ટ્વીટરને આખી દુનિયામાંથી ફિટકાર કેમ પડી રહી છે?

    19-Jun-2021
કુલ દૃશ્યો |

Twitter_1  H x
 
 
 
 
 
કેન્દ્ર સરકારે તાજેતરમાં નવા આઈટી નિયમો બનાવ્યા. તે અંતર્ગત ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ જેવી સૉશિયલ મીડિયા કંપનીઓએ કેટલાંક પગલાં લેવાનાં હતાં, પરંતુ વૉટ્સઍપ, ટ્વિટરે તેનો વિરોધ કર્યો. એટલું જ નહીં, ટ્વિટરે તો ઉપરાષ્ટપતિ, સરસંઘચાલક ભાગવતજીનાં ટ્વિટર ખાતાં સામે બ્લુ ટિક હટાવી આડોડાઈ કરી. ટ્વિટરની ડાબેરી તરફી આડોડાઈ માત્ર ભારત પૂરતી સીમિત નથી.
 
તાજેતરમાં સૉશિયલ મીડિયા કંપનીઓ અંગે ભારત સરકારે કેટલાક કડક નિયમો બનાવી કાયદામાં ફેરફાર કર્યો. તે પછી સૉશિયલ મીડિયા કંપનીઓએ તે મુજબ વર્તવાનું હતું, પરંતુ તેમાં વૉટ્સઍપ અને ટ્વિટરે વિદ્રોહનું રણશિંગું ફૂંક્યું. વૉટ્સઍપ નવી નીતિ માર્ચ ૨૦૨૧થી લાગુ કરવાનું હતું જેના અંતર્ગત તે વપરાશકારોની માહિતી (વપરાશકારોનાં ખાતાં બંધ કરવાની ધમકી દ્વારા ફરજિયાત ઉઘરાવાયેલી સંમતિ અંતર્ગત) તેની માતૃસંસ્થા ફેસબુકને વહેંચવાનું હતું. જોકે લોકોનો વિરોધ થતાં તે હવે સ્વૈચ્છિક બન્યું છે. જે વૉટ્સઍપ વપરાશકારોની ગોપનીયતાનો ભંગ કરવા માગતું હતું તે જ વૉટ્સઍપ ભારતના નિયમોને માનવા વિરોધ કરવા લાગ્યું અને તેણે કારણ આપ્યું કે વપરાશકારોની ગોપનીયતાનો ભંગ થાય છે! વૉટ્સઍપ દિલ્લી ઉચ્ચ ન્યાયાલયમાં ચાલ્યું ગયું.
 
બીજી તરફ, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક મોટા ષડયંત્રનો રહસ્યસ્ફોટ કર્યો. તે મુજબ, કૉંગ્રેસના સંશોધન વિભાગે એક ટૂલકિટ બનાવી હતી જે મુજબ, વડા પ્રધાન મોદીની છબિ ખરડવા માટે કોરોના સંદર્ભે ભારતની છબિ ખરડવાની હતી. કોરોનાના ભારતમાં મળેલા સ્વરૂપને મોદીસ્ટ્રેઇન અથવા ઇન્ડિયાસ્ટ્રેઇન તરીકે ઓળખાવી ટ્વિટ કરવાના હતા. ટ્વિટર પર હેશટેગ સાથે કોઈ શબ્દપ્રયોગ મૂકવામાં આવે અને તેના પર જ અલગ-અલગ ટ્વિટ કરવામાં આવે તો તે ટ્રેન્ડ બની જાય છે. તેનો ફાયદો એ થાય કે ટ્વિટર પર એક હાંસિયામાં ટ્રેન્ડની યાદી હોય છે. તેના પર ક્લિક કરવાથી જે-તે ટ્રેન્ડ પર કોણે-કોણે ક્યાં-ક્યાં અને કેટલાં ટ્વિટ કર્યાં છે તે જાણવા મળી જાય. આ રીતે મોદીસ્ટ્રેઇન અથવા ઇન્ડિયાસ્ટ્રેઇનનો હેશટેગ સાથે ઉપયોગ કરીને ટ્રેન્ડ કરવાનો હતો જેમાં એનડીટીવી વગેરે મીડિયા પણ જોડાયાં. ઉપરાંત કૉંગ્રેસના લોકોની જાણીતી હૉસ્પિટલોમાં પથારીઓ ખાલી હોય તો પણ તે કોઈને ન મળે તેવું કરવાનું કહેવાયું હતું. મિડિયાના લોકો અને પ્રભાવશાળી લોકો (નેતા, પંથગુરુ, ઉદ્યોગપતિ વગેરે)ને મદદ કરવાની. આંતરરાષ્ટીય મીડિયાને કોરોનાથી દેશની સ્થિતિ કેટલી ખરાબ છે તે જણાવવાનું. કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ થયાં. અનેક મૃત્યુ બીજી સ્થિતિ/બીમારીના કારણે પણ થયાં હશે, પરંતુ એક વાત સત્ય છે કે સ્મશાનમાં પ્રતીક્ષા કરવી પડતી હતી. આ દૃશ્યોની તસવીરોનો ઉપયોગ લોકોની સંવેદના ભડકાવવા કરવાનો હતો.
 
