતવણી આપી છે કે વધી રહેલા કુપોષણનાં લાંબા ગાળાના પરિણામ ભારે નુકસાનકારક હોઈ શકે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના સંકટની ખાદ્યસુરક્ષા પરની અસરો વર્ષો સુધી દેખાવાની છે.
 

food waste_1  H 
 
સમગ્ર દુનિયાનો અભ્યાસ કરીએ તો સૌથી વધારે ભૂખમરો એશિયામાં છે. દુનિયાભરના ભૂખમરાથી પીડિત ૮૨ કરોડ લોકોમાંથી ૫૧ કરોડ લોકો એશિયાના છે. એ પછી આફ્રિકા અને લેટિન અમેરિકાનો નંબર આવે છે. એશિયાનો ઘણોખરો હિસ્સો ગરીબ અને વિકાસશીલ દેશોનો બનેલો છે. એમ છતાં એશિયાના કેટલાક દેશો એવા છે જે આર્થિક મોરચે અમીર દેશો સાથે હોડમાં ઊતર્યા છે. આવા દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન સામેલ છે.
 
થોડા સમય પહેલાં યુ.એન.ના રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે કોરોના મહામારીના કારણે દુનિયામાં ભૂખમરાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની રહી છે. ખોરાક ન મળવાના કારણે દર મહિને દસ હજારથી વધારે બાળકોના મૃત્યુ નીપજી રહ્યાં છે. કોરોના મહામારીના કારણે ગરીબ દેશોની સ્થિતિ દિવસોદિવસ બગડી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગામડાંઓમાં પેદા થયેલાં ઉત્પાદનો બજાર સુધી પહોંચી શકતાં નથી અને ગામડાંઓમાં ખાદ્ય અને મેડિકલ સપ્લાય પહોંચી શકતો નથી. આ રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોના વાઇરસના કારણે થયેલી ભોજનના સપ્લાયની કમીના કારણે એક વર્ષમાં એક લાખ વીસ હજાર બાળકોનાં મૃત્યુ નીપજી શકે છે.
 
ભારતમાં આપણાં સાંસ્કૃતિક મૂલ્યો અને સિદ્ધાંતો ખૂબ જ ઉચ્ચકક્ષાનાં છે. આપણા માટે અન્ન દેવતા છે. પણ જે રીતે ભારતમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આવક વધી રહી છે તેના પરિણામે લગ્નો, આર્થિક મેળાવડાઓ, પ્રસંગો, મીટિંગો ખાદ્યાન્નના બગાડના સૌથી મોટા નિમિત્ત બની રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મત પ્રમાણે ભારતમાં દર વર્ષે બે કરોડ લગ્નો યોજાય છે. જો સૌથી નીચલો અંદાજ મૂકીએ તો એક લગ્ન પાછળ સરેરાશ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો સામાન્ય ગુણાકાર કરીએ તો આ ખર્ચામાં ૩૦થી ૪૦ ટકાનો ખર્ચ ભોજન વ્યવસ્થા માટે કરવામાં આવે છે. દેશમાં ભોજનની વ્યવસ્થા કરનારા કેટરર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, જે તમારી કલ્પનાશક્તિથી વિશેષ મેન્યુ ઓફર કરે છે. ભોજન તૈયાર કરવાની સ્પેશિયાલિટી ધરાવતાં કેટરર્સ તમને ૬૦૦ કરતાં પણ વધુ આઈટમ પીરસી શકે છે. તેમાં ૧૫ રાજસ્થાની ડિશ, ૨૦ દક્ષિણ ભારતીય ભોજન, ૨૨ ચાઈનિસ આઇટમ્સ, ૧૫ કોન્ટિનેન્ટલ ડિશિસ અને ૨૫ પ્રકારની મિક્સકન ડિશિસનો સમાવેશ થાય છે. એક ડિશ તમને રૂા. ૨૦૦થી ૫૦૦૦ (કે વધુ) સુધીમાં પડે, અને ત્યાં જ ખાદ્યાન્નના બગાડનું મૂળ છુપાયેલું છે.
 
આવી ઉજવણીઓમાં લોકો અઢળક ભોજનનો બગાડ કરે છે, કારણ કે ત્યાં તેમની સામે અનેક વેરાઇટીઝ હોય છે અને દરેક આઈટમનો એક-એક ટુકડો ટેસ્ટ કરતાં હોય છે. અહીં લોકોના પેટમાં જતા ભોજનનું પ્રમાણ બગાડ થતા ભોજનની સામે નહીંવત્ છે.
 
આવા મોટા પ્રમાણમાં થતા બગાડની સામે, સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે લાખો લોકો ભૂખમરા અને કુષોષણને કારણે મોતને ભેટે છે, જેમાંથી કરોડો લાખો ભૂખમરાનો સામનો કરે છે અને ૩૦૦થી ૫૦૦ કરોડો લોકો મહત્ત્વનાં પોષકતત્ત્વો વગરનો ખોરાક ખાવા મજબૂર છે, જેમાં વિટામિન્સ અને મિનરલ્સનો અભાવ હોય છે.
 
વિચારવા જેવું તો એ છે કે એકતરફ લગ્નો યોજાઈ રહ્યાં હોય અને પવિત્ર અગ્નિ દેવતાની હાજરીમાં બે જણા જન્મોજનમનાં બંધન બાંધી રહ્યાં હોય, ત્યારે બીજી બાજુ ભવ્યાતિભવ્ય સમારંભમાં કેટલુંયે ભોજન બગાડીને આપણે અન્ન દેવતાનું અપમાન કરીએ છીએ.