પ્રસન્નતા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે, એ કોઈ ઝૂંટવી ન શકે.

    15-May-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
દાદુ દયાળ ઓલિયા મસ્તમૌલા સંત થઈ ગયા. એકવાર એ પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા ચામડાની સિલાઈ કરી રહ્યા હતા. તે સમયે કબીરના પુત્ર કમાલ એમને ત્યાં આવ્યા. દાદુએ એમને બેસવા માટે ચામડું આપ્યું અને પછી સહજતાથી ચામડાની સિલાઈ કરવા લાગ્યા અને વાતો કરવા લાગ્યા. અચાનક કમાલની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં ત્યારે દાદુ દયાલે પૂછ્યું કે ‘મારી કોઈ વાતે તમને દુઃખ પહોંચાડ્યું ?’
  
ત્યારે કમાલ કહ્યું કે ‘ના ના, એવું કશું નથી થયું, વિચારતો હતો કે આપના જેવો સહજસરળ હું કેમ ન થઈ શક્યો ?
 
પર્વત પર પાછું ચડવાનું, નદીપણું નિશ્ર્ચે નડવાનું.
 
સાવ સાંકડા ઘરમાં સંતો, યાયાવર થઈને ઊડવાનું.
 
 
હરીશ મીનાશ્રુનું આ મુક્તક સહજતાનું સરનામું ચીંધે છે. કાકાસાહેબ કાલેલકરની એક વાર્તા છે. એક વ્યક્તિએ ત્રણ પૂતળી બનાવી. એક કપૂરની, બીજી ફૂલની અને ત્રીજી મીણની. શિયાળાના દિવસો હતા એટલે આ ત્રણ પૂતળીઓને ઇચ્છા થઈ કે આગ પાસે જઈ હૂંફ મેળવીએ. ત્રણેય આગ પાસે જાય છે. કપૂર ભસ્મીભૂત થઈ જાય છે. ફૂલ કરમાઈ જાય છે અને મીણ ઓગળી જાય છે.
 
પોતાની પ્રકૃતિ વિરુદ્ધ જવું જોઈએ નહીં. જો એમ થશે તો દુઃખી થશો. સુખી થવાનો જીવનમંત્ર છે સહજ રહેવું. મને વિચાર આવ્યો કે આપણે સોનાની મૂર્તિ બનાવીએ. એ આગ પાસે જશે તો બળશે નહીં, ચમકશે. સુવર્ણ કુંદન બની જશે. આપણે પણ આપણું વ્યક્તિત્વ સોના જેવું બનાવવું જોઈએ. એ પછી પ્રસન્નતા તમારી દાસી બનશે. પ્રસન્ન રહેવા માટે નીચેના સૂત્રો છે :
દાન : દાન આપવું એટલે માત્ર ધનનું દાન જ નહીં પણ આપણી પાસે જે કંઈ શુભ હોય એનું દાન કરવું જોઈએ. ભગવાન શંકર મહાદાની છે એટલે હંમેશા પ્રસન્ન રહે છે અને તુરંત પ્રસન્ન થાય છે. વહેતી નદીમાં કદી લીલ બાઝતી નથી.
 
અમાન : માનની અપેક્ષા ન રાખે એને અમાન કહેવામાં આવે છે. શિવ અમાન છે. હરીન્દ્ર દવે કહે છે તેમ ‘કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, આપણી અપેક્ષા જ વધારે હોય છે.’
 
ખાન : ભોજન આપવું. સૌથી શ્રેષ્ઠ હરિનામનો આહાર છે. સ્થૂળ આહારથી પ્રસન્નતા આવે પણ હરિનામથી કાયમી પ્રસન્નતા આવે છે. ટુકડો ત્યાં હરિ ઢૂકડો. સૌરાષ્ટ્રમાં તો અનેક અન્નક્ષેત્ર ધમધમે છે. મહેમાનગતિ માટે ખ્યાત છે.
 
પાન : પાણીની પરબ બંધાવાય એ સારું કામ છે. હરિરસ એ ઉત્તમ પાન છે. પાન ખાઈને હરિરસ-પાન ન થઈ શકે. એકાદ શ્ર્લોકથી લોકોના શોક મટી ગયાના દાખલા છે. એક મંત્રથી ભવસાગર તરી ગયાના દાખલા છે.
 
જ્ઞાન : જ્ઞાની માણસને દુઃખ હોતું નથી, હા, અતિ જ્ઞાની ક્યારેક દુઃખી થાય છે. શંકર પરમ જ્ઞાની છે. બધી પીડાનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાની માણસને સમજાવવો બહુ અઘરો છે. આપણાં શાસ્ત્રો જ્ઞાનની કદી ન ખૂટનારી પરબ છે.
 
ગાન : ગાયક કાયમી પ્રસન્ન રહે છે. જિંદગી પ્યાર કા ગીત હૈ, ઉસે હર દિલકો ગાના પડેગા. સંગીતમાં અજબ તાકાત રહેલી છે. ભૂખ્યો પેટથી ગાય, તરસ્યો ગળાથી ગાય અને સાચો ગાયક દિલથી ગાય છે.
 
દુઃખથી ગભરાવું જોઈએ નહીં. દુઃખના કલાકાર થઈ જાવ જેથી દુઃખ પણ રૂડું રૂપાળું લાગે. સુખ ત્યારે જ સ્વરૂપવાન લાગે છે જ્યારે એની બાજુમાં શાંતિ બેઠી હોય. કેટલાક કરોડપતિ હોય પણ ઘરમાં એક રૂપિયાની પણ શાંતિ ન હોય. આનાથી મોટી ગરીબી શું હોઈ શકે !!! તમે કોઈને દુઃખી જોઈને આશ્ર્વાસન આપો છો તો સુખી જોઈને અભિનંદન કેમ નથી આપતા ? એને અભિનંદન આપશો એટલે તેનું સુખ વધી જશે. તમે કોઈનું સુખ વધારવામાં નિમિત્ત બનો એનાથી વધુ રૂડું શું હોઈ શકે છે ?
 
પ્રસન્નતા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે, એ કોઈ ઝૂંટવી ન શકે. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્ર્વનું એવી ભાવના નિત્ય રહે.. જે વ્યક્તિ પવિત્ર નથી એ કદી પ્રસન્ન રહી ન શકે. સુખ અને દુઃખનાં બે પગથિયાંથી ઉપર ઊઠીને વિચારીશું એટલે આનંદનો પ્રવેશ થાય છે. હંમેશ સોગિયા મોં સાથે પોતાની જાતને દુઃખી કરવી એ મોટામાં મોટું પાપ છે.
 
આલેખન - હરદ્વાર ગોસ્વામી