શ્રી બુદ્ધચરિતમાનસ સંક્ષિપ્ત | ‘ગૌતમ સિદ્ધાર્થ’નું અન્ય નામ ગૌતમ બુદ્ધ પડ્યું તેની રહસ્યકથા

    26-May-2021
કુલ દૃશ્યો |


buddha purnima_1 &nb 

 
 

શ્રી બુદ્ધાવતાર | વૈશાખી પૂર્ણિમા, બુધવાર, તા. ૨૬-૫-૨૧, શ્રી બુદ્ધ પૂર્ણિમા ( Buddha Purnima ) નિમિત્તે

ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના દશ અવતારોમાં શ્રી બુદ્ધાવતાર વિશેષ મહત્ત્વનો છે. ઈ. સ. પૂર્વે ૬૨૩ના વર્ષની વૈશાખી પૂર્ણિમાના દિવસે કપિલવસ્તુથી દૂર લુમ્બિની વનમાં શાલવૃક્ષ નીચે માતા મહામાયાએ ભગવાન બુદ્ધને જન્મ આપ્યો હતો. કપિલવસ્તુના સૂર્યવંશી રાજા શુદ્ધોધન તેમના પિતા હતા. પિતાની ઇચ્છા પૂર્ણ થવાથી પુત્રનું નામ ‘સિદ્ધાર્થ’ પાડવામાં આવ્યું. તેમનું ગોત્ર ગૌતમ હતું. તેથી ‘ગૌતમ સિદ્ધાર્થ’ કહેવાયા.
 
‘ગૌતમ સિદ્ધાર્થ’નું અન્ય નામ ગૌતમ બુદ્ધ પડ્યું તેની રહસ્યકથા રોચક છે. સિદ્ધાર્થે ગૃહત્યાગ કરી મહાભિનિષ્કિમણ કર્યું તેના પાંત્રીસમા વર્ષની ઘટના ગૌતમ બુદ્ધના નામ સાથે સંકળાયેલી છે. સિદ્ધાર્થે જીવનનું રહસ્ય શોધવા જ્ઞાનના પ્રકાશ માટે ભ્રમણ શરૂ કર્યું હતું. સત્યની શોધ માટે તે હંમેશા આવનાર પળની રાહ જોતા હતા. એક દિવસે ભિક્ષામાં સુજાતા નામની સ્ત્રીએ ખીરનો કટોરો આપ્યો. તથા ઘાસ કાપનાર સેવકે સિદ્ધાર્થને ઘાસની પથારી કરી આપી. સિદ્ધાર્થ ઘાસની પથારી પર બેસી પદ્માસન લગાવી ધ્યાન કરતા. આમ કરવાથી તેમને સમાધિ લાગવા માંડી. એક દિવસ વૈશાખી પૂર્ણિમાને દિવસે સિદ્ધાર્થને પીપળાના વૃક્ષ નીચે (જે બોધિવૃક્ષ કહેવાયું) વહેલી સવારે જીવનનાં ચાર રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થયું. (૧) દુઃખ અને પીડાની હયાતી (૨) તેનાં કારણો (૩) તેમને દૂર કરવાની જરૂર તથા (૪) તેના ઉપાયો. તેમને પરમ શાંતિ મળી. ઉપનિષદના ઋષિની એક કલ્પના છે. જ્યારે કંઈ જ નહોતું, દેશ, કાળ કે સૃષ્ટિનો કોઈ પદાર્થ ન હતો, ત્યારે નિરાકાર નિષ્ક્રિય એવો એક આત્મા જ હતો. આ સ્થિતિમાં આત્માને પણ પોતે અભાવરૂપ-શૂન્યરૂપ હોય તેવું લાગ્યું પોતાનું કોઈ અસ્તિત્વ ન હોય તેવું લાગ્યું.
 
‘અસન્તં ઇવ-
આત્માનં મેને ।
 
સિદ્ધાર્થને પણ ઋષિની કલ્પના પ્રમાણે શૂન્યતાનો અનુભવ થયો. જે સમય જતાં ભગવાન બુદ્ધના શૂન્યવાદ તરીકે પ્રચલિત થયો. સિદ્ધાર્થમાં પ્રજ્ઞાપારમિતા અર્થાત્ પારગામી બુદ્ધિ અથવા બુદ્ધત્વ પ્રાપ્ત થયું.
 
બોધિવૃક્ષની નીચે સિદ્ધાર્થને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે બૌદ્ધ ધર્મ તરીકે પ્રસ્થાપિત થયું.
 
