કોરોનાના રાત-દિવસ કેટલા લાંબા છે, અંધારું કેટલું ઘનઘોર તે ખબર નથી બસ આપણે સાવચેત રહેવાનું છે

    07-May-2021   
કુલ દૃશ્યો |

coronavirus_1   
 
 

રામનવમીએ રામ (રેમ) ડેસિવિર અને પ્રાણવાયુ એ જ રામલીલા

 
શ્રીમદ્ ભાગવતના માહાત્મ્ય પ્રમાણે ભગવાનની દશવીધ લીલા નિત્ય છે. સૃષ્ટિમાં અને વ્યષ્ટિ, સમષ્ટિમાં. માનવ શરીરમાં પણ તે લીલા વણથંભી છે. ઊર્જા પૂરી પાડે છે. પાણી, અન્ન અને પ્રાણવાયુ. અન્ન એ જ ઔષધી રૂપે શરીરમાં હજાર એન્ઝાઇમ્સ દવા બનાવી તેને સાજુ રાખે છે. છેલ્લા ૧૫ મહિનાથી સૃષ્ટિમાં ફેલાયેલ કોરોના વાઈરસ કરોડોમાં સંક્રમિત થઈ લાખો મનુષ્યો મૃત્યુ પામ્યા છે. રામનવમીએ ભારતમાં છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ ૩.૧૪ લાખ લોકો સંક્રમિત થયા. ૨૦૧૪ મૃત્યુ પામ્યા અને દેશભરની હોસ્પિટલોમાં જરૂરી હવા (ઓક્સિજન) અને દવાની ભયંકર અછત સર્જાઈ. પરંપરાગત મહારાષ્ટ્રમાં રામ-કથાઓ બંધ, દિલ્હીમાં રામ-લીલા બંધ. આપણે સૌ રાખના રમકડાં છીએ તે સૃષ્ટિએ યાદ કરાવ્યું.
 
ભારતમાં ગત બે માસમાં કોરોનાએ પોતાના સ્વરૂપ બદલી, સાઉથ આફ્રિકન, યુકે, બ્રાઝિલ, વિદર્ભ (મહારાષ્ટ્ર) અને બંગાળના નવા સ્ટ્રેઇન સર્જી તાંડવ રચ્યું. સૃષ્ટિએ માનવજાત સામે માંડેલું આ યુદ્ધ, અદૃશ્ય સેનાથી, અણધાર્યા હુમલાથી, ખૂબ ઝડપથી માનવશરીરના અંગોને પ્રભાવિત કરી, તેની પ્રતિરોધ શક્તિને તહસ-નહસ કરી છે. શ્ર્વાસોચ્છ્વાસની પ્રક્રિયા જે જીવતા સુધી Voluntary (સ્વૈચ્છિક) હોય છે. તેને પડકારી Involuntary (અનૈચ્છિક) કરવા મજબૂર કરી છે. આ દુશ્મન ટાઢ, તાપ કે વરસાદ, સ્ૂાર્ય તેજ, ચંદ્રની શીતળતા વાદળોનો ગડગડાટ, ગ્રહો, નક્ષત્રોની ચાલ, બ્રહ્માંડમાં થતી અનેક ગતિવિધિઓથી ઉદાસીન રહી, તેનો તરખાટ મચાવે છે. તેને નબળો પાડવા માટે માનવજાતે કરેલ છેલ્લા સો વર્ષની પ્રગતિ, વિજ્ઞાન, દવાઓ, સંશોધનો, સમાજશાસ્ત્રના નિયમો, કાયદો-વ્યવસ્થાની જાળવણીના માપદંડો, ધાર્મિક આસ્થા - વિધિ-વિધાનો બધાના સાગમટે, સમન્વયથી કરેલા પ્રયત્નો છતાં તે વધારે વકરીને હાલમાં સૌથી વધુ નુકસાન ભારત-ભારતીયોને પહોંચાડે છે.
 
સંશોધન વિજ્ઞાનના ઇતિહાસમાં, સૌથી ઓછા સમયમાં શોધાયેલ રસી દ્વારા કરોડો લોકોના રસીકરણથી આશ્ર્વાસન જરૂર મળ્યું છે. તેના દ્વારા શરીરમાં તૈયાર થયેલ એન્ટીબોડિઝ, સંક્રમણથી સુરક્ષા જરૂર આપશે. ૬-૭ મહીના સુધી. પરંતુ ‘અભય’ તો સૃષ્ટિએ જ આપવું રહ્યું તેને ખતમ કરીને. ‘લેન્સેટ’ જર્નલના એક અભ્યાસ લેખ (માર્ચ ૨૦૨૧) પ્રમાણે, વાઈરસ માત્ર ડ્રોપલેટ્સ શરદી-છીંકમાંથી નહીં. પરંતુ, હવામાં પણ ૩-૪ કલાક સુધી અસરકારક રહી સંક્રમણ કરે છે. વિશ્ર્વભરમાં ફેલાયેલ છે અને ડબલ - ટ્રીપલ મ્યુટેશન (પરિવર્તિત) થઈ નવા સ્વરૂપે પ્રહાર કરે છે.
 
