વટસાવિત્રી વ્રત નિમિત્તે વટસાવિત્રી વ્રતની વાર્તા | Vat Savitri Vrat Katha

    23-Jun-2021
કુલ દૃશ્યો |

Vat Savitri Vrat Katha_1&
 
(જ્યેષ્ઠ સુદ - પૂનમ, વટસાવિત્રી વ્રત નિમિત્તે | વટસાવિત્રી | Vat Savitri Vrat Katha
 
ભારત દેશમાં બહેનો આ વ્રતની શરૂઆત જેઠ સુદ તેરસથી કરે છે અને પૂનમના દિવસે તેની પૂર્ણાહુતિ કરે છે. પ્રથમ બે દિવસમાં બહેનો ફળાહારથી ઉપવાસ કરે છે અને પૂનમના દિવસે નકોરડો ઉપવાસ કરે છે. વ્રતની પૂનમે બહેનો પૂજાની સામગ્રીથી વડની પૂજા કરે છે. વડને પાણીનું સિંચન કરી તેની ફરતે કાચા સૂતરના તાંતણા વીંટીને પ્રદક્ષિણા કરે છે. આ વ્રત પતિના સ્વાસ્થ્ય તથા લાંબા આયુષ્ય માટે હોય છે. બહેનો સાવિત્રી દેવીને પ્રાર્થના કરે છે. આદ્યશક્તિ ભવાની ભુવનેશ્ર્વરીના અંશ સ્વરૂપા બ્રહ્માપત્ની સાવિત્રી દેવીની તેમની પર કૃપા ઊતરે તેવી પ્રાર્થના કરે છે. આ વ્રતની ઉજવણીમાં બહેનો એકબીજાના પરિવારના ખબરઅંતર પૂછી સૌના સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પણ પાઠવે છે. બહેનો ભારતમાં પ્રતિવર્ષ વિવિધ વ્રતોની ઉજવણી કરે છે. તેમાં આ વટસાવિત્રીના વ્રતમાં બહેનો પતિના દોષોને પણ ક્ષમાના ગુણમાં ફેરવી પતિના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની મનોકામના સેવે છે. સત્યવાન - સાવિત્રી વ્રતકથા સાંભળી બહેનો નારીશક્તિને જાગૃત કરે છે - તપ કરે છે.
 
 
વટસાવિત્રી વ્રતની વાર્તા | Vat Savitri Vrat Katha
 
 
ભગવાન નારાયણ અને મહર્ષિ નારદના સંવાદમાં આ વ્રતની વાર્તાનું વર્ણન છે. ભગવાન નારાયણે કહ્યું, હે નારદ! સૌ પ્રથમ બ્રહ્માએ વેદજનની સાવિત્રીની પૂજા કરી હતી. ત્યાર બાદ દેવોએ તેમની પૂજા કરી હતી. વિદ્વાનો પણ તેમની પૂજા કરવા લાગ્યાં. પૃથ્વીલોકમાં રાજા અશ્ર્વપતિએ પણ સાવિત્રી દેવીની આરાધના કરી હતી. સમય જતાં ચારે વર્ણના લોકોમાં મા સાવિત્રી દેવી પૂજાવા લાગ્યાં. મહર્ષિ નારદને સતી તુલસીની કથા સંભળાવ્યા પછી ભગવાન નારાયણે સતી સાવિત્રીનું ઉપાખ્યાન સંભળાવ્યું હતું.
 
રાજા અશ્ર્વપતિએ પરાશર મુનિના ઉપદેશ અનુસાર વિધિસર ગાયત્રીજપ કર્યા પછી સાવિત્રીદેવીની પૂજાસ્તુતિ કરી, જેથી સહસ્ર સૂર્ય સમાન કાંતિવાળા તે દેવીનાં અશ્ર્વપતિને દર્શન થયાં. દેવીએ વરદાન આપતાં કહ્યું કે, હે રાજન ! તારી ઇચ્છા પુત્રપ્રાપ્તિની છે પણ પ્રારંભમાં તારા ભાગ્યમાં પુત્રી છે. તેથી તારે ત્યાં મારા અંશરૂપ કન્યા અવતરશે. સમય જતાં રાજા અશ્ર્વપતિની પત્ની માલતીની કૂખે લક્ષ્મી સમાન પુત્રીનો જન્મ થયો. આ પુત્રી સાવિત્રી દેવીની કૃપાથી થઈ હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું. ત્યાર બાદ દેવીના આશીર્વાદથી માલતીને પુત્રો પણ થયા હતા.
 
