સ્વસ્થ રીતે જીવવા શું આપણાં મૂળિયાં તરફ પાછા વળવાનો સમય છે!

    15-Jun-2021
કુલ દૃશ્યો |

Healthy life tips_1 
 
 
 

".....જેમ આપણે પ્રકૃતિથી દૂર થતા ગયા, બીમારીઓની તેટલી જ નજીક જતા ગયા. આજે મોટાભાગની આબાદીને કંઈક ને કંઈક બીમારી છે અને દવાઓ લેવી પડી રહી છે....."

 
આધુનિકતા અને ભાગદોડથી ભરેલી જિંદગી (Life) એ આપણને પ્રકૃતિ (Nature) થી દૂર કરી દીધા છે. આપણે આપણું સ્વાભાવિક જીવન જ (Natural life) ભૂલી ગયા છીએ. ઉપરથી પ્રદૂષિત ભોજન, પાણી અને હવા આપણને વધુ બીમાર કરી રહ્યાં છે, ત્યારે સ્વસ્થ (Healthy) રહેવા માટે આપણે પરંપરાગત જીવનશૈલી (lifestyle) અપનાવવાની જરૂરત છે.
 
આ બિમારીના આ સમયગાળામાં આપણને ભાગદોડ ભરી જીવનશૈલી (lifestyle) પર પુનર્વિચાર કરવાનો સમય મો છે. સ્વસ્થ જીવનશૈલી (lifestyle) માટે સ્વસ્થ મન અને શરીર જરૂરી છે. ભારતીય પરંપરામાં જન્મદિવસની શુભકામના આપતા વખતે જીવેત્ શરદઃ શતમ્ની કામના કરવામાં આવે છે. તે અથર્વવેદનું એક સૂક્ત છે. તેમાં વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે તેના દીર્ઘાયુ જીવનની કામના કરવામાં આવી છે.
 
પશ્યેમ શરદ શતમ્, જીવેમ શરદઃ શતમ્
બુધ્યેમ શરદ શતમ્, રોહેમ શરદઃ શતમ્
પૂષેમ શરદઃ શતમ્, ભવેમ શરદઃ શતમ્
ભૂપેમ શરદઃ શતમ્, ભૂપસીઃ શરદઃ શતમ્
(અથર્વવેદ, કાંડ ૧૯)
 
એટલે કે આપણે સો શરદ સુધી આપણી દૃષ્ટિથી જોઈ શકીએ. એટલે કે સો શરદ સુધી આપણી આંખોનું તેજ જળવાઈ રહે. આપણે સો વર્ષો સુધી જીવિત રહીએ. સો વર્ષો સુધી આપણી બુદ્ધિ સક્ષમ રહે. આપણે જ્ઞાનવાન બની રહીએ. સો વર્ષો સુધી આપણી ઉન્નતિ થતી રહે. સો વર્ષો સુધી આપણને પોષણ મળતું રહે. આપણે સો વર્ષો સુધી ટકી રહીએ. સો વર્ષો સુધી કુત્સિત ભાવનાઓથી મુક્ત રહી, પવિત્ર બની રહીએ. સો વર્ષોથી પણ વધુ સમય સુધી આપણું કલ્યાણ થતું રહે.
 
આજે જ્યારે આપણે આપણી આજુબાજુ જોઈએ ત્યારે સ્વસ્થ વ્યક્તિ શોધવો પડે તેવી સ્થિતિ છે. ત્યારે ૧૦૦ વર્ષો સુધી સ્વસ્થ રહેવું અશક્ય વાત લાગે. આખરે આવું થયું કેમ ? આપણે ક્યાં ચૂકી ગયા ? શું આપણે ચિંતામુક્ત સ્વસ્થ જીવનની અવધારણાને ફરી સાકાર ન કરી શકીએ ? જ્યારે આપણે આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મુખ્યત્વે બે બાબતો સામે આવે છે. આપણી જીવનશૈલી અને પ્રકૃતિ સાથે વધતુ આપણું અંતર. દિલ્હીનું જ ઉદાહરણ લઈ લો. ત્યાં વાયુ પ્રદૂષણથી લોકોનાં ફેફસાં ખરાબ થઈ રહ્યાં છે. બાકીના ભારતની સરખામણીએ ત્યાંના લોકોનું આયુષ્ય ૨થી ૩ વર્ષ ઘટી ગયું છે. સ્વસ્થ જીવન (Healthy Life) માટે સ્વસ્થ ભોજન, સ્વચ્છ હવા સાથે સાથે સારી ઉંઘ અને વ્યાયામ પણ જરૂરી છે, પરંતુ આધુનિકતા પાછળની આંધળી દોડમાં આપણે આપણા એ પ્રાકૃતિક જીવનથી ક્યાંય દૂર થઈ ગયા છીએ.
 
