વર્તમાન મીડિયાએ આદ્ય પત્રકાર પૂ. નારદ મુનિ પાસેથી આ શીખવા જેવું છે

ભારતીય પરંપરાઓમાં વિશ્ર્વાસ કરનારા વિદ્વાનો માને છે કે દેવર્ષિ નારદની પત્રકારિતામાં આ તમામ ગુણો હતા. દેવર્ષિ નારદ સંપૂર્ણ અને આદર્શ પત્રકારિતાના સેવક હતા. તેઓ માત્ર સૂચના આપવાનું જ કાર્ય નહોતા કરતા, બલકે સાર્થક સંવાદનું પણ સૃજન કરી જાણતા હતા. દેવતા, દાનવ કે મનુષ્ય સૌની ભાવનાઓ જાણી જે ભાવનાઓથી સૃષ્ટિનું ભલું થવાનું હોય તેવી ભાવનાઓને જ જગજાહેર કરતા.

    27-May-2021
કુલ દૃશ્યો |

narad muni jayanti_1  
 
 

દેવર્ષિ નારદ જયંતી નિમિત્તે

દેવર્ષિ નારદની જન્મકથા

ધર્મગ્રંથો અનુસાર નારદ મુનિને બ્રહ્માના સાત માનસપુત્રોમાંના એક હોવાનું મનાય છે. શાસ્ત્રોમાં નારદજીને ભગવાન વિષ્ણુનું મન કહ્યા છે. તે ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંના એક હતા. કઠિન તપસ્યાથી તે બ્રહ્મર્ષિ થયા.
બ્રહ્મવૈવસ્વત પુરાણ તથા ધર્મગ્રંથોમાં નારદજીના જન્મ સાથે મુખ્યત્વે ત્રણ ધર્મવાર્તાઓ સંકળાયેલી છે.
 
દેવર્ષિ નારદના વર્તમાન સ્વરૂપની જન્મકથા પૂર્વે તેમના બે જન્મોની કથાનો સંદર્ભ જાણવો રહ્યો.
ભગવાન બ્રહ્માની સેવામાં અપ્સરાઓ તથા ગંધર્વગણ ઉપસ્થિ સ્થિત રહેતાં હતાં. તેઓ નૃત્ય તથા ગીત-સંગીતથી જગતસૃષ્ટિની આરાધના કરતાં હતાં. ત્યાં ગંધર્વશ્રેષ્ઠ ઉપબર્હણ તેમની સ્ત્રીઓ સાથે આવી પહોંચ્યા. સ્વરસૌંદર્ય તથા ગીત-સંગીતની કળાથી તેમનામાં અભિમાન આવ્યું હતું. તે સ્વરસૌંદર્ય તથા નૃત્યને બ્રહ્મની ઉપાસના માટે છે તેવું ભૂલી ગયા. તે પોતાની શારીરિક મનની તૃપ્તિમાં ડૂબી ગયા. તેમનું સ્વરૂપ નિજાનંદમાં લીન થવાને બદલે ભોગવિલાસમય બન્યું. તેમના આ પ્રકારના વર્તનથી પિતામહ બ્રહ્માએ શાપ આપ્યો : હે ઉપબર્હણ! તમે ગંધર્વશ્રેષ્ઠ હોવાને લાયક નથી. શરીરની સેવા - ઐન્દ્રિયક તૃપ્તિ એ શૂદ્રત્વનું લક્ષણ છે. તમે શૂદ્ર થઈ જાઓ. એવું કહેવાય છે કે દેવર્ષિ નારદ પૂર્વજન્મમાં આ ઉપબર્હણ ગંધર્વ હતા.

