નહી રોકાય સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ, કામ બંધ કરાવવાની અરજી કરનારને કોર્ટે કર્યો ૧ લાખનો દંડ

    31-May-2021
કુલ દૃશ્યો |

Central Vista Project _1&
 
 
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Vista Project ) નું કામ રોકવાની સ્પષ્ટ પણે ના પાડી દીધી છે અને આ સંદર્ભે થયેલી એક અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટનું કામ રોકવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. હાઇકોર્ટે અરજી કરનાર પર એક લાખ રૂપિયાનો દંડ પર લગાવ્યો છે અને કહ્યું છે કે આ મહત્વની એક જરૂરી પરિયોજના છે.
 
મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિસિંહની ખંડપીઠે જણાવ્યું કે આ રાષ્ટ્ર માટે મહત્વનો પ્રોજેક્ટ છે જેને આ સંદર્ભે ન જોવો જોઇએ કેમ કે આમા જનતાનું હિત છે. આ ઉપરાંત કોર્ટે આ અરજીને જાહેર હિતની અરજી (PIL) તરીકે નહી પણ “મોટિવેટેડ” અરજી ગણાવી છે. હાઇકોર્ટે નોંધ્યુ છે કે આ નિર્માણ કાર્ય નવેમ્બર ૨૦૨૧ પહેલા પૂર્ણ થવાનું છે આવામાં સમય સાથે કામ કરવું જરૂરી છે
 
હાઇકોર્ટે એ પણ કહ્યું કે કામ કરતા મજૂરોને આ સાઈટની આજુબાજુમાં જ રહેવાની સુવિધા છે, કોરોના સંદર્ભના બધા જ નિયમોનું પાલન થઈ રહ્યું છે અને તેમને યોગ્ય સુવિધા અહીં છે તો આ પ્રોજેક્ટ રોકવાનું કોઇ કારણ નથી. આ જાહેર હિતની અરજી અન્યા મલ્હોત્રા અને સોહેલ હાશમીએ કરી હતી. તેમણે આ સેન્ટ્રલ વિસ્ટા ( Central Vista Project ) ના નિર્માણ કાર્યને કોરોના સુપર સ્પ્રેડર ગણાવી તાત્કાલિક તેના કાર્યને રોકવાની માંગ કરી હતી.
 
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રોજેક્ટને નિશ્ચિત સમય અવધિમાં પૂર્ણ કરવાનો છે માત્ર એટલા માટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Vista Project ) ને જરૂરી સેવાઓની કેટેગરીમાં ન ગણી શકાય. આ સંદર્ભે કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે રાજપથ અને ઇન્ડિયા ગેટ પર હાલ નિર્માણકાર્ય ચાલુ છે જે સંસદ ભવન કે કેન્દ્ર સરકારના અધિકારીઓ, નેતાઓના કાર્યાલય સાથે જોડાયેલ નથી.
 
કેન્દ્ર સરકારના માટે આ નિર્માણ કાર્ય જનતાના હિતમાં છે કેમ કે એ પ્રવાસન સ્થળ પર કામ ચાલી રહ્યું છે જ્યાં જનતા રોજ ફરવા આવે છે. શૌચાલયથી લઈને પાર્કિંગ સુધી અને માર્ગથી લઈને અનેક સુવિધાઓનું નિર્માણ અહીં જનતા માટે થઈ રહ્યું છે. આ ઉપરાંત કન્ટ્રક્શન સાઈટ પર તમામ મજૂરોને મેડિકલ સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવી છે. 
 
હાઇકોર્ટને કહેવામાં આવ્યું છે કે આ નિર્માણ કાર્ય કોવિડ-૧૯ના સરકારી તથા મેડિકલ દિશાનિર્દેશના પાલન સાથે કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રએ કહ્યું કે આ પ્રોજેક્ટને અટકાવવા માંગતા લોકો આ રીતે કોરોનાના બહાના હેઠળ સામે આવી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે કોંગ્રેસ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે. વિપક્ષ આ પ્રોજેક્ટ ( Central Vista Project ) ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાનગી પ્રોજેક્ટ હોય તેવો પ્રચાર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની અઘાડી સરકાર પણ ૯૦૦ કરોડના ખર્ચે ધારાસભ્યો માટે હોસ્ટેલ બનાવી રહી છે પણ અહીં બધા ચૂપ છે…