કોરોના સંક્રમણની ઝડપ અને શરીર પ્રભાવિત કરવાની ક્ષમતા જોતાં ડૉક્ટર તેટલા દેવ, હોસ્પિટલ તેટલા મંદિર અને દવા-ઓક્સિજન તેટલો પ્રસાદ માનીએ તો પણ પૂરવઠા અને માંગનું અંતર એટલું વધારે છે કે દર્દી, તેનાં સગાં-સ્નેહી, ડૉક્ટર્સ કે વ્યવસ્થા તંત્ર બધે જ અસંતોષ. પ્રજાના અધિકારોના રક્ષણ માટે ન્યાયાલયો સ્વયંભૂ રીતે કાર્યરત રહી તંત્ર અને સરકારને ખડીધાર પર રાખવાના અનેક રાજ્યોમાં પ્રયત્ન્ કરે છે. ફળસ્વરૂપ જરૂરિયાતવાળી દવાઓનું ઉત્પાદન, વિતરણ, હોસ્પિટલ ક્લિનિકમાં તેની ઉપલબ્ધી વગેરે, દિન-પ્રતિદિન સુધરતી દેખાય છે. નવી મેક શિટ હોસ્પિટલો પણ મિલિટરીના તથા રેલવેના સહયોગથી કાર્યાન્વિત થાય છે અને ઓક્સિજનનું ઉત્પાદન, ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતની લગભગ બાદબાકી કરીને તબીબી ઉપયોગ માટે આપવા સાથે દેશની કોર્પોરેટ કંપનીઓ, નાના ઉદ્યોગો, સેનાના વિમાનો દ્વારા વિદેશોમાંથી લવાતા ઓક્સિજન પ્લાન્ટ્સ તથા હજારો ટનની આયાતનું ત્વરિત આયોજન, આ બધું પણ નિત્ય લીલાના ભાગરૂપે ૨૪ X ૭, બે અઠવાડિયાથી ચાલતું હોવા છતાં, રાજ્યોની અમુક બાબતોયે સ્વાયતતા, લોઝિસ્ટીક્સ, પોતાની જરૂરિયાતો જોતાં તેમાંથી ઉદ્ભવતા અવરોધો, જરૂરિયાતમંદોને - પ્રજાને નિરાશ કરે છે.
 
ભારતમાં આ અભૂતપૂર્વ કોરોના કટોકટી છે તેનો પ્રજા, મેડિકલ ફ્રેટરનિટી, ફાર્મા કંપની, ઓક્સિજન ઉત્પાદકો, લોકશાહીના આધારસ્તંભો તથા હોસ્પિટલો અને ડિફેન્સ સર્વિસિસ ગતી, મતી, રતીથી જરૂરિયાત પ્રમાણેનો સમન્વયાત્મક પ્રતિસાદ આપશે તો જ દુશ્મન કોરોના હારશે અને સંક્રમિતોની ઘર-વાપસી થશે. તેમાંની જેટલી કડીઓ નબળી, તેટલી આપણી મજબૂતાઈને કોરોના કોરી ખાશે. નિષ્ણાંત ડૉક્ટર્સ ત્રિપુટી ગુલેરિયા, શેટ્ટી, ત્રેહાનના મતે અત્યારના વેરિયન્ટ જોતાં, ૮૫% રિકવરી રેટ મળશે, ઓક્સિજન તથા દવાઓનો વિવેક તથા ન્યાયપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. (વગર જરૂરિયાતવાળા લોકો પૈસાના જોરે તથા ડરના માર્યા જરૂર ન હોય ત્યાં પણ ઉપયોગ કરે તેમને ઉદ્દેશીને કહેવાયું છે), વેક્સિન જરૂર મદદ કરશે, પરંતુ ગંભીર માંદગીઓ-કોમોર્બીડ પરિસ્થિતિવાળાએ ઇન્ફેક્શનથી સદંતર બચવું જોઈએ, બે વેક્સિન મેળવેલ લોકોને પણ કોરોના ન થાય તેવું ચોક્કસ કહેવાય તેમ નથી તથા ઓક્સિજન લેવલ ૯૪%થી વધુ હોય તો હોસ્પિટલમાં ભરતી ન થવું. જ્યાં સર્વત્ર ભય હોય ત્યાં સાચી સલાહ નજરઅંદાજ પણ થાય અને વ્યવસ્થાઓમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી દશા, બધી હોસ્પિટલ્સ તથા વ્યવસ્થા તંત્ર અનુભવી જ રહ્યુ છે, માટે જ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો, હોસ્પિટલ બેડ પર જ ઓક્સિજન ન મળતાં અણધાર્યાં મોત, દવાઓની અછત અને કાળા-બજાર, સ્મશાનોમાં ય લાઈનો, બધું વાતાવરણ ભયાવહ કરે છે.
 