વર્તમાન પત્રકારિતા માટે દીવાદાંડી દેવર્ષિ નારદની આદર્શ પત્રકારિતા

 
પત્રકારિતાની ત્રણ મુખ્ય ભૂમિકા હોય છે. એક સૂચના આપવી, બીજી શિક્ષણ આપવું અને ત્રીજી મનોરંજન કરવું. મહાત્મા ગાંધીજીએ પોતાના પુસ્તક હિન્દ સ્વરાજમાં પત્રકારિત્વની આ ત્રણેય ભૂમિકાને ખૂબ જ મહત્ત્વની ગણાવી તેનો વિસ્તાર કર્યો છે. લોકભાવનાઓને જાણી તેનો પ્રચાર કરવો. લોકોમાં જરૂરી ભાવનાઓ પેશ કરવી. જે લોકોમાં દોષ છે તો બેધડક રીતે તેમને કહી દેવું. ભારતીય પરંપરાઓમાં વિશ્ર્વાસ કરનારા વિદ્વાનો માને છે કે દેવર્ષિ નારદની પત્રકારિતામાં આ તમામ ગુણો હતા. દેવર્ષિ નારદ સંપૂર્ણ અને આદર્શ પત્રકારિતાના સેવક હતા. તેઓ માત્ર સૂચના આપવાનું જ કાર્ય નહોતા કરતા, બલકે સાર્થક સંવાદનું પણ સૃજન કરી જાણતા હતા. દેવતા, દાનવ કે મનુષ્ય સૌની ભાવનાઓ જાણી જે ભાવનાઓથી સૃષ્ટિનું ભલું થવાનું હોય તેવી ભાવનાઓને જ જગજાહેર કરતા. આનાથી પણ આગળ વધી દેવર્ષિ નારદ ઘોર ઉદાસીન વાતાવરણમાં પણ લોકોને સદ્કાર્ય કરવા પ્રેરિત કરતા અને ભાવનાઓને જાગ્રત કરવાનું ઉમદા કાર્ય કરતા હતા.
 
દાદા માખનલાલ ચતુર્વેદી લિખિત ઉપન્યાસ કૃષ્ણા સર્જન, યુદ્ધના પ્રસંગ વાંચીએ તો ખબર પડે છે કે, જ્યારે કોઈ નિર્દોષને અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ત્યારે તે પોતાના આરાધ્ય એવા ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણ અને તેમના પ્રિય એવા અર્જુન વચ્ચે પણ યુદ્ધ કરાવતાં નથી ચૂકતા. તેમના આ જ પ્રયાસથી એક નિર્દોષ પક્ષનો જીવ બચી જાય છે. એટલે કે પત્રકારિતાનો સૌથી મોટો ધર્મ અને સાહસિક કાર્ય એટલે કે કોઈ પણ ભોગે સમાજને હકીકતથી રૂબરૂ કરાવવાથી ચૂકતા ન હતા. સત્યનો સાથ આપવા તેઓ પોતાના આરાધ્ય ભગવાન વિષ્ણુ વિરુદ્ધ પણ ગયા હતા. એમની પત્રકારિતાના આ ગુણ વર્તમાન પત્રકારોએ ગાંઠે બાંધવા જેવો છે. કોઈપણની શેહશરમ કે દબાણમાં આવ્યા વગર પોતાની વાત સમાજ સમક્ષ નિર્ભિકપણે રજૂ કરવી.

હજી પણ પત્રકારિત્વમાં ક્યાંક ક્યાંક નારદ જીવે છે

 
જા કે પત્રકારિત્વની સ્થિતિ સાવ ખાડે ગઈ છે એવું પણ નથી આજે પણ એવા અનેક સંપાદક, પત્રકાર, દૈનિક, સાપ્તાહિક, ન્યૂઝ ચેનલ્સ છે જેઓએ પોતાની પત્રકારિતામાં નારદના આદર્શોને જીવતા રાખ્યા છે. તેઓની કલમ ન તો વેચાઈ છે કે ન તો વેડફાઈ છે. આજે પણ તેમની કલમ ધર્મ અને આમ આદમી, રાષ્ટ માટે છે. પરંતુ એ આજે ખૂબ જ ઓછી છે, પરંતુ આનો અર્થ એવો નથી કે પરિસ્થિતિ હવે સુધરી શકે એમ જ નથી. કારણ કે કોઈ પત્રકાર પોતાની ઇચ્છાથી બેઈમાન નથી બનતા. બધાએ પોતાની મરજીથી પોતાની કલમની ધારને ક્યાંક સમાજ માટે, રાષ્ટ માટે કંઈક કરી છૂટવાની ઇચ્છા ધબકારા લઈ જ રહી હોય છે. બસ, જરૂરી છે તેમની એ ઇચ્છાઓને, કોર્પોરેટ વિચારવાદી પત્રકારિતાની ભુલભુલામણીમાંથી બહાર કાઢવાની. તેમની એ ઇચ્છાઓને બહાર લાવવામાં દેવર્ષિ નારદની આદર્શ પત્રકારિતા મહત્ત્વની સાબિત થઈ શકે છે.
 
