આ સંકટમાંથી પણ આપણે જરૂરથી બહાર આવીશું : પૂજ્ય શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી મહારાજ

    29-May-2021
કુલ દૃશ્યો |
 
vijendra sarasvati_1 
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.

આ સંકટમાંથી પણ આપણે જરૂરથી બહાર આવીશું : પૂજ્ય શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી મહારાજ

 
‘પોઝિટીવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં પૂજ્ય શંકરાચાર્ય શ્રી વિજેન્દ્ર સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે, હાલ વિશ્ર્વમાં કોરોના મહામારીને કારણે મહાસંકટની સ્થિતિ છે. ભારતમાં પણ એક વર્ષ પહેલાં આ મહામારીએ દેખા દીધી હતી ત્યારે ભારતની જનતાના પુરુષાર્થ અને સરકારનાં પગલાંઓને લીધે આ સંકટ પર કાબૂ મેળવી શકાયો હતો. પરંતુ હાલમાં જ આ મહામારીએ ફરી પાછું માથું ઊંચક્યું છે ત્યારે આ સંકટના વિમોચન માટે સંકટમોચક શ્રી હનુમાનજીનું વાક્ય યાદ કરવું રહ્યું. વાલ્મીકિ રામાયણમાં શ્રી હનુમાનજી દુઃખ-સંકટના સમયે ધૈર્ય ન ખોવાની વાત કરે છે. આપણે પ્રયત્ન, મહેનત કરવાની છે. જે સફળ થવાના વિશ્ર્વાસ સાથે પ્રયત્નો કરીશું તેને સફળતા મળવાની જ છે. એક વર્ષ પહેલાં આ સંકટ આવ્યું ત્યારે સમગ્ર દેશવાસીઓએ એક થઈ આ સંકટ સામે કામ કર્યું અને તેનું પરિણામ પણ મળ્યું. હાલ જે સંકટ આવ્યું છે તેના નિવારણ માટે બે પ્રકારના પ્રયત્નો થવા જરૂરી છે.
 
એક પ્રાર્થના - મંત્રો, સ્તુતિ હનુમાન ચાલીસા દ્વારા ખુદના સદાચાર અને નિયમપાલન દ્વારા તો બીજો પ્રકાર જે આપણા આયુર્વેદ સાથે નવી ચિકિત્સા પદ્ધતિનો પણ ઉપયોગ કરવો પડશે. બન્ને પ્રકારની મદદથી આ સંકટથી મુક્તિ મળશે. આ સંકટમાં ધૈર્ય અને આત્મવિશ્ર્વાસનું પણ એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. હાલ આપણા દેશમાં પણ સામૂહિક દૃષ્ટિએ આ પ્રકારના વિશ્ર્વાસનું વાતાવરણ બનાવવાની જરૂર છે. ભગવદ્ગીતામાં કહેવાયું છે કે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને હૃદયના સંકલ્પ પ્રત્યેની દુર્બળતાથી ઊઠીને યુદ્ધ કરવાની સલાહ આપે છે. તેવી જ રીતે આજના ભારતીય સમાજે પણ આ મહામારી સામે વિજય મેળવવા પોતાની દુર્બળતાને ખંખેરી વિજયનો સંકલ્પ લેવાની જરૂર છે.
 
ધૈર્ય સાથે સમાજ, સરકાર પ્રત્યે વિશ્ર્વાસ દાખવી કોશિશ કરતા રહેવાનું છે. હાલના સંદર્ભમાં સરકાર હોય કે સેવાભાવી સંસ્થાઓ કે પછી વ્યક્તિગત રીતે પણ ઘણું બધું કામ થઈ રહ્યું છે. તેના પરિણામસ્વરૂપ પ્રગતિ પણ દેખાઈ રહી છે. વિદેશના લોકો પણ વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના અનુસાર ખૂબ જ સેવા મદદ કરી રહ્યા છે. આ ઘડી માત્ર પોતાના માટે વિચારવાની નથી. સમગ્ર વિશ્વ માટે વિચારવાનો સમય છે. રાષ્ટ્ર સાથે સાથે સમગ્ર વિશ્વની પણ સુખાકારી અંગે વિચારવાનો સમય છે. કોઈપણ મતમાં વિશ્ર્વાસ કરનાર વ્યક્તિ હોય સૌએ એક મત થઈ આ સંકટનો સામનો કરવાનો છે. ભારત ઇતિહાસમાં અનેક સંકટોમાંથી બહાર આવ્યું છે. તેવી દેશભક્તિ અને વિશ્ર્વાસની હાલ પુનઃ જરૂર છે. ઈશ્ર્વરભક્તિ સદાચાર, સંકલ્પશક્તિ સાથે આ સંકટમાંથી પણ આપણે જરૂરથી બહાર આવીશું.