આપણે જીવવાનું છે. સામર્થ્યપૂર્વક જીવવાનું છે. સ્વાભિમાનપૂર્વક જીવવાનું છે. જીતીને જીવવાનું છે. - પદ્મશ્રી નિવેદિતા ભિડે

    29-May-2021
કુલ દૃશ્યો |
 
nivedita bhide_1 &nb
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.

અકારણ રોનેસે કભી ના કોઈ જીતા હૈ : પદ્મશ્રી નિવેદિતા ભિડે

 
‘પોઝિટિવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં પદ્મશ્રી નિવેદિતા રઘુનાથ ભિડેએ જણાવ્યું હતું કે, જો આપણે આ મહામારી પર સાચા અર્થમાં વિજય મેળવવો હશે તો તેમાં છુપાયેલા પાંચ અવસરોને ઓળખી લેવા પડશે.
 
પ્રથમ આપણે આપણી પ્રાણશક્તિ વધારવાની છે. કોવિડમાં આપણાં ફેફસાંને વધુ નુકસાન થાય છે. ત્યારે પ્રાણાયામ આપણને તેની સામે સુરક્ષા પૂરી પાડે છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્ર્વ એક સ્પંદન છે ત્યારે અનેક રિસર્ચમાં એ સાબિત થયું છે કે ઓમકારનું ઉચ્ચારણ શરીરમાં સકારાત્મકતાનું સ્પંદન કરે છે. ઓમકારનો જાપ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે અને સાંજે છે. કારણ કે તે સમયે આપણા શરીરની સ્પંદન ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોય છે.
 
બીજી વાત મનની અનંત શક્તિઓને સમજવાનો અવસર છે. મન જો હારશે તો આપણે હારી જઈશું. મન જો મક્કમતાથી લડવાનું, જીતવાનું નક્કી કરી લે તો તેવું જ થાય છે, કારણ કે આપણા અચેતન મનની શક્તિ અસીમિત હોય છે.
ત્રીજો અવસર પારિવારિક એકતાનો છે. આજે આપણને પરિવાર સાથે વધારેમાં વધારે સમય રહેવાનો અવસર મળ્યો છે. ત્યારે આ સમયને તમારા બાળકોના માનસ પર એક અવિસ્મરણીય સ્મૃતિ તરીકે કાયમ માટે અંકિત કરી દો. અકારણ રોનેસે કભી ના કોઈ જીતા હૈ, જો વિષ ધારણ કર સકતા હૈ વો હી અમૃત કો પીતા હૈ.
 
કઠિનમાં કઠિન પરિસ્થિતિને પણ પચાવતાં શીખો, ત્યારે જ તેમાં જે અમૃત છુપાયેલું છે તેને પી શકશો.
 
ચોથો અવસર તે સેવાનો છે. અનેક સંગઠનો સેવામાં સંકળાયેલાં છે. તેમની સાથે જોડાવ. જો એવું સંભવ નથી, તો તમારી આસપાસના લોકોની નાની નાની મદદ કરો. પડોશીઓનું ધ્યાન રાખો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે તમે એક પણ નાની નિઃસ્વાર્થ સેવા કરો છો તો તમારી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થઈ જાય છે. આજે એ જ અવસર આપણને આ સમયે આપ્યો છે.
પાંચમો અવસર હાલ આપણમાં ક્યાંક ને ક્યાંક મૃત્યુનો ડર પ્રવેશી ગયો છે અને આવું એટલા માટે થયું છે કે આપણે વધુમાં વધુ ભૌતિકવાદી બની ગયા છીએ. પંરતુ આપણે એ દેશમાં વસીએ છીએ જ્યાં મૃત્યુ એ પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ હોવાની સંસ્કૃતિ છે. આપણે મૃત્યુથી ડરનારા લોકો નથી. આપણે જીવવાનું છે. સામર્થ્યપૂર્વક જીવવાનું છે. સ્વાભિમાનપૂર્વક જીવવાનું છે. જીતીને જીવવાનું છે.