સિદ્ધાર્થને ખીરનો કટોરો આપનાર સુજાતાએ ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા સિદ્ધાર્થને હાથ જોડી પ્રણામ કર્યાં. સિદ્ધાર્થની પૂર્ણ જાગૃત (જ્ઞાનપ્રાપ્તિની અવસ્થા)ના દર્શન કરતાં તેણે કહ્યું, ‘હે પ્રભુ ! અર્ધમાગધી ભાષામાં બુદ્ધ કહેવાય છે તેથી હવે અમે સૌ આપને ગૌતમ બુદ્ધના સંબોધનથી બોલાવીશું.
 
ભગવાન શ્રીરામના ચરિત્રને જાણવા શ્રીરામ ચરિતમાનસ સંક્ષિપ્ત છે, તે પ્રમાણે શ્રી બુદ્ધચરિતમાનસ સંક્ષિપ્ત છે, જેમાં ભગવાન શ્રી બુદ્ધના ચરિત્રની મહત્ત્વની ઘટનાઓ-અંશો જાણવા મળે છે.
 

શ્રી બુદ્ધચરિતમાનસ સંક્ષિપ્ત

 
અઢી હજાર વર્ષ પહેલાંની આ ઘટના છે. કપિલવસ્તુના રાજા શુદ્ધોધન અને રાણી મહામાયાને ત્યાં પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો છે. રાજવૈભવમાં સિદ્ધાર્થ મોટો થાય છે. તેના જન્મ સમયે આસિત નામના ઋષિએ ભવિષ્ય લખેલું કે, કાં એ રાજાનો રાજા થશે, કાં સંન્યાસ લેશે. તેથી રાજાએ મહામાયાના ભાઈ દંડપાણિની સ્વરૂપવાન કન્યા યશોધરા સાથે એનાં લગ્ન કરી નાખ્યાં. તે યશોધરા સાથે રાજમહેલમાં જ આનંદપૂર્વક દિવસો વ્યતીત કરે છે.
 
એક દિવસ છન્ન સારથિ સાથે નગરમાં ફરવા નીકળતાં યુવરાજ સિદ્ધાર્થે ચાર દૃશ્યો જોયાં. એક વૃદ્ધ જનને જોઈ વૃદ્ધાવસ્થા નિહાળી, એક માંદા માણસને જોઈ શરીર માંદું પડે છે તે જાણ્યું અને શબ જોઈ જાણ્યું કે મૃત્યુ નિશ્ર્ચિત છે અને ચોથા દૃશ્યમાં એક શ્રમણ (યોગી)ને જોઈ તેની શાંત અવસ્થા નિહાળી.
 
રોહિણી નદીને કાંઠે બેઠેલ કાંચનવર્ણી કાયા અને રાજવી પોશાક પહેરેલા આ રાજકુંવર સિદ્ધાર્થનું મન ઊંડી ચિંતામાં ઊતરી ગયું છે. એ ધીમે ધીમે ગણગણે છે :
 
જગતમાં આટલાં બધાં દુ:ખ છે તો એનું ઓસડ કેમ નથી ? દુ:ખની હયાતી હોય તો સુખની હયાતી પણ હોવી જોઈએ. મારે એ શોધી કાઢવી જોઈએ. સિદ્ધાર્થને શ્રમણ (યોગી-સંન્યાસી)ના જીવનમાં સુખની ભાળ મળે તેમ છે તેવો વિશ્ર્વાસ બેસે છે.
સારથિ તથા સિદ્ધાર્થ નગરનું ભ્રમણ કરી રાજમહેલમાં પધારે છે. સિદ્ધાર્થને પુત્રજન્મના સમાચાર મળે છે. તેને થયું, વળી આ પાછો રાહુ બંધનકર્તા ક્યાંથી ? દાસીએ જઈને રાજા શુદ્ધોધનને સમાચાર આપ્યા. રાજાએ પણ પૌત્રનું નામ રાહુલ જ રાખ્યું. કેમ કે પુત્રમોહથી સિદ્ધાર્થ સંન્યાસ ન લે અને રાજપાટ સંભાળે પણ વિધિ-વિધાન કંઈ જદું જ હતું. સિદ્ધાર્થે ત્રણ વાર ઘરસંસાર છોડવાનો પ્રયત્ન કર્યો પણ તે ફાવી શક્યા નહીં, પણ છેલ્લે ૨૯ વર્ષની વયે મહાભિનિષ્ક્રમણ કર્યું. તે સાચા સુખની શોધમાં નીકળી પડ્યા. મગધના રાજા બિંબિસારે પણ સિદ્ધાર્થને સમજાવી પાછા વાળવા પ્રયત્ન કર્યો, પણ સિદ્ધાર્થ એકના બે ન થયા. સિદ્ધાર્થને બિંબિસારના યજ્ઞોમાં પશુઓ હોમાય તે અધર્મ લાગ્યો. સિદ્ધાર્થના ઉપદેશથી રાજાએ પશુઓની હત્યા બંધ કરી. સિદ્ધાર્થે સંન્યાસી સ્વરૂપે ભ્રમણ કરવા માંડ્યું.
 