સાવિત્રી ઉંમરલાયક થતાં રાજાએ તેના માટે યોગ્ય પતિની શોધ કરાવી. આખરે રાજ્યથી ભ્રષ્ટ થયેલ અને તપોવનમાં જ પોતાનું જીવન વ્યતીત કરનાર અંધ દ્યુમત્સેનના પુત્ર સત્યવાનને સાવિત્રીએ પસંદ કર્યો. સત્યવાન નિર્ધન હતો. રાજાએ પુત્રીના સુખ માટે સત્યવાનના આયુષ્યનું રાજ જ્યોતિષીઓ પાસેથી ભવિષ્ય જાણ્યું. આશ્ર્ચર્ય વચ્ચે જાણવા મું કે સત્યવાનના આયુષ્યમાં માત્ર એક જ વર્ષ બાકી છે. રાજાને ચિંતા થઈ કે મારી પુત્રી વિધવા થશે. છતાં સાવિત્રીને તેની સ્ત્રીશક્તિનું ગૌરવ હતું. તેણે સ્ત્રીધર્મ પ્રમાણે પતિની સેવા તથા અંધ સાસુ-સસરા (દ્યુમત્સેન તથા તેની પત્ની)ની સેવામાં પતિગૃહે પર્ણકુટિ બાંધી સેવાકાર્યમાં રહી મા સાવિત્રી દેવીની ઉપાસના કરવા લાગી. તે સર્વેની શુશ્રૂષા કરવા લાગી.
 
સાવિત્રીને સત્યવાનના મૃત્યુદિનની જાણ હતી. પતિનો મૃત્યુ દિવસ આવ્યો તે દિવસે પોતાને વ્રત તથા ઉપવાસ હોવા છતાં તે સત્યવાન સાથે વનમાં સમિધ તથા ફળફૂલ લેવા ગઈ. સમિધ તથા ફળફૂલ એકઠાં કર્યા પછી તે બંને એક વડના ઝાડ નીચે વિસામો કરવા બેઠાં. ત્યાં અચાનક ઝાડની બખોલમાંથી કાળોતરો નીકો. તેણે આરામ કરતા સત્યવાનને ડંખ માર્યો. ડંખના ઝેરથી સત્યવાનનું પ્રાણપંખેરુ ઊડી ગયું. યમરાજ પોતે સત્યવાનને લેવા આવ્યા. તે વખતે સાવિત્રીના ખોળામાં સત્યવાન હતો. તેને લેવા આવેલ યમરાજને તેણે અટકાવ્યા. યમરાજ સાથે તેણીએ સંવાદ તથા દલીલો કરી અને સ્ત્રીના સતીત્વનો યમરાજને પણ પરચો કરાવ્યો.
 
 
સતી સાવિત્રી અને યમરાજનો સંવાદ સત્સંગ
 
 
સત્યવાનનો જીવ લેવા આવેલ યમરાજે કહ્યું, હે પુત્રી ! હું યમરાજ છું. તારા પતિને લેવા આવ્યો છું. તેનું આયુષ્ય પૂરું થયું છે. સાવિત્રી બોલી, સાંભું છે કે મૃત્યુલોકના માનવીનો જીવ લેવા માટે તો હે યમરાજ, આપના દૂતો જ આવે છે, તો પછી આપ જાતે કેમ આવ્યા છો ?
 
યમરાજે કહ્યું, સત્યવાન સાચો ને સદાચારી પુરુષ છે, તેથી તેનો જીવ લેવા માટે મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા મૃત્યુલોકમાં હું જાતે જ આવું છું! આમ કહી યમરાજ સત્યવાનના પ્રાણ હરી ચાલવા લાગ્યા. સાવિત્રી પણ પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી યમરાજની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા, ‘હે પુત્રી ! તારું આમ આવવું નિરર્થક છે. અહીં માનવીની હદ પૂરી થાય છે. માટે તું પાછી જા! વિધિના લેખ મિથ્યા થતા નથી. માટે હવે તારે શોક કરવો નકામો છે.’
 
સાવિત્રીએ કહ્યું, ‘યમરાજ, મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે. હું મારા પતિ સાથે જ રહીશ. તમારી સાથે સાત ડગલાં ચાલી છું તેથી તમે મારા મિત્ર બન્યા છો. મારો પતિવ્રતા ધર્મ પાળતાં આપ પણ મારા પતિના મિત્ર થયા તે નાતે મને કઈ રીતે રોકી શકશો ?’
 
આ સાંભળી યમરાજ પ્રસન્ન થયા. તેઓ બોલ્યા, ‘પુત્રી, તારાં મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગવું હોય તે માગ.’ સાવિત્રીએ કહ્યું, મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો મળે.
 
