લોકો વાઈરસ સામે નહી પણ વાઈરસના ભય સામે હારી રહ્યા છે! વાંચો એક પ્રસંગ...

07 May 2021 11:19:28

motivational_1   
 

ચાલો... મનને મજબૂત બનાવીએ...

 
 
એક વખત એક ગામમાં ત્રણ માણસો આવી રહ્યા હતા. ગામના પાદરમાં એક સંત બેઠા હતા. તેમણે પૂું, ‘તમે કોણ છો ?’ આ ત્રણમાંથી એકે કહ્યું, ‘હું બીમારી છું.’ બીજાએ કહ્યું, ‘હું મૃત્યુ છું.’ ત્રીજાએ કહ્યું, ‘હું ભય છું.’
 
સંતે તેમને રોક્યા અને કહ્યું ‘હું તમને અંદર નહીં જવા દઉં.’ ત્રણેય જણા બોલ્યા, ‘અમારે જવું જ પડશે, કારણ કે દરેક મનુષ્યને કર્મનું ફળ આપવું એ જ સંસારનો નિયમ છે.’
 
આ સાંભળી સંત બોલ્યા, ‘એક શરત ઉપર જવા દઉં. તમે મને કહો કે તમે તમારી સાથે કેટલા લોકોના જીવ લઈ જશો ?’ તો બીમારીએ કહ્યું, ‘હું દશ વ્યક્તિઓને લઈ જઈશ.’ મૃત્યુએ કહ્યું, ‘હું પાંચ વ્યક્તિઓને લઈ જઈશ.’ ભયએ કહ્યું, ‘હું એક પણ વ્યક્તિને નહીં લઈ જાઉં.’
 
ત્યાર બાદ ત્રણેય ગામમાં જાય છે. થોડા દિવસો પછી ત્રણેય બહાર નીકળે છે. તો બીમારી અને મૃત્યુ સાથે તો તેમને કહ્યા મુજબની જ સંખ્યા હતી, પરંતુ ભયની પાછળ લાંબી લાઇન હતી. આ જોઈને સંતે પૂછ્યું કે, ‘તમે તો એક પણ જીવને લઈ જવાના ન હતા તો આવું કેમ ?’
 
તો ભયએ જવાબ આપ્યો કે ગુરુજી, હું આ કોઈને લઈ જતો નથી, પરંતુ આ બધા ખુદ મારી પાછળ આવે છે.
 
સાર : બીમારી કે મૃત્યુ કરતાં ભયને લીધે વધારે લોકોનો ભોગ લેવાતો હોય છે. એટલા માટે હંમેશા કોઈપણ પરિસ્થિતિમાં પોઝિટિવ વિચારો અને મનને મજબૂત બનાવો.
Powered By Sangraha 9.0