આ અંગે કૉંગ્રેસે પણ પોલીસ ફરિયાદ કરી. તો એક યાચિકાકર્તાએ સર્વોચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરી માગણી કરી કે રાષ્ટીય તપાસ સંસ્થા પાસે આની તપાસ કરાવી જો કૉંગ્રેસ દોષી ઠરે તો પક્ષ તરીકે તેની માન્યતા રદ કરવી જોઈએ. આમ, આ મામલો ન્યાયાલયને આધીન હોય ત્યારે તેના પર કોઈ જજ બની એક તરફી વાત કરી શકે નહીં. ભાજપના નેતાઓએ આ ટૂલકિટ પર ટ્વિટ કર્યાં. પરંતુ ટ્વિટરે જજ બની આ ટ્વિટ મેનિપ્યુલેટેડ અર્થાત્ ખોટાં છે તેમ લેબલ મારી દીધું.
આ સાથે અગાઉ સૉશિયલ મીડિયા સંદર્ભે બનેલા નવા નિયમો અંતર્ગત ટ્વિટરે નૉડલ અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારી (ગ્રિવાન્સ ઑફિસર) નીમવાના થતા હતા. તેનું પાલન કરવા ટ્વિટર નનૈયો ભણતું હતું. કેન્દ્ર સરકારે લાલ આંખ કરી દિલ્લી પોલીસ પાસે ટ્વિટરની ભારત કચેરીમાં દરોડા પડાવ્યા.
 
આ પછી ટ્વિટરે સામા પક્ષે સરકારની દુખતી રગ પર હાથ દબાવ્યો. તેણે ઉપરાષ્ટપતિ વેંકૈયા નાયડુ અને રાષ્ટીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સહિત સંઘના કેટલાક અધિકારીઓના ખાતા સામે બ્લુ ટિક હટાવી. આ બ્લુ ટિક શું છે? હકીકતે, ટ્વિટર પર જાણીતી વ્યક્તિઓના નામે બીજા લોકો ખોટાં ખાતાં ખોલાવી લે છે. તેમના નામના સ્પેલિંગમાં થોડો ફેરફાર કરે છે અથવા આગળ-પાછળ ફેન કે એવું કંઈ લગાવી દે છે. ઘણી વાર વપરાશકારો આ ખોટા ખાતાને સાચું સમજી લે છે. આથી જાણીતી વ્યક્તિને એ સુવિધા ટ્વિટરે આપી કે તેઓ પોતાનું ખાતું ખરાઈ કરાવી શકે અને આમ થાય તો તેની સામે બ્લુ ટિક લાગે. તેનો અર્થ એ થાય કે આ ખાતું જે-તે વ્યક્તિનું જ છે. હવે બ્લુ ટિક હટે તો અન્ય વપરાશકાર એવું માનવા પ્રેરાઈ શકે કે આ ખાતું નકલી છે.
 
આમાં કંઈ બહુ મોટો ફેર પડતો નહોતો, પરંતુ આ એક પ્રકારની નાનકડી બદમાશી અને વધુ તો આવા મોટા મહાનુભાવોના અહંકારને છેડવાની કાંકરીચાળા પ્રકારની પ્રવૃત્તિ હતી. ટ્વિટરે બ્લુ ટિક હટાવવા માટે જે ખાતાંઓ પસંદ કર્યા તેના પરથી તેની લુચ્ચાઈ દેખાઈ આવે છે. તેણે એ ખાતાં પસંદ કર્યાં જેનાથી કેન્દ્ર સરકાર માટે નીચાજોણું થાય. ભાજપની માતૃસંસ્થા રા. સ્વ. સંઘ છે. તેના સરસંઘચાલકના ખાતાની સળી કરવાથી તેનું દર્દ ભાજપને થશે તે ટ્વિટર સારી પેઠે જાણે છે. ટ્વિટરે છટકબારી પહેલેથી શોધી રાખી હતી. તેણે એવું કારણ આપ્યું કે આ તો આ ખાતાંઓ નિષ્ક્રિય હતાં અને ખાતું છ મહિનાથી વધુ નિષ્ક્રિય રહે તો અમારા નિયમ પ્રમાણે અમે બ્લુ ટિક હટાવી લઈએ.
 
