ઉધરસને ઓળખો, થવાનું કારણ જાણો અને તેને મટાડવાના આયુર્વેદિક ઉપાયો જાણો

    01-Jun-2021
કુલ દૃશ્યો |

dry cough_1  H
 
કોરોનાનું સંક્રમણ હજુ પણ પત્યું નથી. આ સંક્રમણથી આજે પણ ઘણા લોકો સંક્રમિત છે. આ રોગનું મહત્ત્વ તાવ છે. સાથે સાથે ક્યારેક ખાંસી, શરદી, ગળામાં ખારાશ વગેરે લક્ષણો પણ જોવા મળતાં હોય છે. ઘણીવાર ઋતુગત બદલાવના કારણે પણ ઉધરસની સમસ્યા સતાવતી હોય છે. આજે આપણે આ રોગ વિશે ચર્ચા કરીશું. ખાંસી એ રેસ્પીરેટરી સિસ્ટમ (શ્ર્વસનતંત્ર)નો બળવાન રોગ છે. આ રોગ ક્યારેક સ્વતંત્ર રૂપે તો ક્યારેક બીજા રોગોના લક્ષણ તરીકે જોવા મળે છે. ક્યારેક શરદી મટી ગયા બાદ અથવા શરદીની સાથે સાથે જ ખાંસીની જુગલબંધી જોવા મળે છે.
 
ઉધરસ-ખાંસી પણ બે પ્રકારની હોય છે. સૂકી અને કફવાળી.
 
જ્યારે આયુર્વેદમાં ઉધરસના પાંચ પ્રકાર બતાવેલા છે. (૧) વાતજ (૨) પિત્તજ (૩) કફજ (૪) ક્ષતજ (૫) ક્ષયજ.
આ સિવાય હુપીંગ કફ, ઓરી, ક્ષય વગેરે જેવા રોગોમાં પણ ખાંસીનું લક્ષણ જોવા મળે છે.
 
ઉધરસમાં દર્દીને ગળાની અંદર ખાતાં-પીતાં કાંટાની જેમ ખૂંચતું હોય તેવો ભાસ થાય છે. રોગીનો અવાજ પણ ભારે થઈ જાય છે. સાથો-સાથ ગળામાં બળતરા કે ખારાશ જેવું લાગે છે. ક્યારેક હળવો તાવ પણ આવી જાય છે. દર્દીને સાધારણ ગભરામણ જેવું પણ ક્યારેક લાગે છે. શરીરમાં સુસ્તી અને અશક્તિ લાગે છે. સતત ખાંસી ખાવાથી કેટલીક વાર છાતીમાં કે પેટમાં દુખાવો થતો હોય તેવું પણ લાગે છે. કેટલીક વાર સતત ખાંસી આવવાથી ઊલટી પણ થઈ જાય છે. કેટલીક વાર ખાંસીની સાથે ગળફા પણ પડે છે. કેટલાક દર્દીને સૂકી ખાંસીની તકલીફ હોય છે. ઉધરસ કે ખાંસીનો પ્રકોપ શિયાળામાં વધારે જોવા મળે છે. રાત્રે પણ ઘણીવાર ખાંસીનો પ્રકોપ વધતો જોવા મળે છે. જ્યારે ઘણા દર્દીઓમાં ખાંસીનો કોઈ નિશ્ર્ચિત સમય હોતો નથી. સવાર-સાંજ-બપોર કે રાત્રિમાંથી ગમે ત્યારે આ પ્રકોપ જોવા મળે છે. આયુર્વેદ એમ માને છે કે, જ્યારે શરીરમાં છાતીમાં કફ ભરાઈ જાય છે અને જ્યારે પોતાની જાતે તે બહાર નીકળી શકતો નથી ત્યારે શરીરમાં ખાંસી પેદા થઈ શરીર તે કફ બહાર કાઢવા પ્રયત્ન કરે છે.
 

નિદાન - કારણો :
 

(૧) ઠંડા, ચીકણા કે મસાલાવાળા- તળેલા ખોરાકના અતિ સેવનથી થઈ શકે છે.
 
(૨) દહીં, છાશ, કેળાં, આઇસ્ક્રીમ વગેરે વધારે લેવાથી પણ આ બીમારીનો ભોગ બની શકાય છે.
 
(૩) પ્રદૂષિત હવા - પાણી, ધુમાડો, માટી વગેરે વ્યક્તિની શ્ર્વાસનળીમાં દાખલ થઈને આ રોગ કરવામાં જવાબદાર થઈ શકે છે.
 
(૪) ધૂમ્રપાન, દારૂ, અફીણ, ગાંજો, તમાકુ વગેરેનું સેવન કરવાથી પણ ખાંસી થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
 
 

dry cough_1  H  
 

ખાંસી માટે નીચે આપેલા ઉપાયો વૈદ્યની સલાહ મુજબ કરી શકાય છે, જેમાં,

 
(૧) દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવું.
 
(૨) દૂધમાં પિપરીમૂળ (ગંઠોડા)નું ચૂર્ણ નાખી ઉકાળો બનાવીને પીવાથી ખાંસીમાં રાહત થાય છે.
 
(૩) અરડૂસી અને તુલસીનો રસ મધ સાથે લેવાથી પણ ઉધરસમાં ખૂબ આરામ મળે છે.
 
(૪) લવિંગનું ચૂર્ણ ૨ ગ્રામની માત્રામાં ધ સાથે લેવાથી ખાંસી ખૂબ ફાયદો થાય છે.
 
(૫) યષ્ટિમધુવટી કે ખાદિશદિવટીની ૨-૨ ગોળી સવાર સાંજ ચૂસવાથી પણ આ રોગમાં રાહત મળે છે.
 
(૬) યષ્ટિમધુચૂર્ણ અને બહેડાચૂર્ણ સમાન ભાગે મિક્સ કરી મધ સાથે લેવાથી સારાં પરિણામ મળે છે.
 
(૭) સૂકી ખાંસી હોય તો દશમૂળ કવાથ પાણી સાથે સવાર-સાંજ લેવાથી ઉધરસનો પ્રકોપ ઘટી જાય છે.
 
ઉપરોક્ત સારવાર ઉપરાંત આ રોગમાં આહારનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પથ્યાપથ્યનું પાલન કરવાથી દરેક રોગોથી ઔષધો સિવાય પણ બચી શકાય છે.
 
આ રોગમાં સૂંઠ, મેથી, કળથી, સુવા, જૂનું અનાજ તેમજ પૌષ્ટિક, હલકું અને ગરમ ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ. હળદર અને કાળાં મરી તેમજ લવિંગનો દૂધમાં કે રસોઈમાં શક્ય એટલો વધુ ઉપયોગ કરવો. શિયાળાની ઋતુમાં ખાંસી હોય તો એલર્જીક ખાંસીમાં લીલી હળદર, લીલું લસણ વગેરે સારું પરિણામ આપે છે.
 
દહીં, છાશ, આઇસ્ક્રીમ, વાસી-વાયડા પદાર્થો, તળેલી વસ્તુઓ, પંખા કે એસીની ઠંડી હવા વગેરે રોગને વધારનાર છે. જેથી તેમનો ત્યાગ કરવો.
 
આયુર્વેદિક ઔષધો અને સંયમિત જીવનશૈલી આ રોગને આપણાથી અવશ્ય દૂર રાખે છે તેમાં બે મત નથી.
 
- વૈદ્ય ડો. જહાન્વી ભટ્ટ