‘તથાસ્તુ !’ કહી યમરાજે તેને પાછી વળવા કહ્યું. છતાં સાવિત્રીએ કહ્યું, ‘હે યમરાજ, મારા માટે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો સાચો ધર્મ છે. વળી સતપુરુષોનો સત્સંગ કદી વિફળ થતો નથી. તો પછી શું તમારો સત્સંગ નકામો જશે ?’
 
યમરાજ પ્રસન્ન થઈ બોલ્યા, ‘હે પુત્રી ! તેં મને સ્ત્રીના પતિવ્રતા ધર્મની સાચી સમજણ આપી છે. હવે તું એક વરદાન માગી પાછી વળ.’
 
સાવિત્રીએ કહ્યું, ‘હે યમરાજ! મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું અપાવો અને મારા પતિ સત્યવાન આપના ધર્મના નિયમના પાલનને કારણે મારો ત્યાગ ના કરે તેવું વરદાન આપો.’
 
યમરાજે તથાસ્તુ ! કહી સાવિત્રીને પાછી વળવા અનેક પ્રયત્નો કર્યા. છતાં સાવિત્રીએ પિતાના સુખ માટે પુત્રો, તથા તેમનો વંશ ચાલુ રહેવા યમરાજ પાસેથી વરદાન માંગ્યાં. તેણે યમરાજ પાસેથી પોતાને પણ સો પુત્રો થાય તેવું વરદાન માગી લીધું. છેવટે સાવિત્રીના તર્ક તથા દલીલો અને સ્ત્રીધર્મના પતિવ્રતાના અડગ સંકલ્પ અને મનોબળથી યમરાજે હાર માની લીધી. તેમણે સતી સાવિત્રીને આશીર્વાદ આપ્યા કે પુત્રી! મૃત્યુલોકમાં તારો પતિવ્રતા સ્ત્રીધર્મ એક ઉદાહરણ બને તે વિધિના નિયમનું નિર્માણ થયું છે. હું તથા વિધિ પણ આદ્યશક્તિ સાવિત્રી દેવીના આશીર્વાદથી મૃત્યુલોકમાં તારા જેવી પતિવ્રતા સ્ત્રીઓ સૌભાગ્યવતી રહે તેવું પ્રસ્થાપિત કરીએ છીએ. તારું આ વ્રત વટસાવિત્રી વ્રત તરીકે ઊજવાશે. એમ કહી યમરાજ સત્યવાનના પ્રાણને તેના મૃતદેહમાં પાછો મોકલે છે. સતી સાવિત્રી સત્યવાનને લઈ સમિધ તથા એકઠાં કરેલાં ફળફૂલ લઈ પતિગૃહે આવી, જુએ છે તો યમરાજના આપેલ બધાં જ વરદાન પ્રમાણે બધું જ પૂર્ણ થયું. સતી સાવિત્રી તથા સત્યવાન સ્વજનો સાથે પોતાના પુત્રો સાથે મૃત્યુલોકમાં સ્વર્ગથી પણ અધિક સુખ ભોગવવા લાગ્યાં.
 
 
પરમેષ્ઠી બ્રહ્માની મહાશક્તિ
સાવિત્રી દેવીનો મહિમા
 
 
મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવતના નવમ સ્કંધના અધ્યાય-૨૬-૩૨માં પરાશક્તિ આદ્યશક્તિઓનાં વિવિધ સ્વરૂપોનાં વર્ણન છે. તેમાં સાવિત્રી દેવીના મહિમાનું વર્ણન છે.
 
પરમેષ્ઠી બ્રહ્માની ત્રણ આદ્યશક્તિઓ સાવિત્રી, સરસ્વતી અને ગાયત્રી વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો.
સાવિત્રીએ સસ્મિત કહ્યું, ‘હે દેવી સરસ્વતી અને ગાયત્રી ! તમને ખબર છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણે મહાદેવોએ સ્ત્રીસ્વરૂપ ધારણ કરી મણિદ્વીપમાં વિરાજમાન પરાશક્તિ ભવાની ભુવનેશ્ર્વરી પાસે ત્રણે લોકમાં પોતાનાં જે કાર્યો કરવાનાં છે તેની માહિતી માગી હતી તથા ભવાની ભુવનેશ્ર્વરીએ તેમને દર્શન આપી સૃષ્ટિમાં કરવાનાં કાર્યો કહ્યાં હતાં.’
ગાયત્રીએ પૂછ્યું, ‘હે સાવિત્રી! ભુવનેશ્ર્વરીએ તેમને સોંપેલાં કાર્યો કયાં હતાં ?’
 