સિદ્ધાર્થ આલાર કાલાય પાસે રહી સમાધિની સાત અવસ્થાઓ શીખ્યા અને ચિત્તની ચંચળ વૃત્તિઓને સંયમિત કરવા મથી જોયું. સમાધિ માટેના પ્રયત્નો છતાં તેમને નિર્વાણનું પરમ સુખ પ્રાપ્ત થયું નહીં. અંતે કઠિન તપશ્ર્ચર્યા કરી દુ:ખનું ઔષધ શોધી કાઢ્યું. આખરે સંયમનો માર્ગ અપનાવ્યો. તે હવે સિદ્ધાર્થ મટીને બુદ્ધ થયા. ૩૫ વર્ષની ઉંમરે જોઈતી સિદ્ધિ મળી ગઈ.
આ બુદ્ધને જે જ્ઞાન લાધ્યું તેનો ઉપદેશ તેમણે વિશ્ર્વકલ્યાણ માટે કર્યો. તેમણે પંચશીલનો સિદ્ધાંત પણ આપ્યો (૧) હિંસાનો ત્યાગ, (૨) ચોરીનો ત્યાગ, (૩) અસત્યનો ત્યાગ, (૪) મદ્યનો ત્યાગ, (૫) બ્રહ્મચર્યનું પાલન. ખાસ કરીને તેમણે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાઓ ઉપર ભાર મૂક્યો.
 
ખોટા ચમત્કારો દ્વારા શ્રદ્ધા ફેલાવવામાં બુદ્ધ માનતા નહોતા. એક દિવસ કિસા ગોતમી નામે એક સ્ત્રી સર્પદંશથી મૃત્યુ પામેલ બાળકને લઈ બુદ્ધ પાસે આવી અને તેને સાજો કરવા પ્રાર્થના કરી. બુદ્ધે સ્ત્રીને સાચું જ્ઞાન આપવા કહ્યું, જેને ઘરે કદી કોઈનું મરણ ન થયું હોય એવી જગ્યાએથી એક મૂઠી રાઈના દાણા લાવ તો તારા પુત્રને જીવિત કરું. બાઈ ઘેર-ઘેર ફરે છે, પણ એવું ઘર મળ્યું નહીં. બાઈને ભાન થયું. તે તેના પુત્રનો મૃતદેહ લઈ ચાલવા માંડી.
 
બુદ્ધનો શિષ્યસમુદાય વધતો ગયો. તેમણે ભિક્ષુકસંઘ નામ આપી ભિક્ષુઓ માટે નિયમો કર્યા. સમગ્ર વિશ્ર્વમાં બુદ્ધનો ભિક્ષુધર્મ સ્થપાયો. તે બૌદ્ધધર્મ પણ કહેવાયો. બુદ્ધ અવતારી પુરુષ તરીકે પૂજાવા લાગ્યા. કપિલવસ્તુનો ત્યાગ કરી મહાભિનિષ્ક્રમણ કર્યું હતું ત્યારે તેમણે નિશ્ર્ચય કર્યો હતો કે, જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુનો ઉપાય મળશે ત્યારે જન્મભૂમિનાં દર્શને પાછો ફરીશ.
 
ભગવાન બુદ્ધ જન્મભૂમિમાં પાછા ફર્યા છે. પિતા, પત્ની અને પુત્રનું મિલન થયું. પરંતુ શુદ્ધોદનને આ મિલન ભારે પડ્યું. યશોધરાએ રાહુલ પાસે કહેવરાવ્યું : હું તમારો પુત્ર છું, મને તમારો વારસો આપો. પણ બુદ્ધે તો પુત્ર રાહુલને વારસામાં બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને શુદ્ધોધનનું આશાનું કિરણ પણ આમ પરવારી ગયું.
 
બુદ્ધ શ્રાવસ્તીમાં જેતવનમાં રહેતા હતા ત્યારે અંગુલિમાલ નામનો રાક્ષસ પાડોશના જંગલમાં રહેતો હતો. તે માણસોને મારી તેમની આંગળીઓની માળા પહેરતો. બુદ્ધે અંગુલિમાલને જ્ઞાન આપ્યું. જો આપણે કોઈની આંગળી ઉગાડી શકીએ નહિ તો તેની આંગળી કાપવાનો આપણને અધિકાર નથી. અંગુલિમાલ રાક્ષસ મટી ગયો અને નિર્વાણપદને પામ્યો.
 
