કોરોના પછીનો મ્યૂકરમાઈકોસિસ ( Mucormycosis ) આપણી કેટલી તૈયારી ?

01 Jun 2021 14:28:28

Mucormycosis_1  
 
 
દેશમાં ૪.૧૪ સુધી પહોંચેલા ડેઈલી કેસ ૨ લાખ સુધી ઘટ્યા, ગુજરાતમાં રોજના ૧૫૦૦૦ કેસ ઘટીને ૪૦૦૦ અને અમદાવાદમાં સત્તાવાર આંક ૮૦% સુધી ઘટ્યો. કેન્દ્ર/રાજ્ય સરકાર, ઉધોગ ગૃહો, જાહેર ક્ષેત્રના સાહસો, કોર્પોરેટ ગૃહો અને સામાજિક, ધાર્મિક, સેવાભાવી સંગઠનોના સહયોગથી કોરોના આંધીને આપણે થોડે ઘણે અંશે અટકાવી શક્યા. ઘણા લાંબા સમયે સૌએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
 
કોરોના અટક્યો છે, ગયો નથી. વાવાઝોડાની આગાહી થઈ શકે છે, મહામારી વિશે અઘરી છે. વાઈરસ કેટલા સ્વરૂપો ધારણ કરશે તેનો ક્યાસ હજુ વૈજ્ઞાનિકો કાઢી શક્યા નથી. અત્યારે મુખ્ય મ્યુટન્ટ્સ ત્રણ છે. બ્રાઝિલ, સાઉથ આફ્રીકા અને ઈન્ડિયન. વાઈરસના નિતનવાં સ્વરૂપો પ્રગટ થાય છે ત્યારે વૈજ્ઞાનિકોના પડકારો વધે છે. હાલમાં જ કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક વિજય રાઘવને નિર્દેંશ કર્યો કે, કોરોના વાયરસ મુખ્યત્વે ડ્રોપલેટ્સ અથવા એરોસેલ મારફત લાળ અને નાકના માધ્યમથી ફેલાય છે. સંક્રમિતના ડ્રોપલેટ્સ બે મીટર તથા એરોસેલ ૧૦ મીટર સુધી હવામાં ફેલાય છે. મ્યૂકરમાઈકોસિસ  ( Mucormycosis ) પણ ધીમે ધીમે વધી રહ્યો છે. મ્યૂકર ગ્રસીત લોકોનો તરફડાટ જીવન કરતાં મોત માંગવા મજબૂર કરે તેવો છે. પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને તેલંગણાએ એને મહામારી ઘોષિત કરી છે. એઈમ્સના વડા રણદીપ ગુલેરિયાએ આ રોગથી દૂર રહેવા ડાયાબિટીસ કંટ્રોલ, સ્ટીરોઈડની જરૂરિયાત અને ડોઝના પ્રમાણ અંગે સાવધાની રાખવાનું સૂચન કર્યું છે. નિષ્ણાતોના મતે જો તેનો વ્યાપ વધે તો રોગ આવનારા થોડા જ વર્ષોમાં ભારતીયોને તબાહ કરી શકે.
 
વર્તમાન સંજોગોમાં ભારત કે વિદેશમાં કોઈ જ એન્ટિ કોવિડ સ્પેશિફિક ડ્રગ્સ ઉપલબ્ધ નથી. ભારતના સંરક્ષણ વિજ્ઞાનીઓએ શોધેલી અને ડો. રેડ્ડી લેબોરેટરી દ્વારા નિર્મિત ર-ડિઓક્સિ-ડી-ગ્લુકોઝ (ર-DG) દવા લાખો નિરાશાઓમાં એક અમર આશા તરીકે ઉભરી છે. આ દવાનું સંશોધન કરનાર વિજ્ઞાની ડો. સુધીર ચાંદના મુજબ આ દવાથી કોરોનાનું સંક્રમણ શરીરના કોષોમાં અટકાવી શકાય છે. ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં સંક્રમિત દર્દીઓ પર તેના સફળ પ્રયોગ પણ થઈ ચુક્યા છે. આ દવામાં વપરાતા દ્રવ્યો જનરિક મોલેક્યુલ છે અને ભારતમાં સારી માત્રામાં ઉપલબ્ધ હોવાથી દવાના નિર્માણ માટે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રીડિએન્ટ્સ મેળવવા માટે ચીન, અમેરિકા જેવા કોઈ દેશો પર આધાર રાખવો નહીં પડે. આ દવા સાવ સસ્તી, સંપૂર્ણ આત્મનિર્ભરતાથી ઉત્પન્ન અને કારગત નિવડશે તો ભારત માટે આર્થિક, સમાજિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ મોટી સફળતા ગણાશે, સૌથી મહત્વનું તો લોકોના જીવ બચાવવામાં ભારત નિમિત બનશે.
 
