ઇમરજન્સી સારવાર આયુર્વેદમાં પણ છે | લોહી જામી જાય તો શું કરવું? ગરોળી કરડી જાય તો શું કરવું? જણાવે છે અનુભવી વૈદ્ય જહાન્વી ભટ્ટ

    15-Jun-2021
કુલ દૃશ્યો |

ayurveda_1  H x 
 

ઇમરજન્સી સારવાર આયુર્વેદમાં પણ છે |  લોહી જામી જાય તો શું કરવું? ગરોળી કરડી જાય તો શું કરવું? જણાવે છે અનુભવી વૈદ્ય જહાન્વી ભટ્ટ

જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે કે, વ્યક્તિને તત્કાલ સારવાર મળવી ખૂબ જરૂરી બની જાય છે. તત્કાળ તેને સારવાર મળવી જોઈએ તેવી સ્થિતિ હોવા છતાં તેવું તત્કાળ શક્ય બનતું નથી. વાગવું, પડવું કે દાઝી જવું વગેરે જેવા પ્રસંગોએ જો તાત્કાલિક ઉપાયો જાણતા હોઈએ તો તુરંત જ સારવાર થઈ જાય છે અને દર્દીને ઘણી મદદ મળી શકે છે. તે આશયથી તાત્કાલિક કે ઇમરજન્સીમાં કરવાના આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચારો વિશે લખવાનું આજે વિચાર્યું છે.
 
રોટલી ફૂલતાં ફૂલટા ફાટે ને તેની વરાળથી દાઝી જવાય, કોલસો પડ્યો હોય ને અજાણતાં ઉપર પગ મુકાઈ જાય ને દાઝી જવાય, ઊભરાતું દૂધ બચાવવા ગેસ બંધ કરવાના બદલે તપેલી પકડી ઉતારતાં દાઝી જવાય. ગરમ પાણી ભૂલથી પગ પર પડી જાય ને દાઝી જવાય, આવા અનેક પ્રસંગો રોજિંદા વ્યવહારમાં આપણી સાથે બનતા જ હોય છે. આવા અચાનક એક્સિડન્ટથી દાઝતાં તાત્કાલિક સારવારની જરૂર ઊભી થાય તથા આ વેદનાના શમન માટે ડૉક્ટરને બોલાવીએ અને તે આવે ત્યાં સુધી તો પીડા અનેકગણી વધી જાય, વળી દાઝી ગયેલી જગ્યા ઉપર ફોડલા પણ ઊઠી જાય ત્યારે ડૉક્ટરને ત્યાં મદદ માટે દોડી જવું પણ આકરું પડી જાય, તેથી આવે સમયે તાત્કાલિક સારવારની જરૂર હોય છે. આવું જીવનમાં કોઈક જ વખત બને છે, પણ બને ત્યારે અગમચેતી વાપરી સારવારની વ્યવસ્થા હાથવગી જ રાખવી પડે તો આજે એવા તાત્કાલિક કરવાના ઉપાયો જોઈશુ - જેમાં ચોખ્ખુ મધ - દાઝ્યા ઉપર લગાડવાથી તુરંત જ રાહત થઈ જાય છે. માણસ સમગ્ર શરીરે પણ જો દાઝી ગયેલો હોય અને તેને જો તુરંત જ મધ લગાડવાનું શરૂ કરી દેવામાં આવે તો થોડીવારમાં તેની અસહ્ય વેદના શમી જાય છે. દાઝેલા વ્યક્તિને રાહત થાય ત્યા સુધી ખૂબ મધ લગાડવું જોઈએ.
 
#  કુંવારપાઠાનો ગર્ભ દાઝતાવેંત જ લગાડી દેવાથી તેનું પરિણામ ચમત્કારિક આવે છે. દાઝવાની જગ્યાએ ફોડલો થતો નથી અને બળતરા તુરંત જ શાંત થાય છે. સહેજ પણ બળતરા હોય ત્યાં સુધી કુંવારપાઠાનો ગર્ભ લગાડતા રહેવું અને બળતરા મટ્યા પછી પણ તે લગાડતા રહેવાથી ધીરે ધીરે દાઝ્યાનું નિશાન પણ રહેતું નથી.
 
# વડનાં પાન વાટીને ગાયના ઘીમાં મેળવી લગાડવાથી તુરંત બળતરા શાંત થાય છે.
 
# દાઝી ગયા પછી સફેદ ડાઘ રહી ગયા હોય તો ત્રિફળાને પાણીમાં પળાળી લેપ કરવો. થોડા જ દિવસોમાં ડાઘ ખૂબ આછા થઈ જશે અને અંતે નીકળી જશે.
 