સાવિત્રીએ કહ્યું, બ્રહ્માને સૃષ્ટિનું સર્જન, ભગવાન વિષ્ણુને સૃષ્ટિનું સંરક્ષણ તથા શંકરને સૃષ્ટિના સંહારનું કામ મું હતું.
સાવિત્રીએ વિશેષમાં કહ્યું, આ ત્રણે મહાદેવોનાં કાર્યોમાં મદદરૂપ થવા પરાશક્તિ ભવાની ભુવનેશ્ર્વરીએ તેમના અંશરૂપ મને, લક્ષ્મીને અને પાર્વતીને આ ત્રણે મહાદેવોને સોંપ્યાં હતાં. વાર્તાલાપ આગળ ધપાવતાં સાવિત્રીએ કહ્યું, ભગવાન વિષ્ણુ ધર્મના સંરક્ષણાર્થે જ્યારે જ્યારે પૃથ્વી પર અવતર્યા ત્યારે લક્ષ્મીજી તેમના સાંનિધ્યમાં રહ્યાં. પાર્વતીજી પણ અનેકવિધ સ્વરૂપે અસુરોનો સંહાર કરવા ભગવાન શંકરની સમીપ રહ્યાં, પરંતુ અભાગી છું કે પરમશ્રેષ્ઠી બ્રહ્માજીને કઈ ઉપયોગમાં આવતી નથી. હે ગાયત્રી દેવી ! તમે તો જાણો છો કે મારા પતિદેવ બ્રહ્માએ યજ્ઞનું આયોજન કર્યું ત્યારે પણ તેમનું આમંત્રણ હોવા છતાં અભાગી હાજર રહી ન હતી, તેથી તેમણે તમને (ગાયત્રી દેવીને) મંત્રોચ્ચારથી દર્ભમાંથી તમારું સ્વરૂપ તૈયાર કરી યજ્ઞમાં તમને પોતાની પાસે બેસાડ્યાં હતાં. યજ્ઞની પૂર્ણાહુતિ પછી હું ત્યાં આવી પહોંચી, પતિ પ્રત્યે અવિવેક દર્શાવ્યો. એટલું જ નહીં, પણ ક્રોધમાં અભિશાપ આપવા પણ તત્પર થઈ હતી. હું પતિ પાસેથી યશની અધિકારી ન બની શકી, પરંતુ તમે તો મોટપ મેળવી શક્યાં. ગાયત્રી દેવીએ ખિન્ન સ્વરે સાવિત્રીને કહ્યું, હે બહેન સાવિત્રી! હું મોટી છું તેવું માનશો નહીં. યજ્ઞના આરંભમાં જ ભગવાન વિષ્ણુએ સૌની સમક્ષ આપના સ્થાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યજ્ઞશાળામાં કહ્યું હતું કે,
 
સાવિત્રી સૃષ્ટિકર્મી ચ ગાયત્રી મુક્તિદાયિની ।
 
સાવિત્રી દેવી અને ગાયત્રી દેવીનો સંવાદ સાંભળી રહેલ સરસ્વતી દેવીએ કહ્યું, હે દેવી સાવિત્રી ! તમે બ્રહ્માને તેમના શુભ કાર્યમાં સહાય નથી કરી તેમ કહો છો એ જ તમારી નમ્રતા અને દિલની ઉદારતા છે. સૃષ્ટિની પ્રાકૃત શક્તિસ્વરૂપા ભગવતી શ્રી ગાયત્રી દેવી અને તમારો પ્રભાવ અદ્ભુત અને અદ્વિતીય છે. હે દેવી બ્રહ્માણી ! સૃષ્ટિના સર્જનનું કાર્ય શરૂ કર્યું અને સનકાદિ ધર્માત્માઓ પ્રગટ થયા. તમે એમની માતા તરીકે ઓળખાઓ છો. ધર્મશાસ્ત્રોમાં તમને બુદ્ધિનાં અધિષ્ઠાતા દેવી તરીકે ગણ્યાં છે. તમારા સતીત્વનો પ્રભાવ ત્રણેય લોકમાં પ્રશંસનીય છે. સરસ્વતી દેવીએ વિશેષમાં કહ્યું, હે દેવી ! તમારા આશીર્વાદ તથા વ્રતથી પૃથ્વીલોકમાં મહારાજા અશ્ર્વપતિએ તેની પુત્રીનું નામ સાવિત્રી રાખ્યું હતું. આ પતિવ્રતા સાવિત્રી કન્યાએ પોતાના સતીત્વથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને પાછો મેળવ્યો હતો. પૃથ્વીલોકની સ્ત્રીઓ આ સત્યવાન સાવિત્રીના આખ્યાનને આદર્શ માની સૌ તમારું વ્રત રાખે છે. આમ ત્રણે આદ્યશક્તિઓના સંવાદમાં સાવિત્રી દેવીનો મહિમા જાણવા મળે છે.