કોવિડ એક્સપર્ટ એડવાઈઝરીના ચીફ ડો. નરેન્દ્ર અરોડાનો અભિપ્રાય કે ૭૦ ટકા વેક્સિનેશન થઈ જશે પછી બાકીના ૩૦ ટકા પણ સુરક્ષિત થઈ જશે. ન્યૂયોર્ક ટાઈમ્સે દુનિયાના જુદા જુદા દેશોના ૨૨ શહેરોમાં વેક્સિનેશન રિસર્ચ કરતાં ધ્યાને આવ્યુ કે જ્યાં વેક્સિનેશન વધું ત્યાં કેસમાં ઘટાડો થયો અને ઓછું ત્યાં બિહામણી સ્થિતી સર્જાઈ. વિશ્ર્વમાં સૌથી ભયાવહ વેરીએન્ટ B.૬૧૭ છે, જે સૌથી પહેલાં ભારતમાં જોવા મળ્યો હતો. માટે જ ભારતીયોની સાવચેતી વધી જાય છે. વેક્સિનેશન માટે ભારત સરકાર માંગ અને પુરવઠાનાં બંને છેડા ભેગા કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે, છતાં હજુ મેન્યુફેક્ચરીંગ એક્સિલરેટ કરવાની તાતી જરૂરિયાત અને કોવિડ પ્રોટોકોલ જાળવવાની જવાબદારી આપણા સૌની.
 
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા WHO મુજબ કોરોનાની ત્રીજી લહેર જૂન-જુલાઈમાં આવી શકે છે. બીજી લહેરે આધેડ અને યુવાનો પર હુમલો કરી જીવ લીધો, તો ત્રીજી લહેર બાળકોને ભરડામાં લેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ભારતમાં ૧૨ વર્ષથી નીચેના બાળકોની સંખ્યા અંદાજે ૧૬.૫ કરોડ છે. આપણું આયોજન ઓગષ્ટથી ડિસેમ્બરમાં સૌ ભારતીયોનું વેક્સિનેશન કરવાનું છે. તે પહેલાં બાળકો સંક્રમિત ન થાય તે આપણે જોવું રહ્યું, પણ થાય તો વ્યવસ્થા તંત્ર પાસે પૂર્વ તૈયારી છે ખરી ? બીજી તરફ મ્યૂકરમાઈકોસિસના કેસ દિવસને દિવસે વધી રહ્યાં છે. એની ભયાનકતા આપણે જાણીએ છીએ. નાકમાંથી લોહી, તાળવું કાઢી નાંખવું પડે, દાંત પડી જાય, આંખ ચાલી જાય અને પીડાનું એક અકલ્પ્ય વાતાવરણ ઉભુ થાય. જો બાળકો એનો ભોગ બને તો કોઈ અલગ વ્યવસ્થા ખરી ?
 
આરોગ્ય મંત્રાલયે ત્રીજી લહેર અને મ્યૂકર ( Mucormycosis ) બંનેથી બચવા તૈયારી આરંભી છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યો સતર્ક છે. તબીબોની ખાસ ટાસ્ક ફોર્સ અને તેમના સૂચનો માત્ર ‘કાગળ’ પરનું આયોજન ના બની રહે એ જરૂરી છે. એક વિદ્વાને કહ્યું હતું કે, ‘આપણે ઈતિહાસમાંથી એ બોધપાઠ લઈએ છીએ કે માણસ ઈતિહાસમાંથી ક્યારેય કંઈ બોધપાઠ લેતો નથી.’ પ્રથમ લહેર પછી બેદરકાર બનેલા સૌએ આ વિદ્વાનની ઉક્તિ સાચી પાડી છે. બીજી લહેરમાં જાનહાની અને સ્મશાનમાં લાઈનો જોયા બાદ આપણે વધુ સાવચેત રહેવાનું છે. ત્રીજી લહેર અટકાવીએ, જાનહાની અટકાવીએ, કોરોના ચાલ્યો ગયો છે એવી કોઈ ગફલતમાં ના રહીએ. માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ દ્વારા આપણી રક્ષા અને બીજાની સુરક્ષા કરીએ. હવે અન્ય કોઈ પર દોષારોપણની પળોજણમાં પડ્યા વિના, સાચી સમજણમાં પડીએ. કોરોના લડાઈને જીતવા માટે તેના ભૌતિક અને માનસિક સાધનોને ભેગા કરી તેનો મહત્તમ ઉપયોગ કરવાની કાબેલિયત બતાવવાનો આ સમય છે. ‘ટીમ ઈન્ડિયા’ તરીકે લડીશું તો જ જીતીશું અને જીવીશું.
 
 

 
Powered By Sangraha 9.0