# બહેડા ચૂર્ણને પણ પાણીમાં પલાળી લેપ કરવાથી સફેદ ડાઘ નીકળી જાય છે અને ત્વચાનો મૂળ રંગ પરત આવી જાય છે.
દાઝેલા વ્યક્તિઓ પાક ન થાય તે માટે ખારું, ખાટું, તીખું અને પચવામાં ભારે હોય તેવું ખાવું-પીવું નહીં તથા ઘાને સાવ ખુલ્લો પણ ન રાખવો કે એકદમ હવાચુસ્ત પણ ન કરી દેવો.
 

ayurveda_1  H x 
 
 
પડવા - વાગવાથી લોહી જામી જાય ત્યારે...
 
 
પડવા કે મૂઢમાર વાગવાથી લોહી જામી ગયું હોય તો તે લોહી છૂટું પડી જાય અને ભવિષ્યમાં તેમાંથી કોઈ ગંભીર ગાંઠ ન થઈ જાય કે પાકી ન જાય તે માટે તાત્કાલિક નીચેમાંથી અનુકૂળ પડે તે ઉપાય કરવો જોઈએ.
 
#  પાણીમાં અસાળિયો ભીંજવી અથવા તેની ખીર પકાવી (ગરમ કરી) વાગેલા ભાગ ઉપર લગાડી દેવું. તે વાગેલા ભાગ ઉપર પ્લાસ્ટરની જેમ ચોંટી જશે અને માર વેરાઈ જશે પછી જ ઊખડશે.
 
# દર્દીનું લોહી મૂઢમાર વાગવાથી ગંઠાઈ ગયું હોય તો તેને લીલા નારિયેળના પાણીમાં મધ મેળવી પીવડાવવાથી લોહી છૂટું પડી જાય છે.
 
# નવસારનાં પોતાં વાગેલી જગ્યાએ મૂકવાથી પણ જામી ગયેલું લોહી છૂટું પડી જાય છે.
 
# વધારે પડતું વાગ્યું હોય તો કેળું અને મીઠાશ બિલકુલ બંધ કરવાં.
 
# મેદાલકડી, સાજીખાર અને આંબા હળદર સમભાગે ચૂર્ણ કરી લસોટી લેપ કરવાથી મૂઢમારમાં ખૂબ ફાયદો થાય છે.
 
# ૧ ચમચી હળદર અને ૨ ચમચી ખાંડ મિક્સ કરી સવાર સાંજ ફાકી કરવી. જેનાથી પણ મૂઢમારમાં ફાયદો જણાય છે.
 
# ધાણા અને જવનો લોટ પલાળી લેપ કરવો. વાગવાથી સોજો આવી ગયો હોય તો આ લેપથી સોજો તુરંત ઊતરે છે.
 
 
ગરોળીનું ઝેર ખાવામાં આવી ગયું હોય તો...
 
 
ગરોળી કરડે અથવા ખાવાની કોઈ ચીજમાં તેનું ઝેર ભળી ગયું હોય અને ખવાઈ ગયું હોય તો, ડૉક્ટરની પાસે પહોંચીએ તે પહેલા નીચેનો ઉપાય કરી લેવો. ગરોળી સફેદ ચીજોમાં તેની હગાર વધુ નાખે છે. હગારનો સફેદ ભાગ ઝેરી હોય છે. પેટમાં જવાથી ખૂબ ઝાડા-ઊલટી થાય છે. ગરોળીની હગારને ગલ પણ કહે છે. કોઈપણ રીતે ગરોળીનું ઝેર પેટમાં ગયું હોય તો શરીરે સોજા આવે છે અને શરીર પર લાલ-લાલ ફોલ્લીઓ થાય છે, પરિણામે શરીરમાં સોયા ભોંકાતા હોય તેવી વેદના થાય છે.
 
આ ઝેરથી બચવા માટે સર્વપ્રથમ અડધો તોલો ખાંડ અને અડધો તોલો હળદર મિક્સ કરી ૧ તોલો ખવડાવી દેવું. ત્યાર બાદ આંબો, આસોપાલવ કે પીપળાના ઝાડના મૂળને ઘસીને તેનો ઘસારો ગરોળીના ઝેરની અસરવાળા દર્દીને પીવડાવી દેવો. પરંતુ આ મૂળ લાવતાં સમય લાગે તેથી પ્રથમ હળદર અને ખાંડનો પ્રયોગ કરવો. ઘણીવાર હળદર અને ખાંડ દર્દીને ફકાવવાથી પણ ગરોળીના ઝેરની અસર ઓછી થઈ જાય છે. શરીરમાં થતી વેદના, સોજા અને ફોલ્લીઓ ઓછાં થવા માંડે તો જાણવું કે ઝેર ઊતરી રહ્યું છે, તેમ છતાં ઉપરના દરેક ઉપાયો તાત્કાલિક કે ઇમજરન્સી માટે બતાવવામાં આવેલા છે. આ ઉપાયો અજમાવ્યા બાદ પણ ડૉક્ટરની કે નિષ્ણાતની સલાહને અનુસરવું ખૂબ જરૂરી છે, જેથી સારવારમાં કોઈ કચાશ રહી ન જાય.