આની સામે ભરપૂર વિરોધ થયો. આનું કારણ એ હતું કે કૉંગ્રેસ નેતા અહમદ પટેલના મૃત્યુ પછી તેમનું ખાતું નિષ્ક્રિય રહ્યું હતું. એનડીટીવીના પત્રકાર રવીશકુમારનું ટ્વિટર ખાતું બાવન મહિના (લગભગ પાંચ વર્ષ) નિષ્ક્રિય હતું. તેમની છેલ્લી ટ્વિટ ૨૨ ઑગસ્ટ ૨૦૧૫ના રોજ હતી. તો પણ તેમના ખાતા સામે બ્લુ ટિક હટી નહીં. આ સ્પષ્ટ બતાવે છે કે ટ્વિટરે આ નિયમનો પૂર્વગ્રહથી પીડાઈને કેન્દ્ર સરકારને પાઠ ભણાવવા ઉપયોગ કર્યો કે અમે તમારી સામે ઝૂકવાના નથી.
 
એ વાત સાચી કે ફેસબુક, વૉટ્સઍપ, ટ્વિટર વગેરે સૉશિયલ મીડિયા કંપનીઓ આવી અને લોકો તેમાં વપરાશકારો બનતા ગયા તે પછી લોકોમાં જાગૃતિ આવી છે. મુખ્ય પ્રવાહનાં પ્રસાર માધ્યમો પૂર્વગ્રહથી હિન્દુ વિરોધી, સંઘ વિરોધી, ભાજપ વિરોધી વલણ સાથે અમુક સમાચાર છાપતા જ નહોતા. દા.ત. ગુજરાતમાં આજે પણ કેરળના ખ્રિસ્તી પાદરી ફ્રાન્કો મુલક્કલ પર લાગેલા બળાત્કારોના આક્ષેપ અંગે કે આઈએમએના વડા ડૉ. જૉનરૉઝ ઑસ્ટિન જયલાલે પોતે ઇન્ટરવ્યૂમાં સ્વીકારેલી વટાળ પ્રવૃત્તિ અંગે કોઈ ચર્ચા જ નથી. આ બાબતો સૉશિયલ મીડિયામાં હિન્દુવાદીઓ દ્વારા સમાચારો મુકાતા થયા. આથી દેશ-વિદેશના હિન્દુવાદીઓ વચ્ચે આવા સમાચારો પહોંચતા થયા. તેનો સંગઠનાત્મક, વિચારસરણી અને રાજકીય લાભ પણ મળ્યો.
 
પરંતુ કદાચ એટલે જ ટ્વિટરને પેટમાં દુખાવો થયો. તેનું કારણ એ છે કે ટ્વિટર ડાબેરી માનસિકતા ધરાવે છે અને માત્ર ભારત પૂરતી આ વાત નથી. દુનિયાભરમાં તેનું વલણ આવું જ છે. અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના ખાતાને તેણે કાયમી રીતે પ્રતિબંધિત કરી દીધું છે. અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર જૉ બાઇડનને ગમે તે રીતે ૨૭ ઑક્ટોબર અને ૧૧ નવેમ્બરની વચ્ચે એટલે કે માત્ર પંદર દિવસમાં જ ત્રણ લાખ ટ્વિટ પર ખોટી માહિતી હોવાનું લેબલ લગાવી દીધું.
 
આનો અર્થ એ કે ટ્વિટર પોતે અમેરિકા કરતાંય મહાસત્તા બની ગઈ અને એક દેશ જેવો બની ગયો. તે ઇચ્છે તે ચૂંટાઈ શકે અને ન ઇચ્છે તે હારી શકે. તે ઇચ્છે તે પક્ષના અને પક્ષ સમર્થક લોકોના ટ્વિટ રાખે અને બાકીનાને ખોટા હોવાનું લેબલ લગાવી દે.
 
