સજીવ ખેતી ( Sajiv Kheti ) પૌષ્ટિક અને નીરોગી જીવનનું વાવેતર

    28-Jun-2021
કુલ દૃશ્યો |

sajiv kheti_1  
 
 
# સરકારે પણ સજીવ ખેતી ( Sajiv Kheti ) ને સમયના તકાજાને ધ્યાને લઈ રાજ્યમાં ૨૦૧૫માં ગુજરાત સેન્દ્રીય ખેતી નીતિ જાહેર કરી છે અને આ દિશામાં ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો અભિગમ અપનાવીને ત્યાર બાદ દેશમાં સૌ પ્રથમ સજીવ ખેતી યુનિવર્સિટીની પણ સ્થાપના કરી છે.
 
 
# ગુજરાતમાં તો વર્તમાન રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીના આવવાથી તો આ ક્ષેત્રે ખૂબ જ ઉલ્લેખનીય કાર્ય થઈ રહ્યું છે. સંપૂર્ણ આત્માપ્રોજેક્ટ દ્વારા હજારો સજીવ ખેતીના ટ્રેનરો તમામ તાલુકા સુધી તાલીમ આપે તેવું માળખું સક્રિય બન્યું છે અને તેના કારણે કિસાનોમાં ઠીક ઠીક પ્રકારે જાગૃતિ આવી છે અને મોટી સંખ્યામાં કિસાનો આ ખેતી અપનાવી રહ્યા છે.
 
 
૨૧મી સદીમાં આપણા દેશમાં કૃષિક્ષેત્રે બે પરસ્પર વિરોધી પરિસ્થિતિ પેદા થઈ છે. એક બાજુ વધતી જતી વસ્તીની માંગને પૂરી કરવા ઉત્પાદન વધારવાની ખાસ જરૂર છે અને બીજી બાજુ ઉત્પાદન વધારવા માટે વપરાતાં રસાયણોના વધુ પડતા ઉપયોગને કારણે જમીનની તંદુરસ્તી તથા ઉત્પાદનનાં અન્ય સ્રોતોની ક્ષમતા ઘટતી જાય છે. આવા સંજોગોમાં પ્રવર્તમાન પેઢીની માંગ પૂરી કરી શકે અને સાથોસાથ ભાવિ પેઢીની અપેક્ષાઓ સંતોષી શકે તે રીતે જમીન અને ઉત્પાદનના અન્ય સ્રોતોની તંદુરસ્તી જળવાઈ રહે તેવી વૈકલ્પિક કૃષિ તજ્જ્ઞતા વિકસાવવાની તાતી જરૂર છે. હાલમાં વિશ્ર્વભરના કૃષિ વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને પર્યાવરણવિદોએ સેન્દ્રીય ખેતીની હિમાયત કરી છે.
 
સેન્દ્રીય ખેતીને સજીવ ખેતી ( Sajiv Kheti ) , ટકાઉ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, જીવંત ખેતી, ટકાઉ ખેતી, કુદરતી ખેતી, શાશ્ર્વત ખેતી, ઝીરો બજેટ ખેતી, ગાય આધારિત ખેતી, ઋષિ ખેતી, પ્રાચીન ખેતી, ઇકો ફ્રેન્ડલી ખેતી, રસાયણમુક્ત ખેતી એમ અનેક વ્યક્તિઓ કે સંસ્થાઓએ પોતપોતાની રીતે જુદાં જુદાં નામ આપીને મૂલતઃ એક જ પરંતુ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા નામ આપવાના પ્રયાસો થતા રહેલ છે. લગભગ ત્રીસેક વર્ષથી ધીમે ધીમે ઓછા વધતા પ્રમાણમાં કોઈક કૃષિના ઋષિ અને ગુજરાતમાં ભાસ્કર સાવે જેવા લોકોએ આ કાર્યની શરૂઆત કરેલ પછી તો ધીમે ધીમે જાગૃતિ પ્રચાર - પ્રસારના કારણે તેનો વ્યાપ વધતો ગયેલ. જેમ જેમ કિસાનોએ આ પદ્ધતિ વિશે જાણ્યું તેમણે પોતે પણ પોતપોતાની રીતે સ્વયંભૂ થોડા ઘણા ફેરફારો-અનુભવોના આધારે કરતા જઈને પોતાની ખેતી પૈકી થોડી ઘણી શરૂઆત કરવા લાગ્યા. બીજી તરફ રાસાયણિક ખાતરોના પણ આડેધડ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પણ ઘટતી ચાલી અને ઉત્પાદિત થતા અનાજ વગેરેની પોષક તત્ત્વતા ઘટતાંની સાથે ઉત્પાદકતા પણ ઘટવા માંડી અને માનવજાતમાં જુદા જુદા અનેક અસાધ્ય રોગોનું કારણ પણ આ પરંપરાગત ખેતી બની ત્યારે કિસાનોએ પોતે પણ પોતાના માટે ઝેરમુક્ત અનાજ પકવવા સજીવ ખેતીની શરૂઆત કરી છે. આજે ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં સર્વત્ર સજીવ ખેતી કરતા અને તે પણ સફળ રીતે કરતા કિસાનોની સંખ્યા વધતી જાય છે.
 
