ઇઝરાયલ પેલેસ્ટાઇન લડાઇનો અંત ક્યારે ? Israel Palestine Conflict

    26-May-2021   
કુલ દૃશ્યો |

Israel Palestine Conflict
 
 
Israel Palestine Conflict | યદી-મુસ્લિમના ૭૫ વર્ષ જૂના ઇઝરાયલ-પેલેસ્ટાઇન ઝઘડામાં આ વખતે આંતરરાષ્ટીય મીડિયા સંસ્થાઓ ગાઝામાં જે બિલ્ડિંગમાં હતી તે બિલ્ડિંગ જમીનદોસ્ત થવાથી ઇઝરાયલની વૈશ્ર્વિક નિંદા થઈ છે. નેતન્યાહુના મતે આ બિલ્ડિંગમાં ‘હમાસ’ આતંકવાદી સંસ્થા તેના હથિયારો છૂપાવતી હતી અને મીડિયા સંસ્થાઓને બિલ્ડિંગ ખાલી કરવાની ચેતવણી આપ્યા પછી જ હુમલો કર્યો છે, છતાં હથિયારો છૂપાવા અંગેના કોઈ પુરાવા આપી શક્યા નથી. એસોસિએટ પ્રેસ, અલ-જઝીરા તથા અનેક વિદેશી સંચાર માધ્યમોને નુકસાન પહોંચ્યું હોવા છતાં કોઈ જાનહાનિના રિપોર્ટ્સ નથી.
 
એક અઠવાડિયાથી ઇઝરાયલ ગાઝાની આ લડાઈમાં રવિવાર ૧૬ મે સુધીમાં ગાઝામાં ૫૮ બાળકો સહિત, ૧૯૭ લોકો મર્યા છે, તો ઇઝરાયલમાં ૧ બાળક સહિત ૯ નાગરિકોની જાનહાનિ થઈ છે. ઉભય પક્ષે આ આક્ષેપ પ્રતિઆક્ષેપમાં પૂર્વ જેરૂસલામથી મુસ્લિમ નાગરિકોને ઇઝરાયલ દ્વારા તગેડી મુકવાની કવાયત અને સુપ્રીમ કોર્ટનો ય તેમાં સાથ હોવાની આશંકા છે, જ્યારે ઇઝરાયલ પર થયેલ આતંકી હુમલાના પ્રત્યુત્તર રૂપે થયેલ લશ્કરી કાર્યવાહીમાં ગાઝા, નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે. જ્યાં ટાર્ગેટ માત્ર આતંકવાદીઓ છે તેની ભારપૂર્વક રજૂઆતો છે.
 
આંતરરાષ્ટીય રાજકારણની અટપટી ચાલમાં ઇઝરાયેલે ૨૦૧૮માં જેરૂસલામને ઇઝરાયેલની રાજધાની ઘોષિત કરી, ત્યારે અમેરિકાએ તેનું દૂતાવાસ પણ તેલ-અવીવથી ખસેડ્યું હતું. અનેક દેશોએ તે માન્ય ન રાખવા છતાં જેરૂસલામના પૂર્વમાં જ્યાં અનેક મુસ્લિમો વસ્યા છે તેમની હકાલપટ્ટીનો મુદ્દો છાશવારે ઉછળે જ છે. અમેરિકાની બાઈડન સરકારે ભારપૂર્વક, આજની યુનાઇટેડે નેશન્સની મિટિંગમાં અવરોધો ઊભા કરતા, તે વર્ચ્યુઅલ કરાઈ અને તેના તરફથી કોઈ અપીલ બહાર ન પડી છતાં સેક્રેટરી જનરલ એન્ટોનીઓ ગુટેરેસના મતે ‘આ લડાઈ આઘાતજનક છે, તેમાં મૃત્યુ, મોટું નુકસાન અને આશાવિહોણુ વાતાવરણ ઊભું થયું છે. આ લડાઈ વહેલી તકે બંધ થવી જોઈએ.’
 