એપ્રિલના ત્રીજા સપ્તાહમાં રોજના અંદાજીત ૩.૨ લાખથી વધારે કેસ તથા કોમોર્બીડ પરિસ્થિતિ સાથે ૧૦,૦૦૦થી વધારે મૃત્યુએ દેશને જાણે દિશાહિન કર્યો છે. અનેક મિત્ર દેશોએ તથા મૈત્રી ન નિભાવતા દેશોએ ય મદદ કરવાના પ્રસ્તાવ આપ્યા છે, મદદ શરૂ પણ થઈ છે. વેક્સિન માટે ભાવ નિયંત્રણ, ઉપલબ્ધી, રાજ્યો દ્વારા સીધી ખરીદી, ખુલ્લા બજારમાં તેની સરકારી વેક્સિન કાર્યક્રમ સિવાય ઉપલબ્ધી, સરકારી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ કરવાની પારદર્શક પ્રક્રિયા, ઓક્સિજનના પૂરવઠાનું યોગ્ય પ્રમાણ જેથી એકપણ દર્દી તેની અછતના કારણે મૃત્યુના મુખમાં ન ધકેલાય, કેસો વધતાં તેમને હોસ્પિટલોમાં સમાવવાની વૈકલ્પિક વ્યવસ્થા, અન્ય લોકો સંક્રમિત ન થાય તે માટેની જરૂરી કાયદાકીય વ્યવસ્થા, લોકડાઉન સહિત યાતાયાત વ્યવસ્થા વગેરે યક્ષપ્રશ્ર્નો છે, જેના સંતોષકારક જવાબ હવે પ્રજાની સુરક્ષા માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટેં માંગવાનું શરૂ કર્યું છે.
 
આવા જ સંદર્ભે રાજ્ય-રાજ્ય વચ્ચેની જરૂરિયાત આપૂર્તિ માટે પ્રાયોરીટી તથા કેન્દ્રનો દૃષ્ટિકોણ, રાજ્યોની વડી અદાલતોમાં કોરોના અંગે ચાલતા કેસોમાં જુદા અભિપ્રાયો દૂર કરવા તેની સુપ્રીમકોર્ટ દ્વારા સુનાવણી પ્રક્રિયાનું પ્રપોઝલ, ભારતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાયદાકીય કેસોમાં અસરકારક રીતે રજૂ કરનાર હરીશ સાલ્વેની સુપ્રીમકોર્ટ દ્વારા કોર્ટના મિત્ર - સલાહકાર તરીકે કામ કરવાની વિનંતીમાં અનેક કાયદાવિદો દ્વારા વિરોધ, વધુ કેસવાળા રાજ્યોની કેન્દ્ર પાસે સહાયતાની માંગણી, હાઈકોર્ટ દ્વારા અપાયેલ નિર્દેશોનું લોકડાઉન અંગેનું પાલન કરવાની ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અવગણના વગેરે અનેક પેચીદા પ્રશ્ર્નોનું પણ ખૂબ ઝડપથી નિરાકરણ જરૂરી છે. તેમાં સંબંધિત દરેક એકમે પોતાની કોરોનાકાળ અને ઉદ્ભવેલ પરિસ્થિતિ, જવાબદારી, સ્વાયતત્તા વગેરેનું યથોચિત મૂલ્યાંકન કરી, પ્રમુખ લક્ષ્ય, કેન્દ્રમાં રાખી પ્રતિભાવ આપવા જરૂરી છે, જેથી વાતાવરણ ડહોળાય નહીં, કલુષિત તો બિલકુલ ન થાય. હજી આપણે કરોડો વેક્સિન આપવાની બાકી છે.
 