વર્તમાન પત્રકાર અને પત્રકારિતા નારદને પોતાના આદર્શ માની તેમની પાસેથી શીખી શકે છે, તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેઓ કેવી રીતે પ્રભાવપૂર્વક લોકકલ્યાણ અને રાષ્ટકલ્યાણની વાત રજૂ કરી શકે.

વિદૂષક નહીં લોકકલ્યાણી સંવાદદાતા

 
મનોરંજન ઉદ્યોગે ભલે ફિલ્મો અને નાટકોના માધ્યમથી તેઓને વિદૂષકના રૂપમાં જ પ્રસ્થાપિત કર્યા હોય, પરંતુ દેવર્ષિ નારદના ચરિત્રને બારીકાઈથી જાઈએ તો ખબર પડે છે કે તેમનો પ્રત્યેક સંવાદ લોકકલ્યાણ માટે જ હતો. કેટલાક લોકો તેમને ઝઘડા કરાવનાર પણ કહે છે, પરંતુ તેમની સાથે સંકળાયેલ તમામ પ્રસંગોના અંતમાં શાંતિ, સત્ય અને ધર્મની સ્થાપના જ થઈ છે. પોતાના મૂળ ઉદ્દેશ્ય અને માર્ગથી ભટકી ચૂકેલ ભારતીય પત્રકારિતા માટે હકીકતમાં દેવર્ષિ નારદ એક આદર્શની ભૂમિકા નિભાવી શકે છે. ભારતીય પત્રકારિત્વ અને પત્રકારોએ નારદને પોતાના આદર્શ માનવા જાઈએ. કારણ કે મિશનથી પ્રોફેશન બનવા પત્રકારિતાને જેટલું નુકસાન નથી થયું તેટલું નુકસાન કોર્પોરેટ કલ્ચર આવવાથી થયું છે અને આ દૂષણ આપણે ત્યાં પશ્ર્ચિમિ સંસ્કૃતિના આક્રમણને કારણે ઘૂસ્યું છે. સ્વતંત્રતા આંદોલનમાં જે પત્રકારિત્વે એક સ્વતંત્ર સેનાનીની ભૂમિકા ભજવી હતી તે જ પત્રકારિતા આજે કેટલીક ચોક્કસ વિચારધારાની જાણે કે ચોકીદાર અને ચાપલૂસ બની ગઈ છે. પત્રકારો આજે એવી ચોક્કસ વિચારધારાઓના ઇશારે પોતાની કલમો ઘસી રહ્યા છે. આજે કેટલાક ચોક્કસ સમૂહોને લક્ષમાં રાખી સમાચારો લખવામાં એમ કહો કે બનાવી રજૂ કરવામાં આવે છે. કેટલાક રાષ્ટીય આંતરરાષ્ટીય સમૂહને ભેળવવા પત્રકાર કોઈપણ વિશેષ વિચારધારાઓની કુરનિશ બજાવતા રહે છે. સામાન્ય નાગરિક માટે સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલ્સમાં જાણે કે કોઈ સ્થાન જ નથી રહ્યું. જ્યારે ભારતીય પત્રકારિતાનો પ્રારંભ જ આમ આદમીના અવાજને બુલંદ બનાવવા માટે સામાન્ય છેવાડાના નાગરિકની ભાવનાઓને વાચા આપવા માટે થયો હતો.