વિશ્ર્વના પર્યાવરણ ઉપરના નિયુક્ત પંચે ૧૯૮૮માં સેન્દ્રીય ખેતીને એવો વિકાસ જે ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને સંતોષવાની ક્ષમતાનું સમાધાન કર્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષે એમ કહ્યું.
 
આંતરરાષ્ટીય કૃષિ સંશોધન કરતા ગ્રુપની ટેકની. એડવાઇઝરી કમિટીએ માનવજીવનની બદલાતી જરૂરિયાતોને સંતોષવાની સાથે સાથે પર્યાવરણ અને પ્રાકૃતિક સ્રોતોની ગુણવત્તાની જાળવણી કરવાની સફળ કૃષિતજ્જ્ઞતા એટલે ટકાઉ ખેતી એમ કહ્યું.
 
જ્યારે વર્લ્ડ રીસોર્સ (૧૯૦૨) નામ તે સજીવ ખેતી ( Sajiv Kheti ) એટલે સાતત્યપૂર્ણ વિકાસ એટલે ખેડાણ લાયક જમીનો અને પાણીના પુરવઠાના વધુ કાર્યક્ષમ ઉપયોગની સાથે સુધારેલ કૃષિ તજ્જ્ઞતાનો સ્વીકાર અને તે દ્વારા વધુ ઉત્પાદન લેવાની પદ્ધતિ જાણવી.
 
આમ, સમગ્ર રીતે જોતાં સેન્દ્રીય ખેતીની વિચારધારા કુદરતની સાથે રહી પ્રવર્તમાન પેઢીની જરૂર તો પૂરી કરવાની સાથે જળ, જમીન અને હવા જેવા પ્રાકૃતિક સ્રોતોની દેખભાળ અને જાળવણી ઉપર ભાર મૂકે છે.
 
ગુજરાતમાં રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧૯૬ લાખ હેક્ટર છે, જે પૈકી ૯૮.૦ લાખ હેક્ટર જમીન વાવેતર હેઠળ છે. કુલ પાક વાવેતર વિસ્તાર ૧૨૮ લાખ હેક્ટર છે. ખેડાણ લાયક હોય તેવી ૪૩% જમીન સિંચાઈ સુવિધાયુક્ત છે. કુલ ખાતેદારો ૪૭.૩૮ લાખ છે, જે પૈકી મોટાભાગના નાના-સીમાંત ખેડૂતો-સરેરાશ ૨.૧૧ હેક્ટર જમીન ધરાવે છે. સજીવ ખેતી માટે રાસા. ખાતરોના ઓછા વપરાશવાળા વિસ્તારો જેવા કે સૂકી/વરસાદ આધારિત ખેતી અને ડુંગરાળ વિસ્તાર કે જે વાવેતર વિસ્તારોનો ૫૭% હિસ્સો ધરાવે છે. આવા ૧૦ જેટલા જિલ્લામાં મોટાભાગે પરંપરાગત જ સહજ રીતે કૃષિ રસાયણોનો ઉપયોગ નહીંવત્ થાય છે.
 

sajiv kheti_1   
 
સરકારે પણ સજીવ ખેતીને સમયના તકાજાને ધ્યાને લઈ રાજ્યમાં ૨૦૧૫માં ગુજરાત સેન્દ્રીય ખેતી નીતિ જાહેર કરી છે અને આ દિશામાં ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો અભિગમ અપનાવીને ત્યાર બાદ દેશમાં સૌ પ્રથમ સજીવ ખેતી યુનિવર્સિટીની પણ સ્થાપના કરી છે તેમ કુદરતી ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતીના મિશન તરીકે જાહેર કરીને પ્રયાસો હાથ ધર્યા છે.
 