ભારતમાં જમણેરી માનસિકતાવાળા ગાયક અભિજીત, સોનુ નિગમ (જેમણે મસ્જિદ પર લાઉડસ્પીકર દ્વારા સવારમાં અઝાનથી પરાણે પોતાનો પંથ થોપવાની સામે અને ઘોંઘાટથી ઊંઘ બગડતી હોવાની ફરિયાદ કરી હતી), પરેશ રાવલ, કંગના રનૌત વગેરે અનેક લોકોનાં ટ્વિટર ખાતાને સસ્પેન્ડ કર્યાં હતાં અને તેઓ ડાબેરી વિરોધી કોઈ ચોક્કસ ટ્વિટ હટાવે તો જ તેમનું ખાતું પુનઃસ્થાપિત થાય તેવી શરત મૂકી હતી.
 
પરંતુ ટ્વિટરની બદમાશી માત્ર રાજકીય ક્ષેત્ર કે મનોરંજન પૂરતી નથી. તાજેતરમાં એક Shivam_h9 નામના આઈડી (ટ્વિટરની ભાષામાં હૅન્ડલ કહેવાય છે)વાળા એક વપરાશકારે ખાલિસ્તાની સમર્થક જરનૈલસિંહ ભીંડરાનવાલેને ત્રાસવાદી કહ્યો. તેમાં કંઈ ખોટું નહોતું. ભીંડરાનવાલે ત્રાસવાદી હતો જ. તેમાં કૉંગ્રેસ પણ સંમત થાય, કારણ કે તેના વિરુદ્ધ તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશથી સુવર્ણમંદિરમાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ભારતવિરોધી લોકોનો હાથો બની ગયેલા ટ્વિટરે Shivam_h9નું ખાતું આ ટ્વિટ માટે બંધ કરી દીધું !
 
વળી, ટ્વિટર પર બાળકોના જાતીય શોષણની સામગ્રી પણ ભરપૂર છે. ભારતના રાષ્ટીય બાળ સંરક્ષણ અધિકાર આયોગે આ માટે ટ્વિટર સામે કાર્યવાહી કરવા દિલ્લી પોલીસને પત્ર લખ્યો છે. ટ્વિટર પર આક્ષેપ છે કે તેણે આયોગને ખોટી માહિતી આપી છે. આ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ કહ્યું કે ટ્વિટર પર એવા વૉટ્સઍપ ગ્રૂપની લિંક છે જ્યાં બાળકોના જાતીય શોષણની સામગ્રી ભરપૂર પડી છે. આ વાંધાજનક વિડિયોનું ખરીદ-વેચાણ પણ થઈ રહ્યું છે અને કાળાં કામ કરવા માટેના વેબને ડાર્ક વેબ કહેવાય છે. આ ડાર્ક વેબની ટૂલકિટ પણ ટ્વિટર પર ઉપબબ્ધ છે.
 
પ્રિયંક કાનૂનગોએ કહ્યું કે ટ્વિટર પર ડાર્ક વેબ અને ડીપ વેબ જેવી ઇન્ટરનેટ પર ઘાતક દુનિયામાં જવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો તે જગ્યા બાળકો માટે સુરક્ષિત ન હોઈ શકે. આથી આયોગે આ સંબંધે ટ્વિટરને તેડું પાઠવ્યું હતું, પરંતુ ટ્વિટરે આયોગને ખોટી જાણકારી આપી અને પૉક્સો અધિનિયમની કલમ ૧૧, ૧૫, ૧૯નું ઉલ્લંઘન કર્યું છે. આઈપીસીની કલમ ૧૯૯નું પણ ઉલ્લંઘન કર્યું છે. આથી અમારે દિલ્લી પોલીસને આ બાબતે જણાવીને ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી કરવા કહેવું પડ્યું છે.
 
નાઇજીરિયાની વાત લો. ત્યાં ૧૯૬૭ જેવી ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે તેમ હતી. આની સામે ત્યાંના પ્રમુખ મોહમ્મદુ બુહારીએ ચેતવણી આપતાં ટ્વિટ કર્યાં. પરંતુ ટ્વિટરે તેને ડિલીટ કર્યાં. આથી પ્રમુખ બુહારીએ દેશમાં ટ્વિટર પર અનિશ્ર્ચિત કાળ સુધી પ્રતિબંધ મૂકી દીધો અને એટલું જ નહીં, ભારતની ટ્વિટર જેવી સ્વદેશી ઍપ કૂમાં નાઇજીરિયાની સરકારે ખાતાં ખોલાવી લીધાં. ભારતના માહિતી અને ટેક્ધૉલૉજી તેમજ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કૂ પરથી સૉશિયલ મીડિયા કંપનીઓને સરકારના નિયમો અને તે શા માટે છે તેની માહિતી આપી. ટ્વિટરની દાદાગીરી સામે ધીમેધીમે વધુ ને વધુ લોકો કૂ પર જોડાઈ રહ્યા છે.
 
