Youth vote| ભારતનાં પાંચ રાજ્યો પશ્ર્ચિમ બંગાળ ( West Bengal ) , આસામ (Assam ) , તમિલનાડુ( Tamilnadu ) , કેરળ (Kerala) અને પુડ્ડુચેરી (Pondicherry) માં વિધાનસભાની ચૂંટણીનાં ( Election ) પડઘમ વાગી રહ્યાં છે. રેલીઓ, ભાષણો, ચૂંટણી ઢંઢેરાની વરસોથી ચાલી આવતી ઘટનાઓ વચ્ચે ઉમેદવારોની પસંદગીમાં પરિવર્તનનો એક નવો માહોલ પણ દેખાયો. ભાજપા, ટીએમસી, કોંગ્રેસ વગેરે પક્ષોએ ઉમેદવારો બાબતે ઘણા નવા નિયમો બનાવ્યા. એંસી વર્ષથી વધુ ઉંમરના નવા કે જૂના કોઈ નેતાને ટિકિટ નહીં, ગંભીર - લાંબી બીમારીગ્રસ્ત, ભ્રષ્ટાચારના આરોપીઓ, ખરાબ છબી ધરાવનારા નેતાઓને ય ટિકિટ નહીં. યુવાન છાત્રનેતાઓ, પ્રખ્યાત અને શુદ્ધ છબી ધરાવનારા કલાકારો, કસબીઓ, ખેલાડીઓ, અર્થશાસ્ત્રી, ઇકોનોમિક એડ્વાઈઝર, બિઝનેસમેન, નોકરિયાત, સમાજસેવકોને તક મળે તેવું આયોજન થયું.
કેટલાંક સ્વાર્થી અને બેજવાબદાર તત્ત્વોને કારણે રાજનીતિ દૂષિત થતાં એક સમયે સમાજમાં કહેવાતું કે, ‘સારા માણસો રાજકારણ (Politics) માં જોડાતા નથી.’ સમય જતાં દેશના વિકાસ અને નવાં પરિવર્તનો માટે સ્વચ્છ, શિક્ષિત અને દૂરંદેશી ધરાવનારા યુવાઓ રાજકારણમાં જોડાય તેવી સમાજમાં માંગ ઊઠી. જનતાની વચ્ચે રહેનાર, તેમની સમસ્યાઓ સમજનાર, આધુનિક સંસાધનો, ટેક્નોલોજીથી વાકેફ, ભેદભાવથી મુક્ત, શિક્ષિત ઉમેદવાર મતદારોની પહેલી પસંદ બની શકે. ભારતીય જનતા પાર્ટીમાં તો છેલ્લા ત્રણેક દાયકાઓ અગાઉથી જ યુવા બુદ્ધિજીવીઓ, પ્રોફેશનલ્સ માટે દરવાજા ખુલ્લા મૂકી તેમને રાષ્ટના વિકાસમાં સહભાગી કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. તેના થકી અનેક એક્ટિવ ઇન્ટેલેકચ્યુઅલ્સ, એક્સપર્ટ્સ જોડાયા અને નવા આઇડિયા અપનાવી સફળ લીડરશિપ પણ કરી. ઉમેદવારોની આ ચયનપ્રક્રિયા ભાજપે વધુ તીવ્ર બનાવી છે. મોટાભાગ્ો દરેક પક્ષમાં જ્ઞાતિ, ખ્યાતિ અને જીતવાની તક આ ત્રણના આધારે ઉમેદવાર પસંદ થતો. હવે ભણેલા-ગણેલા, વિવિધ ક્ષેત્રોનો દીર્ઘ અનુભવ કે ઓછો પણ શ્રેષ્ઠ અનુભવ ધરાવનારા, ધર્મનિરપેક્ષ શાખ ધરાવનારા, સજ્જન, સક્ષમ, ઉધોગતિઓ, પ્રોફેશનલ્સ, અર્થશાસ્ત્રીઓ, ખેલાડીઓ, ડોક્ટર્સ નેતૃત્વ કરી શકે તેવા યુવા છાત્રો, સમાજસેવક યુવાનો વગેરેને રાજકારણમાં લાવવાની પહેલ કરીને રાજનીતિમાં નવી યુવા હવા પ્રસરાવવાનો પ્રારંભ થયો.