એકવાર કુટદન્ત નામનો ગામધણી મોટો યજ્ઞ કરાવી રહ્યો હતો. એ માટે ૭૦૦ બળદ, ૭૦૦ વાછરડા, ૭૦૦ બકરા અને ૭૦૦ ઘેટાં પશુબલિ માટે એકઠાં કર્યાં હતાં. આ વાતની બુદ્ધને જાણ થઈ. તેમણે કુટદન્તને જ્ઞાન આપ્યું. જીવનનું મહત્ત્વ સમજાવ્યું. અહિંસા પરમોધર્મ છે. યજ્ઞ માટેનું પશુધન છોડાવ્યું અને ભગવાન બુદ્ધે યજ્ઞની નવી પ્રણાલી સમજાવી. તેમણે ઉપદેશ આપ્યો કે : આપણે યજ્ઞની નવી રીત શોધી કાઢવી જોઈએ. ખેડૂતોને બિયારણ આપો. વેપારીઓને મૂડી આપો. નોકરોને પૂરતું વેતન આપો. બેકારોને રોજી આપો. આમ દરેકને મનગમતું મળે એ જ સાચો યજ્ઞ છે. આમ કુટદન્ત મારફતે ભગવાન બુદ્ધે સર્વોદય યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. હવે બુદ્ધની ઉંમર ૮૦ વર્ષની થઈ હતી. એમના અનુયાયી અસંખ્ય થયા હતા. વૈશાલીનગરની વારાંગના આમ્રપાલીને બુદ્ધે જ્ઞાન આપ્યું. આમ્રપાલીને ત્યાં બુદ્ધે સમૂહભોજન લીધું. ત્યારથી આમ્રપાલી પણ તેમની શિષ્યા થઈ અને સંસારનો ત્યાગ કર્યો.
 
વરાહપુરાણ અને અગ્નિપુરાણમાં બુદ્ધને ભગવાનના અવતાર તરીકે આલેખ્યા છે. અહિંસા એ મોક્ષમાર્ગની સાક્ષીરૂપ દૈવી સંપત્તિ છે. અહિંસા પરમ ધર્મ, પરમ તપ અને શ્રેષ્ઠ દાન છે. મન, વચન અને કર્મથી બીજાને દુ:ખ દેવું તે હિંસા છે. અહિંસા એ વીરતાની પરાકાષ્ઠા છે. કાયિક હિંસા એ મહાપાપ છે. સર્વધર્મનું મૂળ અહિંસા ધર્મ છે. સકળ સૃષ્ટિનો આત્મા ધર્મ છે. પરંતુ ધર્મનો આત્મા અહિંસા છે. આવા ધર્મની સ્થાપના માટે જ બુદ્ધને ભગવાનનો અવતાર મનાય છે.
 
વૈશાલીથી બુદ્ધ વેલુગ્રામ પધાર્યા. ત્યાંથી પાવાનગર પધાર્યા. અહીં ચુંદ લુહારની કેરીની વાડીમાં વિહાર કર્યો. ચુંદે બુદ્ધને ભાવપૂર્વક ભોજન જમાડ્યું.
 
પાવાનગરથી બુદ્ધ કુશિનારા પધાર્યા. ૮૦ વર્ષનો તેમનો વૃદ્ધ દેહ અતિસારના રોગનો ભોગ બન્યો. તે વધુ ટકી શક્યો નહીં. તમને સૌને નિર્વાણ પ્રાપ્ત થાઓ. એવું છેલ્લુ આશીર્વચન એમના મુખમાંથી નીકળ્યું અને ભગવાન બુદ્ધ ઈ.સ. ૫૪૪ વર્ષની વૈશાખી પૂર્ણિમાને દિવસે મહાનિર્વાણ પામ્યા.
 
વૈશાખી પૂર્ણિમા સાથે એમના જીવનના ત્રણ પ્રસંગો સંલગ્ન છે. આ દિવસે તેમનો જન્મ થયો. બોધિવૃક્ષની નીચે જ આ દિવસે જ્ઞાન લાધ્યું તથા આ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ તે મહાનિર્વાણ પામ્યા.
 
નિન્દસિ યજ્ઞવિધે રહહ શ્રુતિજાતમ્
સદૃય હૃદય દર્શિત પશુઘાતમ્ ॥
જય કેશવ બુદ્ધ સ્વરૂપ,
જય જગદીશ હરે.