નાઇજીરિયા ઉપરાંત રશિયાએ પણ ટ્વિટર સામે કાર્યવાહી કરી છે. ટ્વિટર પરથી બાળકોને આત્મહત્યા માટે ઉશ્કેરવાની સામગ્રી, બાળકોના સેક્સ વિડિયો અને ડ્રગ્સ સંબંધિત જાણકારી નહીં હટાવવા માટે રશિયાના એક ન્યાયાલયે ટ્વિટર કંપની પર ૧.૯ કરોડ રૂબલ (અંદાજે ૧.૮૯ કરોડ રૂપિયા)નો દંડ ઠપકાર્યો છે. ચીને ટ્વિટર પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકેલો છે. (ચીને તો ફેસબુક, ગૂગલ સર્ચ એન્જિન, જીમેઇલ એ બધા પર પ્રતિબંધ મૂકેલા છે.) રાષ્ટીય મીડિયા અને ચીની કંપનીઓને ટ્વિટર વાપરવું હોય તો સરકારી અનુમતિવાળા વીપીએન એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક દ્વારા જ વાપરી શકે, જેથી સરકાર તેમના પર નજર રાખી શકે.
 
ચૂંટણીમાં ટ્વિટરની દખલગીરીનું હવે દુનિયાને સમજાય છે પરંતુ ઈરાનને તો ૨૦૦૯માં જ સમજાઈ ગયું હતું જે વખતે ટ્વિટર પ્રમાણમાં નવું-નવું હતું. ૨૦૦૯ની પ્રમુખપદની ચૂંટણી વખતે ઈરાને ટ્વિટર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વર્ષ ૨૦૧૧નાં રમખાણો દરમિયાન યુકેના તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમેરોને ટ્વિટર પ્રતિબંધિત કરવાની ધમકી આપી હતી. આમ, ટ્વિટરની દાદાગીરી દુનિયાભરમાં છે અને તે અનેક દેશોની ચૂંટણીમાં દખલ દેવાની, રમખાણો ભડકાવવાની, ચાઇલ્ડ પૉનૉર્ગ્રાફી, ડ્રગ્સ, બાળકોને આત્મહત્યા તરફ ધકેલવાની ક્ષમતા ધરાવે છે. ટ્વિટર સામે ભારત સરકારે પગલાં લેવાં શરૂ કર્યાં એટલે સેક્યુલરો-લિબરલો-ડાબેરીઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતા વગેરેના રાગ આલાપવાના શરૂ કર્યા પરંતુ તેઓ ભૂલી જાય છે કે કૉંગ્રેસ સત્તામાં યુપીએના રૂપમાં હતી ત્યારે તેણે પણ સૉશિયલ મીડિયા સામે પગલાં લીધાં હતાં. જોકે તેનાં પગલાં આ માધ્યમો પર તેના ભ્રષ્ટાચાર-પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ યુપીએની નિષ્ક્રિયતા-નિષ્ફળતા સામે થઈ રહેલા વિરોધના કારણે હતાં જેના લીધે સર્વોચ્ચ ન્યાયાલયે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ ટ્વિટરના કેસમાં તો દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે પણ ૩૧ મે ૨૦૨૧ના રોજ ટ્વિટર આઈએનસીને નોટિસ જાહેર કરી કહ્યું છે કે કેન્દ્ર સરકારના આઈટી અંગેના નિયમોનું પાલન કરવું પડશે.
 
હવે ટ્વિટરની સાન ઠેકાણે આવી છે. તેણે કેન્દ્રીય સંપર્ક વ્યક્તિ (નૉડલ કૉન્ટેક્ટ પર્સન) અને ભારતનિવાસી ફરિયાદ નિવારણ અધિકારી (રેસિડેન્ટ ગ્રિવાન્સ ઑફિસર)ની નિમણૂક કરી છે. તે મુખ્ય પાલન અધિકારીનું નામ પણ નક્કી કરી નાખશે તેમ આ લખાય છે ત્યારે માહિતી મળી છે.
 
જોકે હવે જરૂર છે કે ભારતના દેશપ્રેમીઓ આઈટીમાં નવીનવી શોધ કરી કૂ જેવા વિકલ્પો જ નહીં, નવી ટેક્ધૉલૉજી આપે જેના તરફ દુનિયા આકર્ષાય. ભારતીયોએ વિદેશી માધ્યમો પર આધારિત ન રહેવું પડે.
 
 
 
 
 
 
- જયવંત પંડ્યા 
(  લેખક ગુજરાતના રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર છે. )