રોજિંદા જીવનમાં આપણે એક તૃતિયાંશ જેટલો સમય આજીવિકા મેળવવા પાછળ, એક તૃતિયાંશ જેટલો સમય આપણા શરીરમાં જેમાં ઊંઘ અને વ્યાયામ સામેલ છે તથા એક તૃતિયાંસ સમય પરિવાર અને સમાજને આપવો જોઈએ. પરંતુ હાલ આપણી દિનચર્યા તેનાથી તદ્દન વિપરીત બની ગઈ છે. આપણે આપણો મોટાભાગનો સમય પૈસા કમાવવા પાછળ ખર્ચી રહ્યા છીએ. આપણી પાસે આપણા પરિવાર અને સમાજ માટે પણ સમય બચતો નથી. પૂરતી ઊંઘ અને વ્યાયામ શરીરની સ્વસ્થતા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ આપણે લોકો હવે તેને પણ ટાળી રહ્યા છીએ. ત્યારે જરૂર છે આપણે આપણા આચરણમાં વ્યવસ્થિત જીવનશૈલી અપનાવવાની અને તેના માટે આપણે પ્રાથમિકતા નક્કી કરી તે હિસાબથી ચાલવું પડશે. ત્યારે જ આપણે સ્વસ્થ અને દીર્ઘાયુ રહી શકીશું.
 

Healthy life tips_1  
 
સૌથી પહેલાં સ્વાસ્થ્ય : Health Frist
 
સ્વસ્થ રહેવા માટે ૬થી ૭ કલાકની પૂરતી ઊંઘ જરૂરી છે, કારણ કે ઊંઘ પૂરી ન થવાથી શરીર અને મન પર તેનો દુષ્પ્રભાવ પડે છે. તેવી જ રીતે યોગ, પ્રાણાયામ અને વ્યાયામ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. નિયમિતપણે લીલાં શાકભાજી, ફળ, દૂધ, દહીંયુક્ત ભોજન નિશ્ર્ચિત રૂપે શરીર પર ચમત્કારિક પ્રભાવ પાડે છે.
 
પરિવાર અને સમાજને સમય આપો : ખુદના માટે સમય કાઢવાની સાથે સાથે પરિવાર અને સમાજ માટે પણ સમય કાઢવો જરૂરી છે. લોકો સાથેનું ભાવનાત્મક જોડાણ આપણને ખુશી અને સકારાત્મક ઊર્જા આપે છે. મોટાઓ સાથે સમય પસાર કરવાથી તેમના અનુભવોથી પણ આપણને શીખવાનો અવસર મળશે. જે જીવનના કઠિન સમયે આપણને ઘણો જ કામ લાગશે.
 
કાર્ય અને રોજગાર પણ મહત્ત્વનાં : Work Second
 
જીવન વ્યાપન માટે પૈસા જરૂરી છે. પરંતુ સૌથી જરૂરી નથી. જો એવું હોત તો વિશ્ર્વના સૌથી અમીર લોકો સૌથી વધુ સુખી હોત. એક સંશોધન મુજબ વિશ્ર્વના સૌથી અમીર અને સૌથી ગરીબ એક ટકા આબાદી વચ્ચે ખુશીનું અંતર એક ટકો પણ નથી. શક્ય હોય તો એવું કામ પસંદ કરો જે કરવાથી તમને ખુશી મળે, કારણ કે પસંદગીનું કામ કરવામાં આપણે આપણું સર્વોત્તમ યોગદાન આપી દઈએ છીએ. આ સિવાય રહેવા માટે ભીડભાડવાળાં શહેરોને બદલે ગામડાં અને નાનાં શહેરોને પ્રાથમિકતા આપો. તેનો ફાયદો એ થશે કે પ્રદૂષણમુક્ત વાતાવરણ સાથે શુદ્ધ પાણી અને પ્રાકૃતિક વાતાવરણ પણ મળશે. મોટાં શહેરોમાં કામ માટે દૂર જવું પડતું હોય છે, જેમાં ખૂબ સમય લાગી જાય છે, પરંતુ નાનાં શહેરોમાં આ સમય બચી જાય છે.
 
પ્રકૃતિ સાથે જોડાઓ : Natural Lifestyle
 
ભારતીય સંસ્કૃતિમાં તમામ પર્વો-તહેવાર પ્રકૃતિ સાથે સંકળાયેલાં છે. આપણે નદીને માનો દરજ્જો આપીએ છીએ. સૂર્ય અને વાયુને દેવતા માનીએ છીએ. આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ, પરંતુ જેમ જેમ આપણે પ્રકૃતિથી દૂર થતા ગયા, બીમારીઓની તેટલી જ નજીક જતા ગયા. આજે મોટાભાગની આબાદીને કંઈક ને કંઈક બીમારી છે અને દવાઓ લેવી પડી રહી છે.
 
***
 
- ડો. રાજેન્દ્ર એરન 
(લેખક આઈએએમ સ્ટેન્ડિંગ કમિટી ફોર એથિક્સના રાષ્ટીય સહઅધ્યક્ષ છે.)