સાથે સાથે જે કિસાનો આ ખેતીના પાયામાં પશુ કે મુખ્યત્વે દેશી ગાયનો ઉલ્લેખ થાય છે. તે કિસાનો ગાય રાખીને જીવામૃત બનાવી સજીવ ખેતી કરતા હોય તેમને વાર્ષિક નિભાવ ખર્ચ આપીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
 
ગુજરાતમાં તો વર્તમાન રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીના આવવાથી તો આ ક્ષેત્રે ખૂબ જ ઉલ્લેખનીય કાર્ય થઈ રહ્યું છે. સંપૂર્ણ આત્માપ્રોજેક્ટ દ્વારા હજારો સજીવ ખેતીના ટ્રેનરો તમામ તાલુકા સુધી તાલીમ આપે તેવું માળખું સક્રિય બન્યું છે અને તેના કારણે કિસાનોમાં ઠીક ઠીક પ્રકારે જાગૃતિ આવી છે અને મોટી સંખ્યામાં કિસાનો આ ખેતી અપનાવી રહ્યા છે, પણ હા, બધી જ બાબતોનાં બે પાસાં હોય તેમ આ ખેતી કરનારા માટે સામે ઉત્પાદનના ભાવ એટલે કે સજીવ ખેતીનું બજાર મળવું - શોધવું એ પ્રશ્ન પણ આવે છે. બીજી તરફ શહેરમાં રહેતો અને ઝેરમુક્ત અનાજ- શાકભાજી વગેરે લેનાર વર્ગ મોટો છે. પણ તેના માટે પણ પ્રશ્ર્ન છે કે ખરેખર જે વસ્તુ પોતે ખરીદશે તે વાસ્તવમાં ૧૦૦% શુદ્ધ સજીવ ખેતીનું જ ઉત્પાદન હશે કે ? તેની ગેરંટી શું ?
 
એટલે બંને પક્ષે આવી પરસ્પર સ્થિતિની વચ્ચે કિસાનો પોતે - ક્યાંક સંસ્થાઓ - દ્વારા બંને વચ્ચેનું સંકલન કરીને ઉત્પાદક અને ખાનાર બંને માટે સજીવહાટ - બજાર (મોલ) પણ નાના સ્વરૂપે ઊભા થવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરતમાં તો મોટા ભાગે ફેમિલી ડૉક્ટરની જેમ ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ અપનાવીને સીધા જ ખેડૂતોના ખેતરેથી ખરીદીની શરૂઆત થઈ રહી છે.
 
એટલે આના બજારમાં મોટું ભયસ્થાન ખરેખર આ સજીવ ખેતી ( Sajiv Kheti ) દ્વારા જ ઉત્પાદન થયું છે તે નક્કી કરવા માટે મોટો પ્રશ્નાર્થ રહે છે.
 
ગુજરાત સરકાર શ્રી ‘ગોપકા’ (GOPCA) સજીવ ખેતી કરતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કેન્દ્ર સરકારની સંસ્થા એપેડા સાથે સંલગ્ન ખેડૂતો તમામ ૩ વર્ષના ટ્રાયલ રેકોર્ડ પછી માન્યતા મેળવતા હોય છે. એવા ખેડૂતોની સંખ્યા તો લગભગ ૨૫૦ની આજુબાજુ જ હશે, જે પ્રમાણપત્રના આધારે માલની નિકાસ પણ કરી શકાય. આમ, આવી જમીન ૭૫૦ એકર અંદાજે હોઈ શકે. વ્યક્તિગત રીતે ખેતી કરતા હોય એવો અંદાજ ૬૦ હજાર ખેડૂતોનો મૂકી શકાય અને ૪૦ હજાર હેક્ટર જમીનમાં સજીવ ખેતી થતી હોવાનું અનુમાન કરી શકાય.
 
આમ, આમાંય સજીવ ખેતી (Organic Kheti) ના વિષયને જોતાં સરકાર દ્વારા પણ વધુ કિસાનોની સમસ્યાઓને હકારાત્મક રીતે પરિણામલક્ષી દૃષ્ટિથી અગ્રીમતા અપાય અને વેચાણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પગલાં લેવાય તો ગુજરાતમાં આ વિષયને લઈને ખૂબ મોટું કામ વિકાસની દૃષ્ટિએ થઈ શકે તેમ છે એવું કહેવામાં અતિરેક નહીં કહેવાય.
 
- બાબુભાઇ પટેલ ( પ્રદેશ મહામંત્રી, ભારતીય કિસાન સંઘ)