તમારી અંદરના ઈશ્ર્વરને ઓળખો. ગુરુવાણી, વેદશાસ્ત્ર, મહાપુરુષો પણ આ જ સંદેશ આપે છે : પૂ. સંત જ્ઞાનદેવજી મહારાજ

    29-May-2021
કુલ દૃશ્યો |

sant gyandevji maharaj_1& 
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.

તમારી અંદરના ઈશ્ર્વરને ઓળખો. ગુરુવાણી, વેદશાસ્ત્ર, મહાપુરુષો પણ આ જ સંદેશ આપે છે : પૂ. સંત જ્ઞાનદેવજી મહારાજ

 
‘પોઝિટીવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં શ્રી પંચાયતી અખાડા - નિર્મલના પીઠાધીશ્ર્વર પૂજ્ય સંત શ્રી જ્ઞાનદેવજી મહારાજે જણાવ્યું હતું કે, હાલ આપણો દેશ સહિત સમગ્ર વિશ્ર્વ કોરોના નામના સંક્રમણ સામે લડી રહ્યો છે. સંકટ મોટું છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. જરૂર છે મનોબળને જાળવી રાખવાની. આપણે ઋષિઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ મહાપુરુષોની ભૂમિ પર રહીએ છીએ. આપણા દેશમાં જ્યારે જ્યારે આવાં સંકટ આવ્યાં છે, ત્યારે ત્યારે આપણા ગુરુઓએ તેનું નિવારણ - નિદાન કર્યું છે. જે પણ વસ્તુ સંસારમાં આવે છે તે હંમેશાં રહેતી નથી. આ દુઃખ-સંકટ આવ્યું છે તેને પણ એક દિવસ જવું જ પડશે. માટે આનાથી ગભરાવાની જરૂર નથી. જરૂર છે શરીર અને મનના શુદ્ધીકરણની કારણ કે કોઈપણ રોગ ત્યારે જ શરીરમાં દાખલ થાય છે જ્યારે મન અને શરીર અશુદ્ધ હોય છે.
 
શરીરની સ્વચ્છતાના પાઠ તો આપણી સંસ્કૃતિમાં જ વણાયેલા છે. પહેલાં ઘરોમાં હાથ ધોવા માટે વિશેષ પ્રકારની માટી રાખવામાં આવતી. સવારમાં કોગળા કરવાની પણ આપણે ત્યાં પરંપરા છે અને બાળપણથી જ પરિવાર દ્વારા આપણને પ્રાથમિક સ્વચ્છતાના એ પાઠ ભણાવવામાં આવતા. માટે જ માતાને પ્રથમ ગુરુ કહેવાય છે. બાળકમાં માતાને કારણે જ સુટેવો અને સંસ્કાર આવે છે. જે માતા-પિતાનું શિક્ષણ પૂર્ણરૂપે પ્રાપ્ત કરી લે છે તે સંસારમાં ક્યારેય અસફળ થતો નથી. શરીરની પ્રાથમિક સ્વચ્છતાની એ જ વાત હાલ મોટા મોટા વૈજ્ઞાનિક, ડૉક્ટરોથી માંડી પ્રધાનમંત્રી આપણને શીખવી રહ્યા છે.
 
જો આપણો આહાર શુદ્ધ હશે તો આપણામાં સત્ત્વગુણ આવશે અને જો આપણામાં સત્ત્વગુણ હશે તો આપણું મન પરમાત્માના ચિંતનમાં પ્રેરાશે. આપણી સંસ્કૃતિમાં તો લઘુશંકા કઈ દિશામાં કરવી, શૌચક્રિયા ક્યારે કરવી અને હાથ કેટલી વખત ધોવા એ પણ શીખવવામાં આવ્યું છે. આપણે ગુરુદ્વારામાં જતા જ તેના દ્વાર પણ ચરણપાદુકા મૂકીએ છીએ. (પાણી વહેતું હોય છે.) બન્ને તરફ હાથ ધોવાની, કોગળા કરવાની વ્યવસ્થા હોય છે. તે પણ સ્વચ્છતાનો જ એક ભાગ છે. મંદિરમાં દંડવત્ કરવાની પરંપરા છે તેનાથી પ્રાણાયામ થઈ જાય છે. સૂર્યનમસ્કાર જેવાં યોગાસનો પણ તેમાં આપોઆપ થઈ જાય છે. આપણા ધર્મમાં જ આપણને સ્વસ્થતા અને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા છે. જો આપણે તેનું ચુસ્તતાથી પાલન કરીશું તો કોઈપણ સંકટ, કોઈપણ બીમારી, આપણી આસપાસ પણ ફરકી શકવાની નથી.
 
આપણે ત્યાં લીમડાનું દાતણ કરવાની પરંપરા હતી. નમક મીઠાથી દાંત સાફ કરવાની પરંપરા હતી. આપણે આપણા પરાપૂર્વના એ પ્રાકૃતિક નિયમોને અપનાવીશું તો આ બીમારીથી આપોઆપ છુટકારો મળી જશે અને જો કોઈ સંક્રમિત થઈ પણ જાય છે તો આપણા ડૉક્ટર્સ, સરકાર, વિશેષજ્ઞો જે સલાહ આપે છે તેનું પાલન કરીશું તો આપણે ખૂબ જ ઝડપથી તે સંક્રમણમાંથી બહાર આવી જઈશું. મૃત્યુ આપણું કંઈ જ બગાડી શકવાનું નથી, કારણ કે આપણે તો અમૃતસ્ય પુત્રાઃ એટલે કે અમૃતપુત્રો છીએ. આત્મા અજર અમર હોવાની વાત તો આપણને ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહી છે. ત્યારે ગભરાવાની કે નાસીપાસ થવાની કોઈ જ જરૂર નથી. આ દરમિયાન ધાર્મિક પુસ્તકોનું વાંચન કરો, ગીતા, ગુરુવાણીનું પઠન કરો. તેનાથી મનને શક્તિ મળશે અને મનોબળ મજબૂત બનશે. તેવી જ રીતે શરીરને સ્વસ્થ રાખો. આ બીમારીમાં શરીર અને મનની સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે. મન જીતે જગ જીત.
 
આપણે સ્વસ્થ જ છીએ, શુદ્ધ જ છીએ ખુદના મનમાં ક્યારેય કમજોરીનો ભાવ પ્રવેશવા દેશો નહીં. વારંવાર હાથ ધોવો, જો તમે બહાર જાવ છો તો દિવસમાં બે વખત ગરમ પાણીથી સ્નાન અવશ્ય કરો. આપણા શાસ્ત્રોમાં મહાપુરુષોએ પણ બહારથી આવી વસ્ત્રો બદલવાની સ્નાન કરવાની સલાહ આપી છે. ‘ઊઠો જાગો અને ખુદના સ્વરૂપને ઓળખો’ તમે અમૃત - પુત્રો છો અને ક્યારેય હારી શકો નહીં. તમે અમર છો, શાશ્ર્વત છો, તમારી અંદરના ઈશ્ર્વરને ઓળખો - ગુરુવાણી, વેદશાસ્ત્ર, મહાપુરુષો પણ આ જ સંદેશ આપે છે.