One Nation One Ration Card Scheme | કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ - ૨૦૧૩ અંતર્ગત અમલમાં મૂકેલી ‘વન નેશન - વન રાશન કાર્ડ’ યોજનાથી દેશના ગરીબ - શ્રમિકોનો જઠરાગ્નિ ઠર્યો એ તો સૌથી મોટી ઉપલબ્ધિ છે જ, સાથે અન્ય ફાયદાઓય ઘણા. સાર્વજનિક વિતરણ પ્રણાલી દ્વારા ભારત સરકારે રાજ્યોને મજબૂતી પ્રદાન કરી. કોરોનામાં રાજ્ય સરકારો સામે આવેલા પડકારોને પહોંચી વળવા માટે રાજ્યોને તેના વર્ષ - ૨૦૨૦-૨૧ના GDP (સકલ ઘરેલુ ઉત્પાદન) કરતાં બે ટકા વધારે ઉધારની અનુમતિ પ્રાપ્ત થઈ છે. તમામ ગરીબ વર્ગને ખૂબ જ ઓછા ભાવે પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહેવાની ખાતરી મળી છે, જે પહેલાં ક્યારેય મળી શકી નહોતી. પીડીએસ (પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ- સાર્વજનિક વિતરણ વ્યવસ્થા)ની દુકાનોમાં કાળાંબજારી ઓછી અને ગલોબલ હંગર ઇન્ડેક્સ રેંકિંગમાં ભારતના રેંકમાં સુધારો થયો, એટલે કે દેશમાં ભૂખમરામાં મોટો ઘટાડો.
શરૂઆતમાં માત્ર ચાર રાજ્યોમાં શરૂ થયેલ આ યોજના હાલ દેશનાં ૩૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. બાકીનાં ચાર રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોમાં આસામ, દિલ્હી, છત્તીસગઢ અને પશ્ર્ચિમ બંગાળે આનો અમલ શરૂ કર્યો નથી. ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટેં ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના અંતર્ગત નવેમ્બર - ૨૦૨૧ સુધીમાં ૮૦ કરોડ લોકોને અનાજ આપવાની કેન્દ્ર સરકારની જાહેરાત માટે સંતોષ વ્યક્ત કર્યો અને રાશન કાર્ડ કે ઓળખકાર્ડના અભાવે કોઈ પણ રાજ્યમાં મજૂરો, શ્રમિકો યોજનાનો લાભ લેવાથી વંચિત ના રહે તેની ખાતરી કરવાય સૂચન કર્યું. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહે કડક શબ્દોમાં આદેશ આપ્યો હતો કે, ‘આ યોજના દરેક રાજ્યોમાં લાગુ હોઈ, તમારી સમસ્યાઓનો હલ કરી, તાત્કાલિક આ યોજનાનો અમલ કરો.’
દિલ્હી સરકારે વિકલ્પ તરીકે ઘરે ઘરે જઈને રાશન પહોંચાડવાનું સૂચન કરેલ જે, એક જ કાર્ય કરવા માટે બે યોજનાઓ ચલાવીને તે સંસાધનોનો બગાડ હતો. ભ્રષ્ટાચારની શક્યતાઓય હોવાથી કેન્દ્ર સરકારે મંજૂરી ના આપી અને વકરેલો વિવાદ સુપ્રીમમાં પહોંચતાં દિલ્હી સરકારે અવળે હાથે કાન પકડી, અમલ કરી રહ્યા છીએ તેની ખાતરી આપી.
આ યોજના સમગ્ર દેશના પ્રવાસી શ્રમિકો, મજૂરો, દૈનિક કામદારો, સફાઈ કર્મચારીઓથી માંડીને ગરીબી રેખા નીચે આવનારા તમામ વર્ગ માટે આશીર્વાદરૂપ બની રહી છે. કોરોનાકાળ દરમિયાન એક જ વર્ષમાં સૌથી વધારે, અંદાજિત ૨૦ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો. રાશનકાર્ડ દ્વારા મળતા ઘઉં, ચોખા, તેલ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે બહુ મોટો ટેકો બની રહ્યો. પ્રતિ માહ ૧.૫થી ૧.૬ કરોડ લેણ-દેણ આ યોજના અંતર્ગત થાય છે. અત્યાર સુધીમાં ૬૯ કરોડ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે, જેમાં ચાર કરોડથી વધુ પ્રવાસી શ્રમિકો જ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાંથી અનેક શ્રમિકો મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ જેવાં રાજ્યોમાં રોજગારી માટે વસતા હોય છે. ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજનાથી અન્ય પ્રાંતીય ગરીબ - શ્રમિકો પોતાના રાજ્યના રાશન કાર્ડના આધારે કોઈ પણ રાજ્યમાંથી સસ્તા અનાજની દુકાનમાંથી રાશન લઈ શકે છે. દેશની પ લાખ ૨૫ હજાર રાશનની દુકાનો આમાં જોડાયેલી છે. કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં ૧૪ ભાષાઓમાં, ‘માય રાશન’ મોબાઈલ એપ શરૂ કરીને આ યોજનાનો લાભ વધારે સરળતાથી લોકો લઈ શકે તેવી વ્યવસ્થા કરી છે.
આપણી જૂની પરંપરા મુજબ રાજ્યનો કોઈ નાગરિક ભૂખ્યો ના સૂવે તેની વિશેષ ચિંતા - વ્યવસ્થા કરે તે રાજ્ય અને રાજા ઉત્તમ. આ જ ભાવનાની તર્જ પર દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ના સૂવે તે માટે ‘વન નેશન - વન રાશન કાર્ડ’ યોજના અમલી બની છે. આ યોજના ગરીબ વર્ગ માટે ખાદ્ય સુરક્ષા માટેનો પાસપોર્ટ જ ગણી શકાય. સરકાર દ્વારા કોરોના મહામારી સંદર્ભે દિવાળી સુધી અંદાજિત ૮૦ કરોડ લોકોને મહિનાના થોડા દિવસો પૂરતું યે મફત અનાજ વિતરણ કરવાનું વચન એટલે આંતરિક કે સંપૂર્ણ લોકડાઉનમાંયે ગરીબોને ભૂખમરો તો નહીં જ.