એવું કહેવાય છે કે પહેલી લહેરમાં કોરોનાની અસર બાળકો પર નહિવત હતી પણ બીજી લહેરમાં બાળકો પર પણ કોરોનાની ગંભીર અસર થઈ. હવે દેશના અને દુનિયાના વિજ્ઞાનીઓ કહી રહ્યા છે કે ત્રીજી લહેર પણ આવી શકે છે અને બધુ કન્ટ્રોલમાં હશે તો ત્રીજી લહેર ન પણ આવે. આ બધાની વચ્ચે બાળકો માટેની ચિંતા વધી ગઈ છે. કેમ કે કોરોનાથી બચવા વેક્સિન આવી ગઈ છે પણ બાળકો માટેની વેક્સિન બની નથી. પણ આ સંદર્ભે પણ એક સારા સમાચાર આવ્યા છે. વેક્સિન બનાવનારી કંપનીઓ આ સંદર્ભે પણ ગંભીરતાથી કામ કરી રહી છે અને આ બધાની વચ્ચે કેનેડામાં બાળકો માટે બનેલી એક વેક્સિનને મંજૂરી મળી પણ ગઈ છે.
કેનેડાએ આપી મંજૂરી
ફાઈજરની વેક્સિન બાળકો માટે મંજૂર થનારી દુનિયાની પહેલી કોરોના વેક્સિન બની ગઈ છે. કેનેડાએ પોતાને ત્યાં ૧૨ થી ૧૫ વર્ષના બાળકોને આ વેક્સિન લગાવવાની મંજૂરી આપી દીધી છે. ફાઈજરના કહેવા પ્રમાણે આ વેક્સિન બાળકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેની અસર ૧૦૦ ટકા સાબિત થઈ છે.
મીડિયા અહેવાલો પ્રમાણે અમેરિકા પણ આ સંદર્ભે વિચારી રહ્યું છે અને આગામી દિવસોમાં ફાઈજરની આ વેક્સિનને અહીં પણ મંજૂરી મળી શકે છે. જોકે અમેરિકામાં મોડર્ના અને જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનની ટ્રાયલ પણ ચાલુ છે…
વાત ભારતની….
વાત ભારતની કરીએ તો ભારતીય વેક્સિન બનાવતી કંપનીઓ પણ સંદર્ભે કામ કરી રહી છે. કોવેક્સિન બાળકોની વેક્સિન બનાવવા કામ કરી રહી છે. આ માટે ફેબ્રુઆરીમાં ટ્રાયલ્સ માટે સરકાર પાસે પરવાનગી પણ માંગી છે. ખૂબજ ઝડપથી ભારત બાયોટેકને આ માટેની પરવાનગી મળી શકે છે. એવું કહેવાય છે કે આગામી જુલાઇથી સપ્ટેમ્બરમાં ત્રીજી લહેર આવી શકે છે. તો આ પહેલા બાળકોની વેક્સિન પણ આવી શકે છે.
ભારતમાં હાલ કોરોના ઘાતક સાબિત થઈ રહ્યો છે. રોજ ૪ લાખ કરતા વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે. આવામાં દેશના વિજ્ઞાનીઓ કહે છે કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આવામાં સાવચેતી જ ઉત્તમ ઉપાય છે.