સુરત પછી ધોળકાની આ સરકારી અંગ્રેજી માધ્યમમાં પણ એડમિશન લેવા વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા છે

    19-Jun-2021
કુલ દૃશ્યો |

government english medium
 
 
બે દિવસ પહેલા જ મીડિયામાં અહેવાલ હતા કે સુરતની એક સરકારી શાળામાં એડમિશન લેવા વાલીઓએ લાઇન લગાવી. ૧૮૦૦ની જગ્યાએ ૩૫૦૦ એડમિશનની અરજી શાળાને મળી. આવું લગભગ પહેલીવાર બન્યુ હશે કે સરકારી શાળામાં એડમિશન લેવા લોકો રીતસર લાઈન લગાવી રહ્યા છે. વાલીઓ પ્રાઇવેટ શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પોતાના બાળકોનું એડમિશન કરાવી રહ્યા છે. આ શિક્ષણજગત માટે સારા જ સમાચાર છે. ખાસ કરીને સરકાર માટે…
 
સુરત પછી હવે ધોળકાથી આવા જ સારા સમાચાર આવ્યા છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ પ્રમાણે ધોળકાની એક સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં હાલ ખૂબ જ સારું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે. આ શાળાને કન્યાશાળા નંબર વન કહેવામાં આવે છે જે ધોળકા તાલુકાના છિપવાડમાં આવેલી છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ શાળા ખુલ્યાના માત્ર ૨ વર્ષ જ થયા છે અને અહીં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી રહી છે.
 
માતા-પિતા એ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા હોય છે. આજે બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ટ્રેન્ડ પણ છે આવામાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓની ફી ખૂબ જ વધારે હોય છે. અંગ્રેજી માધ્યમના નામે ખાનગી શાળાઓના સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હોય છે. આવામાં વાલીઓને ધોળકામાં આ શાળારૂપે એક સારો વિકલ્પ મળ્યો અને લોકો અહીં એડમિશન લઈ પણ રહ્યા છે. મહત્વની વાત એ છે કે સરકારી શાળા હોવાથી અહીં ફી એક પણ રૂપિયાની આપવાની નથી અને શાળામાંથી જ પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ, યુનિફોર્મ, શાળા ઘરથી દૂર હોય તો આવવા-જવાનો ખર્ચ પણ મળે છે. આ શાળા ટેક્નોલોજીથી સજ્જ છે. ઓનલાઇન કલાસ પણ લેવાય છે. વિદ્યાર્થીઓને અહીં સંપૂર્ણ સુવિધા વિનામૂલ્યે પૂરી પડાય છે એટલે જ અહીં એડમિશનની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અહીં એટલી બધી એડમિશની અરજી આવી છે કે બધાને એડમિશન આપી શકાય એમ નથી. લગભગ ૩૭ જેટલા વિદ્યાર્થીઓને વેઈટિંગમાં મૂકવામાં આવ્યા છે.
 
ગુજરાતમાં એક પછી એક સરકારી શાળાના સંદર્ભે સારા સમાચાર આવી રહ્યા છે. બસ આ શાળાઓમાં અત્યારે સારું જ શિક્ષણ છે પણ હજી વાલીઓને બરોબર સંતોષ થાય એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો નક્કી સરકારી શાળાનો ધ્યેય સિદ્ધ થશે.