સાચું સુખ - અસલી અમીરી અને જીવનનું સાચું સુખ સમજવું હોય તો આ પ્રસંગ વાંચવા જેવો છે

    22-Jun-2021
કુલ દૃશ્યો |

gujarati short story_1&nb
 
 
 
એક ખૂબ જ અમીર વ્યક્તિ હતો. શહેરમાં મહેલ જેવડું ઘર, નોકર-ચાકર. તમામ આધુનિક સુખ-સુવિધાઓ પોતાના ઘરમાં જ ઊભી કરી દીધી હતી. રૂપિયા તો એટલા કમાઈ લીધા હતા કે સાત પેઢી બેઠા બેઠા ખાય તો પણ ખૂટે નહીં. છતાં તેના મનમાં એક વિચાર રમ્યા કરતો. આ બધું મેં મારી મહેનતથી કમાયું છે. મારા દીકરાને તો એ વિરાસતમાં જ મળવાનું છે. તેના જીવનમાં બાળપણથી જ એટલી બધી સુવિધાઓ મળી છે કે, તેને ગરીબી શું એની ખબર જ નથી. માટે મારે તેને ગરીબી શું એ સમજાવવું જોઈએ, જેથી તે આ ધન-દોલતની કિંમત સમજે. તે તેના પુત્રને પોતાના પૈતૃક ગામના પ્રવાસે લઈ જાય છે અને તે ગામના જ એક ગરીબ વ્યક્તિના ઘરે રોકાય છે અને પોતાના દીકરાને આખું ગામ બતાવે છે અને સાથે સાથે ગામડાંના લોકો કેટલી અસુવિધા અને ગરીબીમાં જીવે છે તે બતાવ્યું. પેલા અમીર વ્યક્તિના દીકરા માટે આ એકદમ અલગ અનુભવ હતો. ગામડાની મુલાકાત બાદ તે એકદમ બદલાયેલો જણાતો હતો. પિતાને લાગ્યું કે મારા દીકરો ધન-દોલતની કિંમત સમજી ગયો છે.
 
તેણે દીકરાને બોલાવી કહ્યું, આપણી જિંદગી અને ગામલોકોના જીવનમાં કેટલું અંતર છે નહીં ? ક્યાં આપણે અને ક્યાં એ લોકો ? પરંતુ દીકરાનો જવાબ સાંભળી પેલો અમીર વ્યક્તિ આભો જ બની ગયો. દીકરાએ કહ્યું, ખરેખર આપણા અને એમનામાં ખૂબ જ અંતર છે. આપણી પાસે કૂતરા છે, જ્યારે તેમની પાસે ખૂબ બધી સુંદર ગાયો છે. આપણી પાસે નાનકડો સ્વિમિંગ પુલ છે તે લોકો પાસે ખૂબ મોટું અને સુંદર તળાવ છે. આપણે બંધ કિલ્લા જેવા ઘરમાં રહીએ છીએ. તેઓ ખુલ્લા આકાશ નીચે. આપણે આપણી બાજુના ઘરના રહેતા લોકોના નામ પણ જાણતા નથી. ત્યાં તો આખા ગામના લોકો એકબીજાથી પરિચિત એક પરિવાર જેવા લાગે છે. આપણી પાસે મોંઘાં મોંઘાં ગાદલાં છે. પરંતુ આપણાથી ગાઢ ઊંઘ તો એ લોકોને આવે છે. આપણે નાની નાની વાતોમાં દુઃખી થઈ જઈએ છીએ ત્યારે તે લોકો નાની નાની વાતોમાંથી પણ આનંદ શોધી લે છે. તમારો ખૂબ ખૂબ આભાર. પિતાજી, મને સમજાવવા કે આપણે કેટલા ગરીબ છીએ. પેલા પિતાને સમજાઈ જાય છે કે અસલી અમીરી અને જીવનનું સાચું સુખ શેમાં છે.