સતત સંઘર્ષમય વાતાવરણમાં, રમઝાન માસમાં, પૂર્વ જેરૂસલામના દમાસ્કસ ગેટ, જે મુસ્લિમોને હળવા-મળવા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટેનું માનીતું પ્લેટફોર્મ છે, ત્યાં પોલીસ દ્વારા નાકાબંધી કરવાથી અને રેડિકલ ગ્રુપ દ્વારા ‘ડેથ ઓફ અરબ્સ’ના સૂત્રોચ્ચારથી ઉશ્કેરાટ વધ્યો. સુપ્રીમ કોર્ટ દ્વારા ૭૦ મુસ્લિમોની હકાલપટ્ટીના કેસમાં નિર્ણાયક ભૂમિકા ભજવાશે તેણે બળતામાં ઘી હોમ્યુ. અને હજારો યાત્રીઓને અલ-અસ્ક મસ્જિદ, જે વિશ્ર્વની ત્રીજી મોટી મસ્જિદ છે અને બાજુના જ પરિસરમાં યદીઓનું ય ધાર્મિક સ્થાન છે ત્યાં જતાં રોકવાથી, વાતાવરણ આંતર વિગ્રહ (Civil War)માં જ પલટાયુ. જેનો લાભ લઈને ગાઝા તરફથી જેરૂસલામ પર અણધાર્યો હુમલો થયો. અંદાજીત ૨૦૦૦ રોકેટ્સ તથા અગણિત બોંબ નખાયા. ઇઝરાયલ ડઘાઈ ગયું અને વળતા હુમલામાં તેણે આંતરિક યુદ્ધ પર નિયંત્રણ કરવા સાથે હમાસના આતંકવાદીઓનો સફાયો કરવા ગાઝા પર લશ્કરી કાર્યવાહી કરી છે.
 
વર્ષ ૨૦૦૦ પછીનો આ સૌથી મોટો હુમલો છે. યુએન સિક્યોરિટી કાઉન્સીલના પ્રસ્તાવ પ્રમાણે ગોલન હાઈટ, ગાઝા, પૂર્વ જેરૂસલામ, વેસ્ટ બેન્ક વગેરે ઓક્યુપાઇડ ટેરેટરી તરીકે જ ગણાય છે, જ્યાં કેટલાક ઇઝરાયેલી સમાધાનો પણ બિનકાયદાકીય છે. ત્યાં બન્ને પક્ષ સતત અથડામણ અનુભવતા રહ્યા છે. ઇજિપ્ત, જોર્ડન, ટર્કી બધા મુસ્લિમ દેશો પેલેસ્ટાઇન તરફી હોવા છતાં સમજાવટ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેથી ત્યાં યુદ્ધવિરામ થાય. અમેરિકાએ પણ તેના પ્રતિનિધિ રવાના કર્યા છે છતાં આંતરિક રાજકારણ અને ઇઝરાયલનું સાર્વભૌમત્ત્વ જાળવતાં પ્રધાનમંત્રી નેતાન્યાહુ લડાઈ બંધ કરવાના મુડમાં નથી. તો હમાસના વડા મુસા અબુ માર્ઝુક પણ બમણા જોશથી લડાઈ અમારી શરતોએ જ બંધ થશે, ઇઝરાયલની નહીં કહેતા નિર્દોષ નાગરિકોની ખુમારી અટકતી નથી. યુરોપમાંથી ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ વગેરે દ્વારા પણ આની વૃદ્ધિ અટકે તે માટેની વિનંતીઓ છતાં લડાઈ ક્યારે બંધ થશે તે કહેવું મુશ્કેલ છે.
 
યુનાઇટેડ નેશન્સ, તેના બળિયા ઘટકો જેવા કે ચાઇના, રશિયા, અમેરિકા વગેરેના કારણે આવા પેચીદા પ્રશ્ર્નોમાં ન્યાયિક અભિગમ અપનાવી નિરાકરણ લાવી શકાતું નથી. પેલેસ્ટાઇનનો પ્રશ્ર્ન શાંતિ વાર્તા માટે જુદો જ સમજી, કેટલાક આરબ રાષ્ટોએ, અમેરિકાની મદદથી ઇઝરાયલ સાથે દોસ્તી કરી તો ઇજિપ્ત, જોર્ડન વગેરેએ આ ધ્રુવીકરણમાં ન પડતા પોતાનો સ્વાર્થ શોધ્યો. ચાઈના, રશિયા માટે પણ આરબ ધરી ટ્રીગર પોઇન્ટ બની શકે. આ ખેંચતાણમાં તાત્કાલિક ઉકેલને સમય લાગશે જ.