કોરોના હિમાલયના એવરેસ્ટ સુધી પહોંચ્યો હોવા છતાં કોરોનાનો પોતાનો એવરેસ્ટ હજી બે-ત્રણ અઠવાડિયા પછી આવશે તેવો નિષ્ણાતોનો અભિપ્રાય સાચો ઠરે તો તે માટેની તૈયારી અને ત્યાર પછીની જરૂરિયાતોનું પ્રોજેક્શન કરી તેની પૂર્તિ અંગેના પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ઝડપ માટે રોજના ૨૪ કલાક ઓછા જ પડશે. અનુભવે શીખીએ નહીં તેનું જ આ પરિણામ. તેમાં લોકોશાહીની રીતરસમો નિભાવતાં આપણે પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો પછી નવી સરકારો બેસાડવાની છે. તેની જીતનો જેટલો ઉન્માદ હશે તેનાથી ૮-૧૦ ઘણો ઉન્માદ કોરોનાને હશે તેમ વૈજ્ઞાનિકો કહે છે. શપથવિધિના પ્રથમ દિવસે અમેરિકી પ્રમુખે કહ્યું હતું, Science will prevail, not politics. આ ઉદ્ગારો, આપણી પ્રવર્તમાન સ્થિતિ માટે ખૂબ લાભદાયક છે.
 
કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિ જોતાં થોડાંક દેશોએ ભારતમાં વિમાનસેવા બંધ કરી છે. રોજ નંબર વધશે તો અન્ય દેશો પણ તેમ કરી શકે. દશે દિશાઓમાંથી વિચાર ગ્રહણ કરવાની આપણી સંસ્કૃતિને દેશને થોડા દેશોના વેરિયન્ટ મળતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. બીજા દેશોમાંથી નવા વાઈરસ ન આવે તે જ યોગ્ય છતાં સ્વસ્થ ભારતના નિર્માણ માટે હાલ પૂરતા તો પસંદગીના ધોરણો પર આંતરરાજ્ય મુવમેન્ટ પણ બંધ કરીએ તે યોગ્ય ગણાય. નિષ્ણાંતોની ગણતરીઓ પ્રમાણે રોજના ૪-૫ લાખ કેસ, ૧૫ દિવસ સુધી આવે તે માટે હરસંભવ માળખું તૈયાર કરવું.
 
- દરેક જાહેર સંસ્થાએ, પોતાની યોગ્ય / વધારાની જગ્યામાં ક્યાં થોડાક દર્દીઓને આરામથી રાખી શકાય તેની તૈયારી કરવી. બાકીની બધી જ સપોર્ટિંગ સંસ્થાઓએ, એકબીજાના પૂરક બનીને, એકતાનું વલણ રાખી, પ્રકૃતિના ખોફ સામે બાથ ભીડવી છે, એકબીજા / સંસ્થાઓ સાથે નહીં, તેનું સતત સ્મરણ રાખી, યથાયોગ્ય ફાળો કર્તવ્ય-કર્મ દ્વારા શુદ્ધ વ્યવહાર, સત્યનિષ્ઠા અને નીતિથી, સેવાધર્મ અદા કરીને આ સંકટમાંથી પ્રજાને / દેશને મુક્ત કરવાના છે તે ભાવથી કાર્યરત રહેવું.
 
કોરોનાના રાત-દિવસ કેટલા લાંબા છે, અંધારું કેટલું ઘનઘોર તે ખબર નથી. તેમાં પસાર થતા સાવધાની. સરકારો સાવધાન રહે. હોસ્પિટલો-દવાખાનાઓ, સપોર્ટ સિસ્ટમ બધા કમર કસે, લોકસંગ્રહ માટે જ છે, સહુ પ્રજાજનો સંપૂર્ણ સહકાર આપી શક્ય હોય ત્યાં ઘરે વાતાવરણ શુદ્ધી માટે હોમ-હવન કરી, ઇશ્ર્વરને વૈદિક પ્રાર્થના કરે કે પ્રકૃતિ અમને હરસંભવ અનુકુળ થાઓ અને મહામારીના મહાસંકટમાંથી બહાર લાવો તો રામનવમી પછી કૃષ્ણજન્મ. બધી ઉપાધીઓનું નિરાકરણ. ગુજરાત રાજ્ય સ્થાપના દિન પ્રસંગે સૌ દર્દમાંથી મુક્ત થાય, સ્વાશ્રય-આત્મનિર્ભર માર્ગે પ્રયાણ કરે તેવી શુભેચ્છાઓ.