મહામારીનાં 1 વર્ષ પછી WHO એ આખરે જાહેર કર્યું કે કોરોના વાઈરસ હવામાં એક મીટરથી વધુ દૂર સુધી જઈ શકે છે, દુનિયાભરનાં વૈજ્ઞાનિકો / નિષ્ણાંતોની અથાગ મહેનતથી 14 વેક્સિન ઉપયોગમાં છે અને 308 ટ્રાયલ ફેઝમાં છે. ભારતની બંને વેક્સિનો ય ખૂબ કારગત અને દુનિયાભરમાં અનેકનાં જીવ બચાવવામાં ઉપયોગી બની. નેશનલ હેલ્થ એજન્સીનાં રીપોર્ટ પ્રમાણે 8 મે સુધીના ભારતનાં 10 કરોડ સહિત 1.26 અબજ લોકોને વેક્સિન મળી ગઈ. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારતનાં DRDO દ્વારા વિકસાવેલી કોરોનાની દવાને ક્લનિકલ ટ્રાયલનાં ત્રણ સફળ પરિક્ષણ બાદ મંજૂરી આપી. હૈદરાબાદની ડૉ. રેડ્ડી લેબોરેટરીને જવાબદારી સોપાઈ તથા ઓક્સિજનનાં યોગ્ય વિતરણ માટે સુપ્રીમ કોર્ટેં 12 સભ્યોની એક ટાસ્ક ફોર્સની રચના કરી.
સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ 7મી એપ્રીલ સુધીમાં ભારતે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને 17.35 કરોડથી વધારે ડોઝ પહોંચાડ્યા. ઓક્સિજનનો ઔધોગિક ઉપયોગ બંદ કરાવી, ઓક્સિજનને રાજ્યો સુધી પહોંચાડ્યો, વિદેશોમાંથી પણ હવાઈ માર્ગ્ો ઓક્સિજનના કન્ટેનરો ભારત પહોંચ્યા, રેમડેસિવિરના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો તથા અનેક રાજ્યોમાં નવા ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વીત થયાં. હેલ્થ વર્કર વધારવા મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ તથા નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પણ યોગ્ય વળતર / સન્માન આપી, હોસ્પિટલોમાં લાવવાના પ્રયાસ શરૂ થયા. નિષ્ણાતો વૈજ્ઞાનિકો મુજબ હજુ ત્રીજી અને ચોથી લહેરમાં દસ લાખ લોકોના મૃત્યુની આશંકા જોતા સુપ્રીમ કોર્ટેં વધુ સારા આરોગ્ય માળખા તથા ઓક્સિજનના ઓડિટ / ફાળવણી અંગે આયોજન કરવાનું કડક સૂચન કર્યું.
દરરોજના સરેરાશ 4 લાખ દર્દીઓ નોંધાતા, અનેક દર્દીઓના જીવ હોસ્પિટલ પહોંચતા પહેલા નીકળી જાય તથા સ્મશાનો ઊભરાય તે પરિસ્થતિએ વિશ્ર્વને હચમચાવ્યું છે. સંકટના આ સમયે આંતરરાષ્ટ્રીય સમુદાય, ચાલીસ જેટલાં નાના - મોટા દેશો, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાઓ ભારતને અનેક પ્રકારની મદદ પહોંચાડી રહ્યાં છે. ત્રણ ભારતીય - અમેરિકન સીઈઓ ગુગલના સુંદર પીચાઈ, ડેલોઈટના પુનિત જેન અને એડોબના શાંતનું નારાયણ પેન્ડેમિક રિસ્પોન્સની ગ્લોબલ ફોર્સની કમીટીમાં અગ્રેસર રહી ભારતને કોવિડ સામે લડવામાં મદદ કરશે. ભારતે પણ અગાઉ અનેક દેશોને વેક્સિન પહોંચાડી મદદ કરી છે તે પણ ઉલ્લેખનીય છે. સંકટને પહોંચી વળવા રાષ્ટ્રીય ફલક પર વિશાળ સ્વાસ્થ્ય માળખું ઉભુ કરવાની જરૂરિયાત છે. સંયુક્ત થઈને લડવાથી જંગ જીતી જવાશે.
મૃત્યુ અને વેદના આપણા દરવાજે ઉભી છે ત્યારે લોકશાહી સંસ્થાઓમાં આદર્શવાદનું ઈંજેક્શને ય જરૂરી છે. સરકારો, રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના સહિયારા પ્રયત્નો અને સહકાર વિના કોવિડ સામેની લડત જીતવી અઘરી છે. કેન્દ્ર સરકાર આગામી બે કે ત્રણ વર્ષ માટે એક વિશાળ નેશનલ એક્શન પ્લાન કરે તે દેશની સૌથી પ્રથમ આવશ્યકતા છે. નેશનલ એકશન પ્લાનમાં મૂર્ત અને વાસ્તવિક, પહોંચી શકાય તેવા લક્ષ્યો નિર્ધારિત થાય. તેમાં કોરોનામુક્ત ભારત સુધીનું આયોજન જરૂરી છે. વર્તમાન અને ભાવી કોરોના લહેરો માટે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે સંકલન સાધીને કેન્દ્ર સરકાર મોટી યોજના ઘડે.
વેક્સિન ઉપલબ્ધ કરાવવાની સજ્જતા, સપ્લાય, રેશનિંગ અને રસી આપવા માટેની સુદૃઢ વ્યવસ્થા સાથે જાહેર આરોગ્યના દૃષ્ટિકોણથી જરૂરી એવી તમામ શ્રેષ્ઠ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય. સંસદીય પસંદગી સમિતિની જવાબદારીઓ નિશ્ર્ચિત થાય અને એક કોમન ચેનલથી જોડાઈને કાર્ય કરે. અમલદારશાહીને રાજકારણના બંધનોથી મુક્ત કરી જે તે રાજ્યના મુખ્યમંત્રી અને સંસદને જવાબદેહ બને, લોકકલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે તે અત્યંત જરૂરી છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની જરૂરિયાત મુજબની તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ, દવાઓ, વેક્સિન, ઓક્સિજન, વેન્ટિલેટર્સ વગેરે સરળ-સહજ રીતે પ્રાપ્ત થાય તેવું રાષ્ટ્રીય આયોજન થાય અને તમામ મુખ્યમંત્રીઓ સાથે સંકલનથી મહામારીને નાથવા માટે પ્રયત્નો થાય તે જરૂરી. રાજ્યો, કેન્દ્ર સરકાર, ન્યાયલયો તથા હોસ્પિટલ અને કોરોના વૉરિયર્સ વચ્ચે વિશ્ર્વાસનું વાતાવરણ ઊભું થાય તે જરૂરી છે.
ભારત સરકાર ‘સંપૂર્ણ સહકાર’ના અભિગમથી દેશના દરેક રાજ્ય સાથે રહી, સહિયારું સુકાન સંભાળી લે તો સ્થિતિ ચોક્કસ નિયંત્રણમાં આવશે જ. ‘પેશન્ટ’ની ‘ધીરજ’ અને લોકોનો ‘શ્ર્વાસ’ કે ‘વિશ્ર્વાસ’ કંઈ ના ખૂટે તેવી યોજના કાર્યાન્વીત થાય તો જ જંગ જીતાય.