ગુજરાતની આ સરકારી શાળાની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે ડ્રો દ્વારા એડમિશન આપવા પડશે

    18-Jun-2021
કુલ દૃશ્યો |

surat shala_1  
 
સરકારી શાળા ગમે એટલી સારી હોય પણ આપણા મગજમાં એક ગ્રંથી બંધાઈ ગઈ છે કે સારું શિક્ષણ તો ખાનગી શાળાઓમાં જ મળે. પણ એવું નથી. બધી જ નહી પણ ઘણી સરકારી શાળાઓ છે જ્યાં વિદ્યાથીઓને સગવડની સાથે શિક્ષણ પણ સારી રીતે અપાય છે. સરકારી શાળામાં એડમિશન ઘટી રહ્યા છે એવા સમચારો આપણે ખૂબ સાંભળ્યા છે પણ આજે આનાથી તદ્દન વિપરીત સમાચાર આવ્યા છે. અને આ સમાચાર ગુજરાતના સુરતમાંથી આવ્યા છે. આ સમાચાર પ્રમાણે સુરતની એક સરકારી શાળા છે. જ્યા અત્યાર સુધી થોડા ઓછા એડમિશન થતા પણ આ વખતે અહીં એડમિશન લેવા એટલો બધો ઘસારો છે કે શાળાના સંચાલકોએ ડ્રો કરીને એડમિશન આપવાની જાહેરાત કરવી પડી છે.
 
તો ચાલો જાણીએ આ શાળ વિશે. મોટા વરાછાનો એક વિસ્તાર છે ઉત્રાણ. અહીં સૂરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા કાર્યરત છે. શાળાનો નંબર છે ૩૩૪ અને ૩૪૬. છેલ્લા ત્રણ વર્ષથી અહીંના શિક્ષણના સ્તરે સ્થાનિક લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આનું પરિણામ એ આવ્યું છે કે સરકારી શાળા હોવા છતા હવે અહીંના લોકો આજ શાળામાં પોતાના બાળકોનું એડમિશન કરાવવા માંગે છે. એડમિશન લેવા આ શાળાએ વાલીઓની લાંબી લાઈન લાગે છે. હાલ બે પાળીમાં કાર્યરત આ શાળામાં ૧૬૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. હવે મુશ્કેલી એ છે કે આ વખતે ૩૫૦૦ એડમિશનની અરજી આ શાળામાં આવી છે. આના કારણે મજબૂરીમાં શાળાના સંચાલકોએ ડ્રો થકી એડમિશન આપવાનો નિર્ણય લેવો પડ્યો છે.
 
શાળાના આચાર્ય ચેતન હિરપરાએ મીડિયાને જણાવ્યું કે વેકેશનથી જ શાળામાં એડમિશન લેવા માટેનું ગૂગલ ફોર્મ સોશિયલ મીડિયા પર બધાને મોકલવામાં આવ્યું હતું. આ ફોર્મમાં આપેલી લિંકના આધારે લોકોએ ફોર્મ પણ ભર્યા છે. ૩૫૦૦ જેટલા ફોર્મ અમને મળ્યા છે. આ વખતે ૧૮૦૦ એડમિશન આપવાના છે અને ૩૫૦૦ અરજી આવી છે. અહીં મોટાભાગના બાળકો ખાનગી શાળા છોડીને આવે છે.
 

surat shala_1   
 
શાળાના આચાર્ય રમા પદમાણીનું કહેવું છે કે શાળાની શરૂઆતના વર્ષોમાં અમારે એડમિશન શોધવા જવું પડતું હતું હવે સ્થિતિ એવી છે કે ડ્રો થકી એડમિશન આપવા પડે છે. શાળાનું શિક્ષણ સારું છે. લોકોને પણ વિશ્વાસ આવ્યો છે. અમારી શાળાના યુવાન અને ખંતીલા શિક્ષકોને કારણે આ બધું થયું છે. અમે પ્રચાર કરતા નથી. શિક્ષકો જે રીતે ભણાવે છે અને બાળકો ઘરે જઈને જે કહે છે તેના દ્વારા જ બધાને ખબર પડી છે.
 
એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે કોરોનાના કારણે લોકોની આવક ઘટી છે. ખાનગી શાળાઓની ફી ભરવી મુશ્કેલ થતી જાય છે એવા સમયે એક સારી સરકારી શાળાનો વિકલ્પ મળે તો લોકો ચોક્કસ તેના પર વિશ્વાસ કરી પોતાના બાળકોનું એડમિશન લઈ શકે છે. આ મહામારી દુઃખની સાથે કંઇક સારું પણ શીખવીને જવાની છે. આપણે આપણા મૂળ તરફ આગળ બધ્યા છીએ. આપણી સંસ્કૃતિ, આયુર્વેદ, નેચરોપેથી પર આપણો વિશ્વાસ વધ્યો છે. ખોટા ખર્ચા આપણે બંધ કર્યા છે. હવે સરકારી શાળ તરફ પણ આપણે આગળ વધ્યા છે. બસ સરકારે અને આપણે આ તક ઝડપીને સરકારી શાળાઓને વધુ અધ્યતન બનાવી, શિક્ષણનું સ્તર વધુ ઉંચાઈ પર લઈ જઈ શિક્ષણજગતમાં એક ક્રાંતિ લાવી શકીએ છીએ…