બંગાળમાં બંગાળી ફિલ્મ-ટીવી ઇન્ડસ્ટ્રીઝના ખ્યાત યુવા કલાકારો શ્રાવન્તિ ચેટર્જી, સૌમિલી વિશ્ર્વાસ, યશ દાસગુપ્તા, હિરણ ચેટર્જીને ભાજપે તક આપી તો યુવા અભિનેત્રીઓ બિરબાહા હાંસદા, લવલી મોઈત્રા, રનીતા દાસ તથા ક્રિકેટર મનોજ તિવારી સહિત અનેક યુવાનોને ટીએમસીએ પોતાના ઉમેદવાર બનાવ્યા. વળી ઘરમાં કચરા-પોતાં-વાસણનું કામ કરનાર કલિતા માઝીને ભાજપે પૂર્વ વર્ધમાનના આઉસગામ અને દાડિયા તરીકે કામ કરતી ચંદના બૌરીને બાંકુરાની સલ્તોરા સીટ પરથી ટિકિટ આપીને નેતૃત્વમાં છેવાડાના માનવીની ભાગીદારીયે નોંધાવી. કલિતા ભાજપની સામાન્ય કાર્યકર્તા છે, પણ અત્યંત તેજસ્વી અને નવા વિચારો ધરાવનારી છે તો ચંદના પણ લોકોની સેવા માટે વરસોથી પરસેવો પાડનારી અને ન્યાય માટે અવાજ ઉઠાવવા માટે જાણીતી છે. ત્રીસ વર્ષથી પણ નાની ઉંમરની આ બંને મહિલા ઉમેદવારો રાજકારણમાં નવી હવાને લાવશે એવી સૌને આશા છે. બંગાળના અલદીપુરમાંથી યુવા અર્થસાસ્ત્રી અશોક સહિત ઉમેદવારોમાં યુવાન અને શિક્ષિત પ્રોફેશન્સ મુસ્લિમ બંધુઓની ભાગીદારીય ઘણી મોટી છે.
કોંગ્રેસેય ‘પેઢીગત’ ઉમેદવારોની લત છોડી નવા પગલાં ભર્યાં. કેરલના તિરુવનંતપુરમમાં કોંગેસે કોમર્સ ગેજ્યુએટ અને સમાજસેવામાં પોસ્ટ ગેજ્યુએશન કરનારી માત્ર ૨૧ વર્ષની અરિથા બાબુને અને સ્ટુડન્ટ યુનિયનના ૨૭ વર્ષીય અભિજિતને ટિકિટ આપી. શિક્ષિત, ટેલેન્ટેડ યુવાઓને જોડવાના પ્રયત્નો પ. બંગાળ અને અસમમાં ય કર્યા.
શિક્ષણ, જ્ઞાન, નિષ્ઠા અને સક્ષમતાના આધારે ક્યાંક આવકાર્ય અપવાદો ય સર્જાયા. દા.ત ભાજપે મેટ્રોમેન તરીકે પ્રખ્યાત વિરિષ્ઠ મહાનુભાવ ઈ. શ્રીધરનને મુખ્યમંત્રી પદના દાવેદાર ઘોષિત કર્યા. વરિષ્ઠ સ્વપનદાસ ગુપ્તા પણ રાજ્યસભાની સદસ્યતા છોડી, ભાજપમાંથી બંગાળના તારકેશ્ર્વરની સીટ પરથી ચૂંટણી લડશે. યુવાનોની સભામાં જ્ઞાન-વૃદ્ધ અત્યંત જરૂરી હોવાની સંકલ્પના ય ભાજપે આ રીતે સાકાર કરી.
યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા ઍન્ડ ધી પેસેફિક દ્વારા પ્રસિદ્ધ એક આલેખમાં લોકશાહી સરકારના શ્રેષ્ઠ નેતાઓનાં ગુણો-લક્ષણોનું પ્રતિપાદન થયું છે. તે મુજબ જનતા સાથે સહભાગિતા ધરાવનાર, નાગરિકોનો અવાજ બનનારા, કાયદાના શાસનથી ચાલનાર, પારદર્શક, સંવાદી ભૂમિકા નિભાવી શકનાર, સત્યનિષ્ઠ, નાત-જાત-ધર્મ-લીંગના ભેદભાવોથી દૂર, સમાનતા અને સર્વસમાવેશકતા મુજબ કામ કરનાર, વિઝનરી નેતા રાષ્ટ્રના ઉત્થાનમાં અપૂર્વ યોગદાન આપી શકે છે. પ્રવર્તમાન સંજોગોમાં દેશને આવા નેતાઓ મળશે તેવી આશા બંધાઈ છે. પહેલીવાર ચૂંટણી લડતા હોય તેવા ઉચ્ચ શિક્ષિત, વિચારશીલ અને ટેલેન્ટેડ નવયુવાનોની સંખ્યા લગભગ પચાસ ટકાએ પહોંચે છે.
સ્વચ્છ, મજબૂત, સક્ષમ અને ઇચ્છાશક્તિ ધરાવનારા વિઝનરી રાજનેતાઓ હોય ત્યારે દેશનો વિકાસ પૂર્ણતા તરફ પ્રયાણ કરે. ૨૧મી સદીના પરિવર્તનનો આ તબક્કો છે. આ તબક્કો ભારતીય રાજનીતિને નવું સ્વરૂપ આપવા સાથે દેશની આવતીકાલ ઊજળી કરશે.