પત્રકારિતાનો સૌથી મોટો ધર્મ

 
પત્રકારિતાનો સૌથી મોટો ધર્મ (ગુણ) નિષ્પક્ષતા છે. તમારું લેખન કે વિચાર ત્યારે જ અસરકારક બની શકે જ્યારે તે નિષ્પક્ષ રીતે રજૂ થયેલ પત્રકારિતામાં તમે કોઈ એક પક્ષ બની જ ન શકો, પરંતુ માત્ર સત્યનો. નારદની પત્રકારિતા પણ વર્તમાન પત્રકારિતાને આ જ શીખવે છે. ભલે નારદને દેવર્ષિ કહી સંબોધવામાં આવતા હતા, પરંતુ તેઓએ ક્યારેય પણ કટ્ટરતાપૂર્વક દેવતાઓનો પક્ષ લીધો નથી. તેઓ સમગ્ર સચરાચરની ચિંતા કરી છે. દેવતાઓ તરફથી જો કોઈ અન્યાય થવાનો હોય તો તે તરત જ રાક્ષસોને ચેતવી દેતા હતા.
 
જ્યારે અસુરરાજ હિરણ્યકશ્યપ તપસ્યા કરવા માટે મંદારક પર્વત પર જાય છે અને દેવતાઓ દ્વારા દાનવોની મહિલાઓ પર અત્યાચાર થતા ત્યારે દૂરંદેશી નારદ હિરણ્યકશ્યપૂની પત્નીની સુરક્ષા કરે છે, જેને કારણે જ પ્રહ્લાદનો જન્મ થઈ શકે છે. દેવર્ષિ નારદ એ જ પ્રહ્લાદને પોતાની આધ્યાત્મિક ચેતનાથી પ્રભાવિત કરી હિરણ્યકશ્યપૂના અંતનું સાધન બનાવે છે.
 
દેવર્ષિ હોવા છતાં પણ નારદ ખૂબ જ ચતુરાઈપૂર્વક દેવતાઓની અધાર્મિક ગતિવિધિઓ પર કટાક્ષ કરતા અને ચાબખા પણ મારતા અને દેવતાઓને ધર્મના માર્ગે વાળવાનો પ્રયત્ન કરતા. નારદ ઘટનાઓનું સૂક્ષ્મ વિશ્ર્લેષણ કરતા હતા. પ્રત્યેક ઘટનાને અલગ અલગ દૃષ્ટિકોણથી જુએ છે. ત્યાર બાદ નિષ્કર્ષ કાઢી સત્યની સ્થાપના માટે સંવાદ સૃજન કરે છે. વર્તમાન પત્રકારિતામાં આનો ખૂબ જ અભાવ વર્તાય છે. ઉતાવળ ક્યારેક ક્યારેક ખોટા સમાચાર માહિતી જનતા વચ્ચે ચાલી જાય છે. પરિણામે કાંતો ભૂલસુધારની જરૂર પડે છે કે પછી પોતે પ્રકાશિત કરેલી અસત્ય કે અધૂરી વાતને મારીમચડી સત્ય સાબિત કરવાના પ્રયાસો થાય છે. વર્તમાન પત્રકારોએ આ બ્રેકિંગ ન્યૂઝની લાલચ ભજવી પડશે અને કોપી પેસ્ટ સમાચારોથી બચવું પડશે. જ્યાં સુધી ઘટનાની સત્યતા અને સંપૂર્ણ સત્ય બહાર ન આવી જાય ત્યાં સુધી તે ઘટનાના સમાચાર ખૂબ જ સાવધાનીપૂર્વક બનાવવા જોઈએ.
 
સકારાત્મક અને સૃજનાત્મક પત્રકારિતાના પિતામહ દેવર્ષિ નારદને જો વર્તમાન માધ્યમજગત પોતાના આદર્શ બનાવી તેમનામાંથી પ્રેરણા લે તો અનેક વિપરીત પરિસ્થિતિમાં પણ શ્રેષ્ઠ પત્